Lokdownma karvani saafsafaainu check-list books and stories free download online pdf in Gujarati

લોકડાઉનમાં કરવાની સાફસફાઈનું ચેક-લીસ્ટ

લોકડાઉનમાં કરવાની સાફસફાઈનું ચેક-લીસ્ટ

અધીર અમદાવાદી

શું તમે તમારા પતિ પાસે ટ્યુબલાઈટ-પંખા, સીડી-વરંડા, બારી-બારણા, અભરાઈ-માળિયા, ટીવી-એસી, ગ્રીલ-ઝાંપા, ગાડી-વાહનો, માઉસ-કીબોર્ડ, પાટલો-ટોઇલેટ સીટ સાફ કરાવી દીધું? અને હવે શું કરાવવું એ અંગે મૂંઝવણ થાય છે? તો ભાભીઓની મદદ કરવા સદાય તત્પર એવા અધીર અમદાવાદી તમને સાફસફાઈના નવા આઈડિયા આપે છે. મહેરબાની કરીને એમ ના પૂછશો કે આ આઈડિયા તમારા ઉપર પ્રયોગ થયેલા છે? તો આ ૨૧ આઈટમનું લીસ્ટ જુઓ અને ટીક કરતા જાવ! એને જરાય બિચારો ના સમજશો; એ એટલો નવરો છે કે ફેસબુક અને વોટ્સેપ પર મમરાના પેકેટમાં કેટલા મમરા છે એની પોસ્ટું મુકે છે!

  • મોબાઈલના ચાર્જરનો સફેદ વાયર હાથમાં લઈને અભ્યાસ કરો. એના ઉપર મેલ ચોટયો હશે. એને સાબુના પાણી સાફ કરાવી પછી કોરા કપડા વડે લુછાવો. પાણી વધ્યું હોય તો હેન્ડ્સ ફ્રી અને હેડફોન્સ પણ સાફ કરાવો.
  • ઇલેક્ટ્રિકની સ્વીચો મેલી હશે અને સ્વીચબોર્ડ પણ. અહીં પાણી વાપરવું નહીં.
  • બાથરૂમ સાફ કરવાના પ્લાસ્ટીકના સાવરણાની સળીઓ એક એક કરીને સાફ કરાવો.
  • ફેવિકોલની ટ્યુબ ઉપર ફેવિકોલ જામી ગયું હશે, એને ઉખાડાવો.
  • ઘરમાં બા-દાદા પપ્પા-મમ્મીના ચશ્માં સાબુના પાણીમાં ડુબાડી ખાસ કરીને ગ્લાસની કિનારીમાંથી ટુથપીક વડે મેલ કઢાવો.
  • વોશબેસીન ઉપરથી તો બધા સાફ કરે છે, પરંતુ રેલા ઉતરીને નીચે પણ જતા હોય છે. વળી નીચે સ્ટોપ કોક અને પાઈપો ઉપર તો કેટલો કચરો હોય છે નહીં? લગાડો એને. વોશબેસિન નીચેથી સાફ કરાવો. જરૂર પડે તો મોબાઈલની લાઈટ ફેંકવાની મદદ તમે કરી શકો છો.
  • કિચન પ્લેટફોર્મ અને સિન્કમાં ક્ષાર જામ્યો હોય તો એ લીંબુ અથવા સરકાથી સાફ કરાવો.
  • પડદાની પાઈપો સાફ ના કરાવી હોય તો એ ધોવડાવી શકાય છે.
  • કેચઅપની બોટલમાં ઉપરના ભાગમાંથી અને ઢાંકણમાંથી સોસ દુર કરાવો. બીજી એવી કોઈ બોટલ, ટુથપેસ્ટની ટ્યુબ એવું કશું પણ ધ્યાનમાં આવે તો સિંક પાસે ઢગલો કરીને બતાવી દો.
  • ડાઈનીંગ ટેબલનો નીચેનો ભાગ સાફ કરાવો. કોઈ મહેમાન આવ્યા હોય અને નીચે પડેલી ચમચી લેવા વાંકા વાલે અને ટેબલ નીચે ધૂળ દેખાય તો કેવું લાગે? લગાડો એને.
  • એવી જ રીતે સોફાને આડો પાડીને સાફ કરાવો.
  • ઘરનું બધું પરચુરણ ભેગું કરીને એક તપેલામાં સાબુનું પાણી કરીને એમાં દુબાડો અને પછી એક પછી એક કોઈન ધોવડાવી, કોરા કપડાથી લુછીને સૂકવવાનું કહો.
  • હેન્ડવોશની બોટલ અને સોપડીશ પર સાબુ જામ્યો હશે. એ બીજો સારો સાબુ લઈ સાફ કરાવો.
  • કોપરેલ, તેલની શીશી, કાંસકા, બ્રશની વારો કાઢો.
  • પેનસ્ટેન્ડ, ફ્લાવર વાઝ, બામ્બુ-પ્લાન્ટ આ બધાને સાફ કરાવો. પેનસ્ટેન્ડમાંથી નીકળેલી નકામી વસ્તુઓ ‘કેમ સાચવી રાખી હતી?’ એ બાબતે સમય અનુસાર પૂછપરછ કરી શકાય.
  • ઘરમાં પકડ-પાનાંની એક પેટી હશે. એના પાનાં-પેચીયાથી લઈને પેટી સુધીનું બધું સાફ કરાવો.
  • સ્લીપર-બુટના તળિયા સેનીટાઈઝ કરાવ્યા? ભૂલી ગયા ને?
  • તેલનો ડબ્બો, ઘીનું ડોલચું, ચીમની ગ્રીલ, દુધની થેલી કાપવાની કાતર, હીંચકાના કડા, અને બારણાના મિજાગરા; આ બધું ચીકણું થયું હશે, રાઈટ? જોકે તેલનો ડબ્બો વગેરે માત્ર કોરા કપડાથી સાફ કરાવવા નહિતર પૂરી તળવા તેલ મુકશો એમાં સાબુના ફુગ્ગા થશે.
  • બટાકા અને લીલા શાકભાજી પહેલા સહેજ સાબુ નાખેલા પાણીમાં અને પછી ચોખ્ખા પાણીમાં ધોઈ કોરા કપડાથી લુછી ફ્રીજમાં વ્યવસ્થિત મુકવાનું કહો. આ કામ સોંપો એના આગલા દિવસે ચોળી-ગવાર-ફણસી લાવશો તો તમને વધુ સમય ટીવી જોવા મળશે.
  • ચેતવણી: ડુંગળી અને લસણ ધોવડાવવા નહીં.

  • ધાબુ ધોવડાવો ! કોણે કીધું કે ઉત્તરાયણના આગલા દિવસે જ ધોવું?
  • આ બધું કરવાથી પોતું પોતે જ મેલું થયું હશે. સાબુના ગરમ પાણીમાં બોળ્યા બાદ સારી રીતે નીચોવવીને તડકામાં સુકાવવાનું કહો.
  • આ લીસ્ટ તો ખાલી સાફ-સફાઈનું છે, આ પતે પછી બીજા ઘણા કામ કરાવી શકાય છે. આ બધામાં ઈફેક્ટીવ સુપરવિઝન રાખવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે આવો મોકો વારંવાર આવતો નથી. વધારે માર્ગદર્શન માટે અધીર અમદાવાદીનું પેઈડ સબસ્ક્રિપ્શન મેળવો.

    ફીડબેક માટે ઈમેઈલ adhir.amdavadi@gmail.com Twitter @adhirasy