Angarpath-60 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. પ્રકરણ-60

અંગારપથ.

પ્રકરણ-૬૦.

પ્રવીણ પીઠડીયા.

પૂર્વ દિશામાં લાલી પ્રસરી. ઉગતો સુરજ આજે તેની સાથે ભયંકર આંધી લઈને આવી રહ્યો હતો. ગોવાનાં સાગરતટે હિલોળોતાં મોજા, સમુદ્ર ઉપરથી સૂસવાટાભેર વહેતો ઉષ્ણ-ઠંડો પવન, એ પવન સાથે ઉડતી કિનારાની ઝિણી ગિરદ, પવનનાં ફોર્સથી આમતેમ ડોલતાં વૃક્ષો, જેટ્ટી ઉપર દોરડા સાથે બંધાયેલી અને પાણીનાં ઉછાળે હાલક ડોલક થતી બોટો, નિતાંત એકાંત મઢયો સાગરકાંઠો… આ તમામ જાણે કોઈ ભયાનક જંગની રાહ જોઈ રહ્યાં હોય એમ એકતાન થઈને આવનારાં સમયની ભારે બેસબ્રીથી રાહ જોઈ રહ્યાં હતા.

પરોઢનું પહેલું કિરણ ધરતી ઉપર પ્રસરતાં જ એ નાનકડી અમથી જેટ્ટી ઉપર હલચલ શરૂ થઇ. દૂર્જન રાયસંગાને આ ક્ષણનો જ ઈંતજાર હતો. તેમની બધી તૈયારીઓ ગઇકાલે જ પૂર્ણ થઈ ચૂકી હતી એટલે તેણે ફટાફટ હુકમો આપવાં શરૂ કર્યા. હવે અહીથી જલ્દી નિકળવું જરૂરી હતું એટલે તેના બે માણસો ’યોટ’માંથી બહાર નિકળી જેટ્ટીનાં એક ખૂંટે બંધાયેલું દોરડું છોડવામાં પરોવાયા. રાત્રે પવનનું જોર એટલું બધું વધારે હતું કે દોરડાની ગાંઠો ખેંચાઈને તંગ કસાઇ ચૂકી હતી જેથી તેને છોડવામાં સમય લાગતો હતો. તેઓ એ ગાંઠને છોડે એ પહેલાં તેમની પાછળ કશીક હલચલ થવાનો અણસાર વર્તાયો. સાવ અનાયાસે જ… એક સહજ કુતુહલતા પૂર્વક તેઓ બન્ને પાછળ ફર્યાં હતા. અને… તેમની ઉપર જાણે કોઈ વિજળી ત્રાટકી હોય એમ તેઓ સ્તબ્ધ બની ગયાં. તેમનાં ગળામાંથી સહેજપણ ઉંહકારો નિકળે એ પહેલાં તો તેઓ બેહોશ થઈને જેટ્ટીની લાકડાની ફર્શ ઉપર ઢળી પડયાં હતા. એટલી ભયંકર ઝડપે એ બન્યું હતું કે તે બન્નેને સંભળવાનો સહેજે મોકો મળ્યો નહોતો. હજું તેઓ કંઈ વિચારે એ પહેલાં તો ક્ષણનાં ચોથાભાગમાં બેહોશીએ તેમને પોતાની આગોશમાં ઝકડી લીધા હતા. આંખનાં પલકારે એ બન્યું હતું અને હવે તેઓ જેટ્ટી ઉપર ચત્તાપાટ પથરાઈને પડયાં હતા. અભિમન્યુ નામની ત્સૂનામી રીતસરની તેમની ઉપર ફરી વળી હતી અને તેઓ એકજ ઘાએ પરાસ્ત થયાં હતા. અભિમન્યુ કોઈ વાવાઝોડાની જેમ ત્યાં આવી પહોચ્યો હતો અને દૂર્જનનાં બે માણસોને ઢેર કરી દીધા હતા.

