#KNOWN - 32 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 32

"મળી ગયું.... મોમની કાચની પેટી.... પણ તને કઈ રીતે ખબર પડી કે તે અહીંયા છે??" આદિત્યએ નવાઈ પામતા પૂછ્યું.

"આદિત્ય જયારે મેં આ યંત્ર આખા ઘરમાં ફેરવ્યું ત્યારે તેમાં બે જગ્યાએથી આત્મા હોવાની જાણ થઇ હતી. એક તો કિચનમાં નોકરની હતી એ હું સમજી ગઈ હતી પણ બીજી એક જગ્યાએ પણ તેના નિશાન મળ્યા અને જયારે હું તારા ઘરમાં પ્રવેશી ત્યારે હોલમાં રહેલ કાચના ટેબલ પર કાચ તૂટેલો પડ્યો હતો. અનન્યા અને તારી મોમ વચ્ચે કદાચ હાથાપાઈ થઇ હોઈ શકે. અનન્યાએ મને નીચે રેડ કલરનો એરો હતો એના પર પોતાની બુટ્ટી રાખી દીધી અને મેં આવીને કોઈનું ધ્યાન ન જાય એમ તેને પાછી લઇ લીધી. બસ હું શીલાની જવાની જ રાહ જોતી હતી. તેની આત્માનો એક અંશ અહીંયા જ છે." માધવીએ તે પેટી તરફ ઈશારો કરતા કહ્યું.

"હવે આનું શું કરવાનું છે??" આદિત્યએ પેટીને માધવી તરફ ધરતાં કહ્યું.

"મને ખબર છે કે શું કરવાનું છે. આ અંશને સ્મશાનમાં જઈને ક્રિયાવિધિ કરી તેના અંતિમ સંસ્કાર કરી દેવાના છે જેથી તારી મોમની આત્મા મુક્ત થઇ જાય અને અનન્યાનું શરીર છોડી દે." માધવીએ છેલ્લી લાઈન ખુશ થતા કહ્યું.

"તો અહીંયા તો ક્યાં જઈશું......" આદિત્ય વિચારવા લાગ્યો.

"અહીંયા નહીં આદિ, આપણે કાલીઘાટ જ પાછા જવું પડશે. જ્યાંથી શરૂઆત હતી ત્યાંથી જ અંત લાવવો જરૂરી છે."

માધવી અને આદિત્ય તે પેટીને લઈને કારમાં ગોઠવાઈ ગયા અને આવ્યા તે જ રસ્તે પાછા જવા લાગ્યા.

રાતના 3 વાગી રહ્યા હતા. આદિત્યને સખત ઊંઘ આવી રહી હતી. તે લોકો પહોંચવા જ આવ્યા હતા. આદિત્ય હવે પોતાની ઊંઘ સામે લડવા અસક્ષમ બની રહ્યો હતો. માધવી આરામથી સુઈ રહી હતી. અચાનક આદિત્યથી ઝોકું આવવામાં ધ્યાન ના રહ્યું અને કાર હાઇવે પર રહેલ ડિવાઈડર સાથે ભટકાઈ ગઈ. અવાજ થતા જ માધવી ઉઠી ગઈ.

"શું થયું અચાનક??" માધવી બગાસું ખાતા બોલી.

"મને ઝોકું આવી ગયું. એમાં કાર ટકરાઈ ગઈ."

"અરે તો રોકી દે આદિ, આજે રિસ્ક લઈએ એની કરતા કાલે આપણે કરી દઈશું."

"તો કાલ સુધી અનન્યા?? -..."

"એનામાં એમ પણ આદિ ઘણા ટાઈમથી શીલા જ રહેતી હતી. તો એક દિવસ વધારે... ખોટું રિસ્ક ના લઈશ. આપણે અત્યારે કોઈ પાસેની હોટેલમાં રૂમ લઇ લઈએ. કાલે સાંજે નીકળી જઈશું કેમકે તેની ક્રિયાવિધિ રાતે જ કરવી જરૂરી છે."

