Angarpath - 44 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. - ૪૪

અંગારપથ.

પ્રકરણ-૪૪.

પ્રવીણ પીઠડીયા.

કહેવાય છે કે પહેલો ઘા પરમેશ્વરનો! બસ, એવું જ કંઈક વામન શેખની ઓફિસમાં બન્યું હતું. એ એટલું અણધાર્યું અને ઝડપી હતું કે ઠિંગણો વામન શેખ ઘીસ ખાઇ ગયો. તેણે ચાલાકી વાપરીને ટેબલ નીચેથી ગન ખેંચી કાઢી હતી અને પેટ્રિક તરફ તાકી હતી. પરંતુ પેટ્રિક એનાથી પણ તેજ નિકળ્યો. ગનની પરવાહ કર્યા વગર ભયાનક ઝડપે તે ઉઠયો અને ચારુંના ગળે હાથ વિંટાળીને ઉભેલા પઠ્ઠાનાં મોં પર એ કંઈ સમજે એ પહેલા એક જબરજસ્ત ધૂસો રસિદ કરી દીધો હતો. એ ધૂસો એટલા ઝનૂનભેર ઝિંકાયો હતો કે પેલાની ખોપરીમાં કશેક કડાકો બોલ્યો અને તેનાં મોં માંથી ચીખ નીકળે એ પહેલા દાંત ઉખડીને બહાર ઉડયાં. દાંતની સાથોસાથ લોહીનો ઘળકો હવામાં ફેંકાયો. એક જ ધૂંસામાં તે ચિત્ત થઇ ગયો. એવું લાગ્યું જાણે તેનું માથું તેની જ ગરદન પરથી ઉખડીને ફર્શ ઉપર પડયું હોય. તેની આંખો આગળ અંધકાર છવાયો અને ઝડબામાં ભયંકર દર્દ ઉમડયું. ચારુંની ગરદન ઉપરથી તેનો હાથ છૂટયો હતો અને પાછળ દિવાલ તરફ તે ધકેલાયો હતો. ચિક્કાર દારૂ પીધેલો વ્યક્તિ સાનભાન ભૂલીને અહી-તહી લથડતો હોય એમ જ તેના પગ લથડયાં હતા. એક જગ્યાએ સ્થિર ઉભા રહેવા તે કોઇ સહારો ખોજી રહ્યો હતો પરંતુ મગજમાં ઝણઝણાટી બોલાવતાં તમરાઓનો અવાજ અને આંખો આગળ છવાયેલા અંધકારે તેને દિશાભાન ભૂલાવી દીધું હતું. અનાયાસે જ તેના હાથ કોઇ અંધ વ્યક્તિની માફક આગળ તરફ ફેલાયાં હતા અને એક અંદાજ લગાવી દિવાલનો ટેકો લેવા તે આગળ વધ્યો. પેટ્રિકે એ જોયું. આ ક્ષણે સમય ગુમાવવાનો મતલબ હતો કે હાથમાં આવેલી બાજીને જાતે કરીને હારી જવી. તે ફરી ત્રાટકયો અને આ વખતે તેના પગ ચાલ્યાં હતા. લગભગ હવામાં ઉછળીને જ તેણે એક ફેંટ પેલા શખ્સનાં ઢગરાં ઉપર દઈ મારી. “ઓ બાપ રે….” ભયાનક પીડાથી ફરીથી તેની ચીખ ફાટી પડી. પેટ્રિકનું ભારેખમ બૂટ બરાબર તેના કરોડરજ્જૂ અને કમરનાં જોઈન્ટ જ્યાં ભેગું થતું હોય છે ત્યાં અથડાયું હતું. એ જોઈન્ટ એકાએક જ તૂટયું હોય એવો ભયાનક કડાકાનો અવાજ થયો અને એ ત્યાં જ ફસડાઈને ગંધાતી ફર્શ ઉપર ફેલાઈ ગયો. તેની કહાની હવે લગભગ ખતમ થઇ ગઇ. હવે ફરીથી તે ઉભો થઇ શકવાની હાલતમાં નહોતો. તેનું જડબું ભાંગ્યું હતું અને કમરનો જોઈન્ટ છટક્યો હતો. પેટ્રિક હજું તેને ઠમઠોરવાનાં મૂડમાં હતો પરંતુ તેની હાલત જોઇને અટકયો હતો. હવે એ ઉઠવાનો નહોતો એની ખાતરી હતી તેને. તે પાછો ફર્યો અને વામન શેખ તરફ જોયું. હવે એનો વારો હતો. એ દરમ્યાન ચારું પણ સ્વસ્થ થઇ હતી.

