Pagrav - 2 books and stories free download online pdf in Gujarati

પગરવ - 2

પગરવ

પ્રકરણ – ૨

સાંજ પડતાં સુહાની ફરી જમવાની થાળી તૈયાર કરવાં લાગી... બધું મુકીને બોલી, " અરે એક વસ્તુ તો ભૂલી જ ગઈ બાને તો એનાં વિના ભાવશે નહીં...તોય બિચારા ના હોય તોય ક્યાં હવે કંઈ કહે છે...બસ પેટ ભરે છે ને જિંદગી ગુજારે છે..."

ત્યાં જ વીણાબેન ડબ્બો લઈને આવ્યા ને બોલ્યાં, " લે આ મોહનથાળ સવિતાબેનનો મનગમતો છે...આ જ શોધતી હતી ને ?? "

સુહાની : " હા મમ્મી...આટલો ભરેલો ડબ્બો..?? "

વીણાબેન : " આ બે ટૂકડાં હતાં તો રાત્રે તારાં પપ્પા એ ખાધાં હતાં આથી સવારમાં જ મેં બનાવી દીધો ફરી..."

સુહાની ખુશ થઈને બોલી, " મમ્મી લવ યુ સો મચ..."

વીણાબેન : " સાચી વાત કહું ક્યારેય મને એમ થાય કે હું તારી મા કરતાં સાસુ હોત તો સારું થાત !! "

સુહાની : " કેમ આવું કહે છે મમ્મી ?? "

" તારાં જેવી વહું નસીબદારને મળે. જોને લગ્ન નથી થયાં એ પહેલાંથી સવિતાબેનને તું કેટલાં સાચવે છે... દીકરી તો એનો સમય થતાં વિદાય લઈ લે પણ વહું તો જીવનભર સાથે રહે ને !! "

સુહાની : " મમ્મી તું પણ શું ?? હું તારું અને પપ્પાનું પણ જીવનભર ધ્યાન રાખીશ...પણ સમય અનુસાર દરેકની પ્રાથમિકતા બદલાતી હોય છે બાકી કોઈનો કોઈ પ્રત્યે પ્રેમ ઓછો નથી થતો..."

વીણાબેન : " હા સાચીવાત...હા હવે ઝડપથી જા.. સવિતાબેન તારી ઘરનાં બારણે કાગડોળે રાહ જોઈને બેઠાં હશે..."

સુહાની " હા મમ્મી જાઉં જ છું.." કહીને સાંજનું જમવાનું લઈને નીકળી ગઈ.

**************

સુહાની પહોંચી ત્યારે સવિતાબેન સમર્થનો ફોટો પોતાનાં ખોળામાં રાખીને એની સાથે વાતો કરી રહ્યાં છે...સુહાનીએ ઘર તરફ નજર નાખી.. કેવું સુંદર... આલીશાન ઘર હતું જે એ ખેદાનમેદાન થઈને એક વિધવા જેવું શ્વેતરંગી મકાન બની ગયું છે....!!

એ સવિતાબેન અને તેમનાં પતિનાં એ સુંદર રોમેન્ટિક પોઝમાં રહેલાં કપલફોટોને જોઈ જ રહે છે...કોઈ કહી ના શકે એક સમયની આવી જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીની આવી પણ સ્થિતિ હોઈ શકે...

સવિતાબેન ફોટા સાથે વાત કરતાં બોલી રહ્યા છે, " તું જલ્દીથી આવી જા દીકરા... તારાં લગ્ન માટે હજું કેટલી તૈયારી કરવાની છે...તારી અને સુહાનીનું ભણવાનું પણ પતી ગયું છે... કમાતાં પણ થઈ ગયાં છો...બાકી તું શું કામ ચિંતા કરે છે....અમે ઓછું કમાઈએ છીએ કંઈ...?? મેં તો વચ્ચે થોડાં પૈસા ઉપાડવાની પણ વાત કરી દીધી છે ઓફિસમાં....પણ પણ..."

સવિતાબેનનું મન દોઢ વર્ષથી અહીં જ અટકી ગયું છે...એ મન આગળ વધે ને ફરી મગજમાં કંઈ વેદના થાય એ પહેલાં જ સુહાની હસીને બોલી, " બા ચાલો હવે સમર્થની સાથે મને પણ વાતો કરવાં દો તમે ત્યાં સુધી જમી લો " કહીને એણે ફોટાને હાથમાં લઈને ચૂમી લીધો...ને પછી ફરીથી એને એક કપડાથી સાચવીને સાફ કરીને એ દીવાલ પર લગાડી દીધો...ને પોતાનાં આંખમાં આવેલાં આંસુને ધીમેથી લૂછી દીધાં ને સવિતાની પાસે આવીને ડીશમાં જમવાનું પીરસવા લાગી.

ફરી એકવાર નાનાં બાળકની જેમ જમી લીધાં પછી પાણી આપીને એ થોડીવાર સવિતા પાસે બેસી...પણ શું વાત કરે ?? એને કંઈ સમજાતું જ નથી... જેનું મગજ જ જાણે અમૂક ઘટનાઓને સમયની ઘટમાળ સાથે એકમેક બનીને ત્યાં જ અટકી ગયું છે...

સુહાની : " હું ઘરમાં જોઈ લઉં એકવાર ?? "

સવિતા : " જો ને શું જોઈશ તું આમાં ?? જો સંધૂય તારું જ તો છે ને , ને બીજું સમર્થનું.... હું ને તારાં પપ્પા તો હજું સિંગાપુર પણ જઈશું ને ફરવા..."

સુહાની એ આશાભરી સ્ત્રીને ફરી ફરી જોઈ રહી...ને કહ્યું, "સારું બા ધ્યાન રાખજો કહીને" ઘરની જાળીને અંદરથી લોક મારવાં કહીને ઘરે જવાં નીકળી ગઈ...પણ આજે ખબર નહીં એનું મન જાણે સવારથી કંઈ અસમંજસ અનુભવી રહ્યું છે... સમર્થની યાદો ફરીને ફરી જાણે દરવાજે થપ્પો કરીને દસ્તક દઈને ગાયબ થઈ જતી હોય એવું લાગે છે...

રસ્તામાં જ એ વિચારોમાં ખોવાયેલી જઈ રહી છે ત્યાં જ એની એક ખાસ બહેનપણી પાયલ મળી... બંને કોલેજમાં સાથે હતાં...

પાયલ : " સુહાની ક્યાં ખોવાઈ ગઈ છે ?? આજે આવીશ મારાં ઘરે ?? દિપાલી અને હીરલ પણ આવ્યાં છે...આજે ફરી એય પહેલા જેવી મહેફિલ જમાવીશું...મજા આવી જશે‌..."

સુહાની : " ના મને નહીં ફાવે..કાલે એમ જ મળવાં આવી જઈશ..."

પાયલ સુહાનીને બહું સારી રીતે જાણે છે આથી જ વીણાબેને આજે સુહાનીને કોઈ પણ રીતે એ લોકો સાથે જવાં પહેલાં જેવી સુહાની બનાવવાં આવું કંઈ કાર્યક્રમ બનાવવાનો આઈડિયા આપ્યો છે.

પાયલ : " ના ના કંઈ નહીં... તું તો આપણી મહેફિલની રોનક છે... તારાં વિના એ શક્ય જ નથી...હવે કોઈ જ હા ના નહીં... બસ નવ વાગ્યે તું મારાં ઘરે આવી જજે.."કહીને સુહાનીનો જવાબ સાંભળ્યા વિના " બાય " કહીને નીકળી ગઈ.

**************

" સુહાની ચાલ જમવા..." ની અશોકભાઈએ બૂમ પાડી.

સુહાની : " હજું સાત વાગ્યા છે અત્યારથી જમવાનું ?? તમને તો આઠ વાગ્યે માંડમાંડ ભૂખ લાગે છે...આજે શું થયું..."

અશોકભાઈ : " કંઈ નહીં જમી લઈએ એટલે તમે પણ નવરાં થાવ ને..."

એમ કહીને બધાંએ જમીને સાડા આઠ સુધીમાં બધું કામ પતાવી દીધું...!!

વીણાબેન કે અશોકભાઈએ સુહાનીને સામેથી કંઈ જ ન કહ્યું. સુહાની હજું પણ અસમંજસમાં કે પાયલનાં ઘરે જાય કે નહીં...એણે કોઈને આ વાત નહોતી કરી. આવી મહેફિલ ભરવાનો એને પોતાને જ કેટલો શોખ હતો...એ પોતે જ કહેતી, " પાર્ટીઓ કરવાનો અને મોજમસ્તી કરવાનો ઈજારો કંઈ પુરૂષજાતને જ થોડો ભગવાને આપ્યો છે...આપણે પણ સ્ત્રીજાતને શોભે એવી મજા તો કરવાની..."

એકપળે તો એને થઈ આવ્યું કે આજે એ જાય...દોઢ વર્ષથી મનમાં ને મનમાં ધરબાયેલી સંવેદનાઓને કોઈ સાથે વહેંચીને હળવી થાય...

