25 unknown heroes who changed the lives books and stories free download online pdf in Gujarati

સાચી દુનિયાના ૨૫ વિરલાઓની પ્રેરણાત્મક કથાઓ

મહાન વ્યક્તિઓની કથા આપણને પ્રેરણા આપતી હોય છે. જો કે આ મહાન વ્યક્તિઓ પોતે મહાન તો બાદમાં બનતા હોય છે, એમની શરૂઆત તો સામાન્ય માનવી તરીકે જ થઈ હોય છે, જેમકે મહાત્મા ગાંધી. પરંતુ તેમની મુશ્કેલીઓ અને અન્યાય સામે લડવાની હિંમત તેમને મહાન બનાવે છે. જો મોહનદાસ કરમચંદ ગાંધીએ પીટરમેરીત્ઝબર્ગ રેલવે સ્ટેશન પર થયેલા અપમાનનો બદલો લેવાની હિંમત ન કરી હોત તો તે મહાત્મા ગાંધી ન બની શક્યા હોત.

તેમ છતાં બધા લોકો મુશ્કેલીઓ અને અન્યાય સામે લડવા માટે જરૂરી હિંમત દાખવતા હોવા છતાં મહાન બની શકતા નથી. આ પાછળના કારણો અસંખ્ય હોઈ શકે છે, તેમ છતાં તેઓ મહાન બની શકતા નથી અથવાતો થોડા સમય માટે તેઓ મિડીયામાં કે ઇતિહાસમાં ઝળકે છે અને પછી ગુમનામીના અંધારામાં ખોવાઈ જાય છે.

આવા જ ૨૫ ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયેલા સાચી દુનિયાના વિરલાઓની નાની નાની પ્રેરણાત્મક કથાઓ લઈને અમે આજે આવ્યા છીએ.

૨૫ – વીટોલ્ડ પીલેસ્કી

પોલેન્ડનો વીટોલ્ડ પીલેસ્કી પોલેન્ડ અને રશિયા વચ્ચેના યુદ્ધમાં લડ્યો હતો તેની ઉંમર ૩૯ વર્ષ હતી. વીટોલ્ડે પોલેન્ડના ઔશવિત્ઝમાં રશિયનો દ્વારા થયેલા નરસંહારની વાતો સાંભળી હતી અને તેનાથી તેને ખૂબ દુઃખ થયું હતું. આથી તેણે સ્વયંભુ રીતે અહીંની માહિતી અમેરિકા અને બ્રિટન જેવા દેશો સુધી પહોંચાડવા જાસુસી કરવાનું નક્કી કર્યું.

આ માટે વીટોલ્ડ પીલેસ્કી જાતે યુદ્ધકેદી બન્યો અને આ કેમ્પની માહિતી એકઠી કરવા લાગ્યો. વીટોલ્ડે જ્યારે ઘણીબધી માહિતીઓ ભેગી કરી ત્યારે તે અહીંથી ભાગી છૂટવામાં સફળ પણ થયો. પરંતુ થોડા સમય બાદ પકડાઈ ગયો અને સ્તાલીનની રશિયન સેનાએ વિદેશી દેશો માટે જાસૂસી કરવાના આરોપ હેઠળ તેને ફાંસી આપી દીધી હતી.

૨૪ – રોય મેડ્રીલ જુનિયર અને ક્રિસ માર્ટીનેઝ

પ્રેરણાદાયક વ્યક્તિઓની કોઈજ ઉંમર નથી હોતી. રોય મેડ્રીલ અને ક્રિસ માર્ટીનેઝ નામના બે યુવાન મિત્રો અમેરિકાના ગેસ સ્ટેશન પર ગેસ (પેટ્રોલ) ભરાવી રહ્યા હતા. આ જ સમયે તેમણે એક મહિલાની ચીસ સાંભળી. આ મહિલાની કાર કોઈએ ચોરી લીધી અને ત્યાંથી ભગાવી દીધી હતી અને ચિંતાની વાત એ હતી કે આ કારમાં પેલી મહિલાનું બાળક પણ હતું. હજી એ મહિલા કશું સમજે એ પહેલા જ આ બંને મિત્રોએ પોતાની કાર પેલી ચોરાયેલી કાર પાછળ દોડાવી અને ચોરને એકલેહાથે પકડી લઈને તેને પોલીસને હવાલે કરી દીધો.

