Aatmano Punrjanm - 1 books and stories free download online pdf in Gujarati

આત્માનો પુનર્જન્મ - 1

આત્માનો પુનર્જન્મ

રાકેશ ઠક્કર

પ્રકરણ - ૧

કોલેજમાંથી પ્રોફેસર આદિત્ય અને એમ.એ. ની વિદ્યાર્થીની તારિકાની પસંદગી ઇતિહાસના વર્કશોપની ટૂર માટે કરવામાં આવી હોવાનો પત્ર પ્રાપ્ત થતાં બંનેએ ફોન પર વાત કરી અને પત્રમાં જણાવ્યા મુજબ રાજસ્થાનના બુંદીગઢના કિલ્લા પર જવા રાજકોટના સ્ટેશન પર સવારે પાંચ વાગે ભેગા થવાનું નક્કી કર્યું.

*

અત્યારે કોલેજમાં રજાના દિવસો હતા. છેલ્લા કેટલાક સમયથી ઇતિહાસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ટૂર ગોઠવવાની વાત ચાલી રહી હતી. અચાનક તારિકા અને પ્રો.આદિત્યને કોલેજના વાઇસ ચાન્સેલરનો એકસરખો પત્ર મળ્યો. જેમાં લખ્યું હતું કે, "રાજસ્થાનની યુનિવર્સિટી તરફથી ઇતિહાસના સંશોધનની બુંદીગઢ કિલાની એક ટૂરનું આયોજન થયું છે. જેમાં દરેક કોલેજના એક પ્રોફેસર અને વિદ્યાર્થીને દસ દિવસ માટે મોકલવાનું સૂચન થયું છે. જેમાં ભાગ લેવા માટે તમારા બંનેની પસંદગી યુનિવર્સિટી તરફથી કરવામાં આવે છે. તમને બંનેને ઇતિહાસમાં અત્યાધિક રસ છે અને તમે આ ક્ષેત્રમાં વધુ સંશોધન કરી જ્ઞાન મેળવો એવી અપેક્ષા હોવાથી તમને મોકલવામાં આવે છે. તમારી ટૂર પૂરી થયા પછી એ અંગેનો અહેવાલ યુનિવર્સિટીમાં સબમિટ કરાવવાનો રહેશે. ટૂરનો તમામ ખર્ચ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે. રાજસ્થાનના બુંદીનગર સ્ટેશનથી ઉતરીને તમારે ત્યાં આવેલ ઐતિહાસિક હવેલીમાં અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે મળીને આ સંશોધન વર્કશોપમાં ભાગ લેવાનો છે. અને બુંદીગઢ કિલ્લાનું સંશોધન કરવાનું છે. બંનેને ખૂબ શુભેચ્છા."

પ્રો.આદિત્યએ કુરિયરમાં આવેલા પત્રને વાંચી વી.સી.ને કોલેજમાં ફોન કર્યો. તેમનો લેન્ડલાઇન ફોન "નો રિપ્લાય" થયો. તેમનો મોબાઇલ નંબર લગાવ્યો. એ "નોટ રિચેબલ"નો સંદેશ આપતો હતો. તેમણે પત્ર પર નજર કરી તો સહી વી.સી.ની જ હતી. મતલબ કે કોઇએ મજાક કરી નથી. રજાઓ પહેલાં એક-બે વખત આવી કોઇ ટૂર કરવાની તેણે વી.સી. સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી હતી. અને રાજસ્થાન યુનિવર્સિટીનું નિમંત્રણ આવ્યું એટલે તેની પસંદગી થઇ છે એ જાણી પ્રો.આદિત્ય ખુશ થયો.

પ્રો.આદિત્ય પત્ર વાંચીને એટલે પણ ખુશ થયો કે તેની કોલેજની પોતાના જ વર્ગની તારિકાની આ સંશોધન માટે પસંદગી થઇ છે. તે પૌરાણિક ઇતિહાસમાં ઘણી રુચિ ધરાવતી હતી. તેણે પોતે વાંચ્યા ના હોય એટલા ઇતિહાસના થોથા વાંચી લીધા હતા. આ વર્કશોપ બંને માટે ઉપયોગી સાબિત થાય એવો હતો. તે વિચાર કરતો હતો ત્યારે જ મોબાઇલ ફોન રણકી ઊઠ્યો. ટ્રુકોલરમાં તારિકાનું જ નામ હતું.

