Maari ichchha books and stories free download online pdf in Gujarati

મારી ઈચ્છા

દુનિયાનો સૌથી સુખી માં સુખી વ્યક્તિ કોણ? કે જેની આંતરિક કે બાહ્ય કોઇ પણ ઇચ્છા નથી.


જ્યારે વ્યક્તિ જન્મે છે ત્યારે અહમશૂન્ય ઈચ્છા લઈને જન્મ્યો હોય છે.પછી જેમ જેમ તે મોટો થાય છે તેમ તેમ ઈચ્છા રૂપે વડવૃક્ષ વૃધી પામતું હોય છે. જેમ વડ રૂપે વૃક્ષની દીર્ઘાયુ હોય છે તેમ એ મનુષ્યની ઈચ્છાનું આયુષ્ય પણ દીર્ઘાયુ હોય છે તે તો મનુષ્ય દેહ મૂકી દે તોપણ ઈચ્છા રૂપિ જ્વાળા ક્યારેક અખંડ રહી જતી હોય છે.

મોટાભાગની ઇચ્છાઓ અન્ય વ્યક્તિની તેની કોઈ વસ્તુ ને લઈને થતા આનંદ અને તે વસ્તુ માં મોહ પામીને એ વસ્તુ રૂપે ઈચ્છાઓ થતી હોય છે અથવા તો કોઈ વ્યક્તિ કોઈ એડવેન્ચર અથવા એક્ટિવિટીથી આનંદ ઉલ્લાસ માણી રહ્યો છે અને ચહેરા પર એ આનંદરૂપી હાસ્ય પણ જોવા મળી રહ્યું છે. તે હાસ્ય અને તે આનંદ ને અનુરૂપ થઈને તે કરવાની તીવ્ર ઈચ્છા પોતાના ભીતર ઉદભવે છે. જો તમે એ ઈચ્છાની પૂર્તિ માટે સક્ષમ હો તો કશી મુશ્કેલી આવતી નથી પરંતુ જો તમે અથવા તમારો પરિવાર એ ઈચ્છાની પૂર્તિ માટે સક્ષમ ન હોય તો એ ઇચ્છાની પૂર્તિ ના કરવા બદલ પોતાના ભીતર એક ખાલીપો સર્જાઇ જાય છે.


હરકોઈને એમને કંઈ જીવનમાં ઈચ્છા અને સ્વપ્ન જોવાની આઝાદી હોય છે. એ ઉજળા સ્વપ્ન માં જે જે ઇચ્છાઓ રાખે છે તેની પૂર્તિ માટે તે દિવસ - રાત જોયા વગર તે તને-મને અથાગ પરિશ્રમ કરે છે. એ પરિશ્રમને કારણવશ તેને સફળતા મળે છે અને ક્યારેક ન પણ મળે અને તેને જે ઇચ્છાઓ સેવી હતી તેની પૂર્તિ થાય પણ છે અને ન પણ થાય. દા.ત, કોઈ બાળક નાનું હોય ત્યારે એમના પિતાજી એમને એક સ્વપ્ન દેખાડે છે કે જો તું ભણવા માં પ્રથમ નંબર લાવીશ તો હું તને સાયકલ લઇ આપીશ ત્યારે બાળક આપોઆપ વિચારોમાં ખોવાઈ જઈને ......સાયકલ લઈને શાળાએ જઈશ, હું સાયકલ લઈને મારા મિત્રને ઘરે જઈશ, હું સાયકલ લઈને ટ્યુશન એ પણ જઈશ, સાયકલ લઈને ચોપાટી પણ જઈશ, સાયકલ લઈને મારા મામાના ઘરે જઈશ, એમ અનેકવિધ તે સપના જોવા લાગે છે અને તેને કારણ વશ થઈને તે પરિશ્રમ પણ કરે છે અને પ્રથમ નંબર પણ લાવે છે. પરંતુ તેમના પિતાશ્રી ઘરમાં પૈસાની ખેંચને કારણે સાયકલ લાવી આપી શકતા નથી ત્યારે તે બાળક તે ઇચ્છાની પૂર્તિ ન થઈ તે માટે ખૂબ જ નિરાશ થાય છે. અંદરો અંદર પોતાની જાતને અને પોતાના પિતાશ્રીની અસમર્થતાને પણ કોસવા લાગે છે. પોતાના અંદર નિરાશારૂપે અંધકાર વ્યાપી જાય છે. પરંતુ એ નિરાશાના વાદળો ત્યારે જ શક્ય બન્યા જ્યારે એ બાળકે કર્તવ્ય રૂપે ભણતર કરતા તે ઈચ્છા ને વધારે પ્રાધાન્ય આપ્યું.

સૌથી મોંઘીઘાટ અને ગજા બહારની ઇચ્છાઓ જે સમયકાળ દરમ્યાન થતી હોય છે તે છે યુવાની કાળ.

આ સમયગાળો જ એવો છે કે તેની આસપાસનું વાતાવરણ હર્યુંભર્યું રહેતું હોય છે તેથી સ્વાભાવિક જ તે ઈચ્છાઓનું વંટોળ પોતાના ભીતર ન ઇચ્છવા છતાં પણ ઉદભવી જાય છે. ત્યારે તે ઈચ્છાઓની પૂર્તિ કેવળ ને કેવળ કોઈ સામે રોફ જમાવવા અને પોતાનું સ્ટેટસ કંઈક ઊંચું છે તે બતાવવા માટે જ થતો હોય છે. ખરેખર આ વાત યુવા સમાજ એ અંતર્દૃષ્ટિ કરવા બરાબર છે.જો દેખાદેખી રૂપ એ ભાવ પોતાના જીવનમાંથી નીકળી જાય તો એ પોતાનું અને પોતાના પરિવારનું રૂડું કરી શકતા હોય છે.


કેવળ ને કેવળ બીજાની જાહોજલાલી ભોગવિલાસ થી આંધળા થઈને તે બધી જ વસ્તુઓને પોતાની ઈચ્છા બનાવીને તેને નીચા દેખાડવાની ભાવનાથી કેટકેટલાય ધમપછાડા કરે છે અને દેવું કરે છે.બધી જાહોજલાલી પોતાને ત્યાં બનાવે છે પરંતુ તે ઈચ્છા રૂપ શૂન્ય અવકાશ વ્યાપતો નથી અને ધીરે ધીરે મહાકાય રૂપ લઈ લે છે , જેમ દલદલ હોય એમાં વ્યક્તિ ખૂત્તે એટલે અંદર ને અંદર જતો જાય છે બચવા માટેનો કોઈ પણ રસ્તો મળતો નથી તેવું જ કંઇક આ ઈચ્છાઓનું પણ હોય છે.


ઇચ્છાઓ દરેકના જીવનમાં હોય છે અને હોવી જ જોઈએ ઈચ્છા વગરનું જીવન તો સુકા જંગલ જેવું છે તેમાં પરિભ્રમણ કરવાની મજા આવતી નથી. મનુષ્ય જ્યારે જીવનમાં કંઈ પણ બનવાની ઇચ્છા સેવે છે ત્યારે અથવા કોઈપણ વસ્તુ મેળવવાની ઇચ્છા કરે છે ત્યારે તે વસ્તુ અથવા તે સ્થાનને મેળવવા માટે તનતોડ મહેનત કરતો હોય છે ભાગ્ય અને પરિશ્રમ જો સાથ આપે તો તે વસ્તુ અને તે વ્યક્તિની પ્રાપ્તિ થઈ જતી હોય છે. ન કરે નારાયણ જો એવું ન બને તો માણસે એ ઇચ્છાને પોતાના દિલોદિમાગ ઉપર હાવી થવા ન દેવી જોઈએ અને જો હવે થઈ જાય તો તે તમારા દિમાગને અસ્તવ્યસ્ત કરી નાખશે અને તેનાથી તમારા બીજા સાથેના સંબંધમાં પણ તે ખરાબ અસર રૂપ થશે.


પોતાના જીવનને એ ઇચ્છા અને સ્વપ્નનો એક ભાગ બનાવો પરંતુ પોતાના ઉપર કદી હાવી ન થવા દો. જો સાચા અર્થમાં પોતાના જીવનને સફળ બનાવવું હોય તો જ્યાં સુધી જીવો ત્યાં સુધી એ ઈચ્છા રૂપી કવચને પહેરો પરંતુ જ્યારે મૃત્યુ આવે ત્યારે જેમ અહમશૂન્ય ઇચ્છાને લઇને જન્મેલા હતા તેવી જ રીતે અહમશૂન્ય ઈચ્છા લઈને એ મોતને સામેથી ભેટવું.