Kavataru - 5 books and stories free download online pdf in Gujarati

કાવતરું - 5

કાવતરું

ભાગ – 5

લેખક – મેર મેહુલ

પછીના દિવસે રાઠોડ ખુરશી પર બેઠો વિચારમાં ડૂબેલો હતો. એટલામાં ચાવડાએ આવીને તેનું ધ્યાન ભંગ કર્યું.

“શું વિચારો છો સાહેબ?”ચાવડાએ પૂછ્યું.

“તને નથી લાગતું ચાવડા કે આ કેસ એટલી આસાનીથી સોલ્વ થઇ ગયો”રાઠોડે પૂછ્યું.

“હા સાહેબ, થાય એવું ઘણીવાર.પણ તમને કેવી રીતે ખબર કે આ લોકો રઘુવીર ટ્રાવેલ્સે જ મળશે અને તમે ક્યાં વીડિયોની વાત કરતાં હતાં?”ચાવડાએ ઉત્સુકતાથી પૂછ્યું.

“તે દિવસે કોઈ ચિઠ્ઠી રાખી ગયું હતું યાદ છે તને?.....”રાઠોડે માંડીને બધી ઘટના વિગતવાર કહી.

“મને એ નથી સમજાતું કે ઇન્ફોર્મરને રૂપિયા જોતાં હતાં તો મને રઘુવીર ટ્રાવેલ્સની બાતમી કેમ આપી.બાતમી આપી એ તો સમજ્યા પણ હજી આપણે ત્યાં નહોતાં પહોંચ્યા એ પહેલાં પૂરો વીડિયો કેમ મોકલી દીધો?,આપણી નજરમાંથી કંઈક છૂટતું હોય એવું મને લાગે છે.ચિઠ્ઠી મોકલનાર છોકરી કોણ હશે અને અને એ વીડિયો ઉતારવાવાળું કોણ હોય શકે?”રાઠોડે મનોમંથન કર્યું.

“દેવ સિવાય કોણ હોય?,એ જ કાજલબેનની હત્યાની થોડીવાર પહેલાં ઘરે હતો”ચાવડાએ કહ્યું.

“ના મને એ ઇનોસન્ટ લાગે છે.”રાઠોડે કહ્યું.

“સાહેબ આપણે એની ચર્ચા શા માટે કરીએ છીએ?,હત્યારા આપણી કેદમાં છે અને તેઓએ ગુન્હો કબૂલ કરી લીધો છે. વીડિયો જેણે ઉતાર્યો હોય.આપણે શું લેવાદેવા?”ચાવડાએ વાત પૂરી કરવાનાં ઈરાદાથી કહ્યું.

“તું સમજતો નથી ચાવડા,જેણે વીડિયો ઉતાર્યો છે અથવા કેમેરો છુપાવ્યો છે.તેને ખબર જ હતી કે કાજલબેનની હત્યા થવાની છે.એ ધારેત તો કાજલબેનને બચાવી પણ શક્યો હોત.પણ એણે એવું ના કર્યું.કાં તો એને પણ તેઓની હત્યાથી ફાયદો થયો હશે અને કાં તો તેને કાજલબેન સાથે કોઈ નિસ્બત જ નહીં હોય”

“આપણે આગળ શું કરવાનું છે એ કહો સાહેબ”આખરે ચાવડાએ કંટાળીને કહ્યું.

“ચાલ મારી સાથે”કહેતાં રાઠોડ લોક-અપ તરફ આગળ વધ્યો.અંદર પ્રદીપ અને મનસુખ નિમાણા થઈને બેઠાં હતાં.રાઠોડને અંદર આવતાં જોઈ બંને ઊભાં થઈ ગયા.

“તમે લોકો મારાથી કંઈક છુપાવો છો એવું મને લાગે છે.જે વાત હોય એ મને કહી દો”રાઠોડે તીખાં અવાજે કહ્યું.

“અમે કંઈ છુપાવતાં નથી સાહેબ,અમે જ હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને અમે જ હત્યા કરી છે.”પ્રદીપે કહ્યું.

“તો તે એમ કેમ કહ્યું હતું કે તમને પણ વીડિયો મળી ગયો.તારી પાસે પણ વીડિયો પહોંચી ગયો હતો અને તને કોઈ બલેકમેઈલ કરતું હતું.બરાબરને?”રાઠોડે આંખો ઝીણી કરી.

“સાહેબ અમે ગુન્હો કબૂલ કરીએ છીએ.અમને સજા આપો.આગળ કંઈ ના પૂછો”પ્રદીપે રુક્ષ અવાજે કહ્યું.તેનો ખભો નીચે ઝૂકી ગયો હતો.રાઠોડ એ વાતને કળી ગયો હતો.

“જો પ્રદીપ પોલીસ નિર્દોષ વ્યક્તિને ક્યારેય સજા નથી આપતી.તારો ચહેરો જોઈ મને લાગે છે કે નક્કી તે દબાણમાં આવીને આ ઘટનાને અંજામ આપ્યો છે.તું મને સત્ય કહે.અમે તારી મદદ કરીશું”રાઠોડે પ્રદીપના ખભે હાથ રાખી કહ્યું.પ્રદીપ રડવા લાગ્યો.

“સાહેબ મને એકાંતમાં લઇ જાઓ,હું બધું કહેવા તૈયાર છું”રડતાં રડતાં પ્રદીપે કહ્યું.રાઠોડ તેને બહાર લઈ આવ્યો.

“બોલ હવે કોણ તને બ્લેક મેઈલ કરે છે?”રાઠોડે પૂછ્યું.

“સાહેબ મારી મમ્મી તેઓના કબ્જામાં છે. મને બધી બાજુથી ફસાવવામાં આવ્યો છે. પહેલાં મને બ્લેકમેઇલ કરી જ્યોતિના મમ્મીની હત્યા કરવાં કહ્યું અને હવે વીડિયો બતાવી મારી પાસે લાખ રૂપિયા માંગે છે.હું ક્યાંથી કાઢું આટલા બધાં રૂપિયા?” પ્રદીપ હજી રડતો હતો.

“કોણ છે એ વ્યક્તિ?”રાઠોડે પૂછ્યું.

“એ જ ખબર નથી.મને તો વોટ્સએપમાં મૅસેજ અને વીડિયો પરથી માહિતી આપવામાં આવતી”પ્રદીપે કહ્યું.

“જીજ્ઞેશભાઈના સ્યુસાઈડ વિશે તું કંઈ જાણે છે?”રાઠોડે પૂછ્યું.

“ના સાહેબ,મને એ વિશે કંઈ જ ખબર નથી”પ્રદીપે કહ્યું.

“ઠીક છે.તું ધીરજ રાખજે.તને અમે બચાવી લેશું”કહી રાઠોડે એને લોક-અપ તરફ જવા ઈશારો કર્યો.

*

“સાહેબ કેસ તો ધાર્યો હતો એનાં કરતાં વધુ પડતો જ પેચીદો નીકળ્યો”ચાવડાએ કહ્યું.બંને લટાર મારવા ચાની લારીએ આવ્યાં હતાં.

“કેસ બિલકુલ સાફ છે ચાવડા.જીજ્ઞેશભાઈ અને કાજલબેનનો હત્યા કરનાર એક જ વ્યક્તિ છે.એ પોતાને શાતીર સમજે છે પણ તેનાં શાણપણમાં એ જ ભૂલ કરી બેસશે”રાઠોડે કહ્યું.

“તો આગળ શું કરવાનું છે સાહેબ?ચાવડાએ પૂછ્યું.

“દેવના પરિવારને બોલાવી લે.હાલ પૂરતો કેસ સોલ્વ થઈ ગયો છે એવું જાહેર કરી દે અને જ્યોતિના વર્તન વિશે બધાનું લખાણ લઈ લે.આગળ પછી વિચારીશું”રાઠોડે કહ્યું,” અને હા,બધાને કાગળ-પેન આપી દેજે.એ લોકો જાતે લખી લેશે.”

“જેમ તમે કહો”કહી ચાવડાએ કહ્યું અને બંને ચોકી તરફ આગળ વધ્યા.એ સમયે ચાવડા રાઠોડનો જે મનસૂબો હતો એનાથી બેખબર હતો.

*

“સાહેબ આ લો ફાઇલ,તમે કહ્યું હતું એવી રીતે બધાએ પોતાની જાતે લખાણ લખ્યું છે”ટેબલ પર ફાઇલ રાખતાં ચાવડાએ કહ્યું.

“કોઈએ લખવાનો ઇન્કાર કર્યો હતો?”રાઠોડે પૂછ્યું.

“ના સાહેબ,એ લોકોને તો એમ જ છે કે આ એક પ્રોસેસ છે.”ચાવડાએ કહ્યું, , “મને એક વાત ના સમજાય સાહેબ,ટાઈપીસ્ટ હતો તો પણ કેમ તમે બધા લોકો પાસે લખાવ્યું”

“થોડી ધીરજ રાખ બધું સમજાય જશે.”રાઠોડે કહ્યું, “હું અંગત કામથી બહાર જાઉં છું.મારે થોડું મોડું થશે.ત્યાં સુધી તું સંભાળી લેજે”

“ઠીક છે સાહેબ”કહી ચાવડાએ સલામી ભરી.રાઠોડ ફાઇલ લઈ બહાર નીકળી ગયો.પોલીસની જીપની જગ્યાએ તેણે રીક્ષા કરી અને બદ્રીનારાયણ સોસાયટી તરફ આગળ વધ્યો.

માધવ મોલની આગળ ઉત્તર દિશા તરફ બદ્રીનારાયણ સોસાયટીનો દરવાજો પડતો હતો.રાઠોડે રીક્ષા ત્યાં થોડીવાર ઉભી રખાવી.બે ઘડી સોસાયટીનું નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક એક પ્લાન બનાવ્યો.તેણે કોઈને ફોન જોડ્યો અને દસ મિનિટમાં એક લારી,થોડાં ફળ અને કપડાં‌ સાથે ગામચો મોકલવા કહ્યું.

રાઠોડનાં મગજમાં શું ચાલતું હતું? તેણે શા માટે આ બધું વસ્તુ મંગાવ્યું હશે? શું એ સોલંકી પરિવાર પર નજર રાખવા ઇચ્છતો હશે કે પછી બીજી કોઇ વાત હશે?

(ક્રમશઃ)