તે અને ચારું કિનારેથી દબાતાં પગલે જેટ્ટી સુધી આવ્યાં હતા. ગણતરી એવી હતી કે દૂર્જન રાયસંગા અને તેના માણસો યોટની અંદર હોય ત્યારે અચાનક હુમલો કરીને તેમને ચોંકાવી દેવા. પરંતુ તેમણે જેટ્ટી ઉપર કશીક ગડમથલ ચાલતી જોઈ. તેઓ એ જોઈને અટક્યા હતા. જેટ્ટી ઉપર બે માણસો દેસાઈની યોટને ’ફ્રી’ કરવાની કોશિશમાં પરોવાયા હતા. મતલબ કે તેઓ નિકળવાની ફૂલ તૈયારીમાં હતા. તેમના માટે આનાથી સારો મોકો બીજો મળવાનો નહોતો. જો આ બે માણસોને અહીજ પાડી દેવામાં આવે તો અંદર ફક્ત ચાર માણસો જ બચે અને તેમનું કામ ઘણું આસાન બની રહે.

“તું અહીં જ રહેજે.” અભિમન્યુ એકદમ ધીરેથી બોલ્યો હતો અને ચારું કોઈ જવાબ આપે કે તેને રોકવાની કોશિશ કરે એ પહેલાં ત્યાંથી સરકી ગયો હતો. તેણે પગમાં હેવી રબરસોલનાં શૂઝ પહેર્યાં હતા તેનાથી જેટ્ટીની લાકડાની બનેલી ફર્શ ઉપર ચાલવાનો સહેજપણ અવાજ થતો નહોતો. એકદમ બિલ્લીપગે તે એ માણસોની નજીક પહોંચ્યો હતો. સહસા ચોંકીને બન્ને માણસો એકસાથે ઉભા થયા હતા પરંતુ તેઓ થોડી સેકન્ડો પુરતાં મોડા પડયા હતા. તેઓ કંઈ સમજે કે કોઈ હરકત કરે પહેલાં તો અભિમન્યુની બન્ને હાથની હાથેળીઓની આડી ’ચોપ’ એકસાથે તે બન્નેની ગરદન ઉપર કોઈ તલવારની જેમ વિંઝાઈ ચૂકી હતી. ગરદનનાં એક ચોક્કસ પોઈન્ટ ઉપર એ ’ચોપ’ ટકરાઈ હતી જેના લીધે તેમનાં મગજમાં લોહી પહોંચાડતી ધમનીઓમાં ખળભળાટ વ્યાપ્યો હતો અને તેમની આંખો આગળ એકાએક જ અંધકાર છવાયો હતો. એ એટલું ઝડપી બન્યું હતું કે તેઓ હેબતાઈ ગયા હતા અને તેમનું શરીર કોઈ રિએકશન આપે એ પહેલાં તો બેહોશીની ગર્તામાં ઢળી પડયાં હતા. સૌથી પહેલું કામ તેમને અહીથી ખસેડવાનું કરવાનું હતું જેથી બીજા માણસો સતર્ક ન થઈ જાય. અભિમન્યુએ ચારુંને ઈશરો કર્યો. ચારું સમજી હતી કે તેણે શું કરવાનું છે. તે ઉભી થઇ અને ઝડપથી અભિમન્યુ પાસે પહોંચી. તેમણે બન્નેએ ભેગા મળીને એ માણસોનાં પગ પકડ્યાં અને ખેંચીને જેટ્ટીનાં એન્ડ સુધી લઈ આવ્યાં. તેમને જેટ્ટીનાં દાદર નીચેની બખોલમાં નાંખવામાં આવ્યાં અને દાદરનાં બાંમ્બુ સાથે મુશ્કેટાઈટ બાંધી દેવામાં આવ્યાં હતા. તેમનાં મોં પણ બંધ કરવામાં આવ્યાં જેથી જ્યારે તેઓ હોશમાં આવે ત્યારે બૂમો ન પાડે. ગણતરીની ચંદ મિનિટોમાં જ એ બધું પત્યું હતું.

