The last wish - 8 books and stories free download online pdf in Gujarati

અંતિમ ઈચ્છા - ભાગ ૮

અધ્યાય ૮

એક-બે ઉંડા શ્ર્વાસોચ્છવાસ લઈ ઋષિ સ્વસ્થ થયો. પોતાના પ્રશ્ર્નો કરી, એમનો જવાબ મેળવ્યા પછી જ એ પરલોક સિધાવવા માંગતો હતો. એણે જોરથી એક ખોંખારો ખાધો.

"હે ઋષિદેવો, મહેરબાની કરી મને ઉત્તર આપો જેથી હું આત્મસંતોષ અને ખુશી સાથે આ દેહ છોડી શકુ." ઋષિએ ફરી ઉંડા શ્ર્વાસ લીધા.

"વત્સ, તારૂ ભૌગોલિક જ્ઞાન જોઈ અમે ખૂબ ખુશ થયા છીએ. તારા તર્ક મુજબ આ સ્થળોએ અમારા પ્રણપૂર્તિ માટેની જમીન મળી આવવાની શક્યતા વધુ છે અને અમે પણ તારી એ વાત સાથે સંમત હોત જો તુ અમને થોડા સમય પૂર્વે મળ્યો હોત."

"પરંતુ આટઆટલા વર્ષોમાં તે દર્શાવેલ આ સ્થળોની ભૂમિનો એકે એક ટુકડો અમે પૂર્ણપણે ફંફોસી ચૂક્યા છીએ, એ પણ એકવાર નહી લાખોવાર. દરેકે દરેક શોધખોળમાં સદૈવ અમે નિષ્ફળતાનો જ સામનો કર્યો છે." માતાના શવને કાંધ આપી રહેલા ક્રતુ ઋષિએ નિસાસો નાખ્યો.

"પુત્ર, તે સૂચવેલા ઉપાય પર અમે પહેલા જ અમલ કરી ચૂક્યા છીએ. જો તારી પાસે બીજો કોઈ ઉપાય હોય તો એ જલ્દીથી જણાવ કારણકે તારી પાસે હવે વધુ સમય નથી. નહીંતર તુ પોતાનું મન શાંત કરી પોતાનો જીવ ત્યજી શકે છે, અમે તારી આત્મશાંતિ માટે જરૂરી મંત્રોચ્ચાર કરીશુ અને તારી અંતિમવિધિ પણ કરીશુ. તારા અંતિમસંસ્કાર માટે અમને કોઈ પ્રણ નડતરરૂપ પણ નથી." વશિષ્ઠ દેવે આકાશ તરફ જોઈ નમન કર્યા.

"હે ઋષિવર, તો પછી હવે એક આખરી ઉપાય જ બાકી રહે છે. જે મારા મૃત્યુ સાથે સંકળાયેલ છે. એ પણ જો કામ નહી કરે તો મારા મનને કદાચ હું ક્યારેય શાંત નહી કરી શકુ." ઋષિ જરા નિરાશવદને બોલ્યો.

"પુત્ર, તુ નિરાશ ન થઈશ. જો તુ આટલે દૂર જે રીતે પ્રભુનો દોરાયો આવ્યો છે, એ પરથી લાગે છે કે જરૂર આમાં ઈશ્ચરનો કોઈ સંકેત હોવો જોઈએ. તુ શાંત બન અને નચિંત થઈ તારો એ ઉપાય બતાવ.
અમે તારા જીવને અવગત નહી થવા દઈએ."

"ૐ શાંતિ શાંતિ શાંતિ :"
પુલસ્ત્ય એ ઋષિને સાંત્વના આપી.

ઋષિએ એની બુદ્ધિથી વિચારેલ બીજા એક ઉપાય વિશે ચર્ચા શરૂ કરી.
"હવે મારો તર્ક એ છે કે શરીર નશ્ર્વર હોય છે અને એમાં પણ જ્યારે માટીનુ બનેલુ આ શરીર અગ્નિદાહ આપ્યા બાદ જ્યારે રાખરૂપે ફરી માટીમાં પરિવર્તિત થઈ જાય છે, ત્યારે એ માટી સાથે સુ:ખ, દુ:ખ, ઈર્ષ્યા, સ્વાર્થ, અહંકાર, અમર્ષ કે પ્રેમ એવી કોઈપણ પ્રકારની લાગણી સંકળાયેલી ન હોવી જોઈએ. શુ તમે આ વિધાન સ્વીકારો છો?"

"હા વત્સ, તારૂ કથન બિલકુલ સત્ય છે."
બધા ઋષિઓએ વશિષ્ઠઋષિની હા માં હા મેળવી.