આદિત્ય પણ માધવીની વાતથી સહમત થયો. તે લોકો આસપાસ જ કોઈક હોટેલની શોધખોળ કરવા લાગ્યા. આદિત્યની નજરે એક હોટેલ ચઢી. તેનું નામ 'યસ્ટરડે કોલ' હતું.

"આ હોટેલનું નામ બહુ અજીબ નથી લાગતું??" માધવીએ કારમાંથી ઉતરતા હોટેલનાં નેમપ્લેટ પર નજર નાખી.

"જે હોય એ, આપણે એનાથી શું મતલબ??" આદિત્ય કારને લોક કરીને બહાર નીકળ્યો.

આદિત્ય અને માધવી રિસેપ્શન પર પહોંચ્યા.

"હેલો સર, હેલો મેમ હું તમારી કેમની મદદ કરી શકું??" તે રિસેપ્સનિસ્ત બંનેને આવકારતા બોલી. તેના ચહેરા ઉપર એક અજીબ સ્મિત ફરકતું હતું જે માધવીની નજરોમાં આવ્યું.

આદિત્યએ બે રૂમ સિંગલ બેડના માંગ્યા પણ માધવીએ આદિત્યને થોડો દૂર લઇ જઈ એકજ રૂમ માટે કહ્યું. માધવી સતત તે છોકરી ઉપર નજર નાખી રહી હતી. તે છોકરી પણ એકીટસે આમની સામું જ જોઈ રહી હતી.

આદિત્ય લોકોએ એકજ રૂમ લીધો અને રૂમમાં આવીને આદિત્ય સોફા પર જ લાંબો થઇ ગયો. થાકનાં લીધે તેને કયારે ઊંઘ આવી ગઈ એનું ભાન જ ન રહ્યું.

માધવીને બિલકુલ ઊંઘ નહોતી આવી રહી. તે બેડ પર આમતેમ પડખા ફેરવતી રહી. રૂમમાં એસીને લીધે સારી એવી ઠંડક પ્રસરાઈ ગઈ હતી. અચાનક રાતના 4 વાગે તેના મોબાઈલની રિંગ વાગી...

"તુમ હી આના, તુમ હી આના...."

માધવી અચાનક રિંગ આવવાથી ધ્રુજી ઉઠી પણ તેણે ફટાફટ ફોન હાથમાં લઈને કોલ ઉપાડ્યો.

"હ... હ... હેલો!!"

"તુમ હી આના, તો આવી જઉં માય ડિયર ફ્રેન્ડ??" હાહાહા... ફોન કરનાર શીલા જ હતી એ સમજતા માધવીને વાર ના લાગી. તેનો અટ્ટહાસ્ય કરવાનો અવાજ સાંભળીને માધવીને એસીની ઠંડકમાં પણ કપાળે પરસેવો વળવા લાગ્યો.

"તારી જરૂર તો ભગવાનના દ્વારે પણ નથી." માધવી થોડી હિંમત સમેટતા બોલી.

"ભગવાન... હાહાહા... કયો ભગવાન?? કોણ ભગવાન?? તારા ભગવાનમાં એટલી જ તાકાત હોત તો અત્યારે મને ખબર ના હોત કે તમે હોટેલમાં રોકાયા છો." હાહાહા.

શીલાની વાત સાંભળીને માધવી ઘડીક તો ડરી જ ગઈ. તેને કંઈજ ખબર નહોતી પડતી કે તે શું જવાબ આપે. માધવીએ કાંઈ ના સૂઝતા કોલ કરીને મોબાઈલ મૂકી દીધો.
ફરી શીલાની રિંગ આવી એટલે માધવીએ કટ કરી દીધો. આવું વારે વારે થતા માધવીએ ફોન જ સ્વીચઓફ કરી દીધો. તેમ છતાં પણ ફરી એ જ રિંગ વાગી. માધવીએ ગુસ્સામાં ફોન ને છૂટો ઘા કરીને નાખી દીધો. ફોનના બધા પાર્ટ્સ અલગ થઇ ગયા.

આ તરફ શીલા પણ એમ જ ઇચ્છતી હતી. પોતાનું ધાર્યું થવાંથી તે ફરી જોરજોરથી હસવા લાગી.

માધવીને બહારથી કોઈના રડવાનો અને ઝઘડવાનો અવાજ આવી રહ્યો હતો. માધવી હળવેક રહીને બેડ પરથી ઉભી થઇ અને દરવાજા પાસે કાન માંડતી રહી. થોડીવાર અવાજ આવતા બંધ થઇ ગયા પણ ફરી તે ચાલુ થઇ ગયા. માધવી રૂમનો દરવાજો ખોલીને બહાર અવાજ આવતો હતો એ દિશામાં ચાલવા લાગી. તે રડવાનો અવાજ વધુ તીવ્ર થઇ રહ્યો હતો.

એક રૂમ પાસે માધવીના પગ અટક્યા. અવાજ તે જ રૂમમાંથી આવી રહ્યો હતો. માધવીએ દરવાજો ખોલ્યો અને અંદર આવી ગઈ. બેડ નીચે એક સ્ત્રી ધ્રુસકે ને ધ્રુસકે રોઈ રહી હતી. માધવીને તે નમેલો ચહેરો #known (જાણીતો ) લાગ્યો. તે પાસે ગઈ અને તે સ્ત્રીના હાથ પર પોતાનો હાથ મૂકી દીધો. તે સ્ત્રી રોતી રોતી અટકી ગઈ અને પોતાનો ચહેરો ઉપર કર્યો. માધવીએ એ ચહેરો જોયો તો તેના પગ નીચેથી કોઈએ જમીન સરકાવી હોય એમ પાછળની તરફ ખસી ગઈ. માધવી ફટાફટ ઉભી થઇ અને રૂમમાં જઈને આદિત્યને ઉઠાડવા લાગી. આદિત્ય હજુ ઊંઘમાં જ હતો.તે જવાબો પણ ઊંઘમાં જ આપતો રહ્યો. માધવી કંટાળીને ફરી રૂમમાં આસપાસ નજર કરવા લાગી. તેની નજરે આવ્યું આદિત્યનાં ગળામાંનું લોકેટ.

માધવીએ તરત એ લોકેટ કાઢ્યું અને પોતે પહેરી લીધું. ફરી તે હિંમત કરીને એ તરફ ગઈ.

"મને મોમનો ફેસ કેમ દેખાયો?? એ મોમ તો નહોતા જ... હું ડરની મારી નાસી તો ગઈ પણ હું એમ કેમની ભૂલું કે મોમની ઓરીજીનલ આંખો બ્રાઉન કલરની છે જ્યારે અહીંયા હતી એ મોમની આંખો તો બ્લેક કલરની હતી." માધવી મનમાં બબડાટ કરતી હોટેલ આખી ફરી વળી. ત્યાં ક્યાંય પણ એ ચહેરો કે એવો કોઈ અવાજ માધવીના કાને ના ચઢ્યો.

માધવી કંટાળીને રૂમમાં આવી. તેના પગ પાસે લોહીની ધારા વહી રહી હતી. માધવીએ તે તરફ નજર કરી તો સામે આદિત્ય લોહીથી નીતરી રહ્યો હતો. માધવી નજીક આવી અને આદિત્યને બે ત્રણ વાર ઉઠાડી જોયો. માધવીએ આદિત્યનાં હાથને લઈને નાડી તપાસી જોઈ પણ તેમાં સહેજ પણ ધબકારા નહોતા વાગી રહ્યા.....

( ક્રમશ :)