તેમને બાંધીને અભિમન્યુ હાથ ખંખેરતો ઉભો થયો અને કમરે હાથ ટેકાવીને ઉભો રહ્યો. ચારું તેની સામે આવીને ઉભી રહી. તેણે કપાળે ધસી આવેલો પરસેવો લૂછ્યો અને અભિનો ચહેરો નિરખ્યો. એ નજરોમાં અભિની પ્રસંશા હતી. તેનાં દેદાર અજીબ થયાં હતા. યુધ્ધ મેદાનેથી ચાલ્યાં આવતાં કોઈ મરહટ્ટા યોધ્ધાની માફક તે જેટ્ટીનાં દાદર નીચે ઉભો હતો. તે જખ્મી હતો અને સમગ્ર શરીર ઉપર ગહેરા ઘાવનાં અસંખ્ય નિશાનો પડયાં હતા. એ ઘાવમાંથી નિકળતા લોહીનાં ઓઘરળાથી તેણે પહેરેલાં કપડા ખરડાયેલા હતા. તે હાંફી રહ્યો હતો અને તેની વિશાળ છાતી કોઈ ધમણની માફક ઉંચી-નીચી થતી હતી. તેના ચહેરા સાથે તો રીતસરનો જુલમ જ થયો હોય એમ ફૂલીને દડા જેવો બની ગયો હતો. તેમાંય સૌથી ખરાબ હાલત તેની આંખોની હતી. એક આંખ તો લગભગ બંધ જ હતી અને બીજી આંખે પણ સોજો ચઢવાની શરૂઆત થઇ ચૂકી હતી. છતાં… તે અડીખમ ઉભો હતો. પ્રેમ કરવા માટે તેણે મર્દ માણસની પસંદગી કરી છે એનો ગર્વ અત્યારે ચારુંની છાતીમાં ભરાયો. અભિમન્યુને જોઈને તેનો ખુદનો જૂસ્સો પણ વધ્યો હતો અને સમગ્ર દુનિયા સામે લડી લેવાની તાકત પેદા થઈ હતી.

“તેં પેલું જોયું?” અભિએ એકાએક જ એક અસંબધ પ્રશ્ન ઉછાળ્યો. ચારુનાં ભવા સંકોચાયા. એ પ્રશ્નનો મતલબ તે સમજી નહી.

“શું?”

“યોટની સરફેસ ઉપર લખેલું નામ.”

“ઓહ નહી, સોરી. શું લખ્યું હતું?”

“જૂલી” અભિનો અવાજ કોઈ અંધારિયા ખંડેર કૂવામાંથી આવ્યો હોય એવો બોદો જણાયો.

“માયગોડ, મતલબ કે લોબો સર સાચું કહેતા હતા.” ચારુનું હદય એક ધબકારો ચૂકી ગયું. અભિમન્યુની બહેન રક્ષા સૂર્યવંશીએ જે નામ બેહોશ થતાં પહેલાં લીધું હતું એનું અનુસંધાન આ યોટ સાથે જોડાયેલું હતું કે નહી એ બાબતે હજું તેઓ શ્યોર નહોતા થયાં. છતાં અભિને લાગતું હતું કે કંઈક તો છે જે તેને આ યોટ સાથે જોડી રહ્યું છે.

“ચાલ, આપણી પાસે સમય નથી.” અભિ એકાએક બહાર નિકળ્યો અને જેટ્ટીનાં દાદરા ચઢી ’જૂલી’ની દિશામાં આગળ વધ્યો. તેના મનમાં ઘણ પડઘાતાં હતા. તેની નજરો સામે ગંભીર હાલતમાં હોસ્પિટલનાં બેડ ઉપર પડેલી તેની બહેન રક્ષાનો ચહેરો ઉભર્યો. તેની આંખોમાં લાલ હિંગોળાક લોહી તરી આવ્યું હતું. ભયાનક ઝડપથી ચાલતો તે દેસાઈની યોટ સુધી પહોંચ્યો ત્યારે ચારુંએ રીતસરનું તેની પાછળ દોડવું પડયું હતું.

@@@

સવારનું પહેલું કિરણ ધરતી ઉપર ઉતર્યું એ સાથેજ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટનાં બાવીસ ચૂનિંદા અફસરોનો કાફલો ગોવાની ડ્રગ્સ કાર્ટેલને ધમરોળવા નિકળી પડયો હતો. એ તમામને સુશિલ દેસાઈ તેમજ ડેરેન લોબોએ અંગત રીતે બ્રિફ કર્યા હતા અને કોઈને સહેજપણ ભનક ન લાગે તેમ જૂદાજૂદા ઠેકાણે ’રેડ’ પાડવાની યોજનાબધ્ધ સુચનાઓ આપી દીધી હતી. ખુદ દેસાઈ અને લોબો થોડીવારમાં તેમને જોઈન કરવાનાં હતા અને ગોવાનાં ઈતીહાસમાં ક્યારેય ન થઈ હોય એવી ડ્રગ્સ માફિયા વિરુધ્ધની ઐતિહાસિક કાર્યવાહીને અંજામ આપવાનાં હતા.

એ પહેલાં લોબો બીજુ એક કામ પતાવી લેવા માંગતો હતો. અને એ હતું ગોવાનાં તાત્કાલિન પોલીસ કમિશ્નર અર્જૂન પવાર અને તેના ખાસ આદમી જનાર્દન શેટ્ટીને અટકાવવાનું. તેને ભય હતો કે ડગ્લાસ અને દૂર્જન રાયસંગાની કાર્ટેલ ખતમ થયા પછી અર્જૂન પવાર ચોક્કસ તેનું સ્થાન લેવાની કોશિશ કરશે. અરે અત્યાર સુધીમાં તો તેણે પોતાના સોગઠા ગોઠવવા પણ માંડયાં હશે. જો એવું થયું તો ગોવા ફરી પાછું એક નવાં જ રંગરૂપ ધરાવતાં માફિયાની ગિરફ્તમાં સપડાઈ જાય અને આ વખતની પરિસ્થિતિ બદ કરતાં પણ બદતર હશે એટલે સૌથી પહેલાં તેને રોકવા જરૂરી હતા. લોબોને ખ્યાલ હતો કે તેણે શું કરવાનું છે! તેની આંખોમાં એક કાતિલ ચમક ઉભરી આવી. આ વખતે તે કોઈને બક્ષવાનાં મૂડમાં નહોતો. ગમેતેવા ચમરબંધી સાથે બાથ ભીડવાથી પણ તે ગભરાવાનો નહોતો. અને તેનું કારણ હતો અભિમન્યુ..! એક એકલો વ્યક્તિ કઈ હદ સુધી જઈ શકે છે એ અભિમન્યુએ સાબિત કરી બતાવ્યું હતું અને ગોવાની તમામ ગંદકીને એક ઝટકે સાફ કરી નાંખી હતી. કોઈ ઉચ્ચ હોદ્દા વગર જો તે ફક્ત પોતાની બહેનને ન્યાય અપાવવા ખાતર આ હદે જઈ શકતો હોય તો તેની પાસે તો ઘણુંબધું હતું. તેણે ફક્ત તેનો યોગ્ય ઉપયોગ કરવાનો હતો. લોબોએ મન બનાવી લીધું. તેણે ગોવાનાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ(ED)ને ધંધે લગાડવાનું નક્કી કર્યુ અને પોતાનાં સૌથી ભરોસેમંદ ખબરી અનવરને ફોન લગાવ્યો. ફોન લાગતાં જ અનવરને સમજાવ્યું કે તેણે શું કરવાનું છે અને કોને ફોન કરવાનો છે. અનવરને આ કામ માટે પસંદ કરવાનું એક કારણ એ પણ હતું કે તે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ વતી પણ ઘણી વખત કામ કરી ચૂકયો હતો એટલે તેની ખબરની ધારી અસર ઉપજે. લોબોને એજ તો જોઈતું હતું.

લોબોએ અનવર સાથે વાત કરીને ફોન મુક્યો ત્યારે દેસાઈ આશ્વર્યમૂઢ બનીને તેને જોઈ રહ્યાં હતા. લોબો શું કરવા જઈ રહ્યો હતો એ ન સમજે એટલા તેઓ નાદાન તો નહોતા જ. તેમની નજરોમાં આશંકા ડોકાતી હતી અને સાથોસાથ લોબોની પ્રસંશા પણ.

“સોરી સર, પરંતુ હમણાં થોડીવાર પહેલાં તમે જ કહ્યું હતુંને કે ક્યારેક આઉટ ઓફ ધ વે જઈને પણ વિચારવું પડે. મેં એજ કર્યું છે.” લોબો બોલ્યો. દેસાઈએ એક લાંબો શ્વાસ છોડ્યો.