૨૩ – એલેક્સી એનાનેન્કો, વલેરી બેઝપાલોવ અને બોરીસ બારાનોવ

એલેક્સી એનાનેન્કો, વલેરી બેઝપાલોવ અને બોરીસ બારાનોવ આ ત્રણ એવા વીર પુરુષો છે જેમણે ચર્નોબિલની હોનારત વખતે રેડિયો એક્ટીવ પાણીમાં તરીને આ પ્લાન્ટમાંથી વધુ રેડિયો એક્ટીવ કિરણોને ફેલાતા અટકાવ્યા હતા. આ ત્રણ વ્યક્તિઓને આત્મઘાતી ટુકડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ચર્નોબિલ પાવર પ્લાન્ટની નીચે આવેલા સ્લુઇસ ગેટ્સને ખોલી નાખ્યા હતા અને તેને કારણે લાખો લોકોના જીવ બચી ગયા હતા. પરંતુ આ ત્રણેય ત્યારબાદ અત્યંત વેદનામાંથી પસાર થયા હતા.

૨૨ – રાજીન્દર જોહર

જો તમે દિલ્હીની શેરીઓમાં ફરતા હોવ અને કોઈ દિવ્યાંગ વ્યક્તિ તમને છાપું વેંચતી જોવા મળે તો એ અખબારનું નામ ધ વોઈસ જ હોય એવું બની શકે છે. આ અખબાર રાજીન્દર જોહર નામનો એક વ્યક્તિ ચલાવે છે. રાજીન્દર જોહરને ઘેર ચોરી કરવા ચોર આવ્યા હતા, પરંતુ રાજીન્દરે તેમનો સામનો કરતા આ ચોર ચોરી કરવામાં તો નિષ્ફળ નીવડ્યા હતા પરંતુ ભાગતા પહેલા તેમણે રાજીન્દર પર ગોળી છોડી હતી.

આ ગોળી રાજીન્દરની કરોડરજ્જુમાં વાગી હતી અને ત્યારબાદ રાજીન્દર ક્યારેય ચાલી શક્યા ન હતા. આ ઘટના બાદ દિવ્યાંગો વિષે તમામ પ્રકારની માહિતી આપતું અખબાર ધ વોઈસ રાજીન્દરે શરુ કર્યું છે.

૨૧ – જેમ્સ પર્સન ધ થર્ડ

ગુનેગારને પકડવા માટે તમારે તેની પાછળ પડવું જરૂરી નથી, એવી જ રીતે કોઈ વ્યક્તિ ગુનાનો સામનો કરી રહી હોય તેને બચાવવા માટે તમારે ગુનેગાર સાથે લડવાની પણ જરૂર નથી કારણકે મદદ તો અન્ય રીતે પણ થઇ શકે છે. જેમ્સ પર્સન ધ થર્ડ આવો જ એક વ્યક્તિ છે જે કિશોરાવસ્થામાં હોવા છતાં તેણે એક વિદ્યાર્થીનીની મદદ કરી હતી.

