mukhini haweli books and stories free download online pdf in Gujarati

મુખીની હવેલી

ગામમાં ઉભેલી ખંડેર સમી સો સાલ જૂની હવેલી એક સમયે વૈભવ અને જાહોજલાલીનું પ્રતીક હતી.આજે ભલે એની આસપાસ ઉકરડો બની ગયો હોય અને ઝાડી-ઝાંખરાઓએ એના પર અડીંગો જમાવી દીધો હોય કે પછી એની દિવાલોમાંથી નિકળેલા પીપળા એને વધુ ભયાવહ બનાવતા હોય પણ એક વખત આજ હવેલી ગામનું મુખ્ય કેન્દ્ર હતી.અહીંથી જ ગામના એ સમયના મુખી ત્રિભોવન પટેલ ગામનું સંચાલન કરતાં.આખો દિવસ હવેલી લોકોની આવ-જાથી જીવંત રહેતી.આજે ભલે એ ભેકાર ભાસે છે.
ત્રિભોવન પટેલનો ગામ પર જબરો કડપ હતો.ગામમાં કોઈ એમની ઉપરવટ જઈને નિર્ણય ન લઇ શકતું.ગામના નાના મોટા ઝધડાઓનું સમાધાન આ ત્રિભોવન મુખી જ કરતાં.ગામના સારા-નરસા પ્રસંગોમાં પણ મુખીનું યોગદાન બહુમૂલ્ય રહેતું.ગામના લોકો એમને ચાહતા અને એ ગામલોકોને.
મુખી તરીકે ત્રિભોવન પટેલનો નિર્ણય આખરી ગણાતો.લોકો કહેતાં કે ન્યાય તોળતી વખતે ત્રિભોવન મુખી સહેજ પણ પક્ષપાત ન કરતાં.એ એમનો સગો ભાઈ કેમ ન હોય.
આવા ત્રિભોવન મુખી અચાનક એક રાતે ગભરામણ અને પરસેવાના કારણે આખી રાત સુઈ ન શક્યાં. મુખીએ તરત દાકતરને બોલાવ્યાં પણ દાકતરે તપાસ કરતાં મુખીની તબિયત સારી લાગેલી.કોઈ શારીરિક તકલીફ ન હોય એવું લાગ્યું.તેમ છતાં દાકતરે તેમને આરામ કરવાની અને કોઈ પ્રકારનું ટેન્શન લેવા ન જણાવ્યું.દિવસ તો જેમ તેમ કરીને નીકળી ગયો પણ રાતે પાછું હતું એનું એ.મુખીને કંઠ રુંધાતો હોય એવું લાગ્યું.શ્વાસો શ્વાસની તકલીફ થવા માંડી.મુખી તો રાતે ઉઠીને સીધા દોડ્યાં દાકતર પાસે.દાકતરને એમનું શરીર તો એકદમ નોર્મલ લાગ્યું.એમની ગભરામણ અને શ્વાસ રુંધાવાનું કારણ કોઈ ટેન્શન કે કોઈ ભય હોય એવું દાકતરે જણાવ્યું.મુખી પર દાકતર દવાની કોઈ અસર ન થઈ.ત્રીજી રાતે તો મુખીને કોઈ સ્ત્રીના ઝાંઝરનો અવાજ સંભળાવા લાગ્યો.મુખી તો હાંફળા-ફાંફળા થઈ ગયાં.મુખીએ દાકતરની દવા મૂકી ભૂવાઓનો સહારો લીધો,પણ દિવસ જેમ વિતતાં ગયાં એમ મુખીની હાલત બગડતી ગઈ.હવેલીમાં રાત કાઢવી મુખી માટે દુષ્કર થઈ પડી.રુપ રુપનો અંબાર તેવીસ-ચોવીસ વર્ષની એક સ્ત્રી મુખીને રાતે ડરાવવા લાગી.કયારેક તો એ નાનું છોકરું લઈને મુખીને દેખાતી.કયારેક એકદમ નિર્વસ્ત્ર થઈને મુખી સમક્ષ પ્રગટ થતી.કયારેક શણગાર સજીને આવતી તો કયારેક સાવ કામવાળી જેવી દેખાતી. ભૂવાઓ પણ આ છોકરીનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યાં. પોતપોતાની રીતે દરેક ભૂવાએ અલગ અલગ કારણો આપ્યાં.કોઈએ અવગતિએ ગયેલો જીવ ગણાવ્યો તો કોઈએ ભટકતો આત્મા,પણ હવેલીમાં એ આવીને માત્ર મુખીને જ શા માટે પરેશાન કરે છે એનો ઉકેલ ન લાવી શક્યા.
