Angat Diary - U Turn in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - યુ ટર્ન

અંગત ડાયરી - યુ ટર્ન

અંગત ડાયરી
============
શીર્ષક : યુ ટર્ન
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ

એક મિત્રે નવી શૉપનું ઑપનીંગ કર્યું. બીજા મિત્રે સલાહ આપી: ‘હવે તું વેપારી બની ગયો. નાની નાની વાતોને બહુ મોટા ઇસ્યુ નહીં બનાવવાના. તેલ જોવું, તેલની ધાર જોવી અને પછી જ કોઈ પગલું ભરવું કે નિર્ણય લેવો.’ વાતમાં બહુ ગહેરાઈ હતી. આપણે એકલા હોઈએ, નાના હોઈએ ત્યારે તો ઉતાવળા કે ખોટા નિર્ણયો લઇ લઈએ તો બહુ મોટું નુકસાન જતું નથી. જેમ કે કોઈ સાયકલ સવાર ભૂલથી ખોટી શેરીમાં વળાંક વળી ગયો હોય તો એના માટે પાછું ફરવું - યુ ટર્ન લેવો બહુ સરળ વાત છે, પરંતુ કોઈ બસ કે ટ્રક માટે યુ ટર્ન એટલી સહજ ઘટના નથી.’ આમાં નાના કે એકલા કે સાયકલ સવાર હોવાનો અર્થ ઓછી જવાબદારી વાળા વ્યક્તિ અને બસ કે ટ્રકનો અર્થ મોટી જવાબદારી વાળા વ્યક્તિ એવો થાય છે.

સમયના વહેવા સાથે માણસની શારીરિક ઉંમર આપમેળે વધતી હોય છે, પરંતુ માનસિક ઉંમર એટલે કે પરિપક્વતા, સમજણ કે સાન એમ આપમેળે વધતાં નથી. આપણે ત્યાં એક સૂત્ર જેવી કહેવત છે ‘સોળે સાન અને વીસે વાન’. સોળ વર્ષની ઉંમરે સાન એટલે કે સમજણ આવી જાય તો આવી જાય નહિંતર જિંદગી આખી ન આવે.

અંગત નું અવસાન એક બહુ મોટો ટર્નીંગ પોઈન્ટ બની રહે છે. એક તોફાની મિત્ર કોઈનું કહેવું માનતો નહીં. જે જોઈએ એ, કોઈ પણ કિંમતે જોઈએ જ. ખાઈ-પી, જલસા કરવા, મોડે ઉઠવું અને મોડી રાત સુધી રખડવું. અચાનક માતાનું અવસાન થઇ ગયું. મિત્રમાં ખતરનાક હદે પરિવર્તન આવી ગયું. પિતાને એ સંભાળવા લાગ્યો. સવારે વહેલો ઉઠી ધંધે બેસતો થઇ ગયો. પણ ‘અંગત વ્યકિતને’ ગુમાવવાની આવડી મોટી કિંમત ચૂકવ્યા બાદ ‘સુધરવું’ એ બહુ મોંઘો સોદો કહેવાય.

આપણે ત્રણ રીતે શીખી શકીએ: એક અન્યના જીવનની ઘટના પરથી, એક એ ઘટનાના વર્ણન પરથી અને એક ખુદના અનુભવ પરથી. જો ‘કડવો પાઠ’ હોય તો સમજદાર વ્યક્તિ બીજાના જીવનની દુર્ઘટના પરથી જ એ શીખી લેતો હોય છે. એને જ ‘પરિપક્વતા’ કહેવાય ને! ઝેરના પારખાં ન હોય. પરિપક્વતા એટલે તમામ પાસાઓ વિચારીને લેવામાં આવતો નિર્ણય, બોલવામાં આવતી વાણી અને કરવામાં આવતું વર્તન. નિર્ણય લેતાં પહેલાં સાત વાર વિચારી શકાય. ફર્ક માત્ર એટલો જ છે કે પરિપક્વ વ્યક્તિ ‘નિર્ણય લેતા પહેલા વિચારે’ અને અપરિપકવ વ્યક્તિ ‘નિર્ણય લીધા પછી’. ટ્રકનો ડ્રાઈવર સાંકડી શેરીમાં પ્રવેશતાં પહેલાં એટલે જ લાંબો વિચાર કરતો હોય છે ને! વડીલો પણ એટલે જ થોડા ધીમા પડી જતા હશે?

આપણી આસપાસ અનેક લોકો વર્ષોથી એકસરખું જીવન જીવતા હોય છે. કોઈની દુકાન પચીસ વર્ષ જૂની હશે, તો કોઈ નિયમિત મંદિરે જતા હશે. કોઈ વૉકિંગ વીર હશે તો કોઈ જૂના રાજકારણી. સાતત્ય એ પરિપક્વતાનું અને સફળતાનું એક બહુ મોટું હથિયાર છે. એક સંતે કહ્યું છે: ‘કોઈ સત્કાર્ય, દીર્ઘકાલ સુધી, સતત અને એ જ ભાવનાથી કરવામાં આવે તો એ સિદ્ધ થઇ જાય છે.’

જો કે, ઘણી વાર યુ ટર્ન પણ ‘પરિપક્વ’ વ્યક્તિ જ લઇ શકતો હોય છે. સાચા રસ્તે આવવા માટે યુ ટર્ન લેતો વ્યક્તિ સન્માનને લાયક ગણવો જોઈએ. મિત્રો, આજની લાઈફ મલ્ટીફન્કશન વાળી બની ગઈ છે. અનેક દિશાઓમાં આપણે દોડી રહ્યા છીએ. હાઈવે પર દર કિલોમીટરે જેમ માઈલસ્ટોન આવે, તેમ જીવનમાં પણ સમયાન્તરે પૉઝિટીવ પ્રતિભાવો, સલાહો, અભિનંદનો કે આશીર્વાદો સ્વરૂપે માઈલસ્ટોન આવે જ છે. જો આવા માઈલ સ્ટોન ન દેખાતા હોય તો એક વાર આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લઇ, ધીરજ પૂર્વક યુ ટર્ન લેવાની ‘વીરતા’, 'સાહસ’, 'હિમ્મત’, 'સંસ્કાર’ બતાવી કૃષ્ણકનૈયાની દિશા પકડનાર અર્જુનની જેમ ‘મૅન ઓફ ધિ મૅચ’ બનવાની શરૂઆત આજથી જ કરીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)

Rate & Review

Hetal Togadiya

Hetal Togadiya 1 year ago

Raj

Raj 2 years ago

Dr. Ranjan Joshi

Dr. Ranjan Joshi Matrubharti Verified 2 years ago

Kamlesh K Joshi

Kamlesh K Joshi Matrubharti Verified 2 years ago

Sonal Jadeja

Sonal Jadeja 2 years ago