Koobo Sneh no - 34 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 34

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 34

દિક્ષા વિરાજના નામે અમ્માને પત્ર લખીને શું સાબિત કરવા માંગતી હતી એ જાણવા અમ્માએ એની આખી રૂમ ઉથલપાથલ કરી નાખી હતી.. સઘડી સંઘર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

કશું જ, કંઈ જ ન મળતાં અંતે અમ્માનો ઉત્પાત વધી ગયો હતો અને પલંગને ટેકે લમણે હાથ દઈ પછડાઈ પડ્યાં હતાં કંઈક મળવાની આશાઓને એમણે ઢીલી મૂકી દીધી હતી. ખખડધજ જૂની ખાંભી મહીં પતિ જગદીશના સ્મરણનું તૃણ ખળભળી ઊઠ્યું અને અમ્મા ભૂતકાળમાં ખોવાઈ ગયાં.

તું જ ઑમ તૂટી જયે તો.. ચ્યમનું ચાલશે કંચન? યાદ સે એકવાર મુ કૉમ પર બે દા'ડા માટે જ્યો'તો અન વિરુન તાવ ચઢ્યો'તો.. અન તિ કેટલી સાહસથી એકલા હાથે બાથ ભીડી'તી..!!? ભૂલી જઈ..?

‘હેલો..'

'હેલાવ.. વિરુના બાપુ.. મુ કંચન બોલું સુ.. હાંભરો.. વિરુને આજે ઘગઘગતો તાવ ચડ્યો સે, એને દવાખોને લઈ જાવો પડશે.. બ..ન.. એટલું જલ્દી ઘેર આવી જાજો..'

‘કંચન.. મુ અહીંથી અધુરું કૉમ સોડી ચ્યમનો આઉં.. નૅકરી હકાય એવું જ નહીં. આજની રાત અહીં જ હૂવું પડશે. ચ્યમક, પરોઢથી જ નૅહારનું ધાબુ ભરાવવાનુ કૉમ શરૂ કરવાનું સે..'

'હેલાવ... પન હાંભરો.. આમ મારી હામું તો જુઓ.. તમાર વગર દવાખોને એકલા હાથે મુ ચ્યમની ઈન લઈ જઈ હકે? '

'કંચન.. તન તો ખબર જ સે ને? મન આ કૉમમૉ હારા એવા રૂપિયા કમાવા મલવાનાં સે, આપડા હરિ સદનમૉ અધુરું રઈ જયેલું કૉમ, આ રૂપિયામૉથી તો પુરું કરવાનું સે..’

ને તું થોડી ઢીલી તો પડી જ જઈ'તી.. અન તોયે ધગધગતા તાવ વારા વિરુન તેડી તું એકલાં હાથે ત્યો નજીકના સરકારી દવાખોને પૉચી ગઈ’તી, અન ડાક્ટરે, 'વિરુન દાખલ કરવો પડશે.’ એવું કીધું'તું.. તોયે જરાય ગભરાયા વિના તી, વિરુની સારવાર શરૂ કરાઈ દીધી’તી..

આવાં સમયે પન મુ તન સાથ નો'તો આપી હક્યો અન કંચન તું એકલે હાથે રાત દા'ડો ઝઝુમતી રઈ'તી.. બે દિ’ પસી મુ આયો, ત્યાર તો વિરુ ઘરમૉ દોડમ દોડ કરતો થઈ જ્યો'તો.. એ તું ભૂલી જઈ…??.

અન જો હાંભર.. મજબૂત મનોબર ધરાવતી આ કંચન ઑમ ઢીલી પડ એ મૉન્યામૉ નઈ આવતું. તું જ ઑમ તૂટી જયે તો.. આપડો વિરુ ચ્યો સ અન દિક્ષા વહુ ચ્યમ એકલી આઈ સ, એ ચ્યોથી ખબર પડશે? એ જોણવું તો પડસ ન?? કંચન.. એ કંચન..’ અને અમ્મા, પતિ જગદીશનો પડઘો સાંભળી એકદમ વિચારોના વમળમાંથી ડૂબકીઓ મારતા લપાક કરીને બહાર આવ્યાં હતાં.

લમણે હાથ દઈને મનોમન અમ્મા બબડ્યાં,

‘હા હો..એ વાત હાચી.. દિક્ષા શું છુપાવે છે.. પહેલાં એ પાક્કું જાણવું જરૂરી છે!’ અને વહેતી ગંગા જમનાને રોકી લીધી હતી.

પલંગને ટેકે બેઠેલાં અમ્માની આંખો સાથે વિચારો પણ જાણે સીલિંગની અંદર આકા પાડી રહ્યાં હતાં અને ઓચિંતી જ એમની નજર કબાટ ઉપર પડેલી એક નાનકડી ઑફિસ બેગ પર પડી. ઝડપથી ત્યાં પડેલું ટેબલ ખેંચ્યું ને ઉપરથી બેગ ઉતારી. ચેન ખોલી હાથ નાખી ફેરવ્યો, એમના હાથ ધ્રુજી ઉઠ્યાં હતાં. બેગ ઊંધી કરી બહાર ઢગલો કર્યો.

'આ શું..?? મારા પોતાના જ લખેલાં દરેક પત્રો પોસ્ટ કર્યા વગરના..??'

બધાં જ પત્રો ઢગલો થઈને એકચિત્તે વિશિષ્ટ ગોષ્ઠિ માણી રહ્યાં હતાં, એકબીજાને સામ સામે જાણે પ્રશ્નો કરી રહ્યાં હતાં અને અમ્મા પત્રોનો મર્મ પામવા પ્રયત્ન કરી રહ્યાં હતાં.

અમ્મા આશ્રમમાં ક્યાંય ન દેખાતાં દિક્ષા બેબાકળી થઈ ગઈ હતી. આમતેમ દોડાદોડ કરી શોધ્યાં, ન મળતાં પેટમાં ફાળ પડી. આયુષ અને યેશાને બધાં બાળકો સાથે રમતાં જોઈને એણે વિનુકાકાને, એમને જોતા રહેવાનું કહીને ઝડપથી ઘરે આવવા નીકળી ગઈ. ઘરના કમાડ વાખ્યા વગરના સ્હેજ આડા જ કરેલાં હતાં, હળવેથી અંદર જઈને એણે નીચે આજુબાજુ બધે નજર ફેરવી પણ અમ્મા ક્યાંય નજરે ન ચઢ્યા, એ ઉપર દોડી.

પોતાની રૂમમાં અમ્માને જોઈને એ સઘળી બિના સમજી ગઈ અને જોરદાર ધ્રાસકો પડ્યો. અમ્મા સૂમસામ ચહેરે આંખોનું લગીરેય મટકુ માર્યા વિના બધા પત્રો સામે તાકી તાકીને એમની સાથે જાણે વાતો કરી હતાં. પત્રો તરફથી જાણે કોઈ ઉત્તરની રાહમાં બેસી રહ્યાં હતાં.

“અ..મ્મા..” દિક્ષાથી ચીસ નીકળી ગઈ. અમ્માની રડેલી ને સૂઝેલી, લાલઘૂમ આંખો જોઈને એ ગભરાઈ ગઈ હતી. સ્હેજ વારે અમ્માને આપોઆપ કળ વળી અને વલોપાત કરતાં બોલ્યાં,

“દિક્ષા વહુ કેમ!!??"

"કેમ તારે વિરાજને લખેલા મારા પત્રો પોસ્ટ કર્યા વગર.. આમ સંતાડી રાખવા પડ્યાં.?"

"શું અમારો સંબંધ તને ખટકતો હતો!?” આમ્માએ ત્રણ ચાર પ્રશ્નોની એકધારી વણઝાર છોડી દીધી હતી

રૂમનું ગામઠી ફર્નીચર, દીવાલો અને એનાં પર ટાંગેલા ફોટામાંથી કાન્હાનું મરક-મરક હાસ્ય પણ એકચિત્તે સામસામે મર્માળા હળવે હળવે પડઘા પાડતાં હતાં. બધાં જાણે કે, પ્રશ્નોનાં મારા કરી કરીને એકી સાથે દિક્ષા પર તૂટી પડ્યાં હતાં.

“ના અમ્મા.. ના..”

“તો આ શું છે?"

"આને મારે શું સમજવું?"

"શું વિરુના ઉછેરમાં મારાથી કોઈ ખામી રહી ગઈ હતી, દિક્ષા વહુ???”

દિક્ષા કંઈ પણ બોલી શકાય એવી પરિસ્થિતિમાં રહી નહોતી. બસ રડે જતી હતી. રડે જ જતી હતી.

હાથ જોડતાં કહ્યું,

“હું તારા પગે પડું છું દિક્ષા વહુ, હવે તો મને સાચી હકીકત જણાવ.!!!"

"શું તને એણે કોઈને કારણે છોડી દીધી છે?"

"તું નહીં જણાવે તો ક્યાંથી ખબર પડશે?!”

સઘળું જાણવા માટે આમ્માએ એમના બેઉં હાથો વડે, દિક્ષાના બેઉં બાવડાં ઝાલીને હચમચાવી મૂક્યાં હતાં.

"અમ્મા.."

“ક્યાંથી આવડી મોટી.. આવી તિરાડ પડી.. દિક્ષા વહુ..!!!"

"તિરાડ સાંધવું સહેલું નથી.. તો અઘરું પણ નથી દિક્ષા વહુ.."

"ઘરની તિરાડો સ્નેહના સગપણથી સાંધી લેવી હતી.."

"અનમોલ સંબંધને લાગણીના તાંતણે બાંધી દેવો હતો…”

કુદરતની આંખો પણ ભીની થઈ જાય એવું રુદન ત્યાં નીચોવાતું હતું. અમ્મા ક્યારેય આર્થિક દુઃખોની આગમાં નહોતાં ઓગળ્યા પણ અમ્માની સમતા અત્યારે ખોવાઈ રહી હતી. અને ડૂસકાંઓ ભરતી દિક્ષા ઓગળતી નહોતી. એની પાસે જાણે કોઈ શબ્દો જ નહોતા.

અમ્માના દર્દે દિક્ષાનું હૈયું ઘમઘોળી નાખ્યું હતું. એણે આંખો ઘડીક વાર બંધ કરી દીધી. આંખે અંધારા આવી ગયાં હતાં, મગજ શૂન્ય થઈ ગયું હતું, પગ તળેથી જમીન સરકી રહી હતી. અદ્દલ એ દિવસે રોડ વચ્ચોવચ, એ પોલીસ મેનની વાત સાંભળતાં વેંત થયું હતું એવું જ.

અને સ્મરણનું એક રંગીન પતંગિયુ દિક્ષાની આંખોને પાંપણે આવી બેઠું.©

ઝંખનાની છાલકો ખળખળતી રે' છે.
યાદો તૃષ્ણા પામવા સળવળતી રે' છે

મનના ખૂણા ભેદવા ત્યાં મૌન રે' છે
એટલે જીવન મહીં ટળવળતી રે' છે.© રુહાના

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 35 માં.. દિક્ષાને અમેરિકામાં વિતેલી ક્ષણો.. આપવીતી..

-આરતીસોની ©