Sukhad medaap - 5 books and stories free download online pdf in Gujarati

સુખદ મેળાપ - ૫

એ દિવસે કોફી પણ અમૃત જેવી લાગતી હતી. જ્યારે અમે બંને સાથે કોફી પી રહ્યા હતા ત્યારે અચાનક મને એક ખ્યાલ આવ્યો, એમ તો અમારી વચ્ચે કોઈ સંબંધ નહોતો પણ એવું નહોતું કે કઇ પણ નહોતું. બસ આમ નામ વિનાનો સંબંધ આમ ખાસ થઇ જશે એવું ક્યારેય વિચાર્યું નહોતું. અમારી વાતો અને મિલકતોનો દોર આમ જ ચાલતો રહ્યો અને દિવસો અને મહિનાઓ વીતી ગયા ખબર જ ના પડી અને આખરે કોલેજના છેલ્લા વર્ષના અંતિમ પડાવમાં અમે આવી પહોંચ્યા. પરીક્ષાનો છેલ્લો દિવસ હતો અને મે હિંમત કરીને એણે મારા દિલની વાત કહેવાનું નક્કી કર્યું. કદાચ એ દિવસે એ નિર્ણય ના લીધો હોત તો આજે જીવન કંઇક અલગ જ હોત.

એ દિવસે એ જ કોફી શોપમાં, એ જ ટેબલ પર અમે બંને નક્કી કર્યું. મને કઈ જ ખબર નહોતી પડતી કે વાતની શરૂઆત કેવી રીતે કરવી. હું અડધો કલાક પહેલાંનો કોફી શોપમાં આવી ને ગોઠવાઈ ગયો હતો, બધા દોસ્તોને રાતે મળું એમ કહીને આવ્યો હતો પણ એમ લાગતું હતું જાણે આ દિવસ આમ જ રહે, સૂરજ આથમે જ નહિ અને અમે બંને આમ સાથે રહીએ. એ વિચારતો વિચારતો હું એની રાહ જોઈ રહ્યો હતો.

આખરે મારી પ્રતીક્ષાનો અંત આવ્યો અને મારી નજર એના પર પડી, મારા શ્વાસ ત્યાં જ થંભી ગયા. લાલ અને કાળા રંગના સલવાર કુર્તામાં એ ખૂબ જ સુંદર લાગી રહી હતી. એના આવતાની સાથે જ જાણે બધું બદલાઈ ગયું હોય એમ લાગ્યું. જાણે બસ એ જ છે જે હવે મારી દુનિયામાં જેના માટે હું કઈ પણ કરવા તૈયાર હતો. એ હળવેથી આવી મારી સામે ખુરશી પર ગોઠવાઈ અને અમે કોફીનો ઓર્ડર આપ્યો.

દર વખતની જેમ એણે પોતાની મનપસંદ સ્ટ્રોંગ કોફી મંગાવી અને મે માટે એકદમ લાઈટ મંગાવી. કોફી આવી ત્યાં સુધી બસ ઔપચારિક વાતો થતી રહી. કોફી આવ્યા બાદ પહેલીવાર એવું બન્યું કે એણે કોફીને હાથ પણ ના લગાવ્યો. એના ચહેરા પર કોઈ જ હાવભાવ નહોતા, હાલ હું સમજી નહોતો શકતો કે એના મનમાં ચાલી શું રહ્યું હતું. એણે એના મનની વાત છુપાવતા બહુ સારી રીતે આવડતું હતું અને એટલે મે એણે કઈ જ ના પૂછ્યું. હજુ હું કઈ કહું એ પહેલા જ એણે મને કહ્યું,

"કદાચ આ આપણી છેલ્લી મુલાકાત હશે અને મિહિર, હવે આપણે ક્યારેય નહી મળીએ."

આ સાંભળી પહેલા તો મને મારા કાન પર વિશ્વાસ ના થયો અને એમ લાગ્યું જાણે કોઈએ મારા ગળામાંથી અવાજ ખેંચી લીધો. હું કઈ જ બોલી શકવાની સ્થિતિમાં નહોતો જાણે બધા જ શબ્દો મારા ગળામાં જ રૂંધાઇ ગયા હોય. હું એ જ વિચારી રહ્યો હતો કે અચાનક જ એ કહી દે કે ફક્ત એક મજાક હતો અને તરત જ મને ગળે લગાવી લે. પણ એના ચહેરાના હાવભાવ બીલકુલ પણ ના બદલાયા એટલે મને ખાત થઇ ગઇ કે આ મજાક નહોતો પણ હકીકત હતી. મારા મનની સ્થિતિ જોઈ એ સમજી ગઈ એટલે તરત જ મારા હાથ પર પોતાનો હાથ રાખી એણે કહ્યું,

"હું જાણું છું મિહિર કે તારા મનમાં મારા માટે શું ભાવનાઓ છે અને હું પણ આજે તને એ જ કહેવા આવી છું કે તું પણ મારા હૃદયમાં એ જ સ્થાન ધરાવે છે જે સ્થાન તારા હૃદયમાં મારા માટે છે. કદાચ આપણ સંબંધ આટલ સુધી જ હતો, ભવિષ્યમાં કદાચ આપણે ક્યારેય નહી મળીએ અને હું તારી પાસેથી કોઈ પણ પ્રકારનો વાયદો કે વચન નથી લેવા માંગતી. બસ એટલું જરૂર કહીશ કે તું હંમેશા ખુશ રહેજે, એનાથી મને ખુશી મળશે બસ હું તારી પાસે આટલું જ માંગુ છું."

મારા મનમાં સવાલોનું ભયંકર વાવાઝોડું ચાલી રહ્યું હતું પણ હું ફક્ત એટલું જ બોલી શક્યો " કેમ?"

ત્યારે એણે એક જ જવાબ આપ્યો કે, તારા કેમનો જવાબ મારી પાસે નથી પણ કદાચ સમય જતા આનો જવાબ તને આપોઆપ મળી જશે.

- કિંજલ પટેલ (કિરા)