Aatmano Punrjanm - 5 - last part books and stories free download online pdf in Gujarati

આત્માનો પુનર્જન્મ - 5 - છેલ્લો ભાગ

આત્માનો પુનર્જન્મ

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૫

તારિકા દોડીને પ્રો.આદિત્યના રૂમ પાસે ગઇ અને દરવાજો ખોલવા એક લાત મારી. દરવાજો તરત ખુલી ગયો. અવાજ થતાં પ્રો.આદિત્ય જાગી ગયો. તેણે ભડકીને પૂછ્યું:"શું થયું?"

"મેં પેલા પ્રેતને મારી નાખ્યું છે આદિત્ય..." તારિકાના સ્વરમાં ખુશી સાથે ગભરાટ હતો.

"ઓહ!" કહી પ્રો.આદિત્ય ઊભો થયો અને એ જોવા તેની રૂમમાં ગયો. જોયું તો ત્યાં કોઇ જ ન હતું. તેણે તારિકાને પૂછ્યું:"તેં બરાબર ગળે ફાંસો આપ્યો હતોને? બચી તો નથી ગયું ને...?"

"હા, એ ઢળી પડ્યું હતું..." કહી તેણે કહેલી બધી વાત પ્રો.આદિત્યને જણાવી તારિકાએ સવારે નીકળી જવાનું નક્કી કર્યું.

પ્રો.આદિત્ય તેને જોતો રહ્યો. તે કંઇક કહેવા માગતો હતો. તારિકા થોડીવાર પછી બોલી:"પ્રો.આદિત્ય, હું તમને ચાહવા લાગી છું. મારું મન એવું કહે છે કે ઘરે જતાં પહેલાં આપણે પરણી જઇએ. તમે મારો જીવ બચાવ્યો છે. હું તમારી ઋણી છું...મારો નવો જન્મ થયો છે. આ જીવન હવે તમને સમર્પિત છે."

"ખરેખર? હું પણ તને ચાહવા લાગ્યો છું.... " કહી પ્રો.આદિત્ય છોકરીની જેમ શરમાઇ ગયો. પછી તેને બાથ ભરવા નજીક આવ્યો.

તારિકાએ તેને અટકાવ્યો:"અહં...આપણે સવારે અહીંથી નીકળીને બુંદીનગરમાં એક ગેસ્ટહાઉસમાં રોકાઇએ અને લગ્ન કરી સહજીવન શરૂ કરીએ...."

પ્રો.આદિત્યની ખુશીની કોઇ સીમા ન હતી. તારિકાને જીવનસાથી બનાવવાનો આનંદ તેનામાં અનેરો થનગનાટ લાવી રહ્યો હતો. તારિકાએ પહેલી વખત પ્રો.આદિત્યને આટલા મોજમાં જોયા હતા.

સવારે બંને હવેલીની બહાર નીકળ્યા ત્યારે આખું વાતાવરણ બદલાઇ ગયું હતું. પ્રો.આદિત્ય કહે,"પ્રેત વિલિન થઇ ગયું એટલે બધું પહેલાં જેવું થઇ ગયું."

પ્રો.આદિત્યએ રસ્તો જોયો. એક રસ્તો દેખાતો હતો. થોડું ચાલ્યા અને તરત બહાર મુખ્ય રોડ પર આવી ગયા. એક રીક્ષા મળી એમાં બેસી સ્ટેશન નજીકના એક ગેસ્ટહાઉસમાં જવા માટે પહોંચ્યા. તારિકાએ પ્રો.આદિત્યને કહ્યું:"તમે એકલા જ જઇને રૂમ બુક કરાવી દો. આપણી પાસે પતિ-પત્ની તરીકેના કોઇ પુરાવા નથી એટલે રૂમ નહીં આપે. તમે રૂમ લેતી વખતે એ રૂમની આજુબાજુમાં કોઇ પરિવાર કે યુગલ હોય તો તેનું નામ વાંચી લેજો. હું તેમને જમવાનું આપવાના બહાને તમારી પાસે આવી જઇશ....આપણા મોબાઇલ હમણાં ચાર્જ કરવા નથી. કોઇનો ફોન આવશે તો આપણાને ખલેલ ઊભી થશે."

પ્રો.આદિત્ય કહે:"વાહ! શું આઇડિયા છે. હું જઉં છું...તું અહીં જ ઊભી રહેજે. હું રૂમ નોંધાવીને તને નામ અને નંબર કહી જઉં છું. પછી તું જમવાનું ટિફિન લઇને આવી જજે...." કહી પ્રો.આદિત્ય ઉત્સાહથી ગયો અને તરત જ વિગતો લઇ પાછો આવ્યો.

તારિકાએ એ વિગતો નોંધી લીધી. અને જમવાનું લેવા એક રેસ્ટોરન્ટમાં પહોંચી.