મનમાં આ બધી ગડમથલ ચાલી રહી છે ત્યાં જ પાયલ એન્ડ ટીમ ઘરે આવી ગઈ સુહાનીને બોલાવવા...

હીરલ : " સુહાની હજું તૈયાર નથી ?? ચાલ ફટાફટ...હવે.."

બધાંએ સાથે મળીને આટલો ફોર્સ કર્યો કે એ ના ન કહી શકી..અને પછી એ લોકોની સાથે તૈયાર થઈને જવાં નીકળી. વીણાબેને થોડીવાર સુહાનીને એનું ન લાગે કે એમને ખબર છે એટલે આનાકાની કરી પછી માની ગયાં.

***************

સુહાનીને જરાં આજે દોઢ વર્ષ બાદ જાણે બધાંની સાથે મળીને કંઈ ચેન્જ મળ્યો હોય એવું લાગ્યું... બધાં પોતપોતાની વાતો કરવાં લાગ્યાં...

પાયલ : "સુહાની શરૂઆત શેનાથી કરીશું ?? "

સુહાનીએ કંઈ ઉત્સાહ વિના કહ્યું, " જે કરવું હોય મને ચાલશે..."

દિપાલી : " ના તું કહે એમ જ... કેટલાં સમય બાદ આવી રીતે મળ્યાં છીએ... હું ને હીરલ તો સાસરવાસી થઈ ગયાં એટલે અમારે તો આવું બધું જાણે ભૂલાઈ જ ગયું છે...આજે જાણે પાયલે આ પ્લાન કર્યો કે પહેલાંના સોનેરી દિવસો યાદ આવી ગયાં. "

પાયલ પતાની કેટ લઈ આવી.. બધાંએ રમવાની શરુઆત કરી.. સુહાની પણ ધીમેધીમે બધાં સાથે થોડી મિક્સ થવાં લાગી...પછી તો ઘણીબધી કોડીઓ, ટ્રુથ એન્ડ ડેર, વગેરે ગેમો રમી...

દિપાલી : " આજે આપણાં ફોન સાઈડમાં મૂકીને આ જૂની રમતો રમવાની કેવી મજા આવે છે નહીં..."

બધાં સાથે મળીને સુહાનીને પોતાના મનની કંઈ વાત કરે એ માટે પોતાની વાતો કરીને માનસિક રીતે તૈયાર કરી રહ્યાં છે કારણ કે માનવીનોને ખાસ કરીને સ્ત્રીનો સ્વભાવ એવો જ હોય કે એ કોઈ પણ જગ્યાએ લાગણીઓને પોતીકું વાતાવરણ મળતાં પોતાની મનની વ્યથા એ ખુશીઓ કરતાં પણ વધારે ઠાલવતી હોય છે.

દિપાલી : " અત્યારે કેવી શાંતિ છે અહીં. સાસરે તો ઘરવાળાને આ જોઈએ તે જોઈએ એની શું ઈચ્છા છે આ બધું જ જાણે જિંદગી બની ગઈ છે..."

હીરલ : " હા યાર...આપણે ગમે તેટલાં થાક્યાં હોય પણ અમૂક સમયે એમની ઈચ્છાઓ પૂર્ણ પણ કરવી પડે..."

આટલાં સમયથી ચૂપ રહેલી સુહાની બોલી, " એ તો કોઈ પોતીકાં વિના ચાર દિવસ સારું લાગે બાકી તો એની એ આપણને રોજ હેરાન કરતી આદતો જ આપણને ગમતી થઈ જાય છે... સાચાં પ્રેમમાં તો સમર્પણ હોય... પહેલાં જે વસ્તુ માટે આપણે કેટલાં ઉત્સાહી હોઈએ છીએ એ વસ્તુ સમય જતાં કેવી રીતે ભારરૂપ બની શકે એ મને સમજાતું નથી "

પાયલ : " સમયનું પહેલું હંમેશાં બહું ભારી હોય છે..." હજું વાક્ય પૂરું થાય એ પહેલાં જ કોઈએ રૂમનો દરવાજો ખખડાવ્યોને વાત અધૂરી રહી ગઈ....!!

કોણ હશે રૂમની બહાર ?? શું સુહાની પોતાની મનની વ્યથા એની ખાસ બહેનપણીઓને કહેશે ખરાં ?? સુહાનીનું ભવિષ્ય આમ જ વીતશે કે બદલાશે એની જિંદગી ?? જાણવા માટે વાંચતા રહો, પગરવ - ૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે