Mitro ni Company books and stories free download online pdf in Gujarati

મિત્રોની કંપની

ટૂંકી વાર્તા :

"મિત્રોની કંપની "

---------------------------

નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટમાં અજયનો આલીશાન બંગલો હતો. શહેર ના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી. માત્ર ત્રીસ વરસની ખૂબ નાની ઉમરમાં સફળતાના જે શિખરે અજય પહોંચ્યો હતો તે જોઈને ઘણાં ઈર્ષાળુ સગઓ સળગી ઉઠતાં. જોકે એક વાતમાં બધાજ સહમત થતાં કે અજય અતિશય પરિશ્રમી હતો. સાથે-સાથે એટલોજ વ્યાવહારિક પણ. મિત્રો હોય કે સગઓ, દરેક સારાં-નરસા પ્રસંગમાં પોતે ગમે તેટલો busy કેમ ના હોય, તે સમય કાઢીને લગભગ દરેક પ્રસંગમાં હાજરી આપતો. તેની વ્યવહારિકતાના વખાણ સગાસબંધઓના મોઢે સાંભળી અજયના પિતા હસમુખરાયની છાતી ગર્વથી ફૂલી જતી.

અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વીલા માં રહેતો હતો. માતા નિર્મળાદેવીનું ત્રણ વર્ષ પહેલાં કુદરતી રીતે મૃત્યુ થયું હતું. જોકે અજય અને રીટા બંને પિતા હસમુખરાયની કાળજી રાખવામા કોઈપણ પ્રકારની કસર નહોતાં છોડતાં.

તેમની ઉમ્મરના હસમુખરાયના ઘણાં મિત્રો હસમુખરાય ને “નસીબવાલા” કહીને બોલાવતાં કે તેને આ જમાનામાં અજય જેવો પુત્ર અને રીટા જેવી પુત્રવધુ મળી હતી. હસમુખરાય પોતે પણ એ વાતથી પોસરતા.

એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું "બેટા મને ઘરડા ઘરમાં મૂકી આવને !!"

અજય અને રીટા બંને એકદમ ચોંકી ઉઠ્યા અને બંને લગભગ સાથેજ બોલ્યાં “અમારી માવજતમાં કોઈ ખામી રહી ગઈ કે શું ?”

અજયે કહ્યું "કેમ પપ્પા , અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ?”

હસમુખરાયે હંસતા-હંસતા કહ્યું "ના બેટા ના ; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ? પણ હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઇ જશે...”

રીટાએ તરત જ કહ્યું "પપ્પા , સમાજ અમારા માટે શું વિચારશે...!?”

જોકે અજય પિતા હસમુખરાયના ચહરાના ભાવ વાંચી રહ્યો. અને તેમણે કહેલી વાતમાં તેમની પીડા પણ પારખી ગયો. માતા નિર્મળાદેવીના અવસાન પછી પપ્પા તદ્દન એકલાં પડી ગયા હતા. જીવનસાથી વિનાની તેમની જિંદગીમાં જે એકલતા આવી હતી તેનાં લીધે તેઓ મધદરિયે તમામ સુખસુવિધાઓથી ભરપૂર એવા જહાજમાં જાણે એકલાં સફર ખેડી રહ્યાં હતા.

અજયને યાદ આવ્યું કે પિતા હસમુખરાયનો એક દિવસ પણ તેમની માતા નિર્મલાદેવી વિના નહોતો પૂરો થતો. ધંધાના કમરથે પણ જ્યારે તેઓ બહાર જતાં ત્યારે તેઓ દિવસમાં દસવાર માતાને ફોન કરતાં. પણ છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ એક-એક દિવસ તેમનાં જીવનસાથી વિના જાણે શૂન્યાવકાશમાં કાઢી રહ્યાં હતાં.

“૫-૬ મહિના જવા દો હું કઈ વ્યવસ્થા કરી આપીશ ..” પિતાની પીડા સમજી રહેલાં અજયે વિચારીને કહ્યું.

હસમુખરાય પણ માની ગયા.

વાત વિસરાઈ ગઈ.

અજયે વિલા ની બાજુમાં જ એક નાનું આઉટ હાઉસ બનાવવાનું શરુ કર્યું અને જોત જોતામાં એક સુંદર મજાનું આઉટ હાઉસ તૈયાર થઇ ગયું.

