Pentagon - 2 books and stories free download online pdf in Gujarati

પેન્ટાગોન - ૨


(સોનાપુરનો મહેલ ચાંદની રાતમાં ચમકી રહ્યો છે જ્યાં કબીર એના દોસ્ત સાથે મજા કરવા આવ્યો છે. એની જાણમાં મહેલની પાછળના જંગલમાં આવેલી માતાજીની દેરી અને વાઘનું રહસ્ય આવે છે અને...)

રાતના આઠ વાગી ગયેલા. મહેલના રસોડામાં આજે લાંબા સમયે અવનવા ભોજનની સોડમ રેલાઈ રહી હતી, માંસાહારી ભોજનની!

“માલિક જમવાનું તૈયાર છે." મહેલમાં કામ કરતો રઘુ કબીર અને એના ત્રણ દોસ્ત બેઠા મજાક મસ્તી કરી રહ્યા હતા એ બેઠકખંડમાં આવીને કહી રહ્યો હતો.

“શું બનાવ્યું છે? કંઇક મજા આવે એવું કે જંગલમાં મળતા ઝાડ પાંદડા ખાઈને પેટ ભરવાનું છે?" સાગરે રઘુ સામે જોઇને સહેજ કરડા અવાજે પૂછેલું.

“અબે જરા પ્રેમથી વાત કર. બિચારો ગભરાઈ ગયો!" સન્નીએ હસીને કહ્યું અને જાણે એણે કોઈ મોટી જોક મારી હોય એમ ચારે મિત્રો હસી પડ્યા.

“મરઘી પકાવી છે માલિક. જંગલની દેશી મરઘી. ધ્યાન રાખજો ખાતા ખાતા તમારા આંગળા ના ચાવી જાઓ." રઘુ અજબ શાંતિ સાથે બોલ્યો હતો. કદાચ બધા ભેગા થઈ એની ઉપર હસ્યા એ એને ગમ્યું નહતું. એના બદલાયેલ લક્ષણ જોઈ ક્યારનોય શાંત બેઠી રહેલો રવિ બોલી ઉઠ્યો,

“હા, હા અમે આવીએ છીએ." રઘુ જેવો ગયો કે તરત જ રવિએ કબીર સામે જોઈને કહ્યું, “આ તારો નોકર જોયો? એની સ્ટાઇલ કેવી હતી વિરાના ફિલ્મના પેલા લુચ્ચા નોકર જેવી! એ માણસ અંદરથી ઉકળી ઉઠેલો અને તોય કેવી શાંતિથી બોલ્યો."

“અબે તને એની અંદરનું પણ દેખાય જાય છે? તારી આંખોમાં શું એક્ષરે મશીન ફિટ કરેલું છે?" સાગરે વચ્ચેથી રવિની વાત કાપતા કહ્યું. સાગર આમેય બેફિકરો અને શરીરે મજબૂત માણસ હતો. એના મસલ પાવર ઉપર એને ભરોસો હતો અને એના જોરે જ એ કોઈની પણ સામે બાથ ભીડી લેતો.

“માણસ ખાલી જીભથી નથી બોલતો. તમે લોકો ફક્ત અવાજ સાંભળો છો હું એની બોડી લેન્ગવેજ જોવું છું! અવાજ સાથે બદલાતો રણકાર સાંભળું છું અને મારી વાત યાદ રાખજો એ માણસ ખંધો છે." રવિ ગંભીર થઈને બોલેલો. રવિ નાજુક બાંધાનો અને રૂપાળો કહી શકાય એવો છોકરો હતો. એ થોડો ડરપોક પણ વિચારશીલ માણસ હતો.
આ બધાનું સાંભળીને ક્યારનોય ચૂપ બેઠી રહેલો કબીર ઊભો થયો અને કહ્યું, “આપણે રાત્રે જંગલમાં જઈ વાઘનો શિકાર કરવાનો છે અહીંયા આ નોકરનો નહિ! હવે જમવા જઇશું?" કબીર પુરા છો ફૂટ ઊંચો, પાતળો અને ઘાટીલો યુવાન હતો. એનું મક્કમ મનોબળ એની બોલ ચાલ પરથી સાફ સાફ દેખાઈ આવતું. ગર્ભશ્રીમંત માબાપનું એકનું એક સંતાન હોવાના બધા લક્ષણ એનામાં હતા. પહેલી નજરે જોતા જ એ કોઈ ખાસ માણસ છે, દુનિયાની ભીડથી અલગ એવી છાપ પડતી.

બધા હસતા હસતા ઊભા થયા અને જમવાના ટેબલ પર ગોઠવાયા. રઘુએ બધાનાં માટે પ્લેટ્સ લગાવી દીધી હતી. ખાવાનું ખરેખર ટેસ્ટી હતું. સવારના ભૂખ્યા ચારે દોસ્તો કહો કે ભોજન ઉપર તૂટી પડ્યા.

અચાનક ખાતા ખાતા સાગરની આંગળીઓ એના જ દાંત નીચે આવી ગઈ. “આહ..." એક હળવી ચીસ એના મોઢેથી નીકળી ગઈ.

“શું થયું સાગર?" રવિએ પૂછ્યું.

“મારી આંગળી દાંત વચ્ચે આવી ગઈ." સાગર એની બીજા નંબરની આંગળી સામે જોતા બોલ્યો, “આજ સુધી મારી સાથે આવું ક્યારેય નથી થયું, ખબર નહિ આજે,"

કોઈ કંઈ બોલ્યું નહિ. બધા સાગરની આંગળી તરફ જ જોઈ રહ્યા હતા. એની આંગળી પર દાંતનું લાલ નિશાન પડી ગયેલું અને એ નિશાન હલી રહ્યું હતું. એ લાલ થયેલી ચામડી ઉપર નીચે થઈ રહેલી... બધાની નજર એ કૌતુક ઉપર જ મંડાયેલી હતી અને અચાનક એ ચામડી સહેજ ફાટી...એક, બે અને પછી સતત ટપક ટપક કરતું લોહી પડવા લાગ્યું!
બધે બધા થોડા ગભરાઈ ગયા હતા. બરાબર એ જ વખતે રઘુએ સાગરની આંગળી પર સફેદ રૂમાલ નાખ્યો અને નાનકડો કટ હતો એ ભાગ ઉપર એની આંગળી દબાવી રાખી.

સાગરના મોઢામાંથી આહ... નીકળી ગયું.

“થોડી જ વારમાં લોહી બંધ થઈ જશે. તમારા દાંત બહુ તેજ લાગે છે, કોઈ જંગલી વાઘ જેવા!" ફરીથી રઘુએ એક એક શબ્દ વચ્ચે જગ્યા છોડી શાંતિથી કહ્યું હતું. આ વખતે પણ બધા ચૂપ રહ્યા.

જમવાનું પતી ગયા બાદ બધા પોતપોતાના રૂમમાં જઈ તૈયાર થઈ આવ્યા. રાત્રે જંગલમાં ઠંડી વધી જવાની શક્યતા હતી એટલે અને જંગલના જીવડાઓથી બચવા માટે પણ આખું શરીર ઢંકાયેલું રહે એવા જાડા કપડાં જરૂરી હતા.

રાતના લગભગ દસ વાગી ગયા હતા. સોનાપુરની હવેલીનો બેઠક ખંડ રોશનીથી ઝળહળી રહ્યો હતો. ચારેય મિત્રો ત્યાં સોફામાં બેઠા કબીર કંઈ કહે એની રાહ જોઈ રહ્યા હતા. બધા આવી ગયા એટલે ક્યારનોય શાંત રહેલો કબીર હરકતમાં આવી ગયો.

“સાગર, રવિ અને સન્ની આપણે ચારે જંગલમાં સાથે જ રહીશું. એકલા માણસ ઉપર જંગલી પ્રાણી જલદી હુમલો કરે છે. એક અગત્યની વાત, વાઘ ક્યારેય માણસ ઉપર સામેથી હુમલો નથી કરતો એ પાછળથી જ વાર કરશે. એના એ વારથી બચવા માટે આપણે ચહેરા પાછળ આ માસ્ક બાંધી રાખીશું." કબીર કહી રહ્યો હતો ત્યારે જ રઘુએ આવીને ચાર માસ્ક કબીરની આગળના ટેબલ ઉપર મૂક્યા.

સન્નીએ એક માસ્ક ઉઠાવ્યું. એ કોઈ જંગલી આદિવાસી માણસ જેવો ચહેરો હતો. સન્નીએ એ માસ્ક એના મોઢા આગળ મૂક્યું, એનું રબર માથા પાછળ લઈ જઈ એ માસ્ક એના ચહેરા પર ચપોચપ આવી જાય એમ ફિટ કર્યું અને જંગલી માણસો જેવો, “જીંગાલાલા...હું હું, જીંગાલાલા...હું..હું" જેવો અવાજ કર્યો. સન્ની ભારે શરીરવાળો લગભગ જાડિયો કહી શકાય એવો હતો અને આ જંગલી માસ્ક સાથે એનું ભરાવદાર શરીર બરાબર મેચ થતું હતું.

રવિ કબીરની વાતો અને આગળ જે કંઈ બન્યું એનાથી થોડો થોડો ગભરાયેલો હતો એમાં સન્નીની આ મસ્તી એને ના ગમી, “મુકને યાર તું પણ શું નાના છોકરાઓ જેવી હરકતો કરે છે!"

સન્ની એનું માસ્ક કાઢવા ગયો પણ એને એમાં તકલીફ પડી રહી હતી. એણે પાછળથી માસ્કનું રબર ખેંચીને આગળ લાવી દીધું અને બે હાથે માસ્ક પકડી એના ચહેરાથી દૂર ખેંચી રહ્યો હતો...“આ મારા મોઢા પરથી દૂર નથી જઈ રહ્યું, આહ...આ મારી ચામડી સાથે ચોંટી ગયું છે..આહ..!" સન્ની બૂમો પાડી રહ્યો હતો.

બધાની હાલત કાપો તો લોહી ન નીકળે એવી હતી. કબીર રઘુ સામે જોઈ રહ્યો. આ માસ્ક એ જ લાવ્યો હતો. એની નજર પારખીને રવિ ઘાંટા પાડવા લાગ્યો,

“આ માણસ ગરબડ છે, એ આપણને ફસાવી દેશે. આની ઉપર વિશ્વાસ ના મુક કબીર."

આ બધું થોડીક જ મિનિટોમાં બની ગયું. સાગર આગળ વધ્યો અને કબીરનું માસ્ક પકડી ખેંચવા લાગ્યો. એ ખરેખર નીકળી નહતું રહ્યું. સાગરે થોડુક જોર કર્યું અને એ માસ્ક નીચે પડી ગયું. માટીનું બનેલું એ માસ્ક તૂટી ગયું હતું ...
ક્રમશ..