એક કલાક પછી તારિકા ગેસ્ટ હાઉસમાં આવી અને રીસેપ્શન કાઉન્ટર પર અજાણી થઇને પ્રો.આદિત્યની બાજુની રૂમમાં રોકાયેલા એક યુગલને જમવાનું આપવાનું હોવાની વાત કરી. તેને તરત જ જવા દેવામાં આવી. તે પ્રો.આદિત્યની રૂમમાં પહોંચી ગઇ અને ઝટપટ દરવાજો બંધ કરી દીધો. તેને આવેલી જોઇ પ્રો.આદિત્યએ તેને ભેટવા માટે હાથ પહોળા કર્યા. તારિકા કહે:"થોડી રાહ જુઓ. પહેલાં આપણે જમી લઇએ...."

"અરે! જમવાની કોઇ ભૂખ નથી. પ્રેમની ભૂખ સંતોષવાની છે...." કહી પ્રો.આદિત્ય ફરી તારિકાને પકડવા લાગ્યા.

તારિકા બે ડગલાં પાછળ હઠી અને રીસાતાં બોલી:"ના...ના... જમવું ના હોય તો દૂધ લાવી છું. એક ગ્લાસ પી લો. શક્તિ આવશે!"

"હા, ચાલ એ વાત સાચી!" બોલીને પ્રો.આદિત્યએ ગેસ્ટહાઉસના રૂમના ટેબલ પર મૂકવામાં આવેલા જગ પરથી સ્ટીલનો ગ્લાસ લઇ તારિકા સામે ધર્યો. તારિકાએ પોતે લાવેલી થેલીમાંથી જમવાની ડિશ ટેબલ પર મૂકી અને પ્લાસ્ટિકના ગ્લાસમાં લાવેલું દૂધ સ્ટીલના ગ્લાસમાં રેડી આપ્યું.

પ્રો.આદિત્યએ પોતે પીતાં પહેલાં તેને કહ્યું:"અરે તું પણ પી લે..."

"ના...ના.. મારા કરતાં તમારે શક્તિની વધારે જરૂર છે. જુઓને બે દિવસમાં તો કેવા લેવાઇ ગયા છો. એક ગ્લાસ દૂધથી શક્તિ આવી જશે." તારિકાએ પ્રો.આદિત્યને લાડમાં કહ્યું.

પ્રો.આદિત્યએ એક જ ઘૂંટમાં દૂધ પી લીધું.

તારિકા કહે:"હું વોશરૂમ જઇને આવું છું..."પ્રો.આદિત્યના શરીરમાં થનગનાટ વધી ગયો હતો.

દસ મિનિટ થઇ ગઇ પણ તારિકા બહાર નીકળી નહીં. પ્રો.આદિત્યએ બૂમ પાડી પણ અચાનક તેમને લાગ્યું કે હ્રદયમાં કંઇક ખેંચાય છે. શરીરમાં કંઇક અજીબ થવા લાગ્યું હતું. ધીમે ધીમે આખું શરીર ખેંચાવા લાગ્યું. મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું. તે માંડ 'તારી...કા" બોલી શક્યો. અને જમીન પર ફસડાઇ પડયો.

બીજા દિવસે તારિકાએ ગુજરાતના અખબારોમાં વાંચ્યું તો બે અલગ-અલગ પાના પર સમાચાર હતા. એક સમાચારમાં લખ્યું હતું કે, "કોલેજના પ્રો.આદિત્યએ રાજસ્થાનના એક ગેસ્ટહાઉસમાં અગમ્ય કારણસર ઝેર પીને જીવન ટૂંકાવી દીધું" અંદર વિગતમાં લખ્યું હતું કે સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે પ્રો.આદિત્ય બે દિવસ પહેલાં માતા-પિતાને ઇતિહાસની ટૂર પર રાજસ્થાન જવાનું કહી નીકળ્યા હતા. બે દિવસથી તેમનો મોબાઇલ પણ બંધ હતો. કોઇ અગમ્ય કારણસર તેમણે એક ગેસ્ટહાઉસમાં દૂધમાં ઝેર નાખી જીવનનો અચાનક અંત લાવી દીધો હતો. ગેસ્ટ હાઉસમાં તે એકલા જ રોકાયા હતા. અને ત્યાં રોકાણના થોડા જ કલાકમાં તેમણે ઉંદર મારવાની દવાનું ઝેર પી લીધું હતું. તે આત્મહત્યા કરવા જ ગેસ્ટહાઉસમાં રોકાયા હોવાનું તેના માલિકે અનુમાન વ્યક્ત કર્યું હતું."

બીજા સમાચારમાં લખ્યું હતું કે શહેરમાં તારિકાબેન દ્વારા એક અલગ મહિલા સશક્તિકરણ ક્લબની સ્થાપના કરવામાં આવી છે. "પુરુષ અત્યાચાર વિરોધી દળ" નામની આ ક્લબ મહિલાઓ પર પુરુષો દ્વારા થતા અત્યાચાર રોકીને તેમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે. પુરુષ પિડીત મહિલાઓને તારિકાબેનનો સંપર્ક કરવા અને આ ક્લબના દળમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે."

આ બંને સમાચાર વાંચીને તારિકા મંદ મંદ મુસ્કુરાઇ રહી હતી. તે મનોમન બોલી:"અજયરાય, તારો આભાર કે તેં સિંહાસિનીદેવીના આત્માને જાગૃત કર્યો. તું પ્રો.આદિત્યના રૂપમાં મને પામવા આવ્યો ત્યારે હું તને રુદ્રાક્ષની માળાથી ફાંસો આપતી હતી. મને એમ હતું કે તું મરી જશે. પણ તું ચાલાકી કરીને છેલ્લી ઘડીએ છટકી ગયો. અને પ્રો.આદિત્યના મોંમાંથી મારું નામ નીક્ળ્યું. મને ખ્યાલ આવી ગયો કે તું પ્રો.આદિત્યનું રૂપ લઇને નહીં પણ તેના શરીરમાં સમાઇને આવ્યો હતો. અને મારા હાથે પ્રો.આદિત્ય મૃત્યુ પામ્યા. જો તું મર્યો હોત તો મને "સિંહાસનીદેવી" તરીકે સંબોધન કર્યું હોત. મને 'તારિકા' સાંભળીને આંચકો લાગ્યો હતો.

હું તરત જ પ્રો.આદિત્યના રૂમમાં દોડી. સાચા પ્રો.આદિત્યનું મૃત્યુ થતાં તેનો આત્મા નીકળી ગયો હોવાથી તારો આત્મા તેના અસલ શરીરમાં ગોઠવવામાં તું સફળ થયો હતો. હું તારી સાથે મારા રૂમમાં પ્રેતરૂપે રહેલા પ્રો.આદિત્યને જોવા ગઇ ત્યારે તેનું શરીર ત્યાં ન હતું. એ વખતે મને સમજાઇ ગયું કે હવે તું પ્રો.આદિત્ય બની ગયો છું. તારા બદલે પ્રો.આદિત્યનો આત્મા તેનું શરીર છોડી ગયો હતો. અને તારી વાતોથી મારામાં અગાઉના જન્મની સિંહાસિનીદેવીનો વિચારઆત્મા જાગૃત થઇ ચૂક્યો હતો. તેં મને મારા જન્મને યાદ કરાવી દીધો હતો. એટલે તું પ્રો.આદિત્યના રૂપમાં ભલે માણસ તરીકે હતો પણ પ્રેત છું એ ઓળખવામાં વાર ના લાગી. પછી હું જ તારી સાથે લગ્ન કરવા અને તારી સાથે સાથ માણવા તૈયાર થઇ ગઇ. જેથી તું લાલચમાં આવી જાય અને હું તારો અંત લાવી શકું.

વાસના ભૂખ્યા તેં પણ લગ્ન કરવાની તત્પરતા બતાવી. તારો તો જન્મોથી આશય જ એ હતો. એ પરથી મારો વિશ્વાસ પાકો થઇ ગયો કે તારો આત્મા પ્રો.આદિત્યના અસલ શરીરમાં સમાઇ ગયો છે. મને બરાબર ખબર હતી કે પ્રો.આદિત્ય કોઇ કાળે આ રીતે પોતાની વિદ્યાર્થીની સાથે લગ્ન કરી તેને પામવાની ઉતાવળ કરે એવા સ્વભાવ કે સંસ્કારના ન હતા. માણસના રૂપમાં તું આવી ગયો હતો. શરીર તો તારું પ્રો.આદિત્યનું હતું પણ આત્મા અજયરાયનો હતો જે મારા શરીરને પામવા ટળવળતો હતો. એટલે મેં ચાલાકીથી ઝેર પીવડાવીને તારી હત્યા કરી નાખી. મને અફસોસ છે કે તારા કારણે પ્રો.આદિત્યએ વિના વાંકે જીવ ગુમાવ્યો. મરી ગયો તું પણ એ મૃત શરીર પ્રો.આદિત્યનું જાહેર થયું. હવે હું તારા જેવા પુરુષોના અત્યાચારથી પીડિત સ્ત્રીઓને નવું જીવન આપીશ. ભલે રાણી સિંહાસિનીદેવીની જેમ હું તલવાર લઇ પુરુષો સામે યુધ્ધ મોરચે લડી શકીશ નહીં પણ સ્ત્રીઓના હક માટે કલમથી લડીશ. આજે મારામાં સિંહાસિનીદેવીના વિચારઆત્માનો પુનર્જન્મ થયો છે. હું તારા જેવા વાસના ભૂખ્યા અજયરાયોને હવે છોડીશ નહીં."

*****સમાપ્ત*****