"તું સો વરસ જીવવાની છે તારિકા! તને જ યાદ કરતો હતો!" પ્રો.આદિત્ય ખુશીથી બોલી ઊઠયો.

"સર, સીત્તેર વરસ બરાબર છે. વધારે જીવવાની ઇચ્છા નથી!" કહી હસીને તારિકા બોલી:"જોક અપાર્ટ સર! પણ મેં એ પૂછવા ફોન કર્યો છે કે આપને પણ ઇતિહાસના વર્કશોપની ટૂરનો નિમંત્રણ પત્ર મળ્યો છે? મારી સાથે તમારું નામ છે. મેં કોલેજમાં ફોન કર્યો પણ કોઇ ઉપાડતું નથી."

"હા, એટલે જ તને યાદ કરી! પત્ર તો મળ્યો છે. મેં તો સાહેબને મોબાઇલ પર ફોન કર્યો પણ લાગતો નથી. જો તું આવવા માટે તૈયાર હોય તો આપણે ટ્રેનનું બુકિંગ કરાવી દઇએ. પછી મળશે નહીં...." પ્રો.આદિત્યએ તેની ઇચ્છા પૂછી જોઇ.

"આવી તક છોડે એ બીજા હું નહીં! ઇતિહાસના પુસ્તકો તો આપણે ઘણાં વાંચી લીધા. ઇતિહાસ વચ્ચે જીવવાની આવી તક ફરી મળે ના મળે એટલે હું તો આવીશ. મેં તો તૈયારી પણ શરૂ કરી દીધી છે...." તારિકાનો ઉત્સાહ તેના સ્વરમાં સમાતો ન હતો.

"ઓકે, હું આપણાં બંનેનું બુકિંગ કરાવી લઉં છું. તું તારા માતા-પિતાની પરવાનગી લઇ લેજે...." પ્રો.આદિત્યએ ઔપચારિકતા પૂરી કરી.

"સર, એમની ચિંતા ના કરો. મારી મા એકલી જ છે. અને એ ના નહીં પાડે. એ મારા શોખને સમજે છે. અને એક પ્રોફેસર સાથે છે એટલે એમને કોઇ ફિકર રહેશે નહીં. ત્યાં અન્ય રાજ્યના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની ટીમ સાથે આપણે વર્કશોપમાં ઘણી જાણકારી મેળવી શકીશું." તારિકાએ પોતાની સંમતિ આપી દીધી.

"સારું સારું. પણ યુવાન અને કુંવારા પ્રોફેસર છે એ કીધું છે ને! હા...હા...હા... હું મજાક કરું છું. જો આપણે રાજસ્થાનના છિંદવાડાનું રીઝર્વેશન કરાવવું પડશે. સવારે પાંચ વાગે ટ્રેન છે. અઢાર કલાકની મુસાફરી છે. મતલબ કે રાત્રે પહોંચીશું. અને ત્યાંથી એક કલાકના અંતરે બુંદીનગર છે. ત્યાં હવેલીમાં આપણો કેમ્પ છે. અને ત્યાંથી પછી બુંદીગઢના કિલ્લાનો પ્રવાસ અને વર્કશોપ હશે. ચાર દિવસનો સમય છે. બધી તૈયારી કરી લેજે. બાય!" પ્રો.આદિત્યએ જરૂરી સૂચનાઓ આપી ફોન મૂકી દીધો.

*

નક્કી થયા મુજબ પ્રો.આદિત્ય અને તારિકા રાજકોટ રેલ્વે સ્ટેશને આવ્યા અને સવારે પાંચ વાગે ઊપડતી રાજસ્થાનની ટ્રેનમાં બેસી ગયા. ટ્રેનના રીઝર્વેશનના કોચમાં ખાસ લોકો ન હતા. ઘણી બેઠકો ખાલી હતી. પ્રો.આદિત્યએ જોયું કે તારિકાના ચહેરા પર અતિઉત્સાહ ઉછાળા મારતો હતો. તે બોલ્યા:"તારિકા, તું તો કોઇ નવી દુનિયામાં જઇ રહી હોય એટલી ઉત્સાહમાં છે!"

