Koobo Sneh no - 40 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 40

🌺 આરતીસોની 🌺

પ્રકરણ : 40

અમ્માનો સહનશીલતાનો બંધ તૂટી ગયો હતો. સ્તંભીત થઈ ગયેલા અમ્માના ગાત્રો થીજી ગયાં હતાં. સઘડી સંઘર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

જ્યારે આપણા પોતાના જ કોઈ વ્યક્તિની સાથે કોઈ દુર્ઘટના થાય ત્યારે એનું અસ્તિત્વ તો વિખરાઈ જ જાય છે, સાથે સાથે પોતાનાઓમાં પણ, ધરમૂળથી વિખેરાઈને સમગ્રપણે પરિવર્તન આવી જાય છે. એ વ્યક્તિની સાથે રહેનારા પણ અસહ્ય પિડા અનુભવી રહ્યાં હોય છે.

વિરાજની અવદશા સાંભળીને અમ્માના હૈયે તીણી ટીસ ઉઠી હતી, હાથ પગ ઠંડા પડી ગયાં અને હ્રદયના ધબકારા વધીને એ ફફડી ઉઠ્યાં હતાં, કાનમાં તમરા બોલવા લાગ્યાં અને કાન-જીભ બહેરા થઈ ગયાં હતાં.

અમ્મા કંઈજ બોલવાને સક્ષમ રહ્યાં નહોતાં, એમનું વિચાર જગત તદ્દન શૂન્ય થઈ ગયું હતું. અંધાર પછેડી ઓઢીને સાંજ પલાયન થઈ ગઈ હતી. અમ્મા ઊભા થયા અને ધીરે ધીરે ખોડંગાતી ચાલે જઈને લાઈટો કરી. ક્યાંય સુધી કાન્હાની છબી સામે તાકી રહ્યાં હતાં.

"હે કાન્હા.., જરાક તો દયા રાખવી’તી..!!"

અને એ ત્યાં જ પછડાઈ પડ્યાં હતાં. પછી વિરુને યાદ કરતાં કરતાં અમ્મા બસ શૂન્ય તરફ તાકી રહ્યાં હતાં. ઘરમાં ભયાવહ સન્નાટો પથરાઈ ગયો હતો.

દિક્ષા આમ્માના બોલવાની રાહ જોઈ રહી હતી. એમની હાલત જોઈને દિક્ષા ગભરાઈ ગઈ..

“અમ્મા આ ડરથી જ હું તમને કશુંય કહેવા માટે પાછી પડી રહી હતી..”

"ના દિક્ષા વહુ બેટા ના.. એમ ગભરાઈને હિંમત હારી પાછાં ડગલાં ભરું એમાંની નથી હું. મારા આ બાવડામાં હજુ ઘણું જોર છે.."

એવું કહીને અમ્મા, દિક્ષાનો હાથ પકડી આંગણે ઢસડી ગયાં હતાં.

આંગણે થયેલું ઘટાદાર વૃક્ષ બતાવી કહ્યું, "ખબર છે દિક્ષા વહુ આ શેનું વૃક્ષ છે…??

બિલીપત્રનું…

મહાદેવજીને ચઢાવવામાં આવે છે, એ બિલીપત્રનું વૃક્ષ છે આ..., વિરુના જન્મ પછી તરત જ તારા સસરાએ બિલીનો એક નાનકડો છોડ વાવ્યો હતો... બરાબર વિરુની ઊંચાઈનો આ છોડ હતો એ ટાંણે.., અને એ કાયમ કહેતાં..., ‘આ બિલી જ્યાં સુધી આપણે આંગણે છે ને ત્યાં સુધી, ઉની આંચ પણ નહીં આવે આપણાં વિરુને.."

સમતા તો અમ્માએ ક્યારનીય ગુમાવી દીધી હતી, જ્યારથી દિક્ષાએ વાત માંડી હતી. છતાંય ત્રૃટક ત્રૃટક શબ્દો દ્વારા વાક્યો જોડી જોડીને પણ એ બોલ્યે જતાં હતાં.

