Aa Diwalina Fatakada books and stories free download online pdf in Gujarati

આ દિવાળીના ફટાકડાં

દિવાળી વિશેષ

અધીર અમદાવાદી

adhir.amdavadi@gmail.com

આ દિવાળીના ફટાકડાં

સહિષ્ણુતા ટાઈમ બોમ્બ

બહારથી એકદમ ડીસન્ટ અને ડાહ્યો ડમરો દેખાતો, વર્ષોથી ખામોશ રહેલ, આ ટાઈમ બોમ્બ ક્યારે અને કેમ ફૂટે છે તે હવે લોકોને ખબર પડી ગઈ છે. એનજીઓ, લેખકો, સર્જકોનો આ પ્રિય બોમ્બ છે.

જમીન-ચક્કર

આ જમીનના ચક્કરમાં કેટલાય મોટા માથાઓ સલવાયા છે. જયારે સત્તાની ચકરડી ફરતી હતી ત્યારે સફળતા પૂર્વક સસ્તામાં ખરીદી મોંઘા ભાવે વેચેલી સરકારી જમીનો અને વેચનાર માટે દેખીતી રીતે ખોટના અને લેનાર માટે ઘી-કેળા સમાન આવા જમીન-ચક્કર સત્તા પરિવર્તન પછી માથામાં ચક્કર લાવી દે છે.

૩૦૦ કરોડ ક્લબ હીરો

આ હીરો ખુબ પ્રકાશ આપે છે. એમાં અમુક ‘કિંગ’ અને ‘ભાઈ’ બની બેઠેલા પ્રૌઢ હીરોની પાછળ કન્યાઓ અને માસીઓ ગાંડી છે. આ હીરો ઝડપથી સળગે છે અને થોડાં સમયમાં પોતાનું કામ કરી નાખે છે. એ સળગતો હોય ત્યારે બીજા નાના ફટાકડાં આઘા ખસી જાય છે. જોકે ફૂટી જાય પછી ખરીદનારને અફસોસ થયા છે કે ‘સાલું પૈસા પડી ગયા’, છતાં બીજા વર્ષે પાછો આ જ હીરો રિપેકેજ થઈ માર્કેટમાં આવે છે અને પબ્લિક પણ આ હીરોની પાછળ પૈસા બરબાદ કરવાનું ચાલુ રાખે છે.

ડિજીટલ ઇન્ડિયા ફાયરક્રેકર્સ

આ ક્રેકર્સ વર્ચ્યુઅલ છે અને કોમ્પ્યુટર કે મોબાઈલ એપથી ફોડી શકાય છે. આ ફટાકડા ગામડા સુધી પહોંચાડવાની સરકારની નેમ છે. આનો ફટાકડામાં ખરેખર કઈ રીતે ફૂટે છે તે બાબતે ફટાકડાં લોન્ચ કરનાર અને ભાવી ઘરાકોમાં કોઈ ક્લેરિટી નથી.

દુરોન્તો એક્સપ્રેસ ટ્રેન:

‘દુરોન્તો’ એક્સપ્રેસ ટ્રેન તાણી બાંધેલી દોરી ઉપર લટકાવવીને ફોડવામાં આવતા ફટાકડાની યાદ આપે છે. એ ફટાકડો સળગાવ્યા પછી અટક્યા વગર દોરીના એક છેડેથી બીજા છેડે જઈને પાછો આવતો. દુરોન્તો બંગાળી શબ્દ છે અને બિપાશા બસુ પણ બંગાળી છે. પણ ‘દુરોન્તો’નો એક અર્થ ‘અટક્યા વગર’ એવો થાય છે, એટલે બંને વચ્ચેની સરખામણી આટલે જ અટકે છે. કારણ કે બિપાશાની ગાડી ડીનો મોરિયો, જોન અબ્રાહમ, રણ દગ્ગુ બાટી, હરમન બાવેજા નામના સ્ટેશનો ઉપર સ્ટોપેજ કર્યા બાદ અત્યારે કરણ સિંહ ગ્રોવર નામના સ્ટેશન ઉપર વિરામ કરી રહી છે. આ ટ્રેનના માઈલેજ પુરા થઇ ગયા છે છતાં હજી ટ્રેક ઉપર છે. લગ્નના ટર્મિનસ પર પહોંચવા માટે આ ટ્રેન અત્યંત લેટ છે. જ્હોન અબ્રાહમ સાથે ગોઠવાયેલા લગ્ન વખતે જે શરણાઈવાળાને વર્ધી આપી હતી એની ત્રીજી પેઢી શરણાઈ અત્યારે વગાડે છે અને શી ખબર કઈ આશાએ એમણે હજી સાઈનિંગ એમાઉન્ટ પછી આપી નથી.