વામન શેખ અજબ રીતે અટવાયો હતો. ખરેખર તો તે એક સોનેરી અવસર ચૂકયો હતો એમ કહી શકાય. ટેબલ નીચેથી ગન કાઢીને તરત તેણે ફાયર કર્યો હોત તો અત્યારે પરિસ્થિતિ કંઇક જૂદી હોત. તો કદાચ બાજી તેના હાથમાં આવી હોત. પરંતુ કહેવાય છે કે એક વખત હાથમાંથી છટકેલી તક ફરીવખત પાછી મળતી નથી. એવું જ અત્યારે વામન શેખ સાથે બન્યું હતું. તેને ખરેખર અંદાજ નહોતો કે પેટ્રિક આટલું જલદી અને જલદ રિએકશન આપશે. તેને એમ જ હતું કે ગન જોઇને એ ઠરી જશે એટલે જ તો તે થોડો ગફલતમાં રહ્યો હતો અને એ અવઢવને કારણે ગોળી ચલાવવાનું ચૂકી ગયો હતો. ગેરેજનાં એ નાનકડા અમથા ઓફિસ નૂમાં કમરામાં પરિસ્થિતિ એકાએક જ પલટાઈ હતી અને તે કંઇ સમજે એ પહેલા તો પેટ્રિક તેની સન્મૂખ આવી પહોંચ્યો હતો. તેની અને પેટ્રિકની નજરો આપસમાં મળી. તેમની વચ્ચે ટેબલ હતું. વામન શેખ હવે કોઇ ભૂલ કરવાનાં મૂડમાં નહોતો. તેણે હાથ ઉંચો કર્યો અને….

વામન શેખ ખૂરશીમાંથી નીચે ઉતરીને ઉભો હતો. ઓછી ઉંચાઈનાં કારણે તેનું અડધું ધડ ટેબલ પાછળ દેખાતું નહોતું. જે હાથમાં ગન હતી એ હાથ ટેબલની સપાટીનાં ટેકે હતો. પેટ્રિકે એ જોયું હતું. વામન શેખ ટ્રિગર દબાવે એ પહેલાં જ તેણે એ ભારેખમ ટેબલને ધારેથી પકડીને શેખ ઉપર ઉલાળ્યું. ટેબલ ઉંચું થયું અને શેખનાં માથાં ઉપર આવ્યું. વામન શેખની આંખો પહોળી થઈ. માથે ખાબકતાં ટેબલથી બચવા તેણે બન્ને હાથ હવામાં અધ્ધર કર્યાં. જાણે તે પોતાના નાનકડા હાથોથી જ એ ભારેખમ ટેબલને રોકી ન લેવાનો હોય! એ એક સ્વાભાવિક ક્રિયા હતી. એકાએક આવી પડતી મુશ્કેલીઓથી બચવા આપણું શરીર ઘણીવાર આપોઆપ રિએક્ટ કરતું હોય છે. એવું જ વામન શેખે કર્યું હતું અને એ સમયે અનાયાસે જ તેની આંગળી ગનનાં ટ્રિગર ઉપર દબાઈ હતી. “ધાંય…” જૂના મોડલની ખખડધજ ગનનો ભયાવહ અવાજ સમગ્ર ઓફિસમાં ગુંજી ઉઠયો. એ અવાજની સાથોસાથ જ પેટ્રિકનાં ગળામાંથી ઉંહકારો નીકળ્યો. જે આશ્વર્ય હમણાં થોડીવાર પહેલા વામન શેખની આંખોમાં ઉમડયું હતું એવું જ આશ્વર્ય હવે તેની આંખોમાં અંજાયું. તેનો ડાબો હાથ આપોઆપ ઉંચકાયો હતો અને ગળા ઉપર ચંપાયો હતો. તેની આંગળીઓનાં ટેરવે કશાક ગરમા-ગરમ અને ચિકણાં પ્રવાહીનો સ્પર્શ થયો. એ શું હતું એ જોવા તેણે પોતાનો હાથ આંખો સમક્ષ લીધો. લોહીનાં લાલ રંગે તેની આખી હથેળી રંગાઈ ગઇ હતી. એ ક્ષણે જ તેના મગજમાં શૂન્યાવકાશ છવાવાનું શરૂ થયું હતું.

