Priyanshi - 12 books and stories free download online pdf in Gujarati

પ્રિયાંશી - 12

" પ્રિયાંશી " ભાગ-12
બીજે દિવસે મિલાપ સવારના પહોરમાં ફરી માયાબેનને અને હસમુખભાઈને મળવા આવ્યો બંનેને પગે લાગ્યો અને પૂછવા લાગ્યો કે, " પપ્પા હું મારા મમ્મી-પપ્પાને લઇને આજે આપના ઘરે મળવા આવી જવું ? "

માયાબેન હસતા હસતા બોલી પડયા કે, " બહુ ઉતાવળ આઇ છે તમને, મિલાપ ? રાજન અને હસમુખભાઈ બધા હસી પડ્યા.

મિલાપે જવાબ આપ્યો, " ના ના એવું નથી મમ્મી, આતો એકવાર નક્કી થઇ જાય પછી શાંતિ ને એટલે." માયાબેન બોલ્યા, " સારું સારું આજે લઇ આવજો તેમને "

આજે તો મોંઘેરા મહેમાન ઘરે આવવાના છે તેથી ઘરની રોનક જ કંઇક જુદી હતી. માયાબેને તો આખું ઘર ચોખ્ખું કરી દીધું હતું અને હવે નાસ્તામાં શું બનાવવું તે વિચારી રહ્યા હતા. એટલામાં પ્રિયાંશીનો ફોન આવ્યો કે, " મમ્મી મિલાપના મમ્મી-પપ્પા આપણે ત્યાં નથી આવવાના આપણે રાત્રે તેમના ત્યાં જવાનું છે. એટલે આપણે તેમનું ઘર પણ જોવાઇ જાય. " માયાબેન બોલ્યા, " સારું સારું બેટા, વાંધો નહિ, આપણે જઇ આવીશું. "

રાત્રે 8:30નો ટાઇમ નક્કી થયો. હસમુખભાઈ અને આખો પરિવાર મિલાપના ઘરે સમયસર પહોંચી ગયા. મિલાપ અને તેના મમ્મી-પપ્પા પણ જાણે મહેમાનની વાટ જોઇને બેઠા હોય તેમ બેઠા હતા. બધા એક બીજાને મળીને ખુશ થઇ ગયા. ઘરમાં એકદમ ખુશીનો માહોલ છવાઈ ગયો. મિલાપના ઘરમાં તો ઘરઘાટી મોહન રાખેલો હતો. ઘરના નાના મોટા તમામ કામ તે જ કરતો અને ઘરના મેમ્બરની જેમ ઘરમાં રહેતો. ગાડી ચલાવતા પણ તેને આવડતી એટલે કોઇવાર ડ્રાઇવરનું કામ પણ કરી લેતો. બધાને માટે પાણી લાવ્યો અને અંજુબેને તેને ચા-નાસ્તો લાવવાનું કહ્યું. ચા-નાસ્તો આવે ત્યાં સુધી બધા વાતે વળગ્યા.

માયાબેનને ખુલાસીને બધી વાત આજે જ કરી લેવી હતી તેથી તેમણે છોકરાઓને અંદર જઇ બેસવા કહ્યું. મિલાપનો બંગલો શાનદાર હતો. માયાબેનને સમજાતું ન હતું કે આટલું સરસ ઘર-બાર મૂકીને મિલાપને તેના પપ્પા અમેરીકા શું કામ મોકલવા માંગે છે !! પણ તે આ બાબતે કંઇ બોલવા માંગતા ન હતા.

માયાબેને વાતની શરૂઆત કરતાં કહ્યું કે, " મારી પ્રિયાંશી ખૂબ ડાહી છે, હોંશિયાર છે પણ તે ભણવામાં હોંશિયાર હતી એટલે તેને ભણાવી છે, તેને રસોઈ બનાવતા કંઇ ખાસ આવડતી નથી. " એટલે અંજુબેન તરત જ બોલ્યા કે, "ભણતી દીકરીઓ કંઇ ઓછી રસોડામાં ગઇ હોય. નથી આવડતી તો કંઇ વાંધો નહીં, એતો ધીરે ધીરે ધીરે બધું શીખી જશે. " આવા સાસુ મળે તો પછી પ્રિયાંશીને શું વાંધો હોય તેવું માયાબેનને લાગ્યું.

પછી માયાબેન આગળ બોલ્યા કે, "બીજી એક વાત મારે તમને જણાવવી છે જે કોઈ નથી જાણતું ખુદ પ્રિયાંશીને પણ આ વાતની ખબર નથી. પ્રિયાંશી દિવાલને આડી ઉભી રહી હતી કે આ લોકો શું વાતો કરે છે. તેના કાને આ શબ્દો પડ્યા તો તે વિચારમાં પડી ગઇ કે એવી કઇ વાત છે જે મને પણ ખબર નથી. પ્રિયાંશી મારી દીકરી નથી."

પ્રિયાંશી આ વાત સાંભળીને અવાક્ થઇ ગઇ. તેને શું કરવું તેની કંઇ જ ખબર ન પડી, આ વાત સાંભળતા જ ધરતી માર્ગ આપે તો હું સમાઇ જવું તેવો તેને વિચાર આવ્યો. બીજી જ ક્ષણે પ્રિયાંશીના મનમાં પ્રશ્ન થયો કે તો પછી હું કોની દીકરી છું ??

અંજુબેને માયાબેનને પૂછ્યું, " તો પછી પ્રિયાંશી કોની દીકરી છે ?" માયાબેને જવાબ આપ્યો કે અમે હજી સુધી કોઈને આ વાત કરી નથી પણ જીવનમાં ક્યારેય પણ તમને આ વાતની ખબર પડે તો તમને એમ ન થવું જોઈએ કે અમે તમને અંધારામાં રાખ્યા માટે આ વાત તમને જણાવું છું."

માયાબેને ઉમેર્યું કે, " મારા લગ્ન થયે છ વર્ષ પૂરા થઇ ગયા હતા પણ મારી કૂખ ખાલી હતી. આ બાજુ મારા ભાઈને ત્યાં એક પછી એક એમ ત્રીજી દીકરી અવતરી હતી. મારા ભાઈની પરિસ્થિતિ સાવ સામાન્ય છે. અત્યારના મોંઘવારીના સમયમાંતે ત્રણ દીકરીઓનું કેવી રીતે પૂરું કરશે ? દિકરાની આશામાં તેને ત્યાં ત્રીજી દીકરી આવી હતી. મને થયું મારે આમેય સંતાન નથી તો આ ત્રીજી દીકરીને હું ગોદે લઇ લઉં તો મને મા બનવાનો ચાન્સ મળશે. અને મારા ભાઈની જવાબદારી થોડી ઓછી થશે. આ વાત મેં પ્રિયાંશીના પપ્પાને કરી. તેઓએ તરત જ હા પાડી અને પછી મારા ભાઈ- ભાભીને આ વાત કરી તો તેઓ ખૂબજ ખુશ થઇ ગયા. અને આનાથી રૂડું આ દીકરીના નસીબમાં શું હોઈ શકે. પ્રિયાંશી ત્રણ મહિનાની થઇ પછી અમે તેને અમારા ઘરે લાવ્યા.તેનું નામ "પ્રિયાંશી"
પણ મેં જ પાડ્યું. કારણ કે તે અમને ખૂબ પ્રિય છે. અમે આ વાત પ્રિયાંશીને જણાવી નથી માટે તમે પણ જણાવશો નહિ."