Shaap - 7 books and stories free download online pdf in Gujarati

શાપ - 7

શાપ

ભાગ: 7

બધા ધીરે ધીરે તે વુધ્ધ વ્યક્તિની પાછળ જવા લાગ્યા. થોડે દુર ચાલ્યા બાદ એક નાનકડી ચાલી આવી તેમાં એક ઝુંપડીની અંદર તે વ્યક્તિ ગયો બધા તેની પાછળ ગયા. વાંસની નાનકડી બનાવેલી ઝુંપડીમાં એક ખાટલો હતો અને થોડા વાસણો અને પાણીનુ એક માટલુ હતુ અંદર આવ્યા એટલે તેણે ખાટલા પર ગોદડું પાથરીને કહ્યુ, “તમે બધા બેસો અહીં” કોઇ કાંઇ બોલ્યા વિના ખાટલા પર બેસી ગયા.

“જયેશ બેટા પહેલા મને માફ કરજે મેં તને તારા માતા પિતા નામે ખોટી ચિઠ્ઠી મોકલી પરંતુ હું પણ શુ કરુ? કોઇ અજાણ્યો વ્યક્તિ તને બોલાવે તો તુ કદાચ ન આવે. તારા પિતાજીના ઋણ મારે બાકી છે એટલે હું મારી ફરજ કેવી રીતે ભુલી શકુ?” “મારા માતા પિતા કયાં છે? કોણે તેને બંદી બનાવ્યા છે? તમે કોણ છો? મને અહીં શા માટે બોલાવવામાં આવ્યો છે?” “બેટા, તારા પ્રશ્નોનોના બધા જવાબ તને મળી જશે. એ માટે તારે પહેલાથી બધુ જાણવુ જરૂરી છે. રાજનીતિની આંટીઘુટી તને એમ નહિ સમજાઇ” આટલુ બોલતા અભરુને ઉધરસ ઉપડી તેને માટલામાંથી પાણી પીવા લીધુ અને બધાને પાણી આપ્યુ. સવારના બધા નીકળ્યા હતા એટલે તરસ લાગી હતી એટલે શીતળ જળ બધાએ લીધુ. રૂપલની નજર ચારેબાજુ હતી અને રોનિત તો ચુપચાપ બધુ સાંભળી અને જોઇ રહ્યો હતો. “પંચાવન વર્ષ પહેલા તારા પિતાજી વિઠ્ઠલભાઇ અને મારો જન્મ એક જ દિવસે થયો હતો. રજવાડામાં તારા પિતાજીનો જન્મ થયો હતો અને મારો નોકરવાસમાં મારા પિતાજી રાજ ખાનદાનમાં ખાસ નોકર હતા. હું પણ રાજ પરિવારમાં તારા પિતાજી સાથે મોટો થવા લાગ્યો. આઝાદી બાદ રજવાડા તો ખત્મ થઇ ગયા હતા. છતાંય તારા દાદા ગામના મુખી અને મોટા જાગીરદાર હતા. તે એક જ ભાઇ હતા અને તેને એક જ દિકરો. વિઠ્ઠલભાઇને જન્મ આપીને થોડા જ સમયમાં તેના માતાજી ગ્યાતિદેવીનો સ્વર્ગવાસ થઇ ગયો. મારી માતાએ તેને પોતાનુ દુધ પીવડાવી ઉછેર કરવા લાગ્યા. તારા દાદા શિવાદાસેએ બીજા લગ્ન કયારેય ન કર્યા. સમય વિતવા લાગ્યો તે જમાનામાં શિક્ષણનુ ખાસ મહત્ત્વ ન હતુ. મે તો કયારેય શાળા જોઇ ન હતી. તારા પિતાજી પાંચ ધોરણ સુધી ભણ્યા અને બાદ તેના વિવાહ સુશીલા બહેન સાથે થતા અભ્યાસ છોડી દીધો. શિવાદાસ પોતાનુ જાગીરદારી પણુ અને વારસો વિઠ્ઠલભાઇને સોંપવાના જ હતા ત્યાં એક ઘટના ઘટી ગઇ. ઇશ્વરને હમેંશા કાંઇક અલગ જ મંજુર હોય છે. *************** “તમે વિજયને ફોન લગાવ્યો?” “હા, દેવ્યાની સવારનો ઘણી વાર ફોન લગાવ્યો પણ ઘરનો ફોન કોઇ ઉપાડતુ નથી અને વિજયનો ફોન તો લાગતો જ નથી.” મુકેશભાઇ પોતાનુ વાક્ય પુર્ણ કરે તે પહેલા જ મોબાઇલમાં રીંગ વાગી. “વેવાઇ, તમે કાલના ફોન કરી રહ્યા હતા? હુ મારી બહેનના ઘરે હતી.” સામેથી વિજયના મમ્મી દયાબહેને કહ્યુ. “હા, મારે જરાક વિજયનુ કામ હતુ. તેનો ફોન લાગતો નથી. તેને ફોન આપો તો.” “વિજયનો કામ માટે બહાર ગયો છે. બે ત્રણ દિવસે આવશે પાછો.” “આવે એટલે ફોન કરાવજો.” “હા, હા ચોક્કસ. બાકી કેમ છો બધા મજામાં ને? રક્ષા શુ કરે છે? હમણાં વાત જ નથી થઇ.” “બધા મજામાં છીએ અને રક્ષા પણ મજા જ કરે છે.”