"વિરુ જાતે નાનકડાં વૃક્ષ પરથી બિલીપત્ર ચૂંટતો અને ટોપલી લઈ નાનકડાં પગલે દોડતો કૃષ્ણ મંદિર પહોંચી જતો...,

મંદિરના પગથિયે ટોપલી લઈ બેસીને મંદિરમાં આવતાં દરેક દર્શનાર્થ ભક્તોને 'હરિ ૐ' બોલે ને દરેકના મોંઢે બોલાવડાવે અને બિલીપત્ર ખોબો ભરી ભરીને આપતો..,

દરેક ભક્તો એના માથે હાથ ફેરવી આશીર્વાદ આપતાં..,

અને કોઈ એને બિલીના પૈસા આપવા હાથ ધરે તો ધરાર ના કહેતો,

"આ તો મારા ઘરના જ છે..., મેં પૈસા થોડા આપ્યા છે તે હું તમારી પાસેથી લઉં..., મહાદેવજીએ તમારા બધાંને માટે જ બિલીપત્ર લચકે ને લચકે ફાલવ્યો છે...!!"

"મહાદેવજીને ચઢાવેલા અમારા એ બિલીપત્ર એળે નહીં જાય એ ખાતરી છે મને.. છેલ્લા પાંત્રીસ વર્ષથી ત્રણસો પાંસઠ દિવસ મહાદેવજીને બિલીપત્ર અર્પણ કર્યા છે‌.. સમર્પણ, અર્પણ અને તર્પણ કરેલુ ક્યારેય ફોગટ નથી જતું દિક્ષા વહુ..!!!, એ એનું ઋણ ચૂકવ્યા વગર પાછા નથી ફરતાં..."

ઘર ચલાવવાની કડાકૂટ અને કરકસરમાં પોતાના સુખ તો આમ્માએ અભરાઈએ જ ચઢાવી દીધાં હતાં. ગમે તેટલી રૂપિયાની ખેંચ ન હોય પણ અમ્મા જ્યારે જુઓ ત્યારે મરક મરક હસતાં જ હોય, સ્મિતનું વરદાન એમને જાણે જન્મથી જ કાન્હાએ આપ્યું હતું. પણ આજે એય હવે સંતાઈ ગયું હતું. રડવાનું ઓલવવાના નિષ્ફળ પ્રયત્નો અત્યારે કરી રહ્યાં હતાં. ડુસકા તો બેમાંથી એકેયના હજુ સમ્યા નહોતાં.

"વહુ બેટા તારી સજળ આંખોમાં સ્પષ્ટ વંચાતું હતું.., કે મારો વિરુ તકલીફમાં છે.. તું કંઈ બોલે અને ઓઢેલું, ચૂપકીદીનું મહોરું હટાવે તો ઉકેલ આવેને મારી વ્હાલી દિક્ષા વહુ.."

અમ્મા રોજના નિયમ મુજબ પ્રાતઃ કાળે પૂજા સ્થાને ભગવાન સામે આસન લગાવી બેઠા. કાન્હાનું લાલનપાલન કર્યું, શણગાર કર્યા, ભોગ ધરાવ્યો, આરતી કરી, યમનાષ્ટક પાઠ કર્યા, માળા કરી, પ્રાતઃપૂજા સઘળી પૂર્ણ કરી પણ ચિત્ત એમનું ભ્રમિત હતું.!!

અમ્મા, ઠાકોરજીને અરજ સાથે ઢગલો ફરિયાદો કરી રહ્યાં હતાં.

'આ જીવનમાં અનેક વખત ઠોકરો વાગી હતી, અનેક વખત છોલાઈ ગયું હતું, અસંખ્ય પીડા મહેસૂસ થતી હતી, પડતી આખડતી, અથડાતી હતી હું.., પણ જિંદગીના સમગ્ર સૂરમાં ક્યારેય ખલેલ પડવા નથી દીધી ઠાકોરજી..

આખરે તે મારા સંતાનને જ કુદરતનું કોપાયમાન રૂપ બતાવીને ઝપટમાં લઈ લીધો..??

જીવનનું કેટકેટલું આ ઉઘાડી આંખે પચાવ્યું છે.. હવે આ આંખોય થાકી છે. આ આંખોથી ડામાડોળ જિંદગીને પચાવવું કેટલું અઘરું કાર્ય છે ઠાકોરજી..

વ્હાલા હવે તારો જ ભરોસો છે..., મારી આ અઘરી કસોટીમાંથી હેમખેમ પાર ઉતારજે મારા કાળિયા ઠાકર.!!'

આમ અમ્મા કરગરી રહ્યાં હતાં.

જીવનમાં પહેલી વાર પોતાની જાતને અમ્મા નિઃસહાય અનુભવી રહ્યાં હતાં. કેટલી લાંબી અને એકાકી સફરને હાથનાં હલેસાં મારી મારીને પોતે, વિરાજ અને મંજરી સાથે આ મુકામ પર પહોંચ્યાં હતાં.

એક પછી એક માળાનો મણકો આંગળીના ટેરવે ખસતો જતો હતો, એમ એમ અમ્માના વિચારોની સરવાણી વહેતી જતી એ ગુંથણી ગુંચવાતી હતી.

દિવાલ પર સુખડનો હાર ચઢાવેલી છબી સામે જોઈ આમ્માની આંખો ટપકતી રહી. અને પછી તો દિક્ષા સામે અમેરિકા જવાની ઇચ્છા વ્યક્ત કરી.

"અમ્મા, હું તમને લેવા જ આવી હતી, પરંતુ તમારી ખુશીઓ છીનવી, કશું જણાવવાની મારી હિંમત જ ના થઈ શકી..!! વિરુ હજુયે રાહ જોવે છે અમ્માની.. અમ્મા આવશે અને ઊઠાડશે તો જ ઉઠીશ.. એવી જીદ કરીને સૂતાં છે..!!!"

"તો રાહ કોની જોવાની છે? ચાલો વિરુને લઈ આવીએ..., જોઉં છું..., ઉઠે કેમ નહીં.!!! નહીં ઉઠે તો બાવડું ઝાલીને બેઠો કરીશ અને એથીયે નહીં માને તો, રૌદ્ર શક્તિ સ્વરૂપ ધારણ કરીશ, ત્યારે તો એને ઉઠવું જ પડશે.!!! એના પાંપણના પડદા પટપટાવા એને મજબૂર થવું જ પડશે.."

અમ્માના અવાજમાં અને આખાય અસ્તિત્વમાં અત્યારે પણ, પહેલાં જેવો જ એક સ્વસ્થ અને આકર્ષક શક્તિશાળી અસલતાનો પડઘો હતો.

"ઈશ્વરની આ સૃષ્ટિની રચના જ એવી કરી છે કે, કુદરતનેય આ પાનખર નામની બલા કાયમ નડતી હોય છે, ત્યાં આપણે પામર માનવ જાતની શું વિસાત્ !!! પરંતુ પાનખર આવે એ પછી હસતી ખેલતી વસંત પણ આવે જ છે.."

ભારેખમ અવાજ સાથે અમ્મા દિક્ષાને જાણે આવું કહી જણાવી રહ્યાં હતાં કે, 'મારે કોઈના દિલાસાની જરૂર નથી પણ, કુદરતે મારી વહારે આવવું જ પડશે..'

આપણા દેશમાં સતી સીતાયે હતાં અને આમ્રપાલી જેવી કુશળ જનપદ કલ્યાણી સ્ત્રી પણ હતી. બંને સ્ત્રી હતી અને બંને અલગ સામાજિક શાસકો હતી. પદમાવતી જેવી સતી હતી, તો મૃણાલ જેવી કડક શાસક સ્ત્રી પણ અહીં હતી. આમ અમ્મામાં એક પરમ શક્તિ હતી. લાગણીઓનો વ્હેતો ધોધ હતો.

સૂર્ય કેવો આખી ધરતીને અવગણીને દરિયામાં ડૂબી જાય છે, પણ આ તો એક મા છે ને.!! પોતાના સંતાન માટે છેલ્લી ઘડી સુધી ઝઝૂમે છે પરંતુ જીવનની આવી ભયાવહ, નરી કડવી વાસ્તવિકતા સ્વીકારવી અમ્મા માટે પણ ખૂબ અઘરું કામ હતું.

"મને આ બિલીના સોગંદ છે...‌, મારા વિરુને પાછો લઈ ન આવું તો..!!"

ભાવિએ એના ગર્ભમાં શું સંતાડ્યું છે, એ ક્યાં કોઈ જાણે છે...? નિયતીએ ભાગ્યમાં શું લખ્યું છે, એ ક્યાં આપણે જાણી શકીએ છીએ ખરા અર્થમાં..!!!??©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 41 માં વિરાજને મોતના મોંમાંથી પાછો વળવા માટે કાળની કેડી પર અમ્માના નિર્ભય કદમ અમેરિકા તરફ...

-આરતીસોની ©