જેમ્સ પોતાના ભાઈ અને બહેન સાથે પોતાના ઘરમાં રમી રહ્યો હતો. અચાનક જ તેના ઘરના દરવાજા પર કોઈએ જોરથી ખખડાવ્યું. જેમ્સે દરવાજો ખોલ્યો તો સામે મિશિગન યુનિવર્સીટીની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની હતી. આ વિદ્યાર્થીની પર એક વ્યક્તિએ બળાત્કાર કરવાની કોશિશ કરી હતી અને તે તેના સકંજામાંથી બહાર આવીને ભાગીને અહીં આવી હતી. જેમ્સે આ વિદ્યાર્થીનીને પોતાના ઘરમાં આશરો આપ્યો. તો પેલા બળાત્કારીએ ઘરને આગ લગાવી દીધી. પરંતુ નસીબજોગે જેમ્સના પિતા અહીં આવી ગયા અને તેમણે આ આગ બુઝાવી દીધી.

૨૦ – ડૉ. જ્યોર્જીસ બ્વેલે

કેમેરૂન એ આફ્રિકાના અત્યંત ગરીબ દેશોમાંથી એક છે. અહીં ગ્રામીણ વિસ્તારો સુધી મેડિકલ સહાય કે ડોક્ટરો પહોંચાડવી એ અત્યંત કઠીન કાર્ય હોય છે. ડૉ. જ્યોર્જીસ બ્વેલ આમ તો ખુદ ડોક્ટર છે પરંતુ જ્યારે તેમના પિતા માંદા પડ્યા અને એ પણ કેમેરૂનના ગામડામાં ત્યારે સ્વયંસેવકોની સંખ્યા નહીંવત હોવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. ડૉ. બ્વેલે ત્યારબાદ નક્કી કર્યું કે હવે તેમના પિતાની માફક અન્ય કોઈ ગ્રામીણ વ્યક્તિનું મોત નહીં થાય. આથી તેમણે ધીમે ધીમે કરીને મેડિકલ સ્વયંસેવકોની એક આખી ફોજ ઉભી કરી દીધી.

૧૯ – ફ્રેન્ક સર્પિકો

ફ્રેન્ક સર્પિકો એ ન્યૂયોર્ક શહેરના પોલીસ વિભાગમાં ઓફિસર હતા. તેઓ ન્યૂયોર્ક શહેર પોલીસમાં થતા ભ્રષ્ટાચાર પર પ્રકાશ પાડનારા પ્રથમ અધિકારી બન્યા હતા. એમના કારણે ૧૯૭૦માં ધ નેપ કમીશન બનાવવામાં આવ્યું જે પોલીસ તંત્રમાં થતા ભ્રષ્ટાચાર સામે લડે છે. થોડા સમય બાદ હોલિવુડે પણ સર્પિકો નામની ફિલ્મ બનાવી જેમાં ફ્રેન્ક સર્પિકોની ભૂમિકા અલ પચીનોએ ભજવી હતી.

૧૮ – સ્તાનીસ્લાવ પેત્રોવ

ઘણી વખત કશું કર્યા વગર પણ હીરો બની જવાતું હોય છે. સ્તાનીસ્લાવ પેત્રોવ એ સોવિયેત રશિયાના સેર્પુખોવ – ૧૫ કમાંડ સેન્ટર ખાતે ડ્યુટી ઓફિસર હતા. આ કમાંડ સેન્ટર ખાનગી રીતે અમેરિકા પર નજર રાખી રહેલા સોવિયેત રશિયાના સેટેલાઈટ્સનું નિયંત્રણ કરતું. એક વખત આ સેન્ટરમાં એલાર્મ વાગવા લાગ્યો જેનો મતલબ એવો હતો કે અમેરિકાએ રશિયા પર મિસાઈલ છોડ્યું છે.

પરંતુ પેત્રોવે તરતજ પોતાનો અનુભવ કામે લગાડ્યો અને પોતાના ઓફિસરોને કહ્યું કે આ એલાર્મ ભૂલથી વાગ્યો છે અને આવું કશું જ નથી થયું. છેવટે સ્તાનીસ્લાવ પેત્રોવનો અંદાજ સાચો નીકળ્યો જેને કારણે આખી દુનિયા ન્યુક્લિયર યુદ્ધની ભયાવહ સ્થિતિથી બચી ગઈ.

