Pratibimb - 29 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 29

પ્રતિબિંબ

પ્રકરણ - ૨૯

આત્મા જોરજોરથી આરવનાં ખભા પર કુદવા લાગી. આરવ ઇતિને બહાર જવાં કહી રહ્યો છે પણ ઈતિ ન માની અને આવીને આરવનો હાથ પકડી દીધો..!!

લીપી : " તમે બંને આ શું કરી રહ્યાં છો ?? એ કંઈ માણસ નથી તે એનામાં દયા હોય ?? એ તો પોતાની ઈચ્છા પૂર્ણ ન થાય તો જીવ લઈને જ જંપશે..."

આરવને જોરદાર દુઃખવા લાગ્યું છે...ઈતિ બોલી, " મહેરબાની કરીને એને છોડી દે...લે છે કરવું હોય એ મને કર..."

આરવ અને એ આત્મા વચ્ચે ઘણી લડાઈ ચાલી..આત્મા પર તો કદાચ એવી ખાસ અસર નથી દેખાતી પણ આરવને ઠેકઠેકાણે વાગવા લાગ્યું છે... લોહીનાં અને નખનાં ઉઝરડાં એ આરવનાં એ પૂર્ણ પૌરૂષત્વ ધરાવતા ઉજળી વાન ધરાવતા દેહ પર દેખાવા લાગ્યાં. છતાંય એક માનવીય દેહને પીડા તો અનુભવાય તો ખરાં ને !!

અન્વય : " કંઈ તો કરવું જ પડશે...અંદર અમને આમ એક પછી એક જઈશું તો આપણે કોઈને નહીં બચાવી શકીએ. હવે આપણે શું કરવું જોઈએ કંઈ જ સમજાતું નથી. "

ઈતિ ફરી બોલી, " મારી પાસેથી શું જોઈએ છે મને કહે ?? પણ પ્લીઝ આરવ અને મારાં પરિવારને છોડી દે...એમને કોઈને પણ કંઈ થાય એ હું નહીં સહન કરી શકું..."

એવું કહેતાં જ એ આત્મા એક વિજયી સ્મિત સાથે બોલી, " આવી ગયો કોળિયો મોઢામાં..." કહીને પોતાનાં લાંબા અણીદાર હાથને ઇતિની એકદમ નજીક લાવી દીધાં..ને ઇતિને ઊંચકવાની તૈયારીમાં જ છે ત્યાં જ બધાંએ એક સાથે પ્રાર્થના બોલવાનું શરું કર્યું એટલામાં જ કોઈએ પાછળથી આવીને ભૂખરા રંગનું કોઈ પાવડર જેવું સીધાં જ આત્માનાં એ સંવેગના દેહ પર પ્રહાર કર્યો... એમાંનો થોડો છંટકાવ આરવ પર પણ થયો એ સાથે જ આરવથી ચીસ પડાઈ ગઈ... જ્યારે આ બાજું એ આત્મા જાણે તડફડિયા લેવા માંડી આમ ઉંચી નીચી થતી જાણે એની શક્તિઓ છીનવાઈ ગઈ હોય એમ એનાંથી ઇતિનો હાથ છૂટી ગયો...!!

ત્યાં જ બધાંએ પાછળ જોયું તો બીજું કોઈ નહીં પણ નિયતિ જ છે... થોડીવારમાં તડફડતી આત્મા જાણે સંવેગનાં શરીરમાંથી બહાર નીકળી રહી હોય એમ એક ચામાચીડિયા જેવું પક્ષી ત્યાંથી ઉડી ગયું એ સાથે સંવેગ એક સામાન્ય વ્યક્તિ તરીકે જમીન પર પછડાયો.

બધાંની વચ્ચે જ કદાચ ઈતિ બધું જ ભૂલીને આરવને બધાંની સામે જ ભેટીને રડવા લાગી. કદાચ હવે કોઈને ઈતિ અને આરવનો સંબંધ શું છે એ કહેવાની કોઈ જરૂર ન લાગી...સ્વીકારશે કે નહીં એ વસ્તુ અલગ છે પણ અત્યારે સંબંધની જાણ સંજોગાવશાત જ થઈ ગઈ...

આખો પરિવાર અંદર આવી ગયો...ઈતિને તો કંઈ થયું નથી પણ આરવને ઠેકઠેકાણે વાગ્યું છે સાથે સંવેગને પણ...કારણ કે જે આત્મા અને આરવ વચ્ચે લડાઈ થઈ હતી એમને કષ્ટ તો સંવેગનાં શરીરને જ થતું હતું...

નિયતિએ કંઈ મલમ જેવું એક ચાંદીની આકર્ષક ડબ્બીમાં લઈ આવી‌ ને એણે થોડો આરવને લગાવ્યો અને બીજો સંવેગને લગાડવા આપ્યો.

આરાધ્યા : " આન્ટી આ શેનાં માટે છે ?? "

નિયતિ : " આ બહું ચમત્કારીક મલમ છે જે રાજા મહારાજાનાં જમાનામાં વપરાતો..."

અન્વય : " એટલે એટલાં વર્ષોનો છે હજું સુધી ?? "

" ના મને આ બધામાં બહું રસ હોવાથી હું ત્યાં માણસો પાસે આ રાજ્યમાં જાતે બનાવડાવતી આથી મેં પછી એક જુનાં વ્યક્તિને મળીને એ જ રીતે ફરી બનાવડાવ્યો... અત્યારે તો આ બનાવવાની વસ્તુઓ પણ જવલ્લે જ મળે છે આથી એ તગડી કિંમતે ખરીદવી પડે છે...પણ એની અસર એવી હોય છે કે એકદમ શીતળતા પ્રદાન કરે છે સાથે બહું ઓછાં સમયમાં ગમે તેવાં ઘાવને રૂઝાવી દે છે...અત્યારની એલોપેથીક દવાઓ કરતાં પણ જલદી અસર કરે છે..."

થોડી જ વારમાં સંવેગને કળ વળી. એ બોલ્યો, " માસી આ શું છે ?? કેમ બધાં ભેગાં થઈ ગયાં છો અહીં ?? "

આરાધ્યા : " બસ એમ જ...બેટા તું પડી ગયો જરાં એટલે..."

સંવેગને સામે જ આરવની પાસે બેઠેલી ઈતિ દેખાઈ..એણે એક નિર્દોષ સ્માઈલ આપી.. કારણ કે સંવેગનો ઈતિ પ્રત્યેનો પ્રેમ નિખાલસ છે... કંઈક કરી છૂટે એવો છે...

થોડીવાર પછી બધું નોર્મલ થઈ ગયું. બધાં જ બહાર હોલમાં આવી ગયાં. ત્યાં જ નિયતિએ આવીને કહ્યું, " ચાલો બધાં પહેલાં જમી લો શાંતિથી પછી બધું આગળનું વિચારીએ..સવારથી કોઈએ નાસ્તો કે ચા કોફી પણ લીધાં નથી.."

સંવેગે પણ હા પાડી. બધાં જ સાથે ત્યાં ગયાં ને થોડી જ વારમાં ગરમાગરમ જમવાનું પીરસાઈ ગયું... આજનાં મેનુમાં સાથે બાજરીનાં રોટલા અને રીંગણનું ભડથું પણ છે આ જોઈને ઈતિથી એકદમ બોલી, " વાહ..આજે તો આરવનું ભાવતું પણ છે એમ ને ?? "

આરવ : " હા ઈતિ... હું અહીં આવું ત્યારે નાની અચૂક બનાવે છે..."

સંવેગ બંનેને વાત કરતા જોઈને ચૂપ થઈ ગયો...એને લાગ્યું કે ઈતિનાં મનમાં હવે મારાં માટે એવી કોઈ લાગણી નથી જેવી એને આરવ માટે છે મારે જાતે જ એની જિંદગીમાંથી નીકળી જવું જોઈએ.

એનાં મનમાં બહુ દુઃખ છે છતાં એ મુખ પર સ્મિત ફરકાવતો ખાઈ રહ્યો છે...આ વાત આરાધ્યાથી અજાણ ન રહી.

જમવાનું પત્યા બાદ સંવેગ રૂમમાં ગયો જ્યારે બાકીનાં બધાં બેસીને હવે આગળ શું કરીશું એનો વિચાર કરતા બેઠાં છે ત્યાં અચાનક રૂમમાંથી સંવેગ ટ્રોલીબેગ લઈને બહાર આવ્યો.

