Kavataru - 6 - last part books and stories free download online pdf in Gujarati

કાવતરું - 6 - છેલ્લો ભાગ

કાવતરું

ભાગ – 6

લેખક – મેર મેહુલ

સાંજના સાત થવા આવ્યા હતાં.બપોરનાં બે વાગ્યાનો રાઠોડ વેશ-પલટો કરી બદ્રીનારાયણ સોસાઇટીના નાકે ફળની લારી રાખી ઉભો હતો. દિવસ દરમિયાન સોસાયટીમાં થતી ગતિવિધિઓ પર તેની પુરી નજર હતી.એ દરમિયાન તેણે એક હ્રુષ્ટપ્રુષ્ટ યુવતીને વારંવાર સોસાયટીના દરવાજા સુધી ચક્કર લગાવતી જોઇ હતી.રાઠોડને તેનાં પર શંકા હતી.ચિઠ્ઠી મોકલનાર છોકરી એ છે કે નહીં તેની ખાત્રી કરવાં રાઠોડે ચાવડાને ફોન કરી કાળુને બોલાવી લીધો.સાડા આઠ થયાં એટલે એ યુવતી ફરીવાર સોસાયટીના દરવાજા સુધી ચક્કર લગાવવા આવી.

“જો તો કાળુ, એ દિવસે જેણે તને ચિઠ્ઠી આપી હતી એ આ જ છોકરી છે?”રાઠોડે પૂછ્યું.

“હા સાહેબ,આ જ હતી”કાળુએ પુરી ખાત્રી સાથે કહ્યું.

“ઠીક છે”કહી રાઠોડે કાળુને રિક્ષામાં બેસારી રવાના કરી દીધો અને એ યુવતીનો પીછો કર્યો.એ યુવતી સોસાયટીના ત્રીજા ખાંચામાં વળી ગઈ અને છેલ્લે ખૂણામાં પડતાં મકાનમાં ઘુસી ગઈ.રાઠોડ દબેપાવ તેની પાછળ પાછળ એ ખાંચામાં ગયો.તેણે જોયું છોકરી જે ઘરમાં ઘુસી હતી તેની બહારની લાઈટ બંધ હતી.

“બદ્રીનારાયણ સોસાયટીમાં પહોંચો”રાઠોડે ચાવડાને મૅસેજ કર્યો અને એ ઘરનાં દરવાજા પાસે પહોંચ્યો સાથે કમરે ભરાવેલી પિસ્તોલ હાથમાં લીધી.ધીમેથી બારણું ખખડાવી રાઠોડ દીવાલ તરફ ધસી ગયો.થોડીવાર પછી બારણું ખુલ્યું એટલે તરત જ રાઠોડે બારણાં તરફ પિસ્તોલ તાંકી કહ્યું, “કોઈ પણ પ્રકારની હલચલ ના કરતી,નહીંતર પિસ્તોલની ગોળી અને તારું માથું એક થઈ જશે”

“કોણ છો તમે?,શું જોઈએ છે?રાઠોડને સામાન્ય પોશાકમાં જોઈ એ છોકરીએ કહ્યું.

“પોલીસ અને મારે તારાં ઘરની તલાશી લેવી પડશે”કહી રાઠોડે તેને પાછળ ખસવા ઈશારો કર્યો અને અંદર ઘુસી ગયો.

“તમારી ભૂલ થાય છે સાહેબ,મને લાગે તમે ગલત જગ્યા પર આવી ગયાં છો”છોકરીએ શાંત અવાજે કહ્યું.

“એ હમણાં ખબર પડી જશે”કહી રાઠોડે તેને રસોડામાં ધકેલી અને બારણું વાસી દિધુ.નિચેનો રૂમ ખાલી જોઇ રાઠોડ ઉપરનાં રૂમ તરફ દોડ્યો અને પગ મારી બારણું ખોલી નાંખ્યું. તેની સામે ખુરશી પર એક ઓરત બેભાન અવસ્થામાં બાંધેલી હતી.રાઠોડ અંદર પ્રવેશ્યો એટલી જ વારમાં બાથરૂમનો દરવાજો ખુલ્યો અને કોઈ બહાર આવ્યું.

“ઓહ,તો તું જ છે માસ્ટરમાઇન્ડ”કહી રાઠોડે તેની તરફ પિસ્તોલ તાંકી.

