Aaruddh an eternal love - 19 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૧૯

આર્યા અને અનિરુદ્ધના વાઈરલ થયેલા ફોટા સોશ્યલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યા, પરંતુ એ પહેલાં જ એ મહિલા સંગઠન પાસે પહોંચી ચૂક્યા હતા.

આર્યા એક યુવતી હોવાની સાથે અનાથ પણ હતી, એની સાથે થયેલા દુષ્કર્મનુ‍ં વળતર અનિરુદ્ધે ચૂકવવું જ જોઈએ એવી માગણી સાથે મહિલા મંડળ હોસ્પિટલની બહાર જમા થઈ ગયું. એ વળતર હતું અનિરુદ્ધ અને આર્યાના લગ્ન!!!

સિવિલ સર્વિસીઝ બોર્ડ જાણતું હતું કે અનિરુદ્ધ શ્રેષ્ઠ અધિકારીઓ પૈકીનો એક છે, એક પ્રામાણિક અધિકારી તરીકેની એની છબી સમગ્ર દેશમાં બની રહી હતી. એવામાં આ ઘટનાને કારણે આખા રાજ્યમાં એ ચર્ચાનો વિષય બની ગયો. ઘણી ન્યૂઝ ચેનલો પર પણ આ વિષય અંગે ચર્ચા થવા લાગી. તપાસ ના થાય અને અનિરુદ્ધ ગુનેગાર છે કે નહીં એ સાબિત ન થાય ત્યાં સુધી બોર્ડે અનિરુદ્ધને ફરજમોકૂફ કર્યો.

અનિરુદ્ધ હજુ પણ કશી પ્રતિક્રિયા આપી રહ્યો ન હતો, જે બોલે એની સામે તાકી રહેતો હતો. ડોક્ટરના જણાવ્યા મુજબ એના પણ માથાના ભાગે કશીક ગંભીર ઈજા થઈ હતી એનું આ પરિણામ હતું.

આર્યા ખૂબ દુઃખ અનુભવી રહી હતી, છેલ્લા થોડા દિવસોમાં એના જીવનમાં જે પરિવર્તનો આવ્યા હતા , એણે એનું જીવન ધરમૂળથી બદલી નાખ્યું હતું.

આર્યા અને અનિરુદ્ધના જ નહીં, એમની સાથે સંકળાયેલા તમામના જીવનમાં જાણે તોફાન આવ્યું હતું. આર્યા અનાથ આશ્રમની બહાર નીકળી શકે એમ ન હતી, એને કંઈ પણ પ્રતિક્રિયા પણ આપવાની મનાઈ હતી. પણ નિહિત હોય એ થાય જ છે, અચાનક અનિરુદ્ધના પિતાજી આવ્યા.

એમણે આવીને તુરંત તાબડતોબ આર્યા અને અનિરુદ્ધના કોર્ટ મેરેજ અંગેના કાગળો તૈયાર કરાવ્યા, મહિલામોરચો અનાથાશ્રમે જઈને આર્યાને લઈ આવ્યો, જયંત મંકોડીનો દાવ બગડી રહ્યો હતો પરંતુ બધું ઝડપથી બની રહ્યું હતું અને મહિલા સંગઠન સામે એનું કશું ચાલે એમ ન હતું. ગણતરીની કલાકોમાં અનિરુદ્ધ અને આર્યાના લગ્ન ગોઠવાયા.

આર્યાને ખબર પડી કે એણે અનિરુદ્ધ સાથેના કોર્ટ મેરેજ માં સહી કરવાની છે તો એણે ઘસીને ના પાડી દીધી. એ જયને દગો આપી શકે એમ ન હતી, એ જ વખતે માયાબહેન ત્યાં આવી ગયા. એમણે આર્યાને સમજાવ્યું,

"તારે અનિરૂદ્ધ સાથે લગ્ન કરી લેવા જોઈએ બેટા!"

"મમ્મી... જય સાથે લગ્ન નક્કી કરાવીને હવે તમે આવું કહી રહ્યા છો?"

