Pagrav - 4 books and stories free download online pdf in Gujarati

પગરવ - 4

પગરવ

પ્રકરણ – ૪

આખરે રાત્રે બે વાગ્યે ચારેય સુવાની તૈયારી કરવાં લાગ્યાં.. થોડીવાર બધાં પોતાનાં મોબાઈલ જોતાં જોતાં એક પછી એક સુવા લાગ્યાં...પણ સુહાનીની આંખોમાંથી આજે ઉંઘ જાણે વેરણ બની ગઈ છે...એને આજે સમર્થની વધારેને વધારે દુઃખ પહોંચાડે એવી દિલને સ્પર્શતી યાદ વધું હેરાન કરી રહી છે.

બંને આંખોમાં ખૂણે બાઝેલા અશ્રુબિંદુઓ ત્યાં જ થંભી ગયાં ને હવે શું કરવું ?? એનાં બહું મોટાં પ્રશ્નાર્થ સાથે સુહાની ભૂતકાળની સફરે નીકળી પડી..‌!!

************

સુહાનીનાં મામાને ઘરે કોઈ સંતાન ન હોવાથી અને શહેરમાં સુહાનીનું ભણતરને પણ સારું થાય એ આશયે એ લગભગ ત્રણેક વર્ષની હતી ત્યારથી જ વડોદરા રહેતી હતી... પહેલાં તો નાનાં નાની પણ હતાં...એમનો સ્નેહભર્યો વ્હાલને પ્રેમનાં અવિરત વહેતાં ઝરણાં વચ્ચે સુહાની મોટી થવાં લાગી. એનાં ઘરે પણ કંઈ એમ કંઈ ખોટ નહોતી... નહોતી પૈસાની કે વ્હાલપની..

સુહાનીનાં પિતા અશોકભાઈનો કાપડનો ધીકતો વ્યવસાય...માતા વીણાબેન ગૃહિણીને એક મોટી બહેન કૃતિ અને એનાથી નાનો ભાઈ દિવ્યને સૌથી નાનીને લાડલી બોનસરુપે મળી એમ કહી શકાય એવી રૂપરૂપની અંબાર, સર્વગુણસંપન્ન, નટખટ એવી સુહાની...!!

સુહાનીનાં મામા મામીએ તો ત્રીજું સંતાન અને દીકરી હોવાથી સુહાનીને દતક લેવાનું જ એનાં માતાપિતાને કહ્યું હતું પણ એનાં અશોકભાઈએ કહ્યું ના અમારાં માટે ભલે સુહાની ત્રીજું સંતાન છે એ અમને દિવ્ય જેટલી જ વ્હાલી છે... કદાચ દીકરો હોત તો હજું પણ આપવાનું વિચારત...પણ આ ફુલ જેવી દીકરી તો નહીં જ...!!

પણ આખરે એમની લાગણીઓને માન આપીને સુહાની નાનપણથી ત્યાં જ રહેતી હતી...એ ભણવામાં હોશિયાર અને દેખાવડી પણ... ગામડામાં અને એ લોકોનાં સમાજનાં એક બહું ખરાબ નીતિ નિયમ મુજબ ત્રણેય ભાઈ બહેનની નાનપણમાં સગાઈ થઈ ગઈ હતી...સમય જતાં બધાં મોટાં થવાં લાગ્યાં... એમને ફક્ત આ વસ્તુનો ખ્યાલ હતો પણ રૂબરુ પોતાનાં બનનાર જીવનસાથીને અઢાર વર્ષ બાદ જ મળવાની છૂટ હતી.

કૃતિનું ભણવાનું પૂરું થતાં એનાં સગાઈ કરેલાં છોકરાં સાથે લગ્ન થઈ ગયાં. સદભાગ્યે બંનેને એકબીજાંને ગમી પણ ગયું ને સાસરીમાં એ બહું ખુશ હતી. જ્યારે દિવ્યની બાબતમાં મોટાં થયાં પછી દિવ્યને આ તેની નાનપણની સગાઈની ખબર પડી...પણ એને એ છોકરી બહુ પસંદ ન આવી...દિવ્ય જે પ્રમાણમાં દેખાવડો અને ફોરવર્ડ હતો એ મુજબ છોકરી મિડીયમ અને સિમ્પલ હતી.

