Ek Adhuri dasta - 2 books and stories free download online pdf in Gujarati

એક અધૂરી દાસ્તાં... - 2

2.
કેવી લાંબી લાંબી વાતો થતી હતી ! રાત વીતી જતી પણ વાતો ખૂટતી નહીં. એ સમજ હતી એકબીજાની. એકમાં બે અને બેમાં એક થઈને જીવવાની. એક દિવસ અમે ‘હિલ ગાર્ડન’માં ફરતા હતા ત્યારે મેં અવિનાશને પૂછ્યું હતું...
‘અવિનાશ, તારી દ્રષ્ટિએ પ્રેમની વ્યાખ્યા શું છે ?’
‘કંઈ નહીં.’ તેણે દૂર જોતા કહ્યું હતું.
‘કેમ ?’
‘દરેક વસ્તુને વ્યખ્યાકિત નથી કરી શકાતી અનુ.’
‘એકબીજાને ચાહવું, એકબીજાને સમજવું, એકબીજાને સાથ આપવો, એકબીજા સાથે જીવવું, એકબીજાની કેર કરવી... એ ન આવી શકે પ્રેમમાં ?’
‘આટલી પાતળી વ્યાખ્યા પ્રેમની ?’
મને ત્યારે સમજાયું કે પ્રેમ વિશે તો હું કંઈ જાણતી જ નથી. મારી પ્રેમની વ્યાખ્યા કેટલી સ્વાર્થી હતી.
અવિનાશ હંમેશા કહેતો...પ્રેમને કોઈ ખાનામાં તમે ફીટ ન કરી શકો. કારણ કે તે કોઈ વસ્તુ નથી. એ માત્ર અહેસાસ છે અને અહેસાસ માત્ર પામી શકાય, અનુભવી શકાય. સમજી નહીં. સમજવા જાઓ તો એ નહીં પકડાય...
ખરેખર પ્રેમ કોને કહેવાય એ અવિનાશે મને સમજાવ્યું હતું.
સાથે રહેવું, વાતો કરવી, ફરવા જવું એ અમારો નિત્યક્રમ બન્યો હતો. અવિનાશ સાથે હોય ત્યારે બધું જ ગમતું હતું. ધીરે ધીરે અમારો પ્રેમ ખૂબ ગાઢ બનતો ગયો હતો. એ પ્રેમમાં અમે સાચા અર્થમાં જીવવા લાગ્યા હતા.
‘અવિનાશ આપણે એક ક્યારે થઈશું ?’
‘તું હજુ અલગ સમજે છે આપણને ?’
‘એમ નહીં...પણ... લગ્ન...’
‘લગ્ન બંધન છે અનુ અને હું સંબંધમાં માનું છું.’
‘તો આપણે આમ જ...’
‘કેમ, તને વિશ્વાસ નથી મારા પર ?’
‘ના. એવું નથી પણ સંબંધને કોઈ નામ-‘
‘અમુક લાગણીઓને નામ નથી આપી શકાતા અનુ...’
ક્યારેક મને એ સાવ અજાણ્યો લાગતો. જાણે હું તેને ઓળખતી જ ન હોઉં. અને એણે કહ્યું હતું...આપણે લગ્ન કરીશું અનુ... અને હું તેને બાઝી પડી હતી. એવું લાગતું હતું કે હું તેનામાં સમાઈ જાઉં તો સારું...
મારા અમે મળ્યાના પહેલા જન્મદિવસે એણે મને એક વીંટી ગીફ્ટમાં આપી હતી. જોગાનુજોગ એ દિવસે પૂનમ હતી. અને અવિનાશ મને રણમાં દોરી ગયો હતો. આકાશ જાણે સાવ નીચે ઉતરી આવ્યો હોય એવું લાગતું હતું. એ સફેદી આહલાદક હતી. ક્યાંય દૂર સુધી અમે હાથમાં હાથ નાખીએ સાથે ચાલ્યા હતા. બધું સપના જેવું લાગતું હતું.
એ જ રાતે અવિનાશે મને વીંટી પહેરાવી હતી. એ મને ખૂબ ગમ્યું હતું. કોઈ પ્રત્યે તમે આધિકારિક કંઈક કરો છો ત્યારે એ તમારું છે એવો મૂંગો સંકેત એમાં હોય છે.
અવિનાશ સાથે હોય ત્યારે બધું ભર્યું ભર્યું લાગતું. જાણે જિંદગીમાં બધું જ મેળવી લીધું હતું. કંઇજ બાકી નથી એવું લાગતું. એ એનો સાથ જ હતો જે મને અહીં સુધી ખેંચી લાવ્યો હતો. મારા સપના એ એની આંખે જીવ્યો હતો. ક્યારેય એવું નથી લાગ્યું કે અવિનાશે મારા માટે કંઈ બાકી રાખ્યું હોય. એક રિલેશનશીપમાં જે મળવું જોઈએ એ બધું એણે મને આપ્યું હતું.
પ્રેમમાં એકબીજાને ચાહીને પછી એકબીજામાં સમાઈ જવાનું હોય છે એમ અમે પણ એકબીજામાં સમાઈ ગયા હતા. અવિના મળ્યા પછી મને એક શક્તિ મળી હતી. એક હિંમત મળી હતી. અમારી દુનિયા અમારી પોતાની હતી. એને અમે બનાવી હતી. એમાં માત્ર પ્રેમ હતો, સ્વીકાર હતો, એકબીજાનો, એકબીજાના સાથનો, એકબીજાની ખુશીઓનો, એકબીજાની મર્યાદાઓ સાથે...
હું પૂછતી: ‘અવિ તું મને કેટલું ચાહે છે ?’
અને એ પોતાના હાથ પહોળા, ખૂબ પહોળા કરીને કહેતો...’આટલું...’
અને હું આખેઆખી છલકાઈ જતી. અને એણે સાબિત પણ કર્યું હતું. પ્રેમ ભરી દુનિયા એણે મારી આસપાસ ઊભી કરી હતી. અને એ દુનિયામાં હું જિંદગીનો ખરો અર્થ પામી હતી.
(ક્રમશઃ)