"હા સર, મારી આ પહેલી ઐતિહાસિક ટૂર છે. મારું દિલ અજબ પ્રકારનો રોમાંચ અનુભવી રહ્યું છે. ન જાણે કેમ મને બાળપણથી જ ઇતિહાસમાં રસ રહ્યો છે. એટલે જ મેં એમ.એ.માં આ વિષય પસંદ કર્યો હતો." તારિકાના સ્વરમાં થનગનાટ હતો.

"લાગે છે કે ગયા જનમમાં તું કોઇ ઐતિહાસિક પાત્ર હોઇશ!" પ્રો.આદિત્ય તેના ઉત્સાહને જોઇને ફિરકી લેવા લાગ્યા:" તારી આજની સુંદરતા જોતાં તું કોઇ મહાન સામ્રાજ્યની રાણી પણ હોય એવું બની શકે! જો તું રાણીના કપડાં પહેરે તો ખરેખર કોઇને એમ જ લાગે કે વીતેલા જમાનાની કોઇ મહારાણી સામે ઊભી છે!"

"સર, અઢાર કલાક પૂરા કરવા માટે સારો ટોપિક પસંદ કર્યો છે તમે!" કહી તારિકા સહેજ રિસાઇને બોલી:"તમે તો મને આ જનમને બદલે ગયા જનમમાં લઇ જાવ છો. આ જનમમાં હું રાજકારણમાં રસ લેતી હોઉં તો ગયા જનમમાં પણ રાજકારણમાં હતી એમ તમે કહેવાના હતા?"

"અરે ના. ના! હું તો બે ઘડી મજાક કરતો હતો. ખોટું ના લગાડતી કે આ વાતને બીજી કોઇ રીતે ના લેતી. સાચું કહું તો તું એટલી સુંદર અને ગરિમામય છે કે ગયા જનમમાં ખરેખર કોઇ સુંદર રાણી હોય શકે છે!"

"જો પાછા તમે ગત જન્મની વાતે ચઢી ગયા!"

"અરે! ઇતિહાસનો વિષય રાખ્યો છે તો વર્ષો જૂની વાત તો થઇ શકે ને! આપણે ઇતિહાસના કેટલાય રાજા-રાણી અને તેના શાસન વિશે નથી વાંચ્યું?"

"હા, ઘણા રાજા-રાણીના શાસન વિશે અજબ-ગજબની વાતો પણ વાંચી છે. કોઇ રાજાએ રાણીના પ્રેમમાં યુધ્ધ કર્યા હતા તો કોઇ રાણી-રાજા પ્રેમમાં જીવ આપી દેતાં ખચકાયા ન હતા."

બંને અલક-મલકની વાતો કરતા રહ્યા અને સમય પવન પાવડી પર બેસી આગળ વધતો રહ્યો. રાત્રે સાડા અગિયાર વાગે ટ્રેન છિંદવાડા સ્ટેશન પર આવીને હાંફતી ઊભી ત્યારે બંને થાકીને લોથપોથ થઇ ગયા હતા.

સ્ટેશન પર ઉતર્યા ત્યારે ખાસ કોઇ મુસાફરો ન હતા. એકલ-દોકલ માણસ ફરતા હતા. સ્ટેશનની બહાર આવી પ્રો.આદિત્યએ આમતેમ નજર નાખી. કોઇ વાહન દેખાતું ન હતું. થોડીવારે એક રીક્ષા આવી. રીક્ષા ચાલકને બુંદીનગરનું સરનામું આપી મૂકી જવા કીધું ત્યારે તે આશ્ચર્યથી બંનેને જોવા લાગ્યો. તારિકાએ જોયું તો તેણે ઠંડીને કારણે આખા શરીર પર કામળો ઓઢી રખ્યો હતો. તેનો એક છેડો દાંતમાં દબાવેલો હતો. સ્ટેશનની લાઇટ રીક્ષા સુધી પહોંચતી ન હતી. અને એટલે તેના ચહેરા પરની બંને આંખો ચમકી રહી હતી. તારિકાના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. રાતનો સમય હતો અને કોઇ અવરજવર ન હતી. રીક્ષાચાલક પણ ગંભીર મોં કરી તેમની સામે તાકી રહ્યો હતો.

પ્રો.આદિત્યએ તેને ઢંઢોળ્યો:"અરે ભાઇ! ક્યાં ખોવાઇ ગયો? બુંદીનગર હવેલી અમને છોડી દઇશને...?"

આખરે પેલાએ મોં ખોલ્યું:"સાબ, ઇતની રાત ગયે વહાં જાકર ક્યા કરોગે?"

પ્રો.આદિત્યને રીક્ષાવાળાનો સવાલ અકળાવી ગયો. "અરે ભાઇ, તું તારા ધંધા સાથે મતલબ રાખને. પારકી પંચાતમાં શું પડે છે..." પણ તે પોતાના શબ્દો ગળી ગયા. આટલી રાત્રે અજાણ્યા શહેરમાં કોઇની સાથે જીભાજોડી કરવામાં મજા ન હતી. તે બોલ્યો:"ભાઇ, અમારે બુંદીનગરમાં એક કાર્યક્રમ છે...."

"ઠીક હૈ. બૈઠ જાઇએ. દોસો રુપયે હોંગે..." કહી રીક્ષાચાલકે બેસવા માટે ઇશારો કર્યો.

બંને રીક્ષામાં બેઠા. રીક્ષાની ઘરઘરાટી વાતાવરણની શાંતિનો ભંગ કરવા લાગી. તારિકાએ ઇશારાથી પ્રો.આદિત્યને પૂછ્યુ:"કેમ આવું પૂછતો હશે?" પ્રો.આદિત્યએ ઇશારાથી જ કહ્યું:"ખબર નહીં."

લગભગ પચાસ મિનિટ પછી એક અવાવરુ લાગતી હવેલી પાસે રીક્ષા ઉભી રાખી તે બોલ્યો:"સાબ, હવેલી આ ગઇ, ઉતર જાઇએ..."

પ્રો.આદિત્ય અને તારિકા તરત રીક્ષામાંથી ઉતર્યા નહીં. આખો રસ્તો તેમને ભેદી લાગ્યો હતો. રસ્તામાં ક્યાંક જ કોઇ ઘરબાર દેખાયા હતા. ધીમેધીમે કોઇ જંગલમાં જતા હોય એવું લાગતું હતું. બંનેના દિલનો ફફડાટ વધી જતો હતો. ઘણી વખત રીક્ષાની ઘરઘરાટી છતાં આસપાસના વિસ્તારની સનસન કરતી ઠંડી હવા જાણે ચામડીને વહેરીને દિલમાં ડર ભરી જતી હતી. આ રીક્ષાવાળો રાત્રે ક્યાંક ખોટા રસ્તે તો લઇ જઇ રહ્યો નથી ને? એવો ડર વધતો જતો હતો. આખરે તેણે જે જગ્યાએ લાવીને મૂક્યા હતા એ પુરાતન હવેલી જેવી જગ્યા પણ ખોફનાક લાગી રહી હતી. રાતનો સમય અને બહારની ઠંડી હવાના સૂસવાટા ડરામણો માહોલ સર્જતા હતા.

"ક્યા હુઆ સાબ? આપકા ઠીકાના આ ગયા..." રીક્ષાવાળાએ અંદર સીટ પર ચોંટીને બેઠેલા બંને તરફ એક સરસરી નજર નાખી કહ્યું.

"યે...યે.. બુંદીનગર કી હવેલી હૈ?" ધડકતા હ્રદયે પ્રો.આદિત્યએ પૂછ્યું. તેને સ્થળ હજુ સાચું લાગતું ન હતું. અહીં ઉતરવું કે નહીં એની અવઢવ તેના ચહેરા પર દેખાતી હતી.

*વધુ હવે પછીના પ્રકરણમાં*