આરાધ્યા :" આ શું છે સંવેગ ?? કેમ બેટા ક્યાં જાય છે ?? "

સંવેગે પોતાનાં દુઃખને છુપાવીને મોંઢા પર બનાવટી સ્મિત ફરકાવતા કહ્યું, " માસી બહું દિવસ થઈ ગયાં.. ઓફિસમાં પણ બહું કામ છે ત્યાંથી ફોન આવે છે એટલે જાઉં છું...આમ પણ તમે તો કેટલાં બધાં છો અહીં કંઈ વાંધો નહીં આવે તમને બધાંને મજા આવશે... એન્જોય !! "

એની કહેવાની રીત અને હાવભાવ પરથી તો એવું જ લાગી રહ્યું છે કે એ ખરેખર સાચું જ સાચું કહી રહ્યો છે જે સામાન્ય રીતે બધાં સાથે રહેતો હતો.

અન્વય : " પણ અચાનક તું જતો રહીશ ?? અમારે પણ આવવાનું જ છે ને... તું જતો રહીશ તો અમે અહીં રહીને શું કરીશું ?? "

અન્વયનો મતલબ એમ હતો કે આત્મા એનામાં છે અને એ જતો રહે તો આપણે અહીં હવે રોકાઈને શું કરવું...પણ સંવેગ કંઈ આગળ કહે એ પહેલાં જ અપૂર્વ બોલ્યો, " સંવેગ એટલે અમે પણ બધાં કાલે નીકળી જ જવાનાં છીએ એક દિવસ રોકાઈ જા..આટલે દૂરથી ક્યાં એકલો જઈશ ?? "

સંવેગ : " એકલાં રહેવાની તો આદત હવે પાડવી જ પડશે ને ?? આઈ મીન, હવે હું મોટો થઈ ગયો છું એટલે..."

આરાધ્યા : " સારું ગમે તેટલો મોટો થયો પણ આજે તો રોકાઈ જ જા..કાલે અમે બધાં આવીશું જ અને અમે ન આવી શકીએ તો તું કાલે જતો રહેજે...અમે નહીં રોકીએ બસ.."

સંવેગ માટે આરાધ્યા મા કરતાં પણ વધારે છે આથી એણે આરાધ્યાની વાત માની લીધી અને રોકાઈ ગયો.

અન્વય : " ચાલો આજે બધાં હવેલીનો બીજો ભાગ જોવાં જોઈએ બધાં રેડી છો ને ?? "

બધાંએ હા પાડી..."કંઈ રીતે જવું છે ?? મતલબ તમારે છોકરાઓએ જવું છે કે બધાં સાથે..?? "

આરવ અને ઈતિએ એકબીજા સામે જોયું..પણ કોઈ કંઈ બોલ્યું નહીં.

હેયા : " આપણે તો આમ પણ એકલવિહારી છીએ આપણને તો ગમે તેમ લઈ જાય શું વાંધો હોય, નહીં અક્ષી ?? " કહીને એની સામે આંખ મીચકારી.

બધાં જ મોટાં હોવાથી બધાંને ખબર પડી ગઈ કે હેયા ઈતિ અને આરવ માટે કહી રહી છે.

ઈતિ : " ચાલો બધાં જ જઈએ..." કહીને ઇતિએ એમની તરફનાં ઈશારાને ફેરવી દીધો.

બધાં થોડીવાર માટે આઘાપાછા થયાં ત્યાં જ અન્વયે આરવને બોલાવ્યો. આરવ થોડો ખચકાયો કે શું કહેશે ??

અન્વય : " બેટા એક વાત પૂછું ?? તું મારી ઇતિને કેટલું ચાહે છે ?? તું એની લાગણીઓને સમજી શકીશ ?? "

આરવ : " જેટલો તમે તમારી ઇતિને અને આન્ટીને કરો છો એટલો...રતિભાર વધારે કે ઓછો નહીં..."

અન્વય : " અમને તારાં વિશે કે તારાં પરિવાર વિશે બહું ખબર નથી બસ ઈતિ જ્યાં ઈચ્છશે ત્યાં એ જશે...બસ ક્યારેય એને એક આંસુ ન પડાવીશ‌..."

