Angarpath - 49 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. - ૪૯

અંગારપથ.

પ્રવીણ પીઠડીયા.

પ્રકરણ-૪૯.

વિજળી ચમકે એમ એક ઝબકારો થયો અને અભિનું જેકેટ ત્રાસું ચીરાયું. જેકેટની સાથે નીચે પહેરેલું ટિશર્ટ પણ ચીરાયું. “આહ….” ન ચાહવા છતાં તેના ગળામાંથી દર્દભર્યો ઉંહકારો નીકળી ગયો અને પગ આપોઆપ પાછળ ધકેલાયા. તેની છાતીમાં લાંબો લીટો તણાયો અને તેમાથી લોહી ઉભરાયું. ટીશર્ટ લાલ રંગે રંગાયું અને છાતીમાં ભયંકર બળતરા ઉપડી. આમન્ડા તેની ધારણા કરતાં પણ વધું ઝડપે ત્રાટકી હતી. તેણે હાથમાં પકડેલા ચાકુથી અભિ ઉપર હુમલો કરી દીધો હતો. અભિ ભયંકર આશ્વર્યમાં ગરકાવ બની ગયો. આમન્ડાનું ચાકું એટલી ગજબનાક સફાઈથી ફર્યું હતું કે અભી પાસે બચાવનો સમય પણ રહ્યો નહી અને કોઇ હરકત કરે એ પહેલા તેનો સીનો ચીરાયો હતો. અભિ કંઈ વિચારે એ પહેલા આમન્ડા તેની ઉપર ઝપટી પડી હતી અને ચાકુનો ત્રાંસો વાર ઝિંકી દીધો હતો. તેના પાતળા શરીરમાં ગજબનાક સ્ફૂર્તી હતી. એ સ્ફૂર્તીનો તેણે ભરપૂર લાભ ઉઠાવ્યો હતો અને અભિ માટે પહેલો વાર જ ખતરનાક સાબિત થયો હતો. ઘડીભર માટે તો એવું જ લાગ્યું જાણે કોઈએ ઘગઘગતા સળિયાથી તેની છાતી ઉપર કાપો મૂકી દીધો હોય!! પરંતુ થોડા ફાંસલાથી તે બચ્યો હતો. તેણે પહેરેલું જેકેટ તેના કામમાં આવી ગયું. આમન્ડાએ તો તેની પૂરી તાકતથી વાર કર્યો હતો પરંતુ અભિએ પહેરેલા જેકેટનાં કારણે એ વાર જોઈએ એટલો અસરકારક નિવડયો નહી. ચાકુની ધાર જેકેટને ચિરતી તેની છાતી ઉપર લાઈન ખેંચતી ગઈ હતી અને ગંભીર ઈજાથી તે બચ્યો હતો. જો સહેજે ઉંડો ઘા થયો હોત તો ચોક્કસ તેની છાતીની નસો કપાઈ ગઈ હોત અને ગંભીર રીતે તે ઘાયલ થયો હોત. તેનાં જહેનમાં ભયંકર વંટોળ ઉઠયો. ફાટેલું જેકેટ કાઢીને તેણે ફગાવી દીધું. તેણે જોયું તો જમણાં ખભાનાં જોઈન્ટ પાસેથી છેક નાભી સુધી લાંબો લીટો પડયો હતો જેમાથી લોહી જમતું હતું.

ઘડીભર માટે તે શાંત ઉભો રહ્યો. સામે આમન્ડા તેની સામું જોઈને ઘૂરકી રહી હતી. તે બીજો વાર કરવા તૈયાર હતી. મનોમન આ પાર કે પેલે પારની ગાંઠ તેણે બાંધી લીધી હતી. પહેલા ઘાએ જ સફળ થઇ હતી એટલે તેનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને ચાકુ ઉપર પકડ મજબૂત કરી હતી. હવે તે મોકો ચૂકવા માંગતી નહોતી કારણ કે અભિમન્યુને મોકો આપવો એ મોતને આમંત્રણ આપવા બરાબર હતું. અને… ફરીથી તે ત્રાટકી. અભિ તરફ એકદમ જ ધસી જઇને તેના ચહેરા પર ચાકુનો વાર કર્યો. અભિ સાવધ હતો. ગરદન પાછળ ઝૂકાવીને તેણે વાર ચૂકવ્યો. ચહેરાની સાવ નજદીકથી ચાકું સૂસવાટાભેર પસાર થઈ ગયું. અભિએ સમયસર તેની ગરદન નમાવી ન હોત તો તેનો ચહેરો ક્ષપ્ત-વિક્ષિપ્ત બની ગયો હોત. તે થડકી ઉઠયો. આમન્ડા ભયાનક હતી. તેની આંખોમાં કાળ દેખાતો હતો. ચાકુનો વાર ખાલી જતા તે કાળઝાળ ક્રોધે ભરાઇ અને એકાએક જ પેંતરો બદલીને થોડા ડગલાં પાછળ હટી. અને એકાએક જ સરકસનાં કોઇ કલાબાજની જેમ તે પોતાના એક પગ ઉપર ઉંધી દિશામાં ગોળ ધૂમી… એ સાથે તેનો બીજો પગ ઉચક્યો અને હવામાં ઉંચો લહેરાયો. એ અભિના મોઢા ઉપર લાત મારવાની ચેષ્ઠા હતી… કોઈ ટ્રેન્ડ કરાટેબાજ જેવી કલાબાજી હતી એ. તેણે પહેરેલી ઉંચી હિલનાં સેન્ડલની અણીયાળી નોક ઉપર જ તેનું આખું શરીર ગોળ ઘૂમ્યું હતું અને તેનો બીજો પગ સૂસવાટાભેર અભિનાં ચહેરા સુધી આવ્યો. અભી સાવધ ન હોત તો એ લાત તેના ચહેરા સાથે ભયંકર ફોર્સથી અથડાઈ હોત અને તેના દાંત ઉખડીને હવામાં ઉડયાં હોત. પણ તે તૈયાર હતો. ભયાનક વેગે તેણે જમણો હાથ ઉંચો કર્યો અને હવામાં લહેરાયેલા આમન્ડાના પગ અધવચ્ચે જ રોકી લીધો અને…

આમન્ડાએ ક્યારેય સ્વપ્નેય ન વિચાર્યું હોય એવું તેની સાથે બન્યું. એ ભયાનકતાની ચરમસીમા સમાન હતું. આતંક અને હૈવાનીયતની હદ હતી. અભિએ પોતે પણ નહોતું વિચાર્યું કે આવું કંઈક બનશે. તે ફક્ત પોતાનો બચાવ કરવા માંગતો હતો જેનું પરીણામ ભયાનક આવ્યું હતું. ડગ્લાસ પણ એ દ્રશ્ય જોઈને ડઘાઈ ગયો. ઝટકાભેર તે આરામ ખુરશીમાંથી ઉભો થઇ ગયો અને ફાટી આંખે પૂલનાં કિનારે ભજવાયેલું દ્રશ્ય જોઈ રહ્યો. “હેય..…” તેના ગળામાંથી ચીખ નિકળી પડી અને ઉઘાડા ડિલે જ રીતસરનો તે આમન્ડા તરફ દોડયો. તેનાથી આપોઆપ દોડી જવાયું. તેનું હદય ઉછળીને તેના મોઢામાં આવી ગયું હતું. વિસ્ફારીત બનેલી તેની આંખો નીચે જમીન ઉપર ફસડાઈ પડેલી આમન્ડાને જોઈ રહી. આમન્ડાનાં બન્ને પગ… ઓહ ગોડ, એ ભયાનક દ્રશ્ય હતું. તેના બન્ને પગ વચ્ચેનાં ભાગેથી પહોળા થઇને ચિરાયા હતા. કશેક ભયાનક કડાકાનો અવાજ આવ્યો હતો અને પછી ઢગલો બનીને જમીન ઉપર તે પથરાઈ ગઈ હતી. એ અત્યંત લચિલી ઔરત હતી, તેની સાથે આવું બનવું લગભગ અસંભવ સમાન હતું પરંતુ જે ઝડપે અને જે ટેકનિકથી અભિએ હરકત કરી હતી એમાં તેના બન્ને પગ ફાંગા થઇને એકસો એંસી ડિગ્રીએ પહોળા થયા હતા અને જમીન સાથે સજ્જડ રીતે ચીપકી ગયા હતા. ઘડીનાં છઠ્ઠા ભાગમાં એ અસંભવ સમાન ઘટના ઘટી ગઇ હતી.

આમન્ડાનો હવામાં લહેરાયેલો પગ અભિએ તેના હાથથી અટકાવ્યો હતો અને સાથોસાથ પહોંચેથી પકડી લીધો હતો. તે એટલેથી અટકયો નહી. ભયાનક ઝનૂનથી તેણે આમન્ડાનો પગ નીચે તરફ ખેંચ્યો અને પોતે પણ થોડો પાછળ ખસ્યો. એ પોઝિશનમાં જ તેણે આમન્ડાનો પગ સીધો જ જમીન સાથે ચીપકાવી દીધો હતો. અને પછી જે કંઈ બન્યું એ કલ્પનાતિત હતું. આમન્ડાનાં બન્ને પગ વચ્ચેનાં જોઈન્ટનાં હાડકામાં કડાકો બોલ્યો હતો. એવું લાગ્યું જાણે હાડકા તેના જોઈન્ટમાંથી છૂટા પડી ગયા હોય અને તેના બન્ને પગ એક-બીજાથી અલગ થઇ ગયા હોય. આમન્ડાનાં ચહેરા ઉપર સૌ પ્રથમ જબરજસ્ત આઘાત છવાયો. તેના મગજને દર્દનો સંદેશો પહોંચે એ પહેલા તો તેની આંખો આગળ અંધકારનું સામ્રાજ્ય પ્રસર્યું. તેની બુઝાતી જતી આંખોએ ડગ્લાસને પોતાની તરફ દોડતો આવતો જોયો. અને… તે લથડી પડી. તેનું ધડ ગારાનું બનેલું હોય એમ પાછળ તરફ લૂઢકયું. તે કંઈ અનુભવે… પિડાનો અહેસાસ થાય… એ પહેલા તો તે મરી ગઈ. ભયંકર આઘાતથી તેનું હદય એ ક્ષણે જ બંધ પડી ગયું હતું અને સેકન્ડનાં છઠ્ઠા ભાગમાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. અભિ ખુદ ડઘાઈ ગયો. તેને સહેજે ખ્યાલ નહોતો કે આમન્ડા તેના હાથે આટલાં ભયાનક મોતને ભેટશે. તે તો ફક્ત પોતાની બહેન રક્ષાનાં ગુનેહગારોને શોધી રહ્યો હતો. એમાં કોઈ સ્ત્રીનું મોત તેના હાથે થશે એવું તો ક્યાંથી વિચાર્યું હોય પરંતુ હકીકત તેની નજરો સામે દેખાતી હતી. તેને ય આઘાત લાગ્યો અને તે જમીન ઉપર બેસી પડયો. તેનાં જીગરમાં અફસોસ છવાયો હતો. તે પોતે પણ બહુ ખરાબ રીતે ઘાયલ થયેલો હતો. તેની છાતીમાંથી લોહી ઉભરાતું હતું અને આખો સીનો… ટિશર્ટ લાલ રંગે રંગાઇ ગયું હતું. તેના માથામાં સણકા ઉઠતા હતા. ખભો ભયંકર લવકારા મારતો હતો. જો આમન્ડાને તેણે રોકી ન હોત તો ચોક્કસ એના હાથે તે મરાયો હોત એમાં કોઈ શંકા નહોતી. અને વળી એ કોઈ સાધ્વી ઔરત ન હતી. ડગ્લાસ જેવાં ખૂંખાર જનાવરનો જમણો હાથ હતી એ. તેના હાથ અગણિત લોકોનાં લોહીથી રંગાયેલા હતા એટલે તેના મોતનો કોઈ અફસોસ ન થવો જોઈએ પરંતુ તેમ છતાં અભિને ખટકો ઉદભવ્યો હતો. ગમગીન બનીને એ આમન્ડાનાં મૃત દેહને તાકી રહ્યો.

“યુ પે ફોર ધીસ બાસ્ટર્ડ…. યુ પે ફોર ધીસ.” ડગ્લાસ એકાએક જ ઉભો થયો હતો અને ભયંકર જનૂનથી અભિમન્યું ઉપર ધસી ગયો.