સુહાનીનાં માતાપિતાએ વિચાર્યું કે પરિપક્વ થતાં થોડાં હળતા મળતાં થશે એટલે ગમવા લાગશે પણ આખરે દિવ્યને તો એ છોકરી ના જ ગમી. બધાંએ બહું સમજાવ્યું તો એણે સંબંધ ન બગડે એ માટે થઈને સગાઈ ન તોડવા કહ્યું. પણ અશોકભાઈ અને વીણાબેને સમાજનાં બંધન કરતાં કોઈ સંબંધને પરાણે બાંધીને બે જિંદગીઓ ખરાબ થાય એનાં કરતાં સગાઈ તોડવાનું વિચાર્યું. આથી છેલ્લે સંબંધો બગાડીને એ સગાઈ તોડી નાખી‌. શાંતિથી બેસીને સમજાવટ કર્યાં બાદ પણ એ લોકોને થોડું વધારે ખરાબ લાગતાં એમણે અશોકભાઈનાં પરિવાર સાથે સંબંધ બગાડીને તોડી દીધાં. દિવ્યનો પરિવાર સારો હોવાં છતાં નાનપણમાં થતી સગાઈઓને કારણે કોઈ બીજું પાત્ર મળવું મુશ્કેલ હતું પણ પરાણે સંબંધ નિભાવવા લગ્ન કર્યા બાદ બંને વચ્ચે મેળ ન પડતાં સંબંધ તૂટી ગયાં હોય એવાં ઘણાં હતાં...!!

આખરે થોડાં સમય પછી એની સાથે ભણતી એક સારી છોકરી જોઈને દિવ્યનાં લગ્ન કરી દેવાયાં.વળી જોબની એક સારી ઓફરને કારણેે પોતાની પત્ની સાથે બેંગલોર રહેવા લાગ્યો...

સુહાનીને પણ બારમા ધોરણમાં બહું સારાં ટકા આવ્યાં. એનો આખાં વડોદરામાં ટોપ ફાઈવમાં નંબર હતો. પણ એની એન્જિનિયર બનવાની ઈચ્છાને કારણે એણે મેથ્સ જ પસંદ કર્યું હતું...આથી આટલાં સારાં માર્ક્સને કારણે વડોદરાની સારી ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું...

આ બાજું સુહાનીનાં કરેલાં સગપણની બાબતમાં એકદમ ઉલટું હતું... સુહાનીનાં પરિવારે દિવ્ય સાથે આવું થયાં પછી એમણે તરત જ એ લોકો સાથે સ્પષ્ટ રીતે વાત કરી કે જો બંને બાળકો સંબંધ માટે ખુશ હશે તો જ આ સંબંધ રાખીશું નહીંતર આ સગાઈ બંને જણાં રાજીખુશીથી તોડીશુ ને બાળકોનાં સારાં અને સુખી ભવિષ્ય માટે વિચારીશું ‌...!!

પણ અશોકભાઈનાં ધાર્યા કરતાં પણ એ લોકો બહું સમજું નીકળ્યાં. એમણે કહ્યું, " આપણાથી સમાજ બને છે અશોકભાઈ નહીં કે સમાજથી આપણે...આપણે ખુશ હોઈએ તો જ સમાજ ખુશ કહેવાય...બંને છોકરાઓ ખુશ હશે તો આગળ વધવાનું નહીં તો પ્રેમથી એમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને આગળ વિચારીશું.... આપણાં સંબંધો એવાં જ પહેલાં જેવાં રહેશે... સમાજનાં રીતિરિવાજો મુજબ આજનાં આધુનિક ભણેલા ગણેલા બાળકોને એમનો જીવનસાથી પસંદ કરવાનો હક આપણે છીનવી લઈએ છીએ તો ન ગમે તો તોડવાનો હક તો આપવો જ જોઈએ..."