“મને લાગે છે કે હવે તું મારી ખુરશી સંભાળવાને લાયક બની રહ્યો છે. વેલડન બોય. મને ગર્વ છે કે તું મારો ચેલો છે.” દેસાઈ ખુલ્લા મને હસી પડયા અને આંખોથી જ લોબોની કામગીરી બિરદાવી. હોસ્પિટલનાં એ કમરાનું વાતાવરણ એકાએક જ સાવ હળવું બની ગયું હતું.

@@@

“સર, એક ઈન્ફર્મેશન છે. કદાચ તમારાં જ કામની છે. પણ…” અનવરે કોઈકને ફોન લગાવ્યો હતો. એ ઈડી નો હેડ નયન જોબનપાત્રા હતો.

“પણ… પણ શું, કેમ અટકી ગયો?” સામા છેડેથી પૂછાયું. કોઈ વાતમાં સસ્પન્સ ઉભું કરીને છોડી દો ત્યારે સામેવાળી વ્યક્તિ કેવી અકળાય છે એનો સારો અનુભવ અનવરને હતો એટલે જ તેણે ડાયરેક્ટ કહેવાને બદલે વાતને અધ્યાહાર રાખી હતી.

“કમિશ્નર સાહેબ તેમાં સંકળાયેલાં છે. આપ ચાહો તો આ ખબર હું મારાં સુધી જ સિમિત રાખું.” અનવર પણ અઠંગ ખેલાડી માણસ હતો. આ ફિલ્ડમાં તેણે વર્ષો વિતાવ્યાં હતા એટલે ક્યાં, કોને અને કેવી રીતે વાત કહેવી જોઈએ એ ભલીભાંતી શીખી ગયો હતો. અને વળી લોબો સાહેબે સોંપેલુ કામ હોય એટલે પાર પાડયે છૂટકો હતો.

“જે હોય તે બકી નાંખને હવે, આમ ગોળ-ગોળ વાત ઘુમાવીશ તો એટલું તારું કમીશન ઓછું થશે.” સામે છેડે ખરેખર ઉકળાટ વધ્યો હતો. અનવર મુસ્કુરાયો. લોઢું બરાબર તપી ગયું હતું. તેણે ઘા મારી જ દીધો.

“ગોવાનાં પોલીસ કમિશ્નર અર્જૂન પવાર અત્યારે સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલાં છે. તેમની પાસે એક ફાઈલ છે જે તમને કામ આવે એવી છે. મારાં ખ્યાલથી તમારે એ જોવી જોઈએ.” લોબોએ જે શિખવાડયું હતું અનવરે એ કહી નાંખ્યુ અને ફોન કાપી નાંખ્યો.

“આ લોબો સાહેબ પણ અજીબ ખોપરી છે.” તે મનોમન હસ્યો અને તેની માહિતીની શું પ્રતિક્રિયા આવે છે એ જાણવા હોસ્પિટલ ભણી ચાલી નિકળ્યો.

@@@

ડેરેન લોબોએ એક કાંકરે બે પક્ષીઓ મારવાની ચાલ ચાલી હતી. જો તેનો ખેલ સિધો પડયો તો કમિશ્નર પવાર એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ(ઈડી)ની જાળમાં ફસાઈ જવાનો હતો. તેની પાસે ચારુએ આપેલી ફાઈલ હતી જેમાં ડગ્લાસ અને દૂર્જન રાયસંગાનાં કાળા કામોની વિગત હતી. એ ફાઈલ ઈડી નાં હાથમાં પડે એટલે કમિશ્નરનાં હાથ આપોઆપ કપાઈ જાય અને ગોવા ઉપર રાજ કરવાનાં જે સ્વપ્નાઓ તે જૂએ છે એ ભાંગીને ભૂક્કો થઈ જાય. ઉપરાંત આટલી મહત્વની વિગતો છૂપાવી રાખવા બદલ તેની ઉપર પર ઈન્કવાયરી બેસે જેમાં તેણે કરેલો ભ્રષ્ટાચાર પણ ઉજાગર થયા વગર ન રહે. આમ… અત્યારે તો લોબો બન્ને તરફથી વિન-વિન પરિસ્થિતિમાં હતો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.