“રૂપલના કાંઇ સમાચાર મળ્યા?” “ના હજુ કાંઇ ખબર નથી.” “તેના માટે તમારે વિજયનુ કામ હતુ? તેનો ફોન આવશે તો હું ફોન કરાવીશ.” “ના ના બીજુ કામ હતુ.” મુકેશભાઇ ઇચ્છવા છતાંય સત્ય ન બોલી શક્યા. **************** “આપણુ ધારેલુ સદાય થતુ નથી. એમ જ શિવાદાસ વહુને તો તેડી લાવ્યા પરંતુ દિવાળી પર અચાનક ઘરમાં આગ લાગતા વિઠ્ઠલભાઇ ભયંકર રીતે દાઝી ગયા. પુરા પાંચ વર્ષ તેની સારવાર ચાલી. સુશીલાવહુ પરણીને તો આવ્યા પરંતુ લાંબા સમય સુધી સંસાર ન માંડી શક્યા. ભગવાનની દયાથી વિઠ્ઠલભાઇ તો બચી ગયા પરંતુ તેના પગ ન બચાવી શકાયા. તે જમાનામાં વધારે સુવિધા ન હતી. આથી કાયમી માટે કાખ ઘોડી આવી ગઇ. તારા દાદા શિવાદાસની તબિયત નરમ ગરમ રહેવા લાગી હવે તેઓ ધંધા પર ખાસ ધ્યાન આપી શકતા ન હતા. તારા પિતાજી વિઠ્ઠલભાઇને પગમાં તકલીફ એટલે તે ગામડે ગામડે ધંધામાં પહોંચી શકે એમ ન હતા. જાગીરદારીનો ધંધો એટલો વિશાળ હતો કે ગામડે ગામડે સતત જવુ પડતુ એટલે શિવાદાસે તેના ખાસ મિત્ર જોબીંલાલના દીકરા અમુખલાલને તારા પિતા સાથે ધંધામાં ભાગીદારી આપી અને એ તેઓની મોટામાં મોટી ભુલ સાબિત થઇ. એક જ વર્ષમાં તારા દાદા મૃત્યુ પામ્યા. ***************

“કંચન આપણું ઘર ખાલી થઇ ગયુ.” મધુસુદનભાઇ ઘણાં સમયે કંચન બહેન પાસે આવીને શાંતિથી વાત કરવા લાગ્યા. જયેશના ગયા બાદ બીજા જ દિવસે તેને હળવો એટેક આવી ગયો હતો. મુકેશભાઇ અને દેવ્યાની બહેન તેની દીકરીની ચિંતામાં હતા એટલે તેઓને કાંઇ જણાવ્યા વિના કંચનબહેન મધુસુદન ભાઇને મુબંઇ લાવ્યા હતા. “આપણુ ઘર તો પહેલેથી ખાલી જ હતુ ને.” “કંચન ભગવાને ભલે ખોળો ખાલી રાખ્યો પણ તેને જયુ દ્રારા તરત જ ભરી દીધો હતો. મહારાજના કહેવાથી વિધિ કરાવવા દહેરાદુન ન ગયા હોત તો વાત અલગ હતી. પરંતુ ઇશ્વરીય સંકેત જ હતો અને જયેશ સાથે આપણી લેણા દેવી હતી.” “બસ ખાલી આટલી જ લેણ દેણ હશે?” “ના, મારો જયુ આપણે આમ છોડીને કયાંય નહિ જાય. બસ તેને ભાન થશે એટલે હમણાં આવી જશે.” “આપણે તેનાથી છુપાવેલ સત્ય કયાંક તેની સામે તો નહિ આવી ગયુ હોય ને?” પિતાના મૃત્યુ બાદ થોડા જ સમયમાં વિઠ્ઠલભાઇને ખબર પડી કે તેઓ પિતા બનવાના છે. દુ:ખનો માહોલ એકાએક ખુશીમાં પલટાઇ ગયો. ઘણા વર્ષો બાદ હવેલીમાં એક નાનુ પારેવડુ ચહેકવાનુ હતુ. પરંતુ કાવાદાવાના ખેલે પરિસ્થિતિ આખી પલટી જ નાખી. હજુ બે ત્રણ મહિના જ થયા હશે અને હવેલીમાં એક રાજસ્થાની જયોતિષ આવ્યા અને તેને એવી આગાહી કરી વિઠ્ઠલભાઇનુ આવનારુ સંતાન શાપિત હશે અને તેના જન્મ બાદ વિઠ્ઠલભાઇ અને તેના પરિવારનુ ધનોતપનોત નિકળી જશે. વર્ષો જુનો ધંધો અને મુડી બધુ લુટાંઇ જશે. તેને એવી એવી ભયાનક આગાહી કરી કે તારા માતા પિતા તેની વાતમાં આવી ગયા અને જન્મ બાદ તરત જ તારો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. ત્યારથી કયાં ગયા છે અને શું કરે છે તેનો કોઇ અત્તોપતો નથી. તેઓના ગયા બાદ અમુખલાલે બધુ વેંચી નાખ્યુ અને તેઓ પણ ક્યાંક જતા રહ્યા.” આટલુ બોલતા બોલતા અભરુ રડી પડ્યો. “ઓહ્હ, માય ગોડ તમે તો હવેલીના વફાદાર હતા તો તમે કાંઇ તપાસ ન કરી?” અત્યાર સુધી ચુપ રહેલા રોનિતે પુછ્યુ. “મેં મારી રીતે ઘણી તપાસ કરી ન અમુખલાલે કાંઇ સરખો જવાબ આપ્યો ન તો બીજા કોઇએ કાંઇ કહ્યુ.” “તમે અમને આટલા વર્ષો બાદ બોલાવ્યા ત્યાં સુધી તમે કોઇ તપાસ ન કરી.”રૂપલે પુછ્યુ. “મારી મજબુરી કે હું કાંઇ જ ન કરી શક્યો.” ફરીથી અભરુ રડવા લાગ્યો. રૂપલે તેને પાણી આપ્યુ અને જયેશે રૂમાલ આપ્યો થોડી વાર બાદ સ્વસ્થ થઇને અભરૂએ પોતાની વાત ફરીથી શરૂ કરી. “માલિક અને માલિકણ આમ અચાનક ગાયબ થઇ ગયા તેના કારણે મારા દિલ પર પથ્થર પડ્યાની પીડા થતી હતી. મજબુરી વશ હુ કાંઇ ન કરી શક્યો. મારી માતાને પેરેલિસિસનો એટેક આવ્યો હતો અને મારી પત્ની અંધ હતી. મારા સિવાય તે બંન્નેનુ કોઇ ન હતુ. ગામની બહાર તેઓને એકલા મુકીને હું કયાંય જઇ શકુ એમ ન હતો અને તેઓને સાથે લઇને પણ નહિ. ઘરની બધી જવાબદારી સાથે અહીં મે આટલા વર્ષો સુધી ખુબ જ તપાસ કરી પરંતુ કાંઇ પત્તો મળ્યો નહિ. કોઇ વિશ્વાસપાત્ર પણ ન હતુ. જેના પર ભરોસો કરીને હું કોઇ તપાસ સોંપી શકુ. આટલા વર્ષો વિતી ગયા પણ હુ કાંઇ ન કરી શક્યો.” વળી અભરુ રડવા લાગ્યો. તેને જોઇને બધાના હૈયા લાગણીથી ભરાય ગયા. થોડી જ વાર બાદ જાતે જ સ્વસ્થ થઇને ફરીથી બોલવાનુ શરૂ કર્યુ, “ત્રણ વર્ષ પહેલા એક પછી એક મારી પત્ની અને માતા બંન્ને ગુજરી ગઇ મને આ દુનિયામાં એકલો છોડીને. હવે મારી ઉંમર થઇ ગઇ હતી. ગરીબી અને જવાબદારી મારુ શરીર ખાઇ ગઇ. હવે એકલો હું કાઇ કરી શકુ એમ નહોતો એટલે મારી આખરી આશા તમે હતા માલિક. મને એક આશા હતી કે ઇશ્વરે જરુર તમને બચાવી લીધા હશે. ત્રણ વર્ષથી હું તમારી શોધમાં હતો અને આખરે મુબંઇમાં મારી શોધ પુરી થઇ. મે પુરતી તપાસ કરતા માલુમ પડ્યુ કે તમે જ માલિકના એ સંતાન છો એટલે તમને અહીં બોલાવવા ચિઠ્ઠી મોકલી.” “એટલે તમે જ અમારો પીછો કરી રહ્યા હતા?” રૂપલે પુછ્યુ. “હા, તમેં કયાંક ફસાઇ ન જાઓ તે માટે સતત હું તમારી પાછળ જ હતો.” “તો તમે હવેલીનુ સરનામુ આપીને તમે ત્યાં મળવા કેમ ન આવ્યા?” જયેશે પુછ્યુ. “તે લોકોને ખબર પડી ગઇ હતી કે મેં તમને અહીં બોલાવ્યા છે. હવે તમારી જીંદગી પણ ખતરામાં છે. માફ કરજો મેં તમને અહીં બોલાવીને ભુલ કરી છે.” હાથ જોડતા અભરૂએ કહ્યુ. “કાકા, તમારે હાથ જોડવાના ન હોય.” જયેશે અભરૂના બે હાથ પકડતા કહ્યુ “તમે અમને અહીં ન બોલાવ્યા હોત તો સત્ય કયારેય મને ખબર ન પડત.” “તે રાજસ્થાની જયોતિષ અત્યારે કયાં છે?” અચાનક લાઇટ થતા રોનિતે પુછ્યુ. “તેનુ પણ ખુન થઇ ગયુ.” “ખુન? કોણે કર્યુ?” “જે લોકોએ આ બધુ ષડયંત્ર રચ્યુ તેઓએ જ કપટથી તેમને ઝેર આપી દીધુ અને ખુનને કુદરતી મોતમાં ખપાવી દીધુ.” “તેમનુ નામ અભિજિત તો નહોતુ ને?” “અભિજિત... હા હા એ જ હતુ.” અભરુની વાત સાંભળીને રોનિતને ચક્કર આવી ગયા અને તે ફસડાઇને જમીન પર પડી ગયો. જયેશ અને રૂપલ કે અભરુ કાંઇ સમજી ન શક્યા. તે રોનિત પાસે ગયા અને તેના હાથ પકડીને જયેશે પુછ્યુ, “શુ થયુ દોસ્ત?” રોનિતને પરસેવો વળવા લાગ્યો હતો. રૂપલે પાણી આપ્યુ એટલે પાણી પી ને તે બોલ્યો, “હવે આ લડાઇ બસ તારી એક ની નથી. હું પણ તારી સાથે છુ.” “કેમ? શુ થયુ?” “અભિજિત સિંહ મારા પિતાજીનુ નામ છે.” “ઓહ્હ, માય ગોડ” જયેશની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. ***************

“મુકેશભાઇ રક્ષાને મગજના ડોકટરને બતાવવાની જરૂર છે શરીરથી તો તે એકદમ ફીટ છે.” ફેમિલી ડોકટર સુધાશુ યાદવે રક્ષાની તપાસ કરીને કહ્યુ. “મગજના ડોકટર?” દેવ્યાની બહેનને ઝાટકો લાગ્યો. “હા, તેની બિમારી માનસિક છે. હું તેના માટે કોઇ દવા ન કરી શકુ. ઓ.કે. થેન્ક્યુ.” હાથ મિલાવીને ડોકટર જતા રહ્યા. “દેવ્યાની, આટલુ ટેન્શન ન લે અત્યારે ફાસ્ટ લાઇફમાં બાળકો ટેન્શન ભરી ભાગદોડ કરે છે એટલે નાની મોટી માનસિક તકલીફ થતી જ રહે છે. થોડી દવા અને આરામથી બધુ સારુ થઇ જશે. હું હમણા જ સારામાં સારા મગજના ડોકટરની તપાસ કરીને એપોઇટમેન્ટ લઇ લઉ છુ.” “મુકેશ ભાઇ રક્ષાની જયાં તપાસ કરવી હોય ત્યાં કરાવી લો બાકી થશે તો એ જ જે મેં ધાર્યુ છે. હજુ તો આ તમારા પતનની શરૂઆત છે.” પડદા પાછળ કોઇ બોલીને મોટે મોટેથી હસી રહ્યુ હતુ અને બધા એ વાતથી અજાણ હતા.

કોણ છે એ? મુકેશભાઇ પતન કોણ ઇચ્છે છે? જયેશને તેના સાચા માતા પિતા મળી શકશે કે હજુ પણ બીજા રાઝ છુપાયેલા હશે? જાણવા માટે આગળના પ્રકરણ વાંચવા જ રહ્યા.