મુખીએ હવેલી છોડી ખેતરમાં બનાવેલાં મકાનમાં રહેવાનું શરુ કર્યું.એકાદ બે દિવસ તો સમુંસુતરું રહ્યું. હવેલીમાં દેખાતી પેલી સ્ત્રી ખેતરમાં ન દેખાઈ. મુખીએ થોડો હાશકારો અનુભવ્યો.ત્રીજી રાતે એ છોકરી એના નાના બાળકને લઈ ખેતરમાં ફરતી દેખાઈ,પછી તો અહીં ખેતરમાં પણ એણે મુખીને ના છોડ્યાં.મુખી પર આ સ્ત્રીએ કાળો કેર વર્તાવ્યો.રાતે એ મુખીને દેખાતી.કયારેક મુખીના શરીર પર બેસી જતી.કયારેક હાથમાં ધારિયું લઈને ઊભી હોતી.ભૂવાઓ એને પકડમાં ન લઈ શક્યાં તે ન લઈ શક્યાં.ગામ આખામાં આ સ્ત્રીની ચર્ચા થવા લાગી.હવેલીમાં ભૂત છે એમ જગજાહેર થઈ ચૂકયું હતું.જો કે આજ દિન સુધી એણે મુખી સિવાય કોઈને દેખાડો દીધો ન હતો.
છેવટે એ સ્ત્રી મુખીને ખેતરેથી પાછી હવેલીમાં લઈ ગઈ અને એક રાતે એણે મુખીના રામ રમાડી દીધાં. મુખીએ આ દુનિયામાંથી વિદાય લીધી. મુખીને ભૂતડીએ મારી નાંખ્યાં,ભૂતડીએ મારી નાંખ્યાં આખા પંથકમાં વાત જાહેર થઈ ચૂકી.
મુખી નિસંતાન હતાં.વારસદારમાં પત્ની સિવાય કોઈ ન હતું.પત્ની પણ મુખીના મૃત્યુના બારમા દિવસે મૃત્યું પામી.ગામ આખામાં હાહાકાર મચી ગયો.બાર દિવસમાં હવેલીમાં મુખીને દેખા દેતી પેલી સ્ત્રીએ મુખીની પત્નીનો પણ ભોગ લીધો એવું ગામ લોકોના મનમાં ઠસી ગયું.ત્યારની ધડી અને આજનો દિવસ, એ હવેલી તરફ કોઈએ નજર નાંખવાનું સાહસ નથી કર્યું,રહેવાની કે જવાની વાત તો દૂર.
તમે એ સો વર્ષ જૂની હવેલીને જોઈ એના વિશે જાણકારી પ્રાપ્ત કરી,વિલાસ.ભૂત પ્રેતમાં ન માનતાં તમે તમારી અંધશ્રદ્ધા નિવારક સંસ્થા દ્વારા એ હવેલીમાં રાતવાસો કરવાનું નકકી કર્યું.ગામના ઘરડાંઓએ તમને આવું દુસાહસ કરવાની ના પાડી પણ આ તો તમારું કામ જ હતું.તમે અને તમારી સંસ્થાના બીજા બે સભ્યોએ અમાસની રાતે આખી રાત એ અવાવરું હવેલીમાં વિતાવી.બીજા દિવસે એક જ જણ એ હવેલીમાં રોકાયો.એમ સતત ત્રણ રાત એક જણે એ હવેલીમાં રોકાઈ હવેલીમાં કોઈ ભૂતનો કબજો છે એવી માન્યતાને પડકારી અને આવું કંઈ હોતું નથી એમ સાબિત કર્યું.તેમ છતાં ગામ લોકો હજુ પણ એ હવેલીથી ડર અનુભવે છે.હજુ પણ એમને મુખી અને એની પત્નીને મારનાર અજાણ્યા સ્ત્રી ભૂતનો ડર લાગે છે.