૧૭ – પોલ રુસેસાબાજીના

પોલ રુસેસાબાજીના રવાન્ડામાં માનવીય કાર્યો કરતા હતા. રવાન્ડાની હુતુ અને તુત્સી જાતિ વચ્ચે ૧૦૦ દિવસ સુધી ભયાનક યુદ્ધ થયું હતું. આ દરમ્યાન રુસેસાબાજીનાએ હોટેલ દ મીલ કોલીનેઝમાં લગભગ ૧૦૦૦ લોકોને છુપાવીને તેમના જીવ બચાવ્યા હતા. રુસેસાબાજીના આ હોટેલમાં આસિસ્ટન્ટ મેનેજર હતા અને ત્યારબાદ આ જ ઘટના પર હોટેલ રવાન્ડા નામની ફિલ્મ હોલિવુડમાં બની હતી અને પોલ રુસેસાબાજીનાની ભૂમિકા ડોન ચેડેલે ભજવી હતી.

૧૬ – જેમ્સ હેરીસન

જેમ્સ હેરીસન બે મિલિયન બાળકોના જીવ બચાવવા માટે જવાબદાર છે. જો કે ટેક્નિકલી જોવા જઈએ તો જેમ્સ હેરીસનનું રક્ત આ માટે જવાબદાર છે. હેરીસનનું રક્ત ખાસ છે જેમાં ર્હેસ્સ નામની બીમારી સાથે જન્મતા બાળકોનો જીવ બચાવવા માટેની રસીનું ઉત્પાદન થાય છે. આમ જેમ્સ હેરીસને પોતાની નાનકડી મદદ દ્વારા લાખો નવજાત શિશુઓનો જીવ બચાવ્યો છે.

૧૫ – યુકીઓ શીન્જે

યુકીઓ શીન્જે એ જાપાનનો નિવૃત્ત પોલીસ ઓફિસર છે. નિવૃત્તિ બાદ યુકીઓ શીન્જેએ પોતાનું જીવન ટોગીન્બો બ્રીજ પરથી આપઘાત કરવાની કોશિશ કરતા લોકોને અટકાવવામાં ગાળ્યું છે. શીન્જે અહીં આપઘાત કરવા આવતા લોકોની સમસ્યા ધ્યાનપૂર્વક સાંભળે છે અને તેમને સાંત્વના આપીને ઘેર પરત મોકલે છે. આમ કરીને યુકીઓ શીન્જેએ અસંખ્ય લોકોના જીવ બચાવ્યા છે.

૧૪ – લસાના બેથીલી

લસાના બેથીલી મલાવીનો વ્યક્તિ છે અને તે પેરીસની કોશર સુપરમાર્કેટમાં કામ કરે છે. એક દિવસ એક બંદૂકધારીએ એક ખાસ સમાજના લોકો જે આ સુપરમાર્કેટમાં ખરીદી કરી રહ્યા હતા તેને વીણીવીણીને મારવા લાગ્યો. લસાના બેથીલીએ આ સમાજના લોકોને શોધી શોધીને સુપરમાર્કેટના વિશાળ ડીપ ફ્રીઝરમાં સંતાડી દીધા અને જ્યાં સુધી પોલીસ ન આવી ત્યાં સુધી તેમને ત્યાંજ સાચવી રાખ્યા.