"એ તો પહેલાંની વાત છે, મને તો હજુ અત્યારે જ જાણવા મળ્યું છે કે આ બધું કરાવનાર જયંતભાઈ છે. એમણે જ અનિરુદ્ધ સાથેની લડાઈમાં તેણે તને પણ સંડોવી છે. તું અનિરૂદ્ધ સાથે લગ્ન કરે તો બધી ચર્ચાઓ શાંત પડી જાય, એ નિર્દોષનું જીવન બચાવવા માટે આ જરૂરી છે. હું કશું કરી શકું એમ નથી, મને ટ્રસ્ટીઓની મર્યાદા નડે છે. પરંતુ તને મોકો મળ્યો છે."

"જય નું શું મમ્મી?"

"એને હું સમજાવી લઈશ, આખરે એ પણ અનિરુદ્ધનો મિત્ર છે."

"સરને તો હું પ્રેસ કોન્ફરન્સમાં જવાબ દઈને પણ બચાવી શકું! એમની સાથે લગ્ન કરવાની શી જરૂર છે?"

"પ્રેસ કોન્ફરન્સમાં તું જવાબ આપશે તો બધા એમ પણ સમજી શકે ને કે તું કોઈ દબાણમાં આવીને કહી રહી છે, મારા દીકરાને હું ઓળખું છું, તારી તો ખબર નથી બેટા! પરંતુ એ તને ખૂબ જ પ્રેમ કરે છે. એને કહેતા નથી આવડતું, ભલે હું એની સાથે રહેતો નથી, પરંતુ હું જાણું છું કે એના હૃદયમાં કોણ છે. છેલ્લો નિર્ણય તારો છે બેટા!"

આર્યા વિચારમાં પડી ગઈ, અનિરુદ્ધ પ્રત્યે કૂણી લાગણી તો ક્યારની જન્મી ચૂકી હતી, એના હૃદયમાં દ્વન્દ્વ સર્જાયો હતો, એક બાજુએ અનિરુદ્ધ હતો અને બીજી બાજુએ જય હતો, એક બાજુએ હ્રદય હતું અને બીજી બાજુએ ઉપકાર હતો. આખરે હ્રદય જીત્યું.

અનિરુદ્ધના પિતાજીએ ઈશારો કર્યો એટલે અનિરુદ્ધે સહી કરી, કદાચ અનિરુદ્ધ એમને ઓળખતો હતો, કદાચ એ કશું સમજતો ન હતો એટલે સહી કરી રહ્યો હતો. આંખોમાં આંસુ સાથે આર્યા પણ સહી કરી રહી.

આર્યા સહી કરી રહી હતી બરાબર એ જ વખતે જય આવીને એની સામે ઊભો રહ્યો.

"આર્યા... આ બધું શું છે? મારી થોડી તો રાહ જોવી હતી? હું બધું ઠીક કરી આપેત. તને એક ક્ષણ માટે પણ મારો વિચાર ના આવ્યો? આ નિર્ણય તારો હોય તો હું તને ના પાડતો નથી પરંતુ તને મારી સાથે કોઇ ચર્ચા કરવી પણ જરૂરી ના લાગી?"

"હું તો એક કઠપુતળી છું, ભાગ્યની, મારી સાથે જે થઇ રહ્યું છે એનાથી ખુદ હું જ ચકિત છું. લગભગ માણસોને આ સમગ્ર ઘટનામાં મારો દોષ કોઈ ને કોઈ રીતે દેખાતો હશે, જો સુંદર લાગવું એ દોષ હોય તો મારો દોષ છે. જો અનાથ હોવું એ મારો દોષ હોય તો મારો દોષ છે. મને માફ કરજો જય, હું તમારી ગુનેગાર છું. કાશ! હું તમને કે સરને મળી જ ના હોત, તો આ પરિસ્થિતિ ઉદ્ભવી ના હોત."

આર્યા વધારે બોલી શકી નહીં, બે દિવસથી દબાવી રાખેલું એનું રૂદન તૂટી પડ્યું. માયાબહેન અને અવની એ બંનેએ એને સંભાળી.

"તું તારી જાતને બિલકુલ ગુનેગાર ના સમજીશ આર્યા, સાચું કહું તો, મને પણ એવું લાગતું હતું કે તું અને અનિરુદ્ધ એકબીજા માટે જ બન્યા છો, પરંતુ હું તને અનિરુદ્ધ પાસે જવા દેવા માંગતો ન હતો કારણ કે હું તને પ્રેમ કરું છું, પણ આખરે તો જે થવાનું હોય તે થઈને જ રહે છે. સુખી લગ્નજીવન માટે શુભેચ્છાઓ."

જય વધુ કંઈ બોલી શક્યો નહીં, એ ત્યાંથી જતો રહ્યો.

***

અનિરુદ્ધના પિતાજીએ અનિરુદ્ધ વતી પ્રેસ-કોન્ફરન્સ બોલાવી હતી, પ્રેસ કોન્ફરન્સ ના અનિરુદ્ધ એની ખરાબ પરિસ્થિતિના કારણે હાજર રહી શકે એમ ન હતો માટે જે કંઈ બોલવાનું હતું એ આર્યાએ બોલવાનું હતું.

"દીકરી... હું તને કશું દબાણ કરતો નથી, મને મારા દિકરા પર પૂર્ણ વિશ્વાસ છે, એ સ્ત્રીઓનું રક્ષણ કરી શકે, પરંતુ સ્ત્રીઓ સામે ખરાબ નજર તો કોઈ દિવસ ના કરી શકે. જે સત્ય હોય એ જ કહેજે. હું તને હૃદયથી મારી પુત્રવધૂ માની ચૂક્યો છું."પ્રેસ કોન્ફરન્સ શરૂ થતા પહેલા અનિરુદ્ધના પિતાજીએ આર્યાને કહ્યું હતું.

"જાહેરમાં બોલવાનો આ મારો પહેલો અનુભવ છે, કદાચ કોઈ શબ્દો બોલવામાં તકલીફ પડે તો એનો અનર્થ ના કરતા, હું જે કહેવા માગું છું એનો મર્મ સમજજો.

છેલ્લા બે દિવસથી આખા જિલ્લામાં જે ઘટના ચર્ચાઈ રહી છે, એ માત્ર થોડા ફોટાઓના કારણે. પરંતુ એ ફોટા એકદમ જુઠ્ઠા છે. અમને બેભાન કરીને એ ફોટાઓ લેવામાં આવ્યા છે. પછી એના પર ફોટોશોપ થયું છે. એક પ્રામાણિક કલેકટરના વિરોધમાં જેનું પણ આ ષડયંત્ર હશે તેના પર તપાસ થઇને બધું બહાર આવશે, પરંતુ અત્યારે હું પોતે જ કહું છું કે કલેકટર સાહેબ બિલકુલ નિર્દોષ છે.

હવે એ મારા પતિ છે એટલે હું ઈચ્છીશ કે એમને વધુ પરેશાન કરવામાં આવે નહિ. આભાર."

***

હવે આર્યા અનિરુદ્ધની પત્ની હતી. એ રાત્રે હોસ્પિટલમાં અનિરુદ્ધ પાસે આખી રાત બેસી રહી. અનિરુદ્ધ રિકવર કરી રહ્યો હતો.

સવારમાં અનિરુદ્ધ ના પિતાજી આવ્યા અને એમણે આર્યાને ફ્રેશ થવા માટે જવા કહ્યું. સાથે સાથે તેમણે આર્યાને અનાથઆશ્રમે બધાને મળવા જવા માટે પણ કહ્યું.

આર્યા અનાથઆશ્રમે પહોંચી, એ નિર્દોષ યુવતીઓ આર્યાને ભેટી પડી. આજે કોઈએ અનિરુદ્ધ વિશે કશું કહ્યું નહીં.

"જેમ અર્જુને માછલીની આંખ વીંધીને સ્વયંવર જીતી લીધો હતો એમ માછલીરૂપી અનિરુદ્ધ તારા વડે જીતાઈ ગયો છે. બીજા હારેલા રાજાઓની જેમ શેષ યુવતીઓ નતમસ્તક થઈ છે." રેખાએ શરૂ કર્યું.

"જે કંઈ થયું છે એમાં તમારા બંનેનો કોઈ વાંક નથી, પ્રભુ તમને બંનેને સંજોગો સામે ટકી રહેવાની ક્ષમતા આપે." વારાફરતી બધા આર્યાને શુભેચ્છા આપી રહ્યા.

આર્યાને ઉતાવળે હોસ્પિટલ જવું પડે એવું હતું, એ આશ્રમેથી નીકળીને હોસ્પિટલમાં જ‌ઈને જૂએ છે તો અનિરુદ્ધ એના બેડ પર બેઠો હતો.

ક્રમશઃ