“પેટ્રિક… સર…!” ચારું દોડી. તે અત્યાર સુધી સન્નાટામાં ઉભી હતી. વામન શેખની ઓફિસમાં આવ્યાં પછી મિનિટોની અંદર જે ધમાચકડી મચી હતી એમાં તે અટવાઈ ગઈ હતી. ખ્યાલ નહોતો આવતો કે તે શું રિએક્ટ કરે? વામન શેખનાં પઠ્ઠાએ તેનું ગળું લગભગ ભિંસી જ દીધું હતું કે એકાએક પેટ્રિક સરે બાજી પલટી નાંખી હતી અને પછી ભયંકર અંધાધૂંધી ફેલાઈ હતી. તેને કળ વળતાં સમય લાગ્યો હતો એ દરમ્યાન પેટ્રિકને તેણે લથડતાં જોયો અને તે દોડી હતી. પેટ્રિકનાં પગ ગોઠણેથી વળ્યાં અને જમિન ઉપર બેસી પડે એ પહેલા ચારુંએ તેને ઝિલી લીધો. તેના ગળાનાં ભાગેથી લોહી ઉભરાતું હતું અને લોહીનો રગેડો ગરદન પરથી તેના કોલર સુધી રેળાયો હતો. ચારું ભયંકર આઘાતથી એ જોઇ રહી. તેને સમજમાં ન આવ્યું કે એકાએક શું થયું!

એ બધું સાવ અચાનક જ બન્યું હતું. પેટ્રિકે વામન શેખ ઉપર ટેબલ ઉછાળ્યું તેના પ્રત્યાઘાત સ્વરૂપે વામને પોતાના બચાવ માટે હાથ ઉંચા કર્યા હતા. એવું કરવામાં સાવ અનાયાસે જ તેનાથી ગનનું ટ્રિગર દબાયું હતું અને ગનમાંથી છૂટેલી ગોળી સીધી જ પેટ્રિકનાં ગળામાં ખૂંપી ગઈ હતી.

ચારું વિસ્ફારિત નજરે પેટ્રિકનાં ગળામાંથી વહેતા લોહીની ધાર જોઇ રહી. એકાએક જ તેને સમજાયું કે તેણે કંઇક કરવું જોઈએ! તેણે આસપાસ નજર ફેરવી. ઓફિસનાં એક ખૂણે ચાદર જેવું કશુંક પડયું હતું એ ઝડપથી ઉઠાવી લાવી અને તેમાથી મોટો ટૂકડો ફાડીને પેટ્રિકનાં ગળે દબાવી દીધો.

