Angat Diary - Master Plan books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - માસ્ટર પ્લાન

અંગત ડાયરી
============
શીર્ષક : માસ્ટર પ્લાન
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૧૨, એપ્રિલ ૨૦૨૦, રવિવાર

ક્યા કારણોથી ને કોના પ્રતાપે
તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

નાનપણમાં જયારે પણ પૂછવામાં આવ્યું હોય કે ‘મોટો થઇને તારે શું બનવું છે?’ ત્યારે દર વખતે આત્મવિશ્વાસ સાથે અને બુલંદ અવાજે ‘ડોક્ટર’ શબ્દ ઉચ્ચારનાર વ્યક્તિ જિંદગી આખી કોઈ ફેક્ટરીમાં અકાઉન્ટ લખતો હોય, પાયલટ બનવા ઈચ્છતો વ્યક્તિ મ્યુઝિક ડાયરેક્ટર બની ગયો હોય, રેલ્વેમાં ટી.ટી. બનવાનું સ્વપ્ન સેવતો વ્યક્તિ ક્રિકેટર તરીકે રમ્યે રાખે, જેની સાથે લવમેરેજ કરવા માતા-પિતા અને સમાજ સામે બંડ પોકાર્યું હોય તેની સાથે છુટાછેડાનો કેસ ચાલતો હોય ત્યારે એક પ્રશ્ન બહુ ઊંડેથી થતો હોય છે: ક્યા કારણોથી ને કોના પ્રતાપે..?

ગમે તેટલું ઝીણવટથી મિનિટે મિનિટનું પ્લાનિંગ કર્યું હોય, ગમે તેટલી તકેદારી રાખી હોય, તોયે સો ટકા તમારા પ્લાનિંગ મુજબ જ બધું થાય એવું બનતું નથી. ગમે તેટલા આયોજન કરો, લગ્નમાં કોઈ સગું તો વટકીને બેઠું જ હોય, પ્રવાસમાં એકાદું સ્થળ તો કેન્સલ કરવું જ પડ્યું હોય, ક્યાંક તો, કશુંક તો પ્લાનિંગથી જુદું થતું જ હોય છે.

એવું નથી કે દર વખતે પ્લાનિંગમાં થતી ‘ગરબડ’ નેગેટીવ જ હોય, ક્યારેક માર્ગ ભૂલેલી ગાડી કોઈ અકલ્પ્ય, અદભૂત મંઝિલ સુધી પણ પહોંચાડી દેતી હોય છે. "અમે તો કદી ધાર્યું પણ નહોતું કે અચાનક જ આવડો મોટો લાભ અમને મળી જશે." એવું ઘણાં લોકોના મોંએ સાંભળ્યું હશે. કોઈ મહાન સંતના ચરણ સ્પર્શનો, કોઈ ફિલ્મસ્ટાર સાથે સેલ્ફી લેવાનો કે કોઈ પ્લાનિંગ વગર શરુ થયેલી ફેમિલી મહેફિલ આખી રાત જામી જવાનો અચાનક કે અનપ્લાન્ડ લ્હાવો આપણે સૌએ માણ્યો જ હશે. ક્યા કારણોથી ને કોના પ્રતાપે...?

ક્યા કારણોથી ને કોના પ્રતાપે? એ પ્રશ્નનો એક જ જવાબ ધ્યાનમાં આવે છે: તમારા પ્લાનિંગની ઉપર એક માસ્ટર પ્લાનિંગ કામ કરતું હોય છે. તમારું પ્લાનિંગ જેટલા અંશે એ માસ્ટર પ્લાનિંગ મુજબનું હોય એટલું તમને સાનુકુળ કે અપેક્ષિત બનતું લાગે જયારે તમારા પ્લાનિંગમાં ન હોય એવા માસ્ટર પ્લાનિંગના અંશો તમને ચોંકાવનારા, હસાવનારા કે રડાવનારા લાગતા હોય છે. આ અદૃશ્ય માસ્ટર પ્લાનિંગ કરનાર શક્તિ પણ બહુ મોટી માસ્ટર માઈન્ડ છે. એના પ્લાનમાં કશું જ નિર્હેતુક નથી, નથી મેઘ ધનુષ્ય નિર્હેતુક કે નથી ધરતીકંપ, નથી ત્સુનામી નિર્હેતુક કે નથી વિશ્વયુધ્ધો નિર્હેતુક. બધું જ પ્રિ-પ્લાન્ડ, વેલ પ્લાન્ડ અને માઇક્રોપ્લાન્ડ છે અને પર્પઝફુલી છે.

ઊંડે ઊંડે એવી પણ શ્રદ્ધા વધતી જાય છે કે મોટે ભાગે અન-પ્લાન્ડ (UNPLANNED) દિવસો, પ્રવાસો કે મહેફિલો વધુ મોજમસ્તી વાળા હોય છે. જયારે તમે અન-પ્લાન્ડ હો છો ત્યારે માસ્ટર પ્લાનના સરપ્રાઈઝમાં આસાનીથી પરોવાઈ શકો છો, એમાં ખોવાઈ શકો છો.

આપણા સંતો એટલે જ કહી ગયા, ‘રામ રાખે તેમ રહીએ.’ છૂટકો જ નથી. ‘રામ રાખે’નો અર્થ (મારી દૃષ્ટિએ) માસ્ટર પ્લાનમાં નક્કી થયેલી આપણી ભૂમિકા રાજીખુશીથી ભજવવી. યાદ રહે, ભૂમિકા તો નક્કી જ છે. તમારા હાથમાં માત્ર એટલું જ છે કે એ ‘રાજીખુશીથી ભજવવી છે’ કે ‘રોદણાં રડતાં રડતાં’ એ તમે નક્કી કરી શકો છો. સાત્વિક વ્યક્તિ રાજીખુશીથી રમે છે, તામસી વ્યક્તિ લડતા-ઝઘડતા, બીજો કોઈ જ ફર્ક નથી.

૫૦૪ કલાક એટલે કે ૩૦,૨૪૦ મિનીટ એટલે કે ૧૮,૧૪,૪૦૦ સેકન્ડ એટલે કે એકવીસ દિવસનું લોકડાઉન અંગેનું પ્લાનિંગ કોની વર્ષ ૨૦૨૦ની ડાયરીમાં હતું? ના, નરેન્દ્રભાઈ મોદીની ડાયરીમાં પણ નહોતું કે શી જિનપિંગની ડાયરીમાં પણ નહીં. જો જાન્યુઆરી-ફેબ્રુઆરીની પ્લાનબુકમાં (કે માઈન્ડમાં) માર્ચ-એપ્રિલ-મેના પ્લાનિંગ જોવામાં આવે તો કોઇકે એન્ગેજમેન્ટ સૅરેમની ગોઠવી હતી, તો કોઇકે નવી કારનું લેવાનું, કોઇકે પુસ્તકનું વિમોચન તો કોઇકે નવા બંગલાનું વાસ્તુ પૂજન, કોઇકે પ્રેમનો પ્રસ્તાવ મૂકવાનું તો કોઇકે છુટાછેડા લઈ લેવાનું વિચારી રાખ્યું હતું. પણ... એક્શન, ડાયલોગ અને લોકેશન બધું જ બદલાઈ ગયું.

હજુ ઘણાં લોકો લોકડાઉન ખૂલે પછી શું શું કરવું છે એના પ્લાનિંગ કરી રહ્યા છે.
એમને શું કહેવું?
શ્રદ્ધા પૂર્વક બે હાથ જોડી, પરમ કૃપાળુ પરમાત્મા પાસે, માસ્ટર માઈન્ડ પાસે ઊભા રહી, એની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારતા, એક વાર મોટા અવાજે ‘જો તુમકો હો પસંદ વો હી બાત કરેંગે, તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે..’ આખું ગીત ગાઈ જુઓ. એમાંય એની છબી સામે જોઈ ‘દેતે ન આપ સાથ તો મર જાતે હમ કભી કે, હમ જિંદગી કો આપકી સૌગાત કહેંગે...’ પંક્તિ ગાશો ત્યારે આ લોકડાઉન પાછળ એણે કઈ મોટી અને કીંમતી સૌગાત તમને આપી છે એ કદાચ.. દેખાય પણ ખરી.
જો દેખાય તો અમને પણ શેર કરજો.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)