“બેટા, આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે જ ને !!” આઉટ હાઉસ વિષે હસમુખરાયે પૂછ્યું.

અજયે કહ્યું કે “મેહમાનો આવવાંના છે આવતા રવિવારે....”

રવિવાર આવી ગયો.

ફેમિલી મેમ્બર્સ અને થોડા મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. આઉટ હાઉસ પર રીબીન બાંધવામાં આવી હતી. જોકે તે કોણ કાપસે તે વિષે રહસ્ય રાખવામા આવ્યું હતું. બધાં હવે ત્યાંજ ઊભા રહી રાય જોતાં હતાં રીબીન કાપવાની.

“લો પપ્પા...!” અજયે રીબીન કાપવા માટે કાતર હસમુખરાય આગળ ધરી “તમે રીબીન કાપો....!”

“હે...!?” હસમુખરાયે આશ્ચર્ય સાથે કહ્યું “હું... કેમ…!?”

“એ તો તમારા માટે સરપ્રાઇઝ છે....!” અજયે સસ્મિત કહ્યું અને હસમુખરાયને કતાર આપી.

હસમુખરાયે તાળીઓનાં ગડગડાટ સાથે રીબીન કાપી.

અજયે કહ્યું-"પપ્પા દરવાજો પણ તમે જ ખોલો.....”

હસમુખરાયે બારણું ખોલ્યું.

સામે ખુરશી પર હસમુખરાયના ત્રણ જિગરીજાન મિત્રો રમેશલાલ, અવધેશભાઈ અને હિતેશભાઈ બેઠા હતા. હસમુખરાય ઘણાં સમય પછી તેમનાં આ મિત્રોને મળ્યાં હતાં.

તેમણે જોતાંજ હસમુખરાય ખુશીથી ઝૂમી ઉઠ્યા અને ત્રણે મિત્રોને દોડીને ગળે લગાડી દીધા. અજય રૂમમાં દાખલ થયો તો ચારે વડીલો એને ભેંટી પડ્યા.

અજયે કહ્યું કે “પપ્પાની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું તમને ઘરડા ઘરમાંથી અહીં લઇ આવ્ય,…..! આજ થી આ ઘર તમારૂ જ છે અને તમારે મોજથી અહીં જ રહેવાનું છે, અને હા....!, મેં એક કેર ટેકર શંભુકાકાને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે....”

ચારે વડીલોની સાથે સાથે અજયની આંખમાંથી અશ્રુઓ વહી ગયા. હસમુખરાય સહિત બધાજ ખુશીથી ઝૂમી ઊઠ્યાં. ચ્હા-નાસ્તાની રમઝટ બોલી. હસમુખરાય તો તેમનાં મિત્રોને મળી સઘળું ભૂલી ગયાં.

“પપ્પા …!” અજય હસમુખરાયના ખભે હાથ મૂકીને બોલ્યો “ખુશ છો ને...!?”

“ખુશ....!?” હસમુખરાયે ભાવવિભોર થઈને કહ્યું “અરે દીકરા તું તો મારા માટે જાણે “સ્ટીરોઈડ” લાઇ આવ્યો....! શું જોશ આવી ગયો મને મારા મિત્રો જોડે મળીને તો....!”

કલ્લાક પછી અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમમાંથી ખડખડાટ હાસ્યનાં અવાજો આવવા લાગ્યા.

અજય મનોમન બોલી ઉઠ્યો "સાલું ...! સાચી વાત છે હો મિત્રોની કંપની “સ્ટીરોઈડ” જેવી હોય છે" !!”

અજય પોતાની કારમાં બેઠો અને કાર સ્ટાર્ટ કરી.

“ક્યાં જાવ છો....!?” કારમાં ક્યાંક જઇ રહેલાં અજયને તેની પત્ની રીટાએ વાંકા વાળીને પૂછ્યું.

અજયે સ્મિત સાથે કહ્યું “સ્ટીરોઈડ લેવા....!” અને અજયે હસતાં-હસતાં કાર ઘરના આંગણામાથી હંકારી મૂકી. રીટા મૂંઝવાઈને ઊભી થોડીવાર ઊભી રહી પછી ઘરમાં ચાલી ગઈ.

“મિત્રતા” થી ઉત્તમ કોઈ ટોનીક નથી. હસતા રહો અને હસાવતા રહો.

▪▪▪▪▪▪▪

Watsappમાં આવેલો એક સુંદર મેસેજ

-J I G N E S H