Aaruddh an eternal love - 31 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૩૧

થોડો સ્વસ્થ થયો હોય એમ અનિરુદ્ધે આંખો ખોલી, ઊંડો શ્વાસ લીધો અને અનન્યા સામે જોયું,

" અનન્યા, રીઅલી ગ્રેટ... મને ખબર જ હતી, કે આર્યા છે કંઈ અને દેખાય છે કંઈ! તું તો ઘણા સમયથી મને સમજાવવા પ્રયત્ન કરતી હતી કે આર્યા યોગ્ય નથી, પરંતુ હું જ સમજતો ન હતો. તે આ પુરાવા મારા સામે લાવીને મારી આંખો ખોલી નાખી."

"આ બધું શું છે અનિરુદ્ધ? આર્યાએ શું કર્યું છે અને તમે લોકો શી વાતો કરી રહ્યા છો?"

"દાદાજી, માફ કરજો પરંતુ હું માત્ર થોડી વાર અનન્યા સાથે વાતો કરી લ‌ઉ. પછી તમને કહું છું."

"અનન્યા, આ ફોટાઓ ખૂબ જ ઉપયોગી છે, એ બંનેને મજા પણ ચખાડવી છે, પણ એક જ ફોનમાં ફોટાઓ ન રખાય, શક્ય છે કે એ કોઈ ડિલીટ કરી દે. અથવા નાશ પામે, આ ફોન મને આપ, કોપી કરી નાખું."

"ચિંતા ના કરીશ અનિ, બધું જ મેં કરી નાખ્યું છે. એક ફોન તો રિવાએ સ્પોઈલ કરી નાખ્યો હતો, પરંતુ આ બીજા ફોનમાં ફોટાઓ હતા, ને આ જો, આ પેન ડ્રાઈવ માં ફોટા છે જ. પછી મારા ફોનમાંથી ડિલીટ થઈ જાય તો કશી ચિંતા નથી."

અનિરુદ્ધે પેન ડ્રાઈવ લઈ લીધી, ત્યાં અનન્યા બોલી,

"અનિ, લગ્નનો સમય થઈ ગયો છે,બહાર બધા રાહ પણ જુએ છે, સ્વાભાવિક છે કે હવે તો તું કોઈ કાળે આર્યા સાથે લગ્ન નહીં કરે. હું હમણાં જ તૈયાર થઈને આવું છું. હવે આપણા બે વચ્ચે કોઈ નથી. આપણે લગ્ન કરી લઈએ. આમ પણ તારા માટે સૌથી લાયક તો હું જ છું ને! કોઈ વાતો પણ નહીં કરે અને આપણને બંનેને કોઈ જુદા પણ નહીં કરી શકે."

"પણ હમણાં આર્યા કે જય આવીને બધા સામે કશું બોલવા લાગશે તો?"

"એ બંનેની મારી સામે શું વિસાત? પળમાં ધૂળ ચાટતા કરી દીધા, આવી હતી મોટી આપણને અલગ કરવાવાળી! આટલું નિર્લજ્જ કામ કર્યા પછી એ બંનેની હિંમત જ નહીં ચાલે બધાની સામે આવવાની." હજુ પણ અનન્યા પુરા ઉત્સાહમાં હતી અને અનિરુદ્ધને આર્યા વિશે કશું કહેવા તૈયાર ન હતી.

સટાક....... એક મોટો અવાજ આવ્યો અને અનન્યા ફર્શ પર ધડામ કરતી પછડાઈ. અનિરુદ્ધ ના હાથની થપ્પડ ખાઈને એના માટે ઉઠવું અશક્ય હતું.

"અનિરુદ્ધ, આ બધું શું છે?"

"એક જ મિનીટ, બધું સમજાવું છું પપ્પા, માફ કરજો આપણે કોઈ દિવસ સ્ત્રીઓ પર હાથ ઉપાડતાં નથી પરંતુ આ સ્ત્રીએ કામ જ એવું કર્યું છે. મને તો વિચાર આવે છે કે કોઈ સ્ત્રી આટલી ક્રૂર કઈ રીતે થઈ શકે?

રીવાને જોઈને મને લાગ્યું કે નક્કી આણે કંઈ કર્યું છે, એટલે એની પાસે જ વાતો કઢાવી. આર્યા પર તો હું કોઈ દિવસ શક ન કરી શકું એ આ મૂર્ખને ખબર નથી."

આટલું કહીને અનિરુદ્ધ રીવા સામે ફર્યો, એને આ ફોટાઓ કઈ જગ્યાના છે એ વિષે પૂછ્યું અને મહેલના ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને એ રૂમનો સીસીટીવી કેમેરા કઢાવ્યો, જેના વિશે એ પોતે એક જ જાણતો હતો.

અનિરુદ્ધએ બધાને સીસીટીવી ફૂટેજ બતાવ્યા કે કેવી રીતે અનન્યાએ આર્યા વિરુદ્ધ સઘળું પ્રપંચ રચ્યું હતું. અનન્યા હજુ એમ જ ફર્શ પર પડી હતી. બધા એના પર ફિટકાર વરસાવી રહ્યા.

રીવા નું રુદન હવે ફૂટી નીકળ્યું, "ભાઈ... ભાઈ... મને માફ કરજો, હું આર્યાને રોકી શકી નહીં."

"એટલે એ ક્યાં છે? એ મહેલમાં નથી?" અનિરુદ્ધ ને ઝાટકો વાગ્યો.

"આ પાગલે આર્યા માટે પરિસ્થિતિ એવી ઊભી કરી દીધી કે આ પરિવારની આબરૂ બચાવવા માટે એને અહીંથી જવું પડ્યું. ફરી કોઈ દિવસ પાછા ન આવવા માટે. એણે આર્યાને ધમકી આપી હતી કે જો તે અહીં થી જતી નહીં રહે તો એ બધા જ ફોટાઓ આપણા સગા સંબંધીઓને મોકલી દેશે. મારો અને આર્યાનો ફોન પણ આની પાસે જ છે. એ બિચારી શું કરતી? તમને ખબર છે ભાઈ, છેલ્લે છેલ્લે એ કહીને ગઈ છે કે તમે એને શોધવાનો પ્રયત્ન ન કરતા, આ એનું માગેલું વચન છે. " કહીને રીવા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. અનિરુદ્ધ ના મમ્મી અને માયાબહેનની હાલત પણ એવી જ થઈ.

બાજુમાં રહેલ સોફા પર અનિરુદ્ધ બેસી ગયો, એના પિતાએ આવીને એના ખભે હાથ મૂક્યો.

"બિલકુલ ચિંતા કરીશ નહિ બેટા, એ દીકરીને તો હું શોધીને જ રહીશ. મારા માણસો ને મોકલી આપું છું."

અનિરુદ્ધ કશું બોલી શકતો ન હતો. અનન્યા ઊભી થઈ, અનિરુદ્ધ ની થપ્પડ ખાઈને એનું મોં અને આંખો બંને લાલ થઇ ગયા હતા. એ શું બોલી રહી હતી એ વાતનું એને ભાન ન હતું.

"શું જાદુ કર્યો છે એ ચુડેલે એ જ સમજાતું નથી! તને મેળવવા માટે મેં કેટલા પ્રયત્નો કર્યા!! આપણે બંને કેટલા ખુશ હતા એકબીજા સાથે અનિ, પણ એ ચૂડેલે આવીને આપણને બંનેને અલગ કરી દીધા. મેં તો એ જ વખતે નક્કી કરી લીધું હતું કે એનો કાંટો કાઢીને જ રહીશ. એટલા માટે જ તારા લગ્નનું ડેકોરેશન કરવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો.

મને ખબર હતી કે તને ફૂડ કલર ની એલર્જી છે અને એથી જ મેં આર્યા એ બનાવેલી દાળ બાટીમા એ કલર ભેળવી દીધો હતો. એને આ મહેલ માંથી કાઢવામાં સફળ પણ થઈ હતી, પણ તું તો એને જઈને પાછી લઈ આવ્યો.

મેં જયને અહીં બોલાવ્યો, મેં એ બંનેને નશીલી દવાઓ પીવડાવી. મેં જ એ બંનેના ફોટા પાડ્યા. તને ખબર છે, જય પોતાની જાતને બહુ હોશિયાર સમજતો હતો. મારું નેટવર્ક તો આમ છે ને મારું નેટવર્ક તો તેમ છે, મારી ચેનલ તો આમ છે અને મારી ચેનલ તો તેમ છે. બેભાન હતો અને એને એવી જગ્યાએ ફેકાવી દીધો છે કે ત્યાં એનું નેટવર્ક કે ચેનલ કશું કામ નહીં આવે."કહેતી અનન્યા પાગલની જેમ હસવા લાગી.

"મને માફ કરજે મારા દીકરા, આર્યા તો હીરો હતી, પરંતુ હું એને ઓળખી શકી નહીં. એ મને ગમતી ન હતી કારણ કે એ અનાથ હતી. મેં જ અનન્યાને કહેલું કે એવા પ્રયત્નો કરે જેથી તારા અને એના લગ્ન થાય. પરંતુ મને ખબર ન હતી કે એ આટલી નીચ કક્ષાએ પહોંચી જશે. મને માફ કરી દે દીકરા!" દાદીજી સંકોચ અનુભવવા લાગ્યા.

અનિરુદ્ધ કશું બોલવાની હાલતમાં ન હતો.

"તું કશી ચિંતા ન કરીશ દીકરા! તારો પરિવાર તારી સાથે છે, આપણે બધા થઈને આર્યાને શોધી કાઢીશું." દાદાજી અનિરુદ્ધને સાંત્વના આપવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

"પરિવાર?" કહેતી અનન્યા અટ્ટહાસ્ય કરવા લાગી.

"કેવો પરિવાર? તને ખબર છે અનિરુદ્ધ? આ તારા પરિવારે તારાથી કેટલી બધી વાતો છાની રાખી છે! તું આ પરિવારનો દીકરો છે જ નહીં. તારા માતા-પિતા તો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે. જેને તું પપ્પા કહે છે એ તારા મામા છે અને જે તારા મમ્મી છે એ હકીકતે તો આર્યાના મમ્મી છે. આર્યાના પિતા કોણ છે એ તો એ જ જાણે છે."

"ઓહ... ચુપ થઇ જા અનન્યા, તું ખરેખર પાગલ થઈ ગઈ છે. શું બોલી રહી છે એનું પણ ભાન નથી." રીવા ખીજાઈ.

"ના બેટા, એ ગાંડપણમાં પણ સાચી વાત કરી રહી છે. અનિરુદ્ધ હજુ એકાદ માસનો જ હતો ત્યાં એના માતા-પિતા એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા, એના માટે સતત ધ્યાન રાખનાર માતાની જરૂર હતી. અનિરુદ્ધ દીકરા, માત્ર તારે ખાતર બળવંતે તારી માતા સાથે લગ્ન કર્યા, જે બિચારી પોતે જ પોતાની નાનકડી દીકરીને મૂકીને આવી હતી." દાદાજીએ કહ્યું.

"આર્યાને પણ આ વાત હજુ હમણાં જ ખબર પડી. અને એણે શું કહ્યું અનિરુદ્ધ બેટા, તમે જાણો છો? એ કહેતી હતી કે અનિરુદ્ધને આ વાત કોઈ કાળે ખબર પડવી જોઈએ નહીં, કારણ કે એ તમને પરેશાન જોવા ઈચ્છતી ન હતી." માયાબહેને જણાવ્યું.

અનિરુદ્ધનું મગજ તો જાણે બહેર મારી ગયું હતું. ઉપરાઉપરી એને આઘાતો મળી રહ્યા હતા. એ ઉભો થયો, એનાથી ઊભું થવાયું. સીધો જ એની માતા પાસે ગયો, "મને માફ કરજો મમ્મી, હું તમને આખી જિંદગી ખોટા સમજતો રહ્યો અને તમે તો તમારી જિંદગી માત્ર મારે ખાતર વાપરી. જ્યારે તમને તમારી દીકરી પાછી મળી ત્યારે મારા કારણે તમે એની સાથે રહેવા પામ્યા નહીં." એના મોં માંથી માંડ શબ્દો નીકળતા હતા.

"ના બેટા, કોઈનો દોષ નથી. દોષ માત્ર મારા ભાગ્યનો છે. આટલા વર્ષે આર્યા મળી અને એને હજુ તો સરખી જોઈ પણ ન હતી ત્યાં ફરીથી એનો વિયોગ સાંપડ્યો. એ જ્યાં પણ હોય ત્યાં મારા આશીર્વાદ એની સાથે છે, પણ હું ખુશ છું કે મારી પાસે તારા જેવો દીકરો છે."

અનિરુદ્ધ ચાલતો થયો, સામાન્ય રીતે એને ટોકવાની કે રોકવાની હીંમત કોઈ કરતું નહીં, પરંતુ આજે કંઈ બોલ્યા વગર એનું ચાલતું થવું એ બધાને દુઃખી કરતું હતું. આર્યાનું કશા પણ પ્રતિકાર વગર ચાલ્યા જવું, અનિરુદ્ધ નું ચૂપ થઈ જવું એ બધાને વિચલિત કરી રહ્યું હતું.

‌"અનિરુદ્ધ, આર્યાને શોધવા જાય છે? અમે પણ આવીએ." દાદાજીએ અનિરુદ્ધને અટકાવ્યો.

"ના.. હું એને શોધીશ નહીં, એણે મારી પાસેથી વચન લીધું છે."

"તો પછી ક્યાં જાય છે?"

"ખબર નથી."

‌ " ક્યારે આવીશ બેટા?"

"ખબર નથી."

કોઈ આગળ કશું બોલી શક્યું નહીં, કોઈ આગળ કશું પૂછી શક્યું નહીં.

અનિરુદ્ધ એ બધાની નજરોથી અદ્રશ્ય થયો ત્યાં સુધી બધા એને તાકી રહ્યા. જે એનું હતું જ નહીં એ મેળવવાની લાયમાં અનન્યાએ બધું ખેદાનમેદાન કરી નાખ્યું હતું.

બહાર મેદાનના ખુલ્લા ચોગાનમાં લગ્નસ્થળે ધીમા સ્વરે ગીત વાગી રહ્યું હતું,

"પાસ આઈયે કિ હમ નહીં આયેંગે બારબાર,
બાહેં ગલે મેં ડાલ કે હમ રો લે ઝારઝાર.....

ક્રમશઃ