"ઋષિગણ, તમે જ હમણાં કહ્યુ કે મારા મૃત્યુ પછી તમે મારા શરીરનો અંતિમસંસ્કાર કરશો. તો મારૂ માનવુ એ છે કે મારા મૃત્યુ બાદ આપ જ્યારે આ નિર્જીવ શરીરનો અંતિમસંસ્કાર કરશો ત્યારે એની પણ રાખ જ થઈ જશે. આપ એ રાખના લાગણીઓથી પર ઢગલાને કુંવારી ભૂમિ તરીકે ગણી એના પર પૂજ્ય ઋષિમાતાના અંતિમસંસ્કાર કરી શુ એમની અંતિમ ઈચ્છા પૂર્ણ ન કરી શકો? શુ આમાં માતાજીની અંતિમ ઈચ્છાનો કોઈ પણ રીતે ભંગ થાય છે?"

ઋષિના ઉપાયે ઋષિસમૂહને વિચારતુ કરી મૂક્યુ હતુ. એના ઉપાય વિશે અવઢવ જરુર હતી, પરંતુ એ માતાજીની ઈચ્છાનુ પૂરી રીતે પાલન કરી શકાય એવો એકમાત્ર રસ્તો હતો.

એક સામાન્ય માણસ આટલે દૂર સુધી આવશે અને પોતાના શરીરનુ દાન કરીને સપ્તર્ષિને આ વર્ષોથી અવિરત ચાલતી યાત્રામાંથી એમના માતૃશ્રીની અંતિમ ઈચ્છા મુજબ મુક્તિ અપાવશે.

કેવી પ્રભુની લીલા અને એક માનવનો કેવો ભગીરથ પ્રયાસ!

ઋષિદેવોના મુખમાંથી આશીર્વાદ સરી પડ્યા. એમના અંતરની ખુશી એમના ચહેરા પર ઝળકી રહી હતી. પોતાનો ઉપાય કારગર નીવડવાનો છે એવુ ઋષિએ અનુભવ્યું.

આખરે એણે પેલા જીવનનો સમય બતાવતા સમયચક્ર જેવા મીટર પર નજર નાખી. મીટર પર આંકડા હતા "૧ મીનીટ".

ઋષિએ સૌને પ્રણામ કર્યા.
"હે મહાન ઋષિઓ, હવે હું આપની આજ્ઞા લઉ છુ. મારા દ્વારા દર્શાવવામાં આવેલ ઉપાય પર અમલ કરવો કે ન કરવો એનો નિર્ણય આપ સૌ પર છોડુ છુ. આપ સૌ સમર્થ અને જ્ઞાની છો."

"આ ચર્ચા દરમિયાન જો મારાથી કંઈ અઘટિત બોલાયુ હોય કે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરશો. તમારા ઉપયોગમાં આવી મારી મુક્તિ પાકકી છે એ વાતની ખુશી લઈ હવે આખરી વિદાય લઉ છુ."

ઋષિએ મનને શાંત કર્યુ ને સ્પેશસૂટના બધા ભાગ છૂટા કરી એક પછી એક હવામાં તરતા મૂક્યા. સૌથી આખરે એક નજર સપ્તર્ષિ તરફ અને એક પૃથ્વીના ગોળા તરફ નાખી એણે હેલ્મેટ અને ઓક્સિજનની ટાંકી પણ ત્યજી દીધા.

ઋષિએ આટલા પ્રકાશમાં પણ અંધારા અનુભવ્યા. એની નજર સમક્ષ ઉભા ઋષિઓની જગ્યાએ ફરીથી તારલાઓનુ સમૂહ દેખાયુ.

પાંચ-છ ડચકીયા ખાધા અને ક્ષણ-બે ક્ષણમા ઋષિની જગ્યાએ હવે માત્ર એનુ નિર્જીવ શરીર અવકાશમાં તરતુ હતુ.

ઋષિના સ્પેસશૂટનો એક હાથ પર લગાવવાવાળો ભાગ પણ તરતો હતો, જેમાં હથેળી જેવા દેખાતા ભાગ પર એનુ ડિજીટલ નોટપેડ હતુ. નોટપેડની સ્ક્રીન પર ઋષિનો પગ અડકી જતા ટચપેનથી એ નોટપેડ પર લખેલા શબ્દો સ્પષ્ટ વંચાયા.

એકાંત ને એ ખુદ જઇને મળ્યો,
ને કહે છે કે "હુ એકલો પડયો".
- શૂન્યમનસ્ક