શું ખરેખર મુખીને જ દેખાતી એ સ્ત્રી ભૂત હતી કે મુખીના મનનો ભ્રમ હતો? મુખીની પત્નીને મુખીના મરણના બારમાં દિવસે મારનાર એ જ રુપાળી સ્ત્રી હતી કે એ મરણમાત્ર યોગાનુગ હતો? મુખી સિવાય એ બીજાને કેમ ક્યારે દેખાઈ નહી?મુખી સાથે એને શું દુશ્મની હતી? જેવા અનેક પ્રશ્નોના ઉત્તર કોઈની પાસે નથી.
હા,એ સ્ત્રી કે મુખીને ભૂત થઈને ડરાવતી હતી તે એ એમની હવેલીમાં કામ કરતી કમુડી હતી. એ કમુડી જ એના અપમૃત્યુ પછી મુખીને ડરાવતી હોવા છતાં ભૂલથી પણ મુખીએ એનું નામ લીધું ન હોતું.વાત એમ હતી કે મુખીના ઘરે કામ કરતી આ કમુડી આમ અનાથ હતી અને એના કાકાના ઘરે રહીને મોટી થઈ હતી.એના કાકાએ એને વીસ વર્ષે લગ્ન કરી બીજા ગામ વળાવેલી પણ કમુડીના જીવનમાં સુખ ન હોતું લખાયેલું.એક જ વર્ષમાં વિધવા થઈ પાછી કાકાના ઘરે આવી.કાકાએ એ વિધવા કમુને મુખીના ઘરે કામે મોકલી.કમુડી રુપ રુપનો અંબાર હતી.બાવીસેક વર્ષની કમુડીનું હિલોળા લેતું યૌવન મુખીના મનમાં વસી ગયું હતું.નિઃસંતાન મુખીએ કમુડીને પોતાની બીજી પત્ની બનાવવાની લાલચ આપી એના યૌવનને લુંટવાનું શરુ કર્યું.આલિશાન હવેલીની વિશાળતા,મુખીની કામુકતા,કમુડીનું યૌવન અને એકલતાં બધું વારંવાર ભેગું થવા લાગ્યું.બંને મન ભરીને એકબીજાને માણવા લાગ્યાં.એમાં કમુડીને એકવાર ગર્ભ રહી ગયો.એણે મુખીને વાત કરી.બાવીસ વર્ષી કમુડીએ ભોગવતાં ચાલીસી વટાવી ચૂકેલાં મુખીને હવે આબરુ આડે આવી.કમુડી જેવી કામવાળીને કેવી રીતે ઘરમાં બેસાડવી.મુખી ફરી ગયો,કમુડીને એણે ઘરાર ના પાડી.કમુડીએ ખૂબ આજીજી કરી પણ મુખી નામકર ગયો.કમુડીએ મુખીને કહ્યું'અબળા અને વિધવા છું જીવતા જીવ તો કશું કરી નહી શકું,પણ મર્યા પછી ભૂત થઈને તને જીવવા નહી દઉં મુખી.તારું ઘનોત પનોત કાઢી નાંખીશ,ગળે બેસીને તને મારી નાંખીશ'અને પછી કમુડીએ ગામના કૂવામાં પડીને આપધાત કરેલો.મુખીના મનમાં કમુડીના શબ્દો ધુમરાયા કરતાં હતાં.છેવટે પોતે કમુડી સાથે કરેલ વિશ્વાસ ધાત એને ડંખવા લાગ્યો.પછી કમુડી મુખીને દેખાવા લાગી અને કમુડી જ મુખીને દેખાતી,પણ મુખીએ કયારેય એ બાબતે કોઈને ફોડ પાડ્યો ન હતો પણ એક રુપ રુપનો અંબાર સ્ત્રી દેખાય છે એવું જ કહેતાં.મુખીને મર્યાને વરસો થઈ ગયાં કમુડી અને મુખીની કામલીલા વિશે કોઈને ગંધ નથી આવી.કૂવામાં પડીને મરેલી કમુડીને બધા ભૂલી ગયાં છે પણ એ કમુડી હજુય મુખીને મારનાર હવેલીનું ભૂત બની ગામ લોકોના મનમાં જીવે છે.