Kavataru - 4 books and stories free download online pdf in Gujarati

કાવતરું - 4

કાવતરું

ભાગ –4

લેખક – મેર મેહુલ

“આપણે પાંચ લાખની જ વાત થઈ હતીને ભૂરા”રઘુવીર ટ્રેડિંગનો માલિક મનસુખ ભૂરાને સમજાવવાની કોશિશ કરતો હતો.

“વાત તો પાંચ લાખની જ થઈ છે માલિક પણ મારી પાસે જે માહિતી છે એની સામે તમે દસ લાખ તો શું કરોડ રૂપિયા આપવા પણ તૈયાર થઈ જાઓ.મેં તો દસ લાખ જ માંગ્યા અને પેલાં વીડિયોનું શું?,કોઇએ મને વિડિયો મોકલ્યો છે અને મને બ્લેકમેઇલ કરે છે.એને એક લાખ નહિ આપું તો મારાં તો રામ રમી જ ગયાં છે અને હું ફસાઈશ તો તમે પણ….સમજ્યાને મારી વાત”ભૂરાએ ચોખ્ખાં શબ્દોમાં ધમકી આપી.

“ધમકી આપવાથી કોઈનું સારું નહિ થાય ભૂરા. મારી પાસે અત્યારે ત્રણ લાખ હાથમાં છે. તું આટલાં રાખ.બાકીની વ્યવસ્થા હું બે દિવસમાં કરાવું છું અને તમેં આજે રાત્રે જ અમદાવાદ છોડી દો. તું અહીં રહીશ તો જોખમ વધશે.”ટેબલના ખાનામાંથી એક થેલી ભૂરાને પકડાવતાં મનસુખે કહ્યું.

“અમદાવાદ છોડીને અમે ક્યાં જશું માલિક?”

“નાસિક ચાલ્યા જાઓ.આજે રાત્રે અગિયાર વાગ્યે મારી ટ્રાવેલ્સની ઓફિસે પહોંચી જજો.બાર વાગ્યાની બસ છે.હું અહીંયા બધું સંભાળી લઈશ”

“હું વાત કરીને કહું તમને”ભુરો ઉભો થયો અને થેલી કડે ભરાવી બહાર નીકળી ગયો.

*

રાઠોડ તેની પલટન સાથે રાત્રે સાડા દસ વાગ્યે રઘુવીર ટ્રાવેલ્સની બાજુમાં આવેલી ચાની લારી પાસે વેશ પલટો કરીને બેઠો હતો.તેણે બધાં કોન્સ્ટેબલોને જુદી જુદી જગ્યાઓ પર ગોઠવી રાખ્યાં હતા અને કોઈની રાહ જોવાઇ રહી હતી.

અગિયાર વાગ્યા તો પણ હજુ રાઠોડે કોઈ હરકત નોંધી નહોતી પણ તેને વિશ્વાસ હતો એટલે એ ડેરો જમાવીને નિરાંતે બેઠો હતો. થોડીવાર પછી એક છોકરો હાથમાં બેગ લઈ રઘુવીર ટ્રાવેલ્સની ઓફિસમાં પ્રવેશ્યો.તેને અંદર જતાં જોઈ રાઠોડે બધાં કોન્સ્ટેબલોને સચેત થવા ઈશારો કર્યો.બે મિનિટ પછી એ છોકરો ઓફીસ બહાર નીકળ્યો અને બહાર રસ્તા પર આવી ઉભો રહ્યો.દસ મિનિટ પસાર થઈ ગઈ પણ રાઠોડ હજી એક્શનમાં નહોતો આવ્યો.

થોડીવાર પછી એક શટલ એ છોકરા પાસે આવીને ઉભી રહી,જેમાંથી એક છોકરી બેગ સાથે ઉતરી.તેણે રાત્રે પણ ચહેરા પર સ્કાફ બાંધેલો હતો.જેવી એ છોકરી છોકરાં પાસે પહોંચી એટલે તરત રાઠોડે બધાં કોન્સ્ટેબલોને એક્શનમાં આવવા ઈશારો કર્યો અને પોતે એ છોકરી તરફ આગળ વધ્યો.