કેઆરકે બ્રાંડ ટીકડી

આ ટીકડી પોતાના અવાજથી દુનિયાને ચોંકાવી દેવાનો મનસુબો લઈને બજારમાં આવી છે. એ વારંવાર ફૂટે છે પણ એની ખાસ નોંધ લેવાતી નથી. કારણ કે એમાં દારૂગોળો અલ્પ માત્રામાં છે અને ‘મન મેં લડ્ડુ ફૂટે ...’ની જેમ મનમાં અને મનમાં જ ફૂટે છે.

સાસુ બ્રાંડ સાપ

તમારે ત્યાં સહકુટુંબ દિવાળી કરવા માટે આવી ચઢતા સાસુમા ‘ગ્રહણ વખતે સાપ નીકળવો’ કહેવતની યાદ અપાવે છે. દિવાળીના ફટાકડામાં પણ સાપ તરીકે ઓળખાતો ફટાકડો આવે છે. એને સળગાવ્યા પછી એમાંથી લાંબુ કાળું ગૂંચળું થાય છે અને ખુબ ધૂમાડા થતા હોય છે આથી લોકો એને ઘરની બહાર જ ફોડતા હોય છે. આ બાબતને સાસુમાને શહેરના મોલમાં ફરવા તથા દિવાળીની રોશની જોવા લઇ જવા સાથે કોઈ સંબંધ નથી.

બીગ બી બ્રાંડ લાલ ટેટા

આ ટેટા વર્ષોથી એટલા જ લોકપ્રિય છે. બીજી કેટલીય બ્રાંડ અને ઉંમરના ફટાકડાં સામે એ પોતાની સ્થાન ક્વોલીટીને કારણે બનાવી રાખ્યું છે. વરસોવરસ આ ફટાકડાનો દારૂગોળો હવાઈ જવાને બદલે વધુ સળગે છે.

પપ્પુ છાપ લવિંગીયા

આ ટેટી પર બધાનો મદાર છે. પણ આખી લૂમ સળગે તો અંદરથી પાંચ દસ ટેટીનો અવાજ બહાર સંભળાય છે. એને ફોડનારને પણ આખી ફૂટી કે નહિ એ ચેક કરવા જવું પડે છે અને ફરી જામગરી ચાંપવી પડે છે. એ ગરીબોના ઘરમાં ગમે ત્યારે ઘુસી જાય છે. આનું પેકેજીંગ ગમે તે રીતે કરવામાં આવે પણ એ ફટાકડા માર્કેટમાં ધાર્યો શેર નથી મેળવી શકતી.

બપોરિયા બ્રાંડ રસોઈ શો

ખરેખર તો બપોરે કરવામાં આવતા ભોજનને બપોરીયું કહેવાય છે, પણ આ નામનો ફટાકડો પણ આવે છે જેને નામ પ્રમાણે બપોરે ફોડવામાં આવવો જોઈએ પણ દિવસના અજવાળામાં એનો રંગ અને પ્રકાશ ઝાંખા પડી જતા હોઈ રાત્રે જ ફોડવામાં આવે છે. એનું મૂળ કામ આનંદ આપવાનું અને (ફટાકડા) સળગાવવાનું છે. બપોરે ટીવી ઉપર આવતા રસોઈ વિષયક શો આવા જ ગુણધર્મ ધરાવતા બપોરિયા જ છે. ગૃહિણીએ બપોરે જોયેલી વાનગી રાત્રે બનાવે અને એ રોચક બને તો સૌને આનંદ આપે પણ જો એ રોચકના બદલે રેચક બને તો ઘરમાં હોળી સળગાવે!