ત્યાં જ લીપી બંનેને સાથે જોઈને આવી અને બોલી, " બેટા છેલ્લા બે મહિનાથી અટકળો ચાલતી હતી મનમાં આજે સમાધાન થઈ ગયું...પરદેશની ભૂમિ પર તે મારી ઇતિને એટલી સાચવી છે તો અહીં તો તું મારી ઇતિને સંભાળીશ જ એવો વિશ્વાસ રાખીએ છીએ..."

આરવ : " આન્ટી મારી મોમ નાનીની પડછાઈ છે... મારાં નાના ગમે તે જ હતાં અને કહેવાય છે કે દીકરીમાં પિતાનાં ગુણ દેખાવ વધારે હોય...પણ દેખાવ તો ખબર નહીં પણ મારાં મમ્મીમાં આટલું જાણ્યા પછી મને એટલું તો ખબર પડી કે નાનાનો એક પણ ગુણ કે અવગુણ નથી એનાં માટે તો નાનીની પરવરિશને દાદ દેવી પડે...પણ ચોક્કસ મારી મમ્માનું પ્રતિબિંબ છું...બસ ઈતિની આંખમાં મારાં કારણે ક્યારેય આંસુ નહીં આવે એનું વચન આપું છું..."

એટલામાં જ નિયતિ આવીને બોલી, " ભાઈ આજે તો બમણી ખુશી મળી. બહું વર્ષે ભાણેજ તો મળ્યો પણ સાથે જ મારો એક હોદો પણ વધી ગયો..."

લીપી : " હમમમ..આન્ટી પણ ઈતિ હજું તો અમારી પાસે આવી છે ને એને મોકલવાની વિચારીને પણ મને કંઈ થાય છે.."

નિયતિ : " બેટા આ તો દુનિયાની રીત છે.... વહેલાં કે મોડાં દીકરીને સાસરે તો મોકલવી જ પડશે ને‌‌..."

લીપી : " હા આન્ટી" કહીને એક નવાં સંબંધ સાથે નિયતિને ભેટી પડી...!!"

******

બધાં બહાર આવી ગયાં હજું સંવેગ અને હીયાન બાર નથી આવ્યાં.

અન્વય : " તમે એ ભૂખરા રંગનો પાવડર એ શું લાવ્યાં હતાં ?? "

નિયતિ : " એ એક શ્રદ્ધા અને બુદ્ધિનો સમન્વય હતો..."

અપૂર્વ : " મતલબ.."

નિયતિ : " કોઈ પણ વસ્તુને આપણી રીતે કરવાં એનાં જેવું કંઈ કરવું પડે... મેં ક્યાંક વાંચેલું હતું એવું મને કંઈક ઝાંખું ઝાંખું યાદ હતું."

હું નયનની દફનની જગ્યાએ જ્યાં કાલે આત્માએ ખેલ મચાવ્યો હતો ત્યાં એ એનાં અસ્થિની રાખ બહાર રહી ગયેલી હતી... મેં એને લીધી અને હું એ ફોટાવાળા રૂમમાં ફરીથી ગઈ અને સૌમ્ય કુમારની તસવીર પાસે એને અડાડીને એક મંત્ર બોલીને પછી એક પવિત્ર પ્રવાહી છંટકાવ કરીને લઈ આવી.

મને કલ્પના પણ નહોતી પણ ખરેખર એ કામ કરી ગયું...પણ મને એમ થાય છે આ પછી સંવેગ એકદમ સામાન્ય બની ગયો છે હજું સુધી એની કોઈ અસામાન્ય વર્તણૂક નથી દેખાઈ રહી એનો મતલબ એવો તો નહીં હોય ને કે એનાંથી આત્મા કાયમ માટે એનો દેહ છોડીને જતી રહી હોય !!"

આરાધ્યા : " મને પણ એવું લાગી રહ્યું છે...પણ અત્યારે કંઈ જ કહી શકાય નહીં...આપણે અત્યારે જઈને આવીએ પછી જોઈએ શું થાય છે... નહીં તો પછી આત્મા મુક્તિની શોધખોળ શરું કરીશું..."

સંવેગમાંથી ખરેખર આત્મા જતી રહી હશે ?? આરવનો પરિવાર ઇતિને અપનાવશે ખરાં ?? આરાધ્યાને ઈતિ સાથે આરવનો સંબંધ થતો જોઈને એ ખુશ થશે ?? વિશાલની આત્માને મુક્તિ કેવી રીતે મળશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૩૦

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે...