Pret Yonini Prit - 12 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 12

પ્રેત યોનીની પ્રીત પ્રકરણ-12
"હેલો... એય વહીદુ ફોન ઉપાડતાં કેટલી વાર કરે ? કેટલી રીંગ મારી સાંભળે જ નહીં તું ? કેટલો તડપું છું તારી સાથે વાત કરવા. તને ખબર છે ? ઘરે આવ્યાં પછી ઘરમાં તો ઉત્સવ થઇ ગયો હું ફર્સ્ટ કલાસ પાસ થયો બધાં ખૂબ ખુશ હતાં. પાપા.. માં.. જલ્સો થઈ ગયો હતો. માં એ પુરણપોળી બનાવીને તૈયાર જ રાખેલી. મારી ફેવરીટ અને ખાસ વાત એ કે એને પાકો વિશ્વાસ હતો કે હું ફર્સ્ટ કલાસ તો લાવીશ જ.
એય હજી ઊંઘમાં છું ત્યાં તારે ઘરે બધાં ખુશ હશે ને ? બોલને વૈદેહીએ કહ્યું "હાં માં અને પાપા ખૂબ ખુશ થયાં સેકન્ડ કલાસમાં એ લોકો આટલાં ખુશ હતાં ત્યાં તો હોય જને મારો વિધુ ફર્સ્ટકલાસ લાવેલો. મારે રેન્ક પણ જોવો હતો તું ખૂબ આગળ જ હોઇશ મને તો એવો વિશ્વાસ હતો કે તું 1 થી 10માં જ હોઇશ ઉતાવળમાં એવું બધુ જોવા જ ના રોકાયા ઉત્સાહનું પડીકું મારું મને બહાર લઇ જવાનાં જ મૂડમાં હતો. અને લઇ પણ એવી જગ્યાએ ગયો કે...
"એય વહીદુડી તું બંગલાની વાત કરતી હતી ત્યારથી મારાં મનમાં બંગલો જ ફરતો હતો. સાચુ કહું નાણાં વગરનો નાથીયો હતો છતાં સપના ઊંચા જોવા લાગ્યો છું મારે તને બંગલામાં રાખવી છે એનાં મૂડમાં ને મૂડમાં ત્યાં લઇ ગયો. પણ ત્યાં નિરંજન અંકલ મળી ગયાં ઠીક છે એમણે મને જોબ આપવાનું પ્રોમીસ કર્યું છે પણ મૂળ વાત કરને બંગલામાં પણ આપણે મજા લૂંટી લીધી.
"તું તો સાવ લૂચ્ચો છે બસ જ્યારે ને ત્યારે તારે.. છોડ એવી વાતો નથી કરવી તારાં મૂડનું ઠેકાણું જ નથી ગમે ત્યારે તારો મૂડ બની જાય. હું પણ ખૂબ થાકી હતી પણ પાસ થઇ ગઇ એની હાંશ હતી. અને પેપર્સમાં તારી બનાવેલી ઇમ્પોટન્ટ નોટ્સ કામ આવી ગઇ.. યુ આર માય હીરો. એય લવ યુ વિધુડા.. હવે હમણાં નહીં મળાય મારાથી 2-3 દિવસ પછી ફોન કરીશું ત્યારે મળીશું વૈદેહીએ કહ્યું.
"એમ કેમ 2-3 દિવસ આટલી મોટી મુદત ? વિધુએ અકળામણથી કહ્યું. વૈદેહી બોલી "તને તો કંઇ ખબર જ નથી પડતી.. ઘરે આવી મને પેટમાં ખૂબ દુઃખતું હતું હું પીરીયડ્સમાં થઇ ગઇ એટલે 3 દિવસ મીનીમમ આરામ.
"આ તારી અંચાઇ છે હું શું કરીશ 2-3 દિવસ ? તને ખબર છે 3 દિવસ એટલે ? 3 દિવસ.. 72 કલાક એટલે 4320 મીનીટ એટલે.. 2 લાખ ઓગણસાઇઠ હજાર બસો સેકન્ડ. મારાંથી એકપળ જતી નથી તારાં વિનાં અને 2,59,200 સેકન્ડ હું કેવી રીતે કાઢીશ ? તું એક નંબરની અંચાઈડી છું. હવે તું 3 દિવસ લાલ પરી થઇ જવાની બસ સપનામાં જ આવવાની.
"એય વિધુ મારાંથી પણ ક્યાં રહેવાય છે તારાં વિનાં એક પળ ? વૈદેહએ ક્યું આગળ બોલી મારાં કેલ્યુકલેટર તેંતો સેકેન્ડસુધીનો હિસાબ ગણાવી દીધો. ખરો છે તું એય ત્રણ દિવસ મીનીમમ. ચોથે દિવસે મળાય તો મળીય નહીંતર એમ બોલી હસવાં લાગી. વૈદેહીએ કહ્યું "તમને પુરુષાને તો અમારી પીડાની સમજ જ નથી હોતી.. અમારે કેટલું વેઠવું પડે છે તને ખબર પડે છે ? મને શોખ થાય છે વળી મારે તો કંઇક વધુ જ બધુ... છોડ તારે જણાવવાની જરૂર નથી. જાણે તને બધી ખબર ના હોય એમ વાતો કરે છે. તું તો એક નંબરનો લૂચ્ચો છે તને બધી જ ખબર પડે છે ને અજાણ્યો થાય છે મારો ભોળો મહાદેવ ચાલ હવે ફોન મૂકું મારે બાથરૂમમાં જવુ પડશે અને હસતાં હસતાં ફોન મૂકી દીધો.
વિધુને સમજ જ ના પડી. અચાનક જ સાવ જાણે એકલો પડી ગયો એવું લાગ્યું એણે ફોન મૂકીને નીચે આવ્યો પાપા પાસે આવીને કહ્યું " તમારે કંઇ કામમાં મદદની જરૂર હોયતો કહો હું કામ કરી આપું.
અજયભાઇએ કહ્યું "તારી હમણાં એકઝામ પતી રીઝલ્ટ આવ્યું છે. થોડું ફરી હરી લે પછી કામ જ કરવાનું છે પછી તું નહીં કહે તોય કામ કરવું પડશે.
વિધુએ કહ્યું "ક્યા ફરવા જઊં ? કોઈ કંપની જ નથી કંઇ નહીં હું આંટો મારીને આવું છું ખબર નહીં ક્યાં જઊ પણ આવું છું એમ કહીને એ ઘરની બહાર નીકળ્યો.
વિધુ બાઇક લઇને એમજ નીકળ્યો અને ત્યાંજ કોઇએ બુમ પાડી એણે જોયું તો વિપુલ હતો એણે કહ્યું બોલ શું કામ છે ? "અરે યાર કોન્ગ્રેચ્યુલેશન તું તો ફર્સ્ટ કલાસમાં પાસ થયો છે ને કંઇ.. અને સાંભળ્યું છે તું સાતમો નંબર છે યાર કહેવું પડે તારું આટલું હરે ફરે રખડે તોય આટલું સારુ રીઝલ્ટ આવ્યુ છે. કહેવું પડે.
વિધુએ કહ્યું "હરે ફરે રખડે એટલે ? એ બધાં સાથે ખૂબ મહેનત પણ કરી છે. મહેનત વગર કંઇ ખોળામાં નથી આવી પડતું. બાય ધ વે તારું શું રીઝલ્ટ આવ્યું ? વિપુલે થોડી બેફીકરાઇથી કહ્યું "આપણે ડબ્બા કલાસમાં પણ પાસ થઇ ગયાં મારાં ભાઇ.. અમારે તો કેવું ભણ્યાં તોય ઠીક અને ના ભણ્યા તોય ચાલે બાપાનો ધંધો છે અંતે એજ સંભાળવાનો છે અને મને રસ પણ નથી આતો ગ્રેજ્યુએટ થવાનું હતું થઇ ગયો. તારો આગળ શું વિચાર છે ?
વિધુએ કહ્યું "હજી કંઇ વિચાર્યું નથી પણ મારે તારી જેમ બાપાનો ધંધો નથી એટલે વિચારવું પડશે. વિચારીશું શાંતિથી .. ચલ હું નીકળું પછી મળીશું અને થોડી અકળામણ સાથે વિધુએ પાછી બાઇક સ્ટાર્ટ કરી.
"અરે અરે વિધુ એકમીનીટ હું તો તને પૂછવાનું જ ભૂલી ગયો.. તમે લોકોએ કોઇ બંગલો રાખ્યો ? વિધુએ ક્યુ ના ભાઇ એવું તને કોણે કીધું ?
વિપુલે કહ્યું એતો મેં તને પેલી પારસકુંજ નવી બનતી સોસાયટીમાંથી નીકળતાં જોયેલો એટલે પૂછી લીધું.
વિધુએ ખ્યાલ આવી ગયો કે આણે અમને લોકોને જોયાં છે. એણે કહ્યું "ના આતો એમ જ જોવા ગયેલો અને સાથે વૈદેહી હતી એટલે જોવાની મજા આવી...
વિપુલ ઇર્ષ્યાથી સળગતો બોલ્યો "ઓહ ઓકે તો વૈદેહી લોકોએ રાખ્યો હશે. આ તો તને જોયેલો એટલે પૂછ્યું.
વિધુએ કહ્યું "ચલ હું નીકળું મારે કામથી બહાર જવું છે પછી વાત કરીશું કહીને બાઇક મારી મૂકી.
વિપુલ થોડી ઇર્ષ્યા અને થોડાં કપટ સાથે વિધુને જતાં જોઇ રહ્યો અને મનમાં બબડ્યો "તને ખબર નથી પણ મને ખબર છે વૈદેહીનાં બાપાએ ત્યાંજ બંગલો રાખ્યો છે ત્યાંજ અમારો કોન્ટ્રાક્ટ ચાલે છે. જોઇએ આગળ... એમ એ ત્યાંથી વિચારતો વિચારતો પાછો વળી ગયો.
વિધુ થોડે આગળ જઇને પાનનાં ગલ્લે ઉભો રહ્યો. અને એમજ ટાઇમ પાસ કરવા બેઠો. ભૈયાજીને પાન બનાવવા કહ્યું અને બાઇક પર આવીને બેઠો. થોડીવારમાં એણે સંગીતાને સામેથી આવતાં જોઇ એણે મોં ફેરવી લીધુ. પણ સંગીતા એને જોઇ એની પાસે જ આવીને કહ્યું "કોન્ગ્રેચ્યુલેશન વિધુ.
વિધુએ એની સામે જોવું પડ્યું અને જવાબ આપવો પડ્યો એણે ક્યું થેંક્સ સંગીતા. તારું શું રીઝલ્ટ આવ્યું.
સંગીતાએ કહ્યું "મારું અને વૈદેહીનું સરખુ જ છે હું સકેન્ડ કલાસમાં પાસ થઇ ગઇ. પણ રીઝલ્ટનાં દિવસે તમે લોક રીઝલ્ટ જોઇને પછી ક્યાં ગૂમ થઇ ગયાં ખબર જ ના પડી. તારું રીઝલ્ટ જાણી તું સાતમો છે કોલેજમાં તને કોંગ્રેટ્સ કેવા આવતી હતી અને તને અને વૈદેહીને કોલેજની બહાર નીકળી જતાં જોયાં. પછી હું સમજી ગઇ તમે લોકો ઉપડ્યાં.. એવું કહીને એ હસવાં લાગી.
વિધુએ કહ્યું "હાં અમે લોકો ફરવા નીકળી ગયાં હતાં રીઝલ્ટની ઉજવણી કરવા પણ તું ના ગઇ પેલાં સાથે ? સંગીતા સાંભળીને થોડી ઝંખવાઇ ગઇ.એણે કહ્યું કોણ પેલાં સાથે એટલે ? મારે કોઇની સાથે કંઇ નથી... આવી વાતો ના ઉડાવીશ હું વૈદેહી જેવી નથી.
વિધુને હવે ગુસ્સો આવ્યો. વૈદેહી જેવી નથી એટલે ? હાં હા તું વૈદેહી જેવી ક્યાંથી હોય ? એની વાત જ નીરાળી છે તું અમારી વાત કરે છે પણ મેં તને વિપુલ સાથે દરિયા કિનારે હાથમાં હાથ નાંખીને આવતાં જોઇ છે. આઇ મીન મેં અને વૈદેહી બંન્નેએ તને જોઇ છે. શાણી સીતા ના થઇશ.
સંગીતાએ શું બોલવું ના સમજાયું "એતો એતો કહેતી ત્યાંથી સીધી જ આગળ જવા નીકળી ગઇ અને ત્યાંજ સામેથી વિપુલ બાઇક લઇને આવ્યો અને સંગીતા પાસે જ ઉભો રહ્યો. વિધુએ એ જોયું અને પછી ત્યાં જ જોવા લાગ્યો.
સંગીતા અને વિપુલે શું વાત કરી એ ખબર ના પડી પણ વિપુલ ત્યાંથી સીધો જ વિધુ પાસે આવીને બોલ્યો" કેમ ભાઇ અમારી વાતો ઉડાવે છે ? સંગીતાએ કહ્યુ કે તેં અમને જોયાં હતાં. પણ અમારે કંઇ એવું.. તારાં અને વૈદેહી જેવું નથી તમે લોકોતો શું નું શું કરો છો મને ખબર છે.
વિધુએ કહ્યું "એટલે તું શું કહેવા માંગે છે ? તારે અમારી વાતો કરો છો અને તને શાણાં થાવ છો ? અમારે તો લવ છે અને ફરીએ છીએ અને લગ્ન પણ કરવાનાં છીએ તારી માફક નથી કે અઠવાડીયાનાં સાતે દિવસ જુદી જુદી.. વિપુલે કહ્યું "તારી જીભ સાચવીને ચલાવ તું શું સમજે છે ? અને... પછી..
વધુ આવતા અંકે --પ્રકરણ-13