“એ…. એ…. છટકવો ન જોઈએ.” પેટ્રિકનો અવાજ ફાટતો હતો અને આંખો આગળ અંધારું છવાતું જતું હતું. તે વામન શેખ વિશે કહી રહ્યો હતો. તેને ફિકર હતી કે ક્યાંક આ મોકાનો લાભ લઈને એ છટકી ન જાય. પણ એવું થવાનાં ચાંન્સ બહું ઓછા હતા કારણ કે વામન શેખ સાગનાં લાકડામાંથી બનાવાયેલા જૂનવાણી.. ભારેખમ ટેબલ નીચે બરાબરનો ફસાયો હતો. તેનાં ચાર ફૂટનાં નાનકડા દેહમાં એટલી તાકત નહોતી કે ટેબલને તે હલાવી પણ શકે. તેનું શરીર ટેબલનાં ભાર તળે લગભગ ચગદાઈ ગયું હતું. ચાહવા છતાં તે હવે કોઈ હરકત કરવાની સ્થિતિમાં નહોતો. તેની ગન પણ એમ જ હાથમાં ખલાઈ રહી હતી. તેનો શ્વાસ રુંધાતો હતો. જો થોડીવાર તે આમ જ ટેબલ હેઠળ દબાયેલો રહ્યો તો ટેબલનાં ભારથી જ તે મરી જવાનો હતો.

ચારું હરકતમાં આવી હતી. સૌથી પહેલું કામ તેણે એમ્બ્યૂલન્સને ફોન લગાવવાનું કર્યું હતું. ફોન લાગતાં જ ગેરેજનું સરનામું જણાવી તુરંત આવી જવા કહ્યું. એક ડર બીજો પણ હતો. ગેરેજમાં મચેલી ધમાચકડી બહાર કામ કરતાં માણસોએ સાંભળી હશે જ. જો એમાથી કોઇ અંદર આવી ચડયું તો હવે પરિસ્થિતિ સંભીળવી મુશ્કેલ બનવાની હતી. પરંતુ એવું થવાનું નહોતું કારણ કે ચારું અને પેટ્રિક આવ્યાં ત્યારે માત્ર બે વ્યક્તિઓ જ ગેરેજમાં કામ કરતી હતી અને એ બે વ્યક્તિઓ ઓફિસમાં થતી ધમાલનાં અવાજો સાંભળીને પહેલેથી ભાગી છૂટી હતી.

“કુલ ડાઉન સર, એ ક્યાંય નહી ભાગી શકે. તમે શાંત રહો. પ્લિઝ આંખો ખુલ્લી રાખો, સર…” ચારુંએ પેટ્રિકનો ચહેરો થપથપાવતાં કહ્યું. તે ખરેખર ગભરાઇ ગઇ હતી. પેટ્રિકને થયેલી ઈજા સામાન્ય નહોતી. કોણ જાણે ગોળીએ તેના ગળામાં શું નૂકશાન કર્યું હશે! સખત ચિંતા અને ઉચાટથી તે એમ્બ્યૂલન્સની રાહ જોતી હતી.

“એ… એ… ભાગી… જશે… પ્લિઝ, કોલ ધ… પોલીસ…. પ્લિઝ…” પેટ્રિક શાંત પડવાનું નામ નહોતો લેતો. તે ઈન્સ્પેકટર કાંબલેને બહું માનતો હતો. ડ્યૂટી જોઈન કરી ત્યારથી તેના હાથ નીચે જ તે તૈયાર થયો હતો અને તેના હદયમાં કાંબલે પ્રત્યે અપાર આદરભાવ છવાયેલો હતો એટલે તે જ્યારથી ગુમ થયો હતો ત્યારથી પેટ્રિક રઘવાયો બનીને તેને શોધી રહ્યો હતો. આટલી અથાક મહેનત બાદ આજે તેના હાથમાં વામન શેખ સ્વરૂપે એક ક્લ્યૂ લાગ્યો હતો. એવા સમયે જો વામન શેખ ભાગી જાય તો તેની સમગ્ર મહેનત એળે જાય તેમ હતી એટલે પોતાને થયેલી ગંભિર ઈજા છતાં તે વામન શેખનું નામ જપી રહ્યો હતો. અને… એ સ્થિતિમાં જ તે બેહોશીની ગર્તામાં સમાઈ ગયો હતો.

“સર… સર… પ્લિઝ ઓપન યોર આઈઝ… સર…” ચારું ચિખતી રહી પરંતુ પેટ્રિક ઉપર તેની કોઈ જ અસર હવે થવાની નહોતી.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.