“સરપ્રાઈઝ”રાઠોડે એ બંને પાસે જઈને જોરથી કહ્યું.રાઠોડના અચાનક આગમનથી બંને ડરી ગયાં અને ભાગવાની કોશિશ કરી પણ ત્યાં સુધીમાં બધાં કોન્સ્ટેબલો તેઓને ઘેરી વળ્યાં હતાં.

“ચાવડા,આ છોકરી કોણ છે ખબર તને?”રાઠોડે પૂછ્યું.

“મને કેવી રીતે ખબર હોય સાહેબ”ચાવડાએ ખભા ઉછાળી જવાબ આપ્યો.

“એ વાત પણ સાચી.ચાલ હટાવ સ્કાફ અને જોઈ લે.તને આશ્ચર્ય થશે”રાઠોડે હસીને કહ્યું.

ચાવડાએ એ છોકરીના ચહેરા પરથી સ્કાફ દૂર કર્યો.એ છોકરીનો ચહેરો જોઈ ચાવડાના હોશ ઉડી ગયાં.

“તું??”ચાવડાએ નફટાઈથી કહ્યું, “તને તો અમે સાવ ભોળી માની હતી અને તું જ ખૂની નીકળી જ્યોતિ” એ છોકરી જ્યોતિહતી.

“સાહેબ મેં ખૂન નથી કર્યું,તમારી ભૂલ થાય છે”જ્યોતિએ પોતાનો બચાવ કરતાં કહ્યું.

જ્યોતિની વાત સાંભળી રાઠોડે એ છોકરાંને બે થપાટ ઝીકી દીધી.

“છોકરી છો એટલે તને મારતો નથી.નહીંતર બે ઝાપટ મારેત અને બધું ઓકવા મંડેત”રાઠોડે પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો,“વીડિયો બતાવું કે હવે જાતે જ બધું બકવાનું છે પ્રદીપ ઉર્ફે ભૂરા”

“તમને પણ એ વીડિયો મળી ગયો?”પ્રદીપે આશ્ચર્ય સાથે પૂછ્યું

“હા હવે જલ્દી બકવા મંડ ,શા કારણથી તે હત્યા કરી?”

“હા અમે જ તેઓની હત્યા કરી હતી,એ એનાં જ લાયક હતી”પ્રદીપે કહ્યું, “હું જ્યોતિનો બોયફ્રેન્ડ છું. બદ્રિનારાયણ સોસાઇટીની બાજુની સોસાઇટીમાં રહું છું અને અમે બંને કોલેજમાં સાથે છીએ.થોડાં દિવસ પહેલા જ્યોતિના મમ્મી અમને એકાંતમાં જોઈ ગયેલાં. અમે તેઓને લગ્ન માટે મનાવવા ઘણી કોશિશ કરી પણ તેઓએ એકના બે ના થયાં.જ્યોતિના પપ્પા આ વાત કહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાની ધમકી આપતાં હતા.જ્યોતિને ટોર્ચર કરતાં હતાં એટલે જ્યોતિના પપ્પાના સ્યુસાઇડ પછી અમે બંનેએ પ્લાન બનાવ્યો.

જ્યોતિ કૉલેજ જવાનું બહાનું બનાવી ઘરેથી નીકળી ગઈ.થોડીવાર પછી એ છુપાઇને ઉપરનાં રૂમમાં આવી અને અગાસીનો દરવાજો ખોલી નાખ્યો.હું પાછળથી અગાસી પર ચડીને રૂમમાં પ્રવેશ્યો અને અમે બંનેએ આ ઘટનાને અંજામ આપ્યો.બરોબર એ જ સમયે નેન્સી ઉપરના રૂમમાં આવી એટલે અમારું કામ અધૂરું રહી ગયું અને અગાસી પરથી અમે બંને બહાર નીકળી ગયાં”

“એક પ્રેમ પ્રકરણ માટે તને માંની હત્યા કરતાં શરમ ના આવી?”રાઠોડે જ્યોતિ સામે જોઈ કહ્યું.

