Sukhad medaap - 1 books and stories free download online pdf in Gujarati

સુખદ મેળાપ - 1

મિહિર ત્રિપાઠી, લેખન ક્ષેત્રનું પ્રખ્યાત નામ અને પોતાનામાં ખોવાયેલા રહેવા માટે પણ પ્રખ્યાત. મિહિર ત્રિપાઠી નું ફક્ત લેખન જ નહિ પણ વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી છે. જેટલું જાણીતું એમનું નામ છે એટલું જ અંતર્મુખી સ્વભાવ, બહુ ઓ લોકો કળી શકે એટલું રહસ્યમયી. કોઈને જલ્દી મળે નહિ અને એ એમને મળે એ એમનાથી પ્રભાવિત અવશ્ય થાય. છતાંય ઘણા લોકો એ એમના વિશે વાત કરતાં ડરતા તો ઘણા લોકો સામેથી એમના વાતો કરતા. ખબર નહિ એ માણસમાં એવું તો શું છે જે જાણવું મુશ્કેલ છે અને એના માટે જ એક પત્રકાર ઘણા સમયથી મહેનત કરતી અને આજે એણે સફળતા મળી હતી. આજે બપોરે મિહિર ત્રિપાઠી ઇન્ટરવ્યુ આપવા તૈયાર થયા હતા. એણે આજે મહા મહેનતે સફળતા મળી હતી.

મિહિર ત્રિપાઠી પોતે અસમંજસમાં હતા કે પોતે આ ઇન્ટરવ્યુ આપવા માટે તૈયાર કેમ થયા? પણ ખબર નહિ એ પત્રકારને જોઈને કોઈની યાદ આવી ગઈ. સ્મૃતિને જોઈને એમ જ લાગે કે જાણે એ સામે આવી ગઈ. એવું જ વ્યક્તિત્વ, એવી જ ચપળતા, એવી જ નિખાલસતા અને એવી જ સુંદરતા. એણે ઇન્ટરવ્યુ માટે પૂછ્યું અને ના ન પાડી શક્યા. હવે અફસોસ કરવાથી શું થાય, ઇન્ટરવ્યુ તો આપવો જ પડશ પણ બને એટલા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળી દેવું એમ વિચારી રહ્યા હતા પણ એ શકય નહોતું.

સવારથી પોતાના ઘરના આરામખંડમાં આટા મારી રહ્યા હતા પણ મન અશાંત હતું. સવારથી બેચેની મહેસૂસ થતી હતી, કોઈ કામમાં મન નહોતું લાગતું. સવારનો નાસ્તો પણ પ્લેટમાં એમનો એમ જ હતો અને બગીચામાં ગયા પણ ફૂલોની માવજત કરવાની ઈચ્છા પણ ના થઇ. બસ બાજુમાં રાખેલ બાંકડા પર બેસી રહ્યા અને પોતાના જ વિચારોમાં ખોવાયેલ હતા. જ્યારે નીતીશ બોલાવવા આવ્યો ત્યારે ખબર પડી કે ૧૨:૦૦ વાગી ગયા અને જમવાનો સમય થયો એટલે ઘરમાં પાછા ગયા બાકી બગીચામાં બેસી રહેતા અને સમયનું ભાન ના રહેતું, આવી રીતે ઘણો સમય વિતાવ્યો હતો. જમવાનું મન તો નહોતું પણ છતાંય અંદર ગયા અને જમવા બેઠા, ઈચ્છા ના હોવા છતાં થોડું જમી લીધું, નીતિશની ખુશી માટે. નીતીશ નારાજ થાય એ એમણ બિલકુલ પણ પસંદ નહોતું.


નીતીશ, મિહિર ત્રિપાઠીના જીવનનો આધાર છે એમ કહો તો પણ ચાલે, નીતીશ મિહિર ત્રિપાઠીના જીવનનું કેન્દ્ર છે. કદાચ નીતીશના કારણે જ મિહિર ત્રિપાઠી જીવી રહ્યા હતા. નીતીશના આવ્યા પછી જ મિહિર ત્રિપાઠી જીવવાનું શીખ્યા હતા. એક નાના બાળકે એક પુખ્તવયના પુરુષને સંભાળ્યા હતા અને હજી પણ સંભાળી રહ્યો હતો. હા નીતીશ, મિહિર ત્રિપાઠીનો દીકરો, પોતાનો નહિ પણ પોતાનાથી પણ વધારે અને દરેક વાતમાં પોતાની મનમાની કરતો ખાસ કરીને મિહિર ત્રિપાઠીના વિષયમાં. નીતીશના આવ્યા પછી જ મિહિર ત્રિપાઠી, લેખક ત્રિપાઠી બન્યા હતા.

મિહિર ત્રિપાઠી એમ તો ગંભીર વ્યક્તિ છે પણ આજે કંઇક વધારે ચિંતામાં હોવાથી નીતિશથી રહેવાયું નહિ અને પૂછી જ લીધું.

નીતીશ : પપ્પા, આજે તમને શું થયું છે? કેમ આટલી ચિંતામાં છો?

મિહિર ત્રિપાઠી : કંઈ નહિ બેટા, બસ આજે મન નથી લાગતું, સવારથી બેચેની જેવું લાગે છે.

નીતીશ : મને લાગે છે તમે કદાચ આ ઇન્ટરવ્યુ ના કારણે ચિંતામાં છો અને હા તમે ના પણ કહી શકતા હતા પણ તમે હા કહી ત્યારે જ મને નવાઈ લાગી હતી.

મિહિર ત્રિપાઠી : એવું કંઈ જ નથી બેટા અને હા, આ ઇન્ટરવ્યુ માટે તું પહેલાથી ના પાડે છે. કેમ? તું દર વખતે જીદ કરતો હોય છે કે હું કોઈ સાથે વાત નથી કરતો તો આ વખતે ના કેમ પાડે છે?

નીતીશ : એવું કંઈ નથી પપ્પા, હું તો બસ એમ જ.

આટલું કહી નીતીશ ત્યાંથી જતો રહે છે પણ મિહિર ત્રિપાઠીને આજે નીતીશ બદલાયેલો લાગ્યો અને જ્યારથી આ ઇન્ટરવ્યુની વાત ચાલુ થઈ છે એ ત્યારથી જ કંઇક અલગ જ વ્યવહાર કરતો હતો. મિહિર ત્રિપાઠી જાણતા હતા કે એ હમણાં કઈ નહિ કહે એનું મન થશે ત્યારે એ સામેથી કહી દેશે અને પછી ઇન્ટરવ્યુની તૈયારી કરવા માટે પોતાના સ્ટડી રૂમમાં ચાલ્યા ગયા. ખબર નહિ આજે ત્યાં પણ એમને શાંતિ નહોતી મળતી, ચિંતા ઇન્ટરવ્યુની નહોતી પણ સ્મૃતિનો સામનો કરવાની હતી. આખરે હવે એનો સામનો કરવો જ રહ્યો એટલે ઇન્ટરવ્યુ માટે તૈયારી કરવા લાગ્યા.

- કિંજલ પટેલ (કિરા)