૧૩ – રોબર્ટ કૂક

રોબર્ટ કૂક ૨૨ વર્ષીય સ્કાયડાઈવીંગ માર્ગદર્શક હતો. તેણે સ્કાયડાઈવીંગ શીખવાડતી વખતે એક મહિલાનો જીવ બચાવ્યો હતો. જ્યારે અન્ય સ્કાયડાઈવીંગ વિદ્યાર્થીઓ સાથે રોબર્ટ એક પ્લેનમાં સવાર હતો ત્યારે એ પ્લેનનું એન્જીન ખરાબ થઇ જતા તે અત્યંત ઝડપથી નીચે પડવા લાગ્યું. કૂકે એક મહિલાને શું કરવું તેનું શાંતિથી માર્ગદર્શન આપ્યું અને તેના માનવરક્ષક ઢાલ બનીને ઝંપલાવ્યું. જ્યારે આ બંને જમીન પર પડ્યા ત્યારે પેલી મહિલા તો થોડીઘણી ઈજાઓ સાથે બચી ગઈ પરંતુ રોબર્ટ કૂક મૃત્યુ પામ્યો.

૧૨ – કાયલ કાર્પેન્ટર

કાયલ કાર્પેન્ટર એ યુએસ સેનાનો નિવૃત્ત અધિકારી છે, તેણે પોતાના સાથી સૈનિકનો જીવ બચાવવા માટે એક ગ્રેનેડ પર કુદકો લગાવ્યો હતો. ત્યારબાદ કાર્પેન્ટરના મોટાભાગના દાંત ચાલ્યા હતા અને તેની જમણી આંખ પણ જતી રહી હતી. આ ઉપરાંત કાયલના મોટાભાગના હાડકાં પણ તૂટી ગયા હતા. પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો અને તેને સહુથી ઓછી ઉંમરમાં અમેરિકન સેનાનું સન્માન મળ્યું હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું.

૧૧ – સિન્ડી લાઈટનર

સિન્ડી લાઈટનરની યુવાન પુત્રી એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામી હતી. મૃત્યુનું કારણ શરાબ પી ને ડ્રાઈવિંગ કરનાર વ્યક્તિ હતો. પોલીસ તપાસમાં ખબર પડી કે આ વ્યક્તિ વારંવાર શરાબ પી ને ડ્રાઈવ કરતો હતો. આ ઘટના બાદ સિન્ડીએ મધર્સ અગેઈન્સ્ટ ડ્રંક ડ્રાઈવિંગ એટલેકે MADDનામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાના એક રિપોર્ટ અનુસાર તેમણે દારુ પી ને ડ્રાઈવ ન કરવાની શીખ આપીને લગભગ ત્રણ લાખ લોકોના જીવ બચાવ્યા છે.

૧૦ – રોસા પાર્કસ

અમેરિકાનો ઈતિહાસ જાણનાર વ્યક્તિ માટે રોસા પાર્કસનું નામ અજાણ્યું નહીં હોય. રોસાને અમેરિકાના મહિલા મહાત્મા ગાંધી તરીકે પણ ઓળખાવી શકાય. અમેરિકામાં ગઈ સદી સુધી રંગભેદની નીતિ અસ્તિત્વમાં હતી. રોસા પાર્કસે જે એક અશ્વેત મહિલા હતી તેણે બસમાં એક શ્વેત પુરુષને પોતાની સીટ આપવાનો ઇનકાર કર્યો. તેના આ ઇન્કારને કારણે તેની ધરપકડ પણ થઈ. પરંતુ રોસાની હિંમતે અસંખ્ય અશ્વેતોને પ્રેરણા આપી.

ત્યારબાદ એક ચળવળ ઉભી થઇ જેને મોન્ટગોમરી બસ બોયકોટના નામે ઓળખવામાં આવે છે. આ ચળવળ દરમ્યાન અશ્વેત લોકોએ બસમાં અશ્વેતો માટે અલગ રાખવામાં આવતી સીટનો વિરોધ શરુ કાર્યો હતો. આ વિરોધ લગભગ એક વર્ષ ચાલ્યો હતો. રોસા પાર્કસને નાગરિક અધિકારની ચળવળની જનેતા ગણવામાં આવે છે.

૯ – સ્ટિવ બ્યુસ્કેમી

સ્ટિવ બ્યુસ્કેમીને કદાચ લોકો એક અદાકાર તરીકે જાણતા હશે. હા અદાકાર પણ ઘણા લોકોના હીરો બનતા હોય છે, પરંતુ સ્ટિવ બ્યુસ્કેમીની વાત અલગ છે. અદાકાર બનતા અગાઉ સ્ટિવ બ્યુસ્કેમી ન્યૂયોર્કના ફાયર ફાઈટીંગ વિભાગમાં કામ કરતા હતા. જ્યારે ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો ત્યારે નિવૃત્ત થઇ ગયેલા સ્ટિવ બ્યુસ્કેમીએ સામે ચાલીને રાહતકાર્યોમાં પોતાનો ફાળો આપ્યો હતો

૮ – ડેનીયેલ ગ્લેટો

ડેનીયેલ ગ્લેટો બાળકોના હક્ક માટે લડનારી મહિલા હોવા ઉપરાંત અનાથ બાળકોની માતા પણ છે. તેમણે ‘વન સિમ્પલ વિશ’ નામની એક વેબસાઈટની સ્થાપના કરી છે જેમાં અનાથઆશ્રમોમાં રહેતા બાળકોની ઈચ્છા પૂરી કરવા માટે લોકોને તક આપવામાં આવે છે. આ વેબસાઈટ પર અજાણ્યા લોકો અનાથ બાળકોની ક્રિસમસ ટ્રી, ગેમ્સ, રમકડાં વગેરેની ઈચ્છા દાન કરીને પૂરી કરતા હોય છે.

૭ – રિચર્ડ નારેસ

રિચર્ડ નારેસ એ એમિલિયો નારેસ ફાઉન્ડેશનના સ્થાપક છે રિચર્ડનો પુત્ર એમિલિયો બહુ નાની ઉંમરમાં બ્લડ કેન્સરથી અવસાન પામ્યો હતો. ત્યારબાદ રિચર્ડે આ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. એમિલિયો નારેસ ફાઉન્ડેશન એવા બાળકોને વિનામૂલ્યે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરાવી આપે છે જે કિમોથેરાપી લેવા માટે હોસ્પિટલ જતા હોય છે.

૬ – ડેલ બેટ્ટી

ડેલ બેટ્ટી અમેરિકાના નિવૃત્ત અધિકારી હતા જેમણે ‘પર્પલ હાર્ટ્સ હોમ’ ની સ્થાપના કરી હતી. ડેલ બેટ્ટીની આ સંસ્થા અમેરિકાના નિવૃત્ત સૈનિકો તેમજ અધિકારીઓને યોગ્ય આવાસ તેમજ આરોગ્યની સેવા પૂરી પાડે છે. યુદ્ધમાં લડેલા સૈનિકો માટે આ સંસ્થા ઘણું કાર્ય કરે છે. જો કે બેટ્ટી માત્ર ૩૯ વર્ષની ઉંમરે જ અવસાન પામ્યા હતા પરંતુ તે અગાઉ તેમણે એવી વ્યવસ્થા કરી હતી જેનાથી આજે પણ અમેરિકાના અસંખ્ય નિવૃત્ત સેનાનીઓને સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

૫ – માર્ક પેટર્સન

માર્ક પેટર્સને એક નાનકડા બાળકનો જીવ જંગલી બિલાડીથી બચાવ્યો હતો. આ જંગલી બિલાડી પેલા નાના બાળક પર હુમલો કરવાની તૈયારીમાં જ હતી કે માર્ક પેટર્સન એક પણ મિનીટ વિચાર્યા વગર વચ્ચે પડી ગયો હતો. શરૂઆતમાં તો પેલી જંગલી બિલાડીએ માર્કને પણ મારવાની કોશિશ કરી પરંતુ માર્ક ટસનો મસ ન થયો. છેવટે તેણે આ જંગલી બિલાડીને ડરાવીને ભગાડી દીધી અને પેલા બાળકનો જીવ તેણે બચાવી લીધો.

૪ – એલી કોહેન

એલી કોહેન એ સિરિયન યુદ્ધ દરમ્યાન ઇઝરાયેલનો જાસૂસ હતો. એલી કોહેન સિરીયાની સેનામાં સામેલ થઇ ગયો હતો અને ત્યારબાદ તે પોતાની અક્કલ અને હોંશિયારી વાપરીને સિરીયાની સેનાના ઉચ્ચ અધિકારીઓનો ચહીતો પણ બની ગયો હતો. એલી કોહેને એકઠી કરીને મોકલેલી માહિતીથી ઇઝરાયેલે ૧૯૬૦ના દાયકામાં લડાયેલું સિરિયન યુદ્ધ જીતી લીધું હતું. પરંતુ ૧૯૬૫માં એલી કોહેન ઝડપાઈ ગયો હતો અને તેને સિરીયાએ જાહેરમાં ફાંસી આપી હતી જેને ટીવી ઉપર પણ દેખાડવામાં આવી હતી.

૩ – નોર્મન બોર્લો

નોર્મન બોર્લો કૃષિ નિષ્ણાત હતા અને તેમના પ્રયાસોને કારણે જ વિશ્વભરમાં હરિત ક્રાંતિનો ઉદભવ થયો હતો. હરિત ક્રાંતિને કારણે સમગ્ર વિશ્વમાં કૃષિ ઉત્પાદન વધારવામાં મદદ મળી હતી. ૧૯૭૦માં વિશ્વની ખાદ્ય સમસ્યાને હળવી કરવા માટે નોર્મન બોર્લોને નોબેલ શાંતિ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

૨ – હેનરીટા લેક્સ

હેનરીટા લેક્સને પોલીયોની રસી શોધવા માટે જવાબદાર ગણવામાં આવે છે. લેક્સ ડૉ. જ્હોન હોપકિન્સ પાસે ગર્ભાશયમાં થયેલી ગાંઠનો ઈલાજ કરવા ગઈ હતી. આ ગાંઠની બાયોપ્સી બાદ ખબર પડી કે લેક્સને ગર્ભાશયનું કેન્સર છે. લેક્સના શરીરમાં રહેલા કેન્સરના સેલ્સ બમણી ગતિએ વધી રહ્યા હતા અને લેક્સને કોઈ સારવાર મળે તે અગાઉજ તેનું મૃત્યુ થયું હતું.

તેના મૃત્યુ બાદ ડોક્ટરોએ તેના લોહીના સેમ્પલો ઘણા નિષ્ણાતોને મોકલી આપ્યા જેમાંથી એક હતા યોનાસ સોલ્ક, જેમણે લેક્સના લોહીના સેમ્પલમાંથી પોલીયોની રસી બનાવી હતી જે આજે પણ સમગ્ર માનવજાત માટે આશિર્વાદરૂપ બની ગઈ છે.

૧ – પીટર તાબીચી

પીટર તાબીચી કેન્યાના શિક્ષક છે. તેમના મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. આ વિદ્યાર્થીઓને પોતાના પરિવારની ગરીબી દૂર કરવા માટે બાલ મજૂરીમાં ન સપડાવું પડે તે માટે પીટર તાબીચી પોતાના પગારમાંથી ૮૦% આવા વિદ્યાર્થીઓને મદદ કરવામાં દાન કરી દે છે. આને કારણે અસંખ્ય વિદ્યાર્થીઓએ પોતાનું ભણતર ચાલુ રાખ્યું છે. હાલમાં જ પીટર તબીચીને વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન મળ્યું છે. આ સન્માન સાથે પીટર તબીચીને એક લાખ ડોલર્સ પણ પુરસ્કાર સ્વરૂપે મળ્યા છે. કહેવાની જરૂર ખરી કે પુરસ્કારની રકમ તેમણે ક્યાં ખર્ચ કરી હશે?