આથી જ સુહાનીની બાબતમાં એમણે નિશ્ચિત બનીને એને પોતાના બધાં જ અરમાનો પૂરાં કરવાં એનાં માતાપિતાએ સ્વતંત્રતા આપી હતી...પણ એમને એમનાં સંસ્કારો અને લોહી પર સંપૂર્ણ વિશ્વાસ હતો. અને એમણે સુહાનીનાં સગાઈ કરેલાં છોકરાં માટે એનું ધ્યાન રાખવાનું છોડી દીધું... ફક્ત આવનારાં સમય પ્રમાણે ભવિષ્યને કંડારશે એવું નક્કી કરી દીધું...આથી કોલેજમાં આવવાં છતાં સુહાનીને એ છોકરાં સાથે મળવાનો જરાં ફોર્સ ન કર્યો‌. ફક્ત એની નાનપણમાં સગાઈ થયેલી છે એટલી જ જાણ હતી.

ને પછી તો સુહાની કોલેજમાં આવી ગઈ અને કોલેજની એક નવી રોમાંચક દુનિયામાં આવી પહોંચી...સુહાની પહેલાં જ દિવસે કોલેજમાં પહોંચી...પહેલેથી બરોડામાં મોટી થઈ હોવાથી એ સામાન્ય રીતે જ જીન્સને ટોપ પહેરીને કોલેજમાં છુટ્ટા વાળ રાખીને આવી છે...એની એક સુંદર સ્માઈલ દરેક જણાંને એને તરફ આકર્ષવા માટે કાફી હતી...ઘણી ત્યાંની છોકરીઓ પણ એનાં જેવી આધુનિક છે પણ સુહાની કંઈ બધાંથી અલગ તરી આવે છે.

એક બે દિવસ બધું શરૂં થયું... બધાં એકબીજાંની સાથે ફ્રેન્ડશીપ કરતાં થયાં...સુહાની એનાં ઉછેર મુજબ ઘણાં છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ કરી રહી છે...પણ એમાં એનાં મનમાં કોઈ ખોટ નથી... ધીમેધીમે બધાંનાં ગૃપ બની ગયાં...એક અઠવાડિયા પછી એક નવો છોકરો આજે પહેલીવાર કોલેજમાં આવેલો દેખાયો...ખબર નહીં એને અંદર આવતાં જોઈને સુહાનીને પહેલીવાર કોઈ છોકરાંને આમ એકીટશે જોઈ રહેવાનું મન થયું.

થોડાં ને દિવસો એમ જ પસાર થઈ ગયાં. સુહાનીએ જોયું કે એ નવો જ આવ્યો હોવા છતાં બે દિવસમાં તો લેક્ચરરના સવાલોનાં જોરદાર જવાબ આપતો ઈંગ્લીશમાં જરાં પણ ગભરાયા વિના. સુહાનીને જાણે એનામાં એક અતુટ સાહસ અને એક આત્મવિશ્વાસ દેખાયો એ જાણે અજાણે એ છોકરાં તરફ અકર્ષાવા લાગી. એને ખબર પડી કે એનું નામ સમર્થ છે એણે એની સાથે કોઈપણ રીતે વાત કરવાનું નક્કી કર્યું.