“માં નહોતી એ મારી,એણે મારી લાઈફ બરબાદ કરી નાખી હતી.નાની-નાની વાતમાં મારા પર ડાઉટ કરતી અને મને હેરાન કરતી હતી.હું કોઈ જેલમાં હોવ એવું મહેસુસ થતું મને”જ્યોતિએ કહ્યું.

“અને એટલે જ તે એને મોતને ઘાટ ઉતારી નાંખી અને બધું દેવ પર ઢોળી દીધું”

“હા, એ માં-દિકરાને કારણે મારાં પરિવારને ઘણુંબધું સાંભળવું પડ્યું હતું.પપ્પાની બદનામી થઈ હતી.હું કેમ ભૂલી શકું એ બધું”જ્યોતિએ નિસાસો નાંખીને કહ્યું.

“જ્યોતિનું તો સમજ્યા,પણ તને જરા પણ ડર ના લાગ્યો પ્રદીપ?”

“હું પણ કંટાળી ગયો હતો મારી લાઈફથી.પપ્પા જોબ કરવાં પ્રેશર આપતાં હતાં પણ મારે જોબ નહોતી કરવી.મને આ કામ માટે પાંચ લાખ રૂપિયા મળતાં હતા.હું કેમ છોડું આવો મોકો?”

“કોણ આપવાનું હતું પાંચ લાખ રૂપિયા?”

“રઘુવીર ટ્રેડિંગનો માલિક, એ જ્યોતિના મમ્મી તરફ આકર્ષયો હતો પણ જ્યારે જ્યોતિના મમ્મીએ તેને બધાં સામે બેઇજત કરી નાંખ્યો ત્યારથી એ બદલો લેવાના ફિરાકમાં હતો.મને સજા થાય તો એ પણ પૂરો હિસ્સેદાર છે.”

“તે મારાથી આ વાત છુપાવી પ્રદીપ?,તું તો કહેતો હતો કે પપ્પાની ગેરહાજરીમાં મમ્મી અવારનવાર તેને એકાંતમાં મળતાં હતા.”

“જુઠ્ઠું બોલ્યો હતો હું.તારાં મમ્મીએ તેને સ્પર્શ પણ નથી કરવાં દીધો”

“હરામી….”કહેતાં જ્યોતિએ પ્રદીપને એક લાફો ચોડી દીધો.

“તું આ તારો પ્રશ્ચાતાપ જેલમાં બેસીને કરજે અને તું તારાં પાંચ લાખ જેલમાં બેસીને ગણજે.નાંખો બંનેને જીપમાં”રાઠોડે હુકમ કર્યો, “અને રઘુવીર ટ્રેડિંગના માલિકને પકડો”

કાજલબેનના હત્યારા હાલ જેલમાં હતા.કોઇએ કંટાળીને,કોઇએ બેઇજતીનો બદલો લેવા તો કોઇએ પૈસા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો.રાઠોડ માટે આ આસાન કેસ હતો.હત્યા થઇ તેના બે દિવસની અંદર હત્યારા જેલમાં હતા.શું ખરેખર કેસ સોલ્વ થઇ ગયો હતો?

ના,કોઇએ હત્યાનો વિડિયો ઉતાર્યો હતો.મતલબ એ વ્યક્તિને ખબર હતી કે કાજલબેનની હત્યા થવાની છે.કોણ હશે એ વ્યક્તિ જેણે પ્રદિપને વિડિયો મોકલી બ્લેકમેઇલ કર્યો હતો અને રાઠોડને વિડિયો મોકલી પ્રદિપ અને જ્યોતિને પકડાવ્યા હતા

(ક્રમશઃ)