Maran mudi books and stories free download online pdf in Gujarati

મરણ મૂડી

*મરણ મૂડી*
"આ ડોસો રૂપિયા નું પાણી કરવા બેઠો છે, એને તો એમ છે કે આપણે કરોડપતિ છીએ, એમને એમજ કરવું હોય તો હવે દાદા દાદી ના વિસામે નામ નોંધાવી આવો." લોઢી ઉપર મુકેલી રોટલી શેકતા શેકતા આરતી આરવ ને સાંભળવી રહી હતી. આરવ પણ સમજી ગયો હતો કે આરતી નો ગુસ્સો આજે સાતમા આસમાને છે. છતાંય તેણે કહ્યું "તું ધીરે બોલ બાપુજી આવતા જ હશે ક્યાંક સાંભળી જશે" આટલું તો માંડ બોલ્યો ત્યાંજ રમણિકલાલ ઘર માં પ્રવેશતા બોલ્યા અરે શેની ચર્ચા ચાલી રહી છે ભૈ? "કઈ નૈ બાપુજી કહેતો આરવ એના રૂમ માં ચાલ્યો ગયો."
સિત્તેર માં પ્રવેશેલા રમણીકલાલ છેલ્લા ચારેક વર્ષ થી સાવ એકલા પડી ગયા હતા. સપ્તપદી ના છેલ્લા ફેરા માં આપેલું વચન નિભાવી કૈલાશબા કૈલાશધામ માં ચાલ્યા ગયા હતા. નિવૃત્ત જીવન જીવતા રમણિક ભાઈ આરવ ના દીકરા કુંજ ને રમાડવાનું, મંદિરે જવાનું ગામના ચોરે બેસવાનું અને જમવા ટાણે ઘરે આવવાનું, આ એમનો નિત્યક્રમ.
આરવ અને આરતી ને ક્યારેક બોલાચાલી થાય તો તે બંનેને સમજાવે પણ ત્યારેય એમને ખબર ન હોય કે આ જગડો મૂળ તો એમના કારણે થઈ રહ્યો છે.
માંડ ઘર ના બે છેડા ભેગા કરી શકે એટલું કમાતો આરવ, અને એની આ કમાણી માં આરતી ને આ ડોસો ભારરૂપ લાગતો હતો. આમતો આરતી પરણી ને આવી ત્યારથી જ એની ડિમાન્ડ શરૂ થઈ ગઈ હતી. ટેપ રેકોર્ડર લાવવા માટે એટલી રિસાયેલી કે બે દિવસ ખાધું નોહતું કે ઘરમાં ખાવાનું બનાવ્યું પણ નોહતું. આરવે પહેલીવાર આરતી પર હાથ ઉપાડ્યો હતો, અને આરતી બેગ ભરી ને પિયરની વાટે નીકળવા તૈયાર જ હતી ત્યાં રમણીકલાલે કૈલાશની બુટ્ટી અરવિંદ શેઠ ને ત્યાં ગીરવે મૂકી ટેપરેકોર્ડર લાવવા પૈસા આપ્યા હતા.
પછીતો ઘરમાં ફ્રીજ, ટીવી ને બીજી વસ્તુઓ હફતા બાંધી ને આરવે વસાવી હતી, અને થોડી ઘણી મદદ રમણીકલાલે પણ કરી હતી. કૈલાશના મૃત્યુ પછી એના બધા દાગીના આરતી પાસે જ હતા.
રમણિકલાલ પાસે બચત માં હવે કાઈ હતું નહીં, સિવાય કે એમની જૂની પેટી માં પડેલું ત્રીસ હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝીટ કરેલું સર્ટી. આ સર્ટી વિશે આરતી કે આરવ ને કોઈજ ખબર નોહતી. પણ આજે જ્યારે રમણિકલાલે ઉત્તરભારત પ્રવાસે જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારથી આરવ અને આરતી વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો.
