Pentagon - 1 books and stories free download online pdf in Gujarati

પેન્ટાગોન - ૧


અડધી રાત વિતી ગઈ હતી. સોનપુરનો મહેલ ચાંદની રાતમાં ચમકી રહ્યો હતો. એ જૂનો જરૂર થઈ ગયેલો પણ એની રચના અને બાંધણી એવી હતી કે કોઈને પણ એની ભવ્યતા સ્પર્શ્યા વગર ના રહે. એના મૂળ માલિક રાજા કર્મવીરસિંહ તો ક્યારનાય એને વેચીને વિદેશમાં રહેવા જતા રહેલા અને હાલ આ મહેલ શહેરના ધનાઢય બિઝનેસ મેન કે.કે.દિવેટિયાની માલિકી હતો.

કે.કે. પાસે જરાય સમય નહતો આ મહેલને જોવા આવવાનો, એમણે તો અહીંયા ભવિષ્યમાં આલીશાન રિસોર્ટ બનાવી શકાય એમ વિચારીને જ આ મહેલ લીધેલો પણ કે.કે.ના એકના એક લાડકા પુત્ર કબીરને આ મહેલ અને એનું લોકેશન ગમી ગયેલું.

કબીર એક બિન્દાસ્ત જીવ હતો. દોસ્તો સાથે પાર્ટી કરવી, અવનવા અખતરા કરવા એને ગમતા. ક્યાંય સીધી રીતે બેસી રહેવું એના સ્વભાવને માફક જ નહતું આવતું. કોઈ ને કોઈ ખતરો જીવનમાં આવે ત્યારે જ એને મજા આવતી અને જ્યારે સીધી રીતે જીવનમાં ખતરો ના આવે ત્યારે એ એવા ખતરા ઊભા કરતો....

આજે પણ કબીર એના દોસ્તો સાથે એક ખતરાનો સામનો કરવા જ આ મહેલમાં આવ્યો હતો. એણે ક્યાંકથી જાણેલું કે સોનપૂરના મહેલની પાછળ આવેલા જંગલમાં એક વરસો જૂની માતાજીની દેરી છે અને દર વરસે ફગલ સુદ પૂનમની રાતે એ દેરીમાં એક વાઘ આવે છે! એ વાઘ સામાન્ય જંગલી પ્રાણી નથી પણ કોઈ વિકરાળ રાક્ષસ છે જેને માતાજીએ સેંકડો વરસો પહેલા ભયંકર લડાઈ કરીને હરાવેલો. પોતાના પ્રાણ સંકટમાં આવી ગયા છે એમ લાગતા જ એ રાક્ષસ માતાના પગમાં પડી ગયેલો અને જીવનદાનની ભીખ માંગેલી.

કહે છે ને મા આખરે મા હોય છે! પોતાના સંતાનને શિક્ષા કરવા ગમે તેટલી કઠોર થઈ શકે પણ જેવું સંતાન માફી માંગે કે તરત એનો ગુસ્સો હવામાં ઓગળી જાય અને એ માફી આપી દે. અહીંયા પણ માતાજીએ એ રાક્ષસને માફ કરેલો અને એને માનવીની દુનિયાથી દૂર જઈ વસવા હુકમ કરેલો.
રાક્ષસ એ વખતે માતાની બધી વાત માનવા તૈયાર થઈ ગયેલો. એણે વચન આપ્યું કે એ હંમેશા માટે માનવ વસ્તીથી દુર ચાલ્યો જશે પણ આજના દિવસની યાદગીરી રૂપે એ દર વર્ષે ફક્ત આજના દિવસે, ફાગણ સુદ પૂનમને દિવસે આ જંગલમાં આવશે અને માતાજીની પૂજા અર્ચના કરશે. કોઈ એને જોઈને ભય ના પામે એટલે એ રાક્ષસ રૂપે નહિ પણ વાઘ રૂપે આવશે અને આખી રાત મંદિરમાં પૂજા કર્યા બાદ સવારે ચાલ્યો જશે.

એ વખતે માતાજીને આ વાતમાં કંઈ ખોટું નહતું લાગ્યું અને એમણે એની વાત મંજૂર રાખેલી... પણ એ એક નાટક હતું રાક્ષસનું માતાજીને છેતરવાનું અને એ સમયે બચીને ભાગી નીકળવાનું...હકીકતે એ વાઘ રૂપે જંગલમાં આવીને કોઈ નિર્દોષ માનવને એનો શિકાર બનાવતો. આસપાસના ગામમાં ઘૂસી જઈ કેટલાય માણસો, પ્રાણીઓને હણી નાખતો અને સવાર થતાં સુધીમાં તો લોકો ત્રાહિમામ પોકારી ઉઠે એટલું ક્રૂર વર્તન કરી ચાલ્યો જતો. જે કામ એ હવે રાક્ષસ રૂપે ન હતી કરી શકતો એને એ વાઘ રૂપે સરળતાથી કરી શકતો હતો. એનો રાક્ષસી સ્વભાવ લોહી જોઈને જ ખુશ થતો અને અહીંયા વાઘ રૂપે એ ભરપૂર લોહી વહાવી શકતો હતો. બધા માણસો એને જોઈને જ ડરી જતાં અને દૂર ભાગતા એ એના માટે સૌથી સારી વાત હતી. માણસો એને જોઈને સૂકા પાંદડાંની જેમ ધ્રુજવા લાગતા એ જોઈ એની હેવાનિયત વધારે જોશમાં આવી જતી.

એની આ નાલાયકી માતાની જાણમાં આવતા જ એમનો ક્રોધ ભભૂકી ઉઠેલો અને એમણે એને શ્રાપ આપેલો કે ફાગણ સુદ પૂનમનો ચાંદ જ્યારે આકાશમાં શોળે કળાએ ખીલ્યો હોય ત્યારે એ ચાંદનીમાં જે કોઈ માનવી હિંમત કરી એ વાઘનો શિકાર કરશે એનામાં અપાર બળ અને બુધ્ધિ આવી જશે. આખી દુનિયામાં કોઈ એનો મુકાબલો નહિ કરી શકે! સ્વયં માતાજી એના આ કાર્યમાં એની સહાય કરશે.
ક્રમશ.