@@@

સંભાજી ગોવરીકરની કાર ગોવાનાં ડાબોલીમ એરપોર ઉપર આવીને ઉભી રહી. તે ગોવા છોડીને ભાગવાની ફિરાકમાં હતો. કારમાંથી ફટાફટ નીચે ઉતરીને સ્યૂટકેસ લઈને તેણે એરપોર્ટનાં લાઉન્જમાં પગ મૂકયો. બરાબર એ સમયે જ તેની ચારેકોર ધમધમાટી વ્યાપી ગઇ. જાણે તેની જ રાહ જોવાતી હોય એમ એકાએક લાઉન્જમાં પોલીસ અફસરોનો જમાવડો લાગી ગયો અને ગોવરીકરને ઘેરી લેવામાં આવ્યો. સંભાજી ગોવરીકર સમજી ગયો કે તેનો ખેલ ખતમ થઈ ગયો છે. તે નરમઘેંસ જેવો બની ગયો અને તેણે ગોવા પોલીસ સામે શરણાગતી સ્વિકારી લીધી. પરંતુ તેને આશ્વર્ય ઉદભવ્યું હતું કે આટલી જલ્દી પોલીસને કેવી રીતે ખબર પડી ગઈ કે તે ગોવા છોડીને ભાગી રહ્યો છે?

એ પ્લાન ગોવાનાં પોલીસ કમિશ્નર અર્જૂન પવારનો હતો. તે હવે કોઈ કચાશ છોડવા માંગતો નહોતો. તેને ખબર હતી કે ડગ્લાસને સંપૂર્ણપણે ખતમ કરવો હશે તો સંભાજી ગોવરીકરને પણ સાણસામાં લેવો પડશે કારણકે એ તેનો ક્રાઈમ પાર્ટનર હતો. ડગ્લાસને લોકલ તેના સંભાજી ગોવરીકરની સૌથી વધું ઓથ હતી. ડગ્લાસ તો ઓલરેડી ભાગી ચૂક્યો હતો એટલે હવે જો સંભાજીને પકડી લેવામાં આવે તો ગોવાનાં અંડરવલ્ડમાં ભૂકંપ આવ્યાં વગર ન રહે. એમ સમજોને કે લગભગ તેમનું સામ્રાજ્ય ધ્વસ્ત થઈ જાય. અર્જૂન પવારે હોસ્પિટલનાં ખાટલે સૂતા-સૂતા જ ઓર્ડરો છોડયા હતા. ગોવા ઉપર આધિપત્ય સ્થાપવાનો તેની પાસે ગોલ્ડન ચાંન્સ હતો જે કોઈપણ સંજોગોમાં તે ગૂમાવવા માંગતો નહોતો. પોતાના સૌથી ભરોસેમંદ અફસર જનાર્દન શેટ્ટીને તેણે ખૂલ્લો દોર આપી દીધો. શેટ્ટીને તો એટલું જ જોઈતું હતું. પવારનો ઓર્ડર મળતા જ તે ભૂખ્યા વરુંની માફક સમગ્ર ગોવામાં ફરી વળ્યો હતો અને સંભાજી ગોવરીકરની ભાળ મેળવી હતી. તેણે ગોવરીકરને ડાબોલીમ એરપોર્ટ ઉપર જ દબોચી લીધો અને સરેઆમ તેના હાથમાં હાથકડીઓ પહેરાવીને પોલીસ સ્ટેશને જવા નિકળી પડયો હતો. ચાલું જીપે જ તેણે પવારને ફોન કરીને આ સમાચાર આપ્યાં ત્યારે પવારનાં ભાંગેલા ચહેરા ઉપર ભયાનક કાતિલ મુસ્કાન ઉભરી આવી હતી.

હવે ફક્ત ડગ્લાસનાં જ સમાચારનો ઈંતજાર હતો અને તેને ખબર હતી કે તે જેવું વિચારે છે એ મતલબનાં જ સમાચાર તેને મળશે કારણકે ડગ્લાસ પાછળ તેણે અભિમન્યુને મોકલ્યો હતો. એ અભિમન્યુ કે જેના કારણે ગોવાનો આખો ઈતીહાસ બદલવાની શરૂઆત થઈ હતી. જો તેણે ગોવાની ધરતી ઉપર પગ મૂકયો ન હોત તો આટલી ભયંકર આંધી ક્યારેય ઉઠી જ ન હોત.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.