રમણિકલાલ બે દિવસ પહેલા જ્યારે કુંજ ને લઈ ને મંદિરે ગયા હતા ત્યારે મંદિરે જેઠાભાઈ, કેશરબેન, કમળાશંકાર, વિષ્ણુભાઈ આ જુના સાથીદારો નું ગ્રુપ મળી ગયું, એ બધા ઉત્તર ભારત ના પ્રવાસે જવા માટેના આયોજન થી ભેગા થયા હતા. પહેલી તારીખે વડોદરે થી બસ આવશે અને ગામમાંથી બધાને લઈ જાત્રા એ ઉપડશે એવું આયોજન હતું. રમણિકલાલ ની આર્થિક સ્થિતિ અને આરતી નો સ્વભાવ બધા જાણતા હતા એટલે આમાંથી કોઈએ રમણિકલાલ ને આ પ્રવાસ વિશે જાણ કરી નોહતી. પણ હવે રમણિકલાલ હાજર હતા એટલે એમની હાજરી માં જ આ આયોજન ની ચર્ચા થઈ. ત્યારે એમણે કહ્યું કે મારેય આ જાત્રા માં આવવું છે. આમતો કૈલાશ સાથે જાત્રા કરવાની ઘણી ઈચ્છા હતી પણ આરવ ને આરતી ના લગનની જવાબદારી ને ત્યારપછી કૈલાશની ટૂંકી બીમારી, એનું ક્રિયા કારજ આ બધામાં જાત્રા ની ઈચ્છા તો અભરાઈએ ચડી ગઈ હતી. આજે અચાનક એમની સાથેનું ગ્રુપ આવું આયોજન કરતું હોય તો જોડાવાની એમની ઈચ્છા થઈ આવી. એટલે કમળાશંકરે કહ્યું રમણિક ભાઈ બસની ટિકિટ નવ હજાર રૂપિયા છે, અને થોડા ઘણા આપડે વાપરવાના, આટલી સગવડ થઈ શકશે? અમારે તો પેંશન આવે છે પણ તમારે દીકરો માંડ ઘર ચલાવે છે.
રમણિકલાલે કહ્યું અરે એ બધી ચિંતા છોડો, દીકરા ની બધી ફરજો મેં પુરી કરી જ દીધી છે, અને કૈલાશ ના દાગીના વહુ ને સોંપી દીધા છે. મારી પાસે મારા પ્રવાસ નો ખર્ચો છે, તમે ચિંતા કર્યા વગર મારૂ નામ લખી નાખો. આ બાજુ પ્રવાસ ની તો પંદર દિવસ ની વાર હતી એટલે રમણિકભાઈ એ કેશર ના દીકરા સોહન ને કહ્યું કે બેટા મારે સર્ટી તોડાવવું છે મદદ કરજે. તો બીજી બાજુ કમળાશંકર ના ઘરેથી આરતી ને ખબર પડી કે એના સસરાએ પણ પ્રવાસમાં જવામાટે ટિકિટ નોંધાવી છે.
એટલે આજે આરતી આરવ પર ગુસ્સે હતી કે પંદર થી વિસ હજાર રૂપિયા થશે જાત્રા ના! આ ડોસો દેવું કરશે તો ભરશે કોણ? ઘર બાળી ને થોડા તીરથ થાય? આ મરવાની ઉંમરે ડોસા ને સુ મતિ સુજી છે? એટલુય નથી વિચારતો કે મારો છોકરો સાયકલ લઈ ને નોકરીએ જાય છે, રૂપિયા હોય તો મોટરસાયકલ ન લાવે? વળી પાછો બેશર્મ પૂછવા આવે છે કે બેટા શુ થયું? શેની ચર્ચા છે?
જમવા બેઠા ત્યાં આરતીએ પુછીજ નાખ્યું "બાપુજી તમે જાત્રાએ જવાના છો?" રમણિક ભાઈએ થોડા ગંભીર થઈ જવાબ આપ્યો હા, દીકરા! આમતો તારી સાસુ સાથે જાત્રા કરવાની ઈચ્છા હતી પણ એતો અનંત ની વાટે ઉપડી ગઈ, હવે મારી ઈચ્છા છે કે જાત્રા કરું ને હરિદ્વાર જઈ ને તર્પણ ય કરૂ."
હવે આરતી બરાબર ઉકળી ઉઠી" અને એ જાત્રા ના રૂપિયા કોણ આપશે? ઘરની સ્થિતિ જોઈએ ને શોખ કરાય જાત્રાના, દીકરો કરોડપતિ નથી, દીકરા ના માથે દેવું કરી જાત્રા કરતા શરમ ય નથી આવતી?
અહીંયા મારૂ ઘર છોડી ને જ્યાં જવું હોય ત્યાં જતા રહો, આવા નાટક મને નહીં ફાવે. આટલું કેહતા આરવ આરતી પર ગુસ્સે થયો, અને બંને વચ્ચે ઝપાઝપી થઈ, એ દરમિયાન આરતી નો ધક્કો વાગતા રમણિક લાલ દરવાજા સાથે અથડાયા અને માથામાં લોહી નીકળી આવ્યું.
વીનું દાક્તર ને ત્યાં ડ્રેસિંગ કરાવી રમણિકલાલ સીધા દાદા દાદી ના વિસામે જતા રહ્યા.
જાત્રા નો નિયત દિવસ આવી પોહચ્યો. ખોડલકૃપા ટુર્સ એન્ડ ટ્રાવેલ ની બસ આવી ગઈ, બધા ને બસ પર મુકવા એમના દીકરા દીકરી તેમજ અન્ય સબંધી આવ્યા હતા, પણ રમણિક ભાઈ ને મુકવા કોઈ નોહતું આવ્યું. બસ ઉપડતા પહેલા નો આ માહોલ જોઈ એમનું દિલ ઉભરાઈ આવ્યું. ઘડીક તો થયું પણ ખરું કે ટિકિટ કેન્સલ કરાવી ને આરવ ને મોટરસાઇકલ લાવવા રૂપિયા આપું. પણ એ પછીની સ્થિતિ ય તેઓ જાણતા હતા. કેશરબા એ માતાજી ની જય બોલાવી અને ગાડી ઉપડી. સૌ કોઈ આનંદ માં હતા, કેશરબા તો પેહલા બે દિવસ ચાલે એટલા થેપલા, પછી સૂકા મમરા પૌઆ, અને સક્કરપારા નાસ્તા માટે બનાવી લાવ્યા હતા, તો વળી કમળાશંકર સુખડી અને ચવાણુ લાવ્યા હતા. આમતો સવાર નો ચા નાસ્તો અને જમવાનું બસભાડા સાથે જ હતું. પણ બધા જ પોતપોતાના ઘરેથી નાસ્તો લઈ ને આવ્યા હતા.
એક બીજા ના સુખ દુઃખ ની વાતો કરતા કરતા, ગમ્મત કરતા, અંતાક્ષરી રમતા રમતા બધા પ્રવાસ ની સુખદ ક્ષણો માણી રહ્યા હતા. રાત્રે ગાડી જયપુર પોહચી. બધા એક ધર્મશાળા માં રોકાયા બીજા દિવસે જયપુરદર્શન કરી દિલ્લી તરફ રવાના થયા. જ્યારે બસ હરિદ્વાર પોહચી અને બધાએ ગુજરાતી સમાજ ધર્મશાળા માં રોકાવાનું હતું. અહીંયા લગભગ ત્રણ એક રાત્રી નું રોકાણ હતું.
રમણિક ભાઈને કુંજ વારંવાર યાદ આવી રહ્યો હતો. કુંજ ને રમાડતાં, મંદિરે લઈ જતા, વારંવાર આ દ્રશ્ય નજર સામે આવી જતા તે ખુશ થઈ જતા. તો વળી આરતીનું એ દિવસ નું વર્તન યાદ આવતા દુઃખી થઈ રડી પણ પડતા. બીજા દિવસે આખું હરિદ્વાર જોયું, રામજુલા, લક્ષ્મણજુલા, ઋષિકેશ માં ખૂબ ફર્યા, હરકી પૌડી માં માં ગંગા ની આરતી કરી તો કશ્યપ ઘાટ પર કૈલાશ ના આત્માની શાંતિ માટે પૂજા પણ કરાવી.
રાત્રે બધા ધર્મશાળા ના ફળીયામાં બેઠા હતા, ત્યાં રમણિક ભાઈ કુંજ માટે લીધેલા રમકડાં લઈ ને આવ્યા, એમાં રમકડાં નો એક સરસ મજાનો કૅમેરો હતો, જે એક આંખ બંધ કરી ને ચકરડી ફેરવીએ તો બધા દેવી દેવતાઓ ના ફોટા દેખાય. તો વળી આરવ માટે સરસ જેકેટ અને આરતી માટે સ્વેટર લીધું હતું. આ બધું બતવતા બોલ્યા કે "જુવો વિષ્ણુભાઈ મેતો ધરાઈ ધરાઈ ને અહીં ભગવાન ના દર્શન કર્યા છે, મારા મન ને એક અજબ પ્રકાર ની શાંતિ મળે છે, એવું થાય છે કે હવે અહીજ રોકાઈ જાઉં, આગળનો પ્રવાસ કરવાનીય મારી ઈચ્છા નથી. આમેય ત્યાં આવી ને દાદા દાદી ના વિસામે જવું એના કરતાં હરિદ્વાર માં આ હરિ નો વિસામો શુ ખોટો?"
દરરોજ ઉદાસજ જોવા મળતા રમણિક ભાઈ આજે ખરેખર ખૂબ પ્રસન્ન દેખાતા હતા, એ અહીંયા દરેકે નોંધ્યું. આજે આખા પ્રવાસ માં પહેલીવખત રમણિક ભાઈ ને પ્રસન્નજોઈ બધા જ ખુશ હતા. દરેક ને પોતાની જાત્રા ફળી હોય એટલો આનંદ થતો હતો.
રાત્રી ના બાર થવાયા તા ને ઠંડી પણ લાગતી હતી, વળી સવારે વહેલા ઉઠી ને મનસાદેવીએ જવાનું હતું, એટલે બધા પોતપોતાની રૂમ માં સુવા જવા લાગ્યા. અહીં વિષ્ણુભાઈ ને રોકતા રમણિક ભાઈ બોલ્યા "અરે બેસો વિષ્ણુભાઈ આ બધા ભલે સુતા આપડે વાતો કરીએ, કાલ કોણે જોઈ?" વિષ્ણુ ભાઈ ને પોતાની પાસે રહેલા દસહજાર આપતા બોલ્યા આ મારી છેલ્લી મરણમૂડી છે, આરવ ને હાથોહાથ આપજો, મોટરસાઇકલ લાવવી હોય તોયે ને જે લાવવું હોય એ, હું હવે આગળ આવવા માંગતો નથી. બીજા આ બે એક હજાર રૂપિયા છે તે એ આશ્રમ માં આપી દઈશ મારી સેવા ચાકરી ને અંતિમવિધિ માટે.
વિષ્ણુભાઈએ કહ્યું જૉવો રમણિક ભાઈ " તમારો સોરો અત્યારે પસ્તાતો અશે, આવું બધું ની બોલવાનું ચાલો આપણે હવે સુઈ જઈએ, આખી જાત્રા પુરી કરીને આપડે જોડે જ ઘરે જવાનું છે. આટલી વાતો કરી બંને સુવા માટે ગયા.
સવારે ચાર વાગ્યા થી ધર્મશાળા માં ચહલ પહલ થવા લાગી હતી, વહેલા ઉઠી જઈએ તો મર્યાદિત પ્રમાણ માં રહેલા સ્નાનાઘર અને શૌચાલયો નો યોગ્ય ઉપયોગ થઈ શકે અને સમયસર નીકળી જવાય. પાંચ સુધી માં બધા તૈયાર થઈ ગયા, પણ રમણિક ભાઈ દેખાતા ન હતા, વિષ્ણુભાઈ અને કમળાભાઈ એમને જગાડવા માટે ગયા, રૂમ ખુલ્લી જ હતી, પણ રમણિક ભાઈ રૂમના બાંકડે અચેત પડ્યા હતા. બને એ જોયું તો હવે નશ્વરદેહ માત્ર રહી ગયો હતો, જીવડો તો હરિદ્વાર ખાતે હરિધામ ચાલ્યો ગયો હતો.
બધા ની આંખો ભીની હતી. દરેક માણસ એમની રાત્રે કહેલી બધી વાતો સંભારી ને આંખોના ખૂણા લૂછતું હતું. છેવટે રમણિક ભાઈ ની અંતિમક્રિયા ત્યાંજ ગંગાકિનારે સ્મશાનઘાટે કરવામાં આવી એમની ચિતા ને મુખાગ્નિ વિષ્ણુભાઈએ જ આપી, અને એમની ઈચ્છા પ્રમાણે બધાએ આગળ પ્રવાસ કર્યો.
વળી આ બાજુ આરવ ને ઘણો પશ્ચાતાપ થતો હતો, પોતાના બાપ સાથે થયેલા વર્તનથી દુઃખી હતો. જ્યારે પ્રવાસ ની ગાડી ગામમાં પરત આવવાની હતી, એ દિવસે પોતાના સ્વજનો ને જાત્રા માટે મુકવા આવેલા બધા સગા ફૂલોના હાર લઇ ને સ્વાગત માટે આવેલા હતા. અલબત્ત આરવ પણ બાપુજી ને આવકારવા કુંજ સાથે હાર લઈને આવ્યો હતો. ગાડી ગામ માં આવી પોહચી, જાત્રા પુરી કરી આવેલા બસમાંથી ઉતરતા એક એક જાત્રાળુ નું સામૈયું થતું હતું, આરવની આંખો બાપુજી ને શોધતી હતી, કુંજ પણ દાદા આવવાના છે સાંભળીને ખુશખુશાલ હતો, ગાડી આખી ખાલી થઈ પણ રમણિક ભાઈ ન દેખાયા.
વિષ્ણુભાઈ આરવના હાથમાં રમણિક ભાઈ નો થેલો,પેલી મરણમૂડી નું કવર અને તાંબાનો અસ્થીકળશ સોંપતા રડી પડ્યા.
સ્થિતિ સમજાતા આરવ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. પણ આ બધાથી અજાણ કુંજ ની નજર આટલા ટોળા માં હજીયે દાદા ને શોધતી હતી.
લેખક:- મેહુલ જોષી (પ્રા શિક્ષક)
બોરવાઈ- મહીસાગર (9979935101)