“ઇન્સ્પેક્ટર રાઠોડ?”રાઠોડ તેની સુધી પહોંચી ગયો એ વાતનો એ વ્યક્તિને વિશ્વાસ નહોતો આવતો.

“હા દેવ સોલંકી,તારી સ્ટોરીનો પડદો ઉઠી ગયો છે.તું સરેન્ડર કરી દે એમાં જ તારી ભલાઇ છે”રાઠોડે હજી દેવ સામે પિસ્તોલ તાંકેલી હતી.

“એટલી જલ્દી નહીં સાહેબ”કહી દેવે બાજુમાં રહેલી ખુરશી ઊંચકી રાઠોડ તરફ ફેંકી.રાઠોડ દેવે ફેંકેલી ખુરશીથી બચવા નીચે ઝુક્યો પણ ખુરશીનો એક પાયો તેના ખભે લાગી ગયો.રાઠોડને હજી કળ વળે એ પહેલાં દેવે તેને પેટમાં એક લાત મારી અને બારણાં તરફ દોડ્યો.

રાઠોડે સૂતાં સૂતાં જ દેવના પગ તરફ નિશાનો લીધો અને ટ્રિગર પર આંગળી રાખી દીધી.ગોળી દેવના જમણા પગની ઘૂંટીને સ્પર્શીને નીકળી ગઈ.

દેવ લંગડાતો લંગડાતો નીચે આવ્યો.

“ભાગ જલ્દી”રસોડાનો દરવાજો ખોલી છોકરીનો હાથ પકડી દેવે દોડ મૂકી.આ વખતે તેનાં નસીબ જોર નહોતાં કરતાં. એ હજી બારણાં બહાર નીકળ્યો ત્યાં સામે ચાવડા અને પુરી ટિમ તેની સામે ચેઇન બની ઉભા હતા.રાઠોડ પણ ઝડપથી નીચે આવી ગયો હતો.તેણે ફરી દેવ તરફ પિસ્તોલ તાંકી કહ્યું, “જો હવે ભાગવાની કોશિશ કરી તો નિશાનો તારી ખોપરીનો હશે”

દેવે બે હાથ ઊંચા કરી સરેન્ડર થવા ઈશારો કર્યો.રાઠોડે બંનેના હાથમાં હથકડી પહેરાવી,લોકોની ભીડ વધે એ પહેલાં જીપ ચોકી તરફ નીકળી ગઈ.

“સાહેબ તમને કેવી રીતે ખબર પડી કે હત્યા દેવે જ કરી છે?”રસ્તામાં ચાવડાનું ચંચળ મન સવાલ કરતાં પોતાને ના રોકી શક્યું.

રાઠોડે હાથમાં રહેલી ફાઇલ ખોલી,જેમાં સોલંકી પરિવારના સભ્યોએ લખેલું લખાણ હતું.પછી તેણે એ બે ચિઠ્ઠી ખોલી જે કાળુએ આપી હતી.આખરમાં તેણે જીજ્ઞેશભાઈની સ્યુસાઇડ નોટ ખોલી.

“ આ ચિઠ્ઠી અને સ્યુસાઇડ નોટના અક્ષર સરખા છે.હવે આ ફાઈલમાં રહેલાં લખાણ સાથે સરખાવી જો.દેવના અક્ષર મેચ થાય છે.મતલબ આ બધો ખેલ દેવનો જ હતો.તેણે જ તેનાં પપ્પાની હત્યા કરી છે, પ્રદીપને બ્લેકમેઇલ કર્યો છે અને ચિઠ્ઠી મોકલનાર વ્યક્તિ પણ એ જ છે”રાઠોડે કહ્યું.

“ખુરાફાતી દિમાગ છે હો તમારું સાહેબ”રાઠોડની પ્રશંસા કરતાં ચાવડાએ કહ્યું.

“દસ વર્ષનો અનુભવ છે ચાવડા.આમ જ થોડું દિમાગ ચાલે”રાઠોડે હસીને કહ્યું.ચાવડા પણ રહસ્યમય રીતે હસ્યો જાણે તેને બધી વાત સમજાય ગઈ હોય.

*

પછીના દિવસના ન્યૂઝપેપરમાં આ કેસની વિગતવાર માહિતી છાપવામાં આવી હતી.જેમાં ઠક્કરનગર પોલીસ ચોકી સાથે રાઠોડના પણ ભારોભાર વખાણ કરવામાં આવ્યા હતા.સાથે રાઠોડે લીધેલું દેવનું સ્ટેસ્ટમેન્ટ પણ હતું.એ કંઈક આ મુજબ હતું,

“માતા-પિતા બાળકની સરખામણી બીજાં બાળક સાથે કરે છે.તેને કોણે એવો અધિકાર આપ્યો છે? કેમ કોઈ માતા-પિતાની સરખામણી બીજાં માતા-પિતા સાથે નથી કરતું?

મારાં પિતા જીજ્ઞેશભાઈ એક પિતાની ફરજ તો સારી રીતે બજાવતા હતાં પણ તેઓ એક વ્યક્તિ તરીકે પોતાને સારાં વ્યક્તિ સાબિત નહોતાં કરી શક્યા.પોતે દુર્ગુણોની પોટલી બાંધી ફરતાં હતા અને મને સારો વ્યક્તિ બનાવવા મથતાં હતાં.નાની-નાની વાતોમાં મને ટોકતાં,જજમેન્ટ પાસ કરતાં.હું નાની અમથી ભૂલ કરું તો પણ એ એવી રીતે બોલતાં જાણે મેં કોઈ મોટો ગુન્હો કર્યો હોય.એ જજ તો નહોતાં ને? તો પછી કેમ દરેક વખતે એ મારું સાંભળ્યા વિના ફેંસલો સંભળાવી દેતાં?

હું તેની સામે રહેવાનું ટાળતો.તેઓની સામે રહેવું એટલે મારે નજરબંધીમાં રહેવા સમાન હતું.એક મહિના પહેલા તેઓએ હદ પાર કરી દીધી.મારી નાની ભુલમાં તેણે મને લાફો મારી લીધો.બસ એ જ દિવસથી મેં કાવતરું ઘડી લીધું હતું.ઘણુંબધું સહન કર્યું પણ હવે નહિ.મારી પણ ઘણીબધી આશાઓ હતી.પપ્પા પ્રત્યે કોને પ્રેમના હોય? પણ જ્યારે એ પ્રેમ ઝેર બની મારી નસમાં વહેવા લાગ્યો ત્યારે એક દિવસ મોકો વર્તી મેં તેઓનું ગળુ દબાવી ખેલ જ પૂરો કરી દીધો અને પંખે લટકાવી સ્યુસાઈડ નોટ લખી નાખી.

ખબર નહિ મમ્મીને કેવી રીતે ખબર પડી ગઈ.તેઓએ મને પોલિસને જાણ કરવાની ધમકી આપી.મેં તેઓને સમજાવી થોડાં દિવસ ધીરજ રાખવા કહ્યું.મને ખબર હતી કે કોઈક દિવસ તો એ આ વાત બહાર કાઢશે જ એટલે મેં તેઓને પણ રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી લીધું.

મારી બહેન જ્યોતિના બોયફ્રેન્ડ વિશે મને ખબર હતી.એ એક નંબરનો ડરપોક હતો.મેં તેનાં મમ્મીને કિડનેપ કરી તેને બ્લેકમેઇલ કર્યો અને મમ્મીની હત્યા કરવા માટે કહ્યું.

જ્યારે તેઓ આ ઘટનાને અંજામ આપતાં હતા ત્યારે મેં અલમારીમાં છુપાવેલા કેમેરામાં બધું રેકોર્ડ કરી લીધું.મારી ભૂલ એટલી જ કે હું રૂપિયાના લાલચમાં આવી ગયો અને પ્રદીપ-જ્યોતિના પર બધું ઢોળવા પોલીસને જ એ વીડિયો આપી દીધો.

હું મારો ગુન્હો કબૂલ કરું છું અને સાથે એક વિનંતિ પણ કરું છું કે તરુણ અવસ્થામાં પ્રવેશતાં બાળકોમાં ઘણાં આવેગો હોય છે. માતા-પિતાએ એ સમજી તેનાં અનુસાર વર્તન કરવું.નહીંતર ઘણાં બધાં દેવ છે આ દુનિયામાં જે હજી અંદર છુપાઈને બેઠા છે.

(સમાપ્ત)

મેર મેહુલ