એક દિવસ ચાર વાગ્યે લેક્ચર પૂરો થયો. અનાયાસે જ ક્લાસમાંથી બહાર નીકળ્યાં બાદ સુહાની ઓટોની રાહ જોઈ રહી છે. સમર્થ થોડીવાર કોઈ સાથે ફોન પર વાત કરીને નીકળે છે. એ પણ ત્યાં થોડે દૂર ઉભો રહે છે. સુહાનીને એની સાથે વાત કરવાની ઈચ્છા થાય છે મોકો પણ સરસ હોય છે એ સમયે ત્યાં ખાસ કોઈ છે નહીં જાણીતું કારણ કે મોટાં ભાગનાં કોલેજની હોસ્ટેલમાં અને થોડાં ઘણાં ટુ વ્હીલર લઈને આવે છે. પણ સુહાનીને આવું સામેથી કોઈ છોકરા સાથે વાત કરવું યોગ્ય ન લાગ્યું. એણે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો. ઘણીવાર થઈ પણ કોઈ ઓટો આવતી ન દેખાઈ સાધનોની રોડ પર બહું ઓછી આવનજાવન છે....

આખરે લગભગ અડધો કલાક પછી એક ઓટો આવી. બે ય જણાં અનાયાસે ઓટો પાસે આવીને ઊભા રહી ગયાં ને બેય સાથે બોલ્યાં, " હરણીરોડ..."

એકસાથે બોલાયેલા શબ્દોથી વીંધાઈને જાણે બંનેએ એકબીજા સામે જોયું...સુહાનીને સમર્થ નજીકથી જોતાં તો પહેલાં કરતાંય વધુ આકર્ષક લાગ્યો. પણ બીજી જ ઘડીએ સુહાનીએ પોતાની જાત પર કન્ટ્રોલ કરીને કહ્યું, " હરણીરોડ...કંઈ જગ્યાએ જવાનું તમારે ?? "

" સ્વામિનારાયણ પાર્ક - ૪ છે ત્યાં..."

ઓટો : " ત્યાંની તો સ્પેશિયલ જ કરવી પડે બાકી કોઈ એમનેમ તમને નહીં લઈ જાય...આ બેનને ક્યાં જવાનું છે ?? બેયને નજીક હોય જવાનું તો ગોઠવણ કરી લો...તો બંનેને સસ્તામાં પતી જશે‌...બાકી એસી રૂપિયા તો થશે જ..."

સમર્થ કંઈ બોલ્યો નહીં...કારણ એને સુહાનીને ક્યાં જવાનું છે એ ખબર નથી..

સુહાની : " ચાલો અંકલ... સાઠ રૂપિયા લઈ લો..."

ઓટોચાલક : " અંકલ એટલાં જ થાય છે અમે નવાં નથી કંઈ.."

છેલ્લે થોડી રકઝક બાદ એ માની ગયોને સમર્થની સાથે એપણ રીક્ષામાં બેસી ગઈ. થોડીવાર બંને જણાં ચૂપ રહ્યાં પછી ધીમેથી સમર્થે કહ્યું, " મારી ભૂલ ન થતી હોય તો તમે મારી ક્લાસમાં જ છો ને ?? "

સુહાનીને થયું કે એને ખબર તો છે કે હું એની ક્લાસમેટ છું એ પણ બહું છે...

સુહાની : " હા..સુહાની.."

સમર્થે એક સ્મિત આપી આગળ કંઈ પૂછવાની મૂંઝવણમાં હોય એવું લાગતાં સુહાનીએ સીધું જ કહ્યું, " તમે અહીં નવાં લાગો છો...બરાબર ?? "

સમર્થને કદાચ ઓટોડ્રાઈવરની હાજરીમાં આ બધું ચર્ચા કરવી યોગ્ય ન લાગી...એણે ફક્ત કહ્યું " હમમમ.." ને સુહાનીને લાગ્યું કદાચ સમર્થને નથી ગમ્યું આથી એ કંઈ પણ બોલ્યાં વિના ચૂપ થઈને બેસી ગઈ.

કેવી રીતે આગળ વધશે સુહાની આને સમર્થનો સંબંધ ?? સુહાનીને ખબર હોવાં છતાં કે એની સગાઈ કોઈ સાથે થઈ છે તો એ સંબંધ આગળ વધારશે ?? સમર્થની ઓળખ શું હશે ?? જાણવા માટે વાંચતા રહો, પગરવ - ૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે