Pagrav - 5 books and stories free download online pdf in Gujarati

પગરવ - 5

પગરવ

પ્રકરણ – ૫

આખરે હરણીરોડ પહોંચતાં સમર્થે પોતાનાં સ્વામિનારાયણ પાર્ક - ૪ પાસે ઓટો ઉભી રખાવી. એની સાથે જ સુહાની પણ નીચે ઉતરી ગઈ.

સમર્થે કહ્યું, " તમે કેમ ઉતરી ગયાં ?? મારે તો અહીં ઉતરવાનું હતું એટલે ઉભી રખાવી છે મેં ઓટો..."

સુહાનીએ હાથથી ઇશારો કરીને પહેલાં ઓટો ડ્રાઇવરને પૈસા આપી દીધાંને પછી હસીને બોલી, " કેમ આટલાં મોટાં વિસ્તારમાં તમે એક જ રહી શકો ?? અમારું ઘર પણ અહીં ન હોઈ શકે ?? "

સમર્થ : " મતલબ ?? તમે પણ અહીં ક્યાંક જ રહો છો..સોરી પણ આપણી એવી કોઈ વાત નહોતી થઈ એટલે..."

સુહાની : " પણ એ તો તમે કંઇ બોલો તો ખબર પડે ને...તમે તો આમ ખડુસની માફક મને ચૂપ રહેવાનું કહેતાં તો ક્યાંથી કંઈ ખબર પડે !! "

સમર્થ : " સોરી કદાચ તમને એનાંથી ખોટું લાગ્યું હશે...પણ તમને ખબર છે એ ઓટોવાળો કાચમાંથી તમને જોવાની વારંવાર કોશિષ કરી રહ્યો હતો અને કદાચ એને આપણી વાતચીતમાં બહું રસ હોય એવું લાગી રહ્યું હતું... અજાણ્યાં લોકો સામે આપણે ભોળાભાવે કંઈ પણ વાતચીત કરી દઈએ એનું ઘણીવાર ગંભીર પરિણામ ભોગવવું પડતું હોય છે..."

સુહાની : " ઓ બાપ રે !! તમે ખરેખર બહું સિરીયસ બની ગયાં...પણ હું તો બહું વર્ષોથી બરોડામાં રહું છું.."

સમર્થ (હસીને) : " તોય શહેરવાસીઓ જેવી ચાલાકી ન આવી... અને મને નથી લાગતું કે તમે બહું કદી ટુ વ્હીલર સિવાય આવી રીતે ઓટોમાં જતાં હોય અવારનવાર..."

સુહાની : " યાર તમે તો એક મુલાકાતમાં મને આટલી ઓળખી ગયાં... લાજવાબ..આ તો કોલેજ દૂર છે એટલે થોડાં દિવસ ઓટોમાં જઈશ...પછી તો એય આપણું એક્ટિવા જિંદાબાદ..."

સમર્થ : " પહેલાં તમે જે રીતે ભાવ કરાવ્યો રીક્ષાના ભાડાં માટે એ જોઈને થયું કે બહું ફરેલી ઘડાયેલી છોકરી છે...પણ થોડીવારમાં જ ખબર પડી ગઈ..." કહીને સમર્થ ફરીથી હસવા લાગ્યો.

સુહાની : " હવે હું જાઉં છું...મારે કંઈ કહેવું નથી તમને..."

સમર્થ : " ના કહેવું હોય તો કંઈ નહીં ‌... પૂછવું હોય તો કંઈ પુછી શકો છો હવે...તમારી મરજી...કંઈ નહીં વાત ના કરવી હોય તો...બાય... જવામાં પણ પ્રોબ્લેમ થતો હોય તો અહીં સ્ટોપ પાસે આઠ વાગ્યે ઉભાં રહેજો સાથે જઈશું... ભાડું અડધું થાય ને...કહીને એણે ભાડાનાં અડધાં પૈસા આપ્યાં."

સુહાની : " નહીં...બીજી કોઈવાર...બાય " કહીને પૈસા લીધાં વિના ત્યાંથી સામેની ગલીમાં નીકળી ગઈ. ને સમર્થ ચાલતો ચાલતો પોતાની મંઝીલ પર પહોંચી ગયો...!!

***************

સુહાની ઘરે આવીને બેઠી કે એનાં મામીએ પાણી લાવીને આપ્યું.

સુહાની : " મામી હું લઈ લઈશ..તમે બેસો શાંતિથી..."

સુહાની તેનાં મામી સાથે એક ફ્રેન્ડની જેમ લગભગ બધી જ વાત શેર કરતી... પાતળાં બાંધાને કારણે એમની ઉંમર પણ એટલી દેખાતી નથી.

સુહાનીને ખુશ લાગતી જોઈને એનાં મામીએ કહ્યું, " આજે કેમ મોડું થયું ?? આજે કોલેજમાં મજા આવી કે શું ?? "

સુહાનીને આજે પહેલીવાર ખબર નહીં સમર્થ વિશે હાલ કંઈ પણ કહેવું ઠીક ન લાગ્યું. એ બોલી, " હા, મામી ઓટો નહોતી મળી...હવે કોલેજમાં તો મજા જ કરવાની હોય ને... બીજું શું ?? એક્ઝામનાં બે મહિના પહેલાં ચોંટી બાંધીને ભણી લેવાનું બીજું તો શું ?? "

પછી આખો દિવસ પસાર થઈ ગયો. સુહાની એક અઠવાડિયાથી કોલેજ જતી હતી પણ કોણ જાણે કેમ આજે એને એમ થઈ રહ્યું છે કે જાણે આવતીકાલની સવાર વહેલાં વહેલાં પડી જાય..

એમનેમ વિચારોમાં એને અચાનક યાદ આવ્યું કે મારી તો કોઈ સાથે સગાઈ થયેલી છે... હું આ ખોટું કરી રહી છું...ભાઈ સાથે થયા પછી કેટલાં સંબંધો બગડી ગયાં છે સમાજમાં પણ પપ્પા એ લોકોનાં. હવે હું એવું કંઈ નહીં કરું. એણે પોતાનાં મનને ફરી કાબુમાં કરી દીધું ને ફોનમાં સોન્ગ સાંભળતી સાંભળતી સૂઈ ગઈ.

****************

સુહાની સવારે ઉઠીને તૈયાર થઈ ગઈ ફટાફટ... લન્ચબોક્સ પણ ભલું દીધું...એણે વિચાર્યું કોઈ સાથે આમ ધીમે વાતચીત વધે પછી સંબંધો આદત અને પ્રેમમાં બદલાતાં હોય છે...મારે એવું નથી કરવું...આથી એ સમય કરતાં થોડી વહેલાં નીકળી ગઈ.

સમર્થની વહેલાં ઉઠવાની આદતને કારણે એ પણ તૈયાર થઈ ગયો‌. એને એક જગ્યાએથી બુક લેવાની હોવાથી એ થોડો વહેલાં નીકળી ગયો.. પણ એનું કામ ધાર્યાં કરતાં વહેલાં પતી જતાં એ પણ વહેલાં સ્ટોપ પર આવી ગયો.

સુહાનીએ સમર્થને આવતો જોઈને મનમાં ગમ્યું તો ખરાં પણ એને થયું કે એ પણ કેમ વહેલાં આવ્યો હશે ?? હવે તો ઉભાં રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી સુહાની પાસે. ત્યાંથી જ કોલેજ જવાં માટે છૂટક રિક્ષાઓ જતી હોય છે.

સમર્થ સામેથી સુહાની પાસે આવીને બોલ્યો, " હાય !! ગુડ મોર્નિંગ કેમ વહેલાં વહેલાં ?? "

સુહાનીને થયું કે એ કેવી રીતે કહે કે તારાથી દૂર રહેવા...એ બોલી, " બસ થયું કે ઓટો જલ્દીથી નહીં મળે તો લેટ થઇ જશે એટલે..."

કાલે સવાલોનો વરસાદ કરતી સુહાનીને આજે ચૂપ જોઈને સમર્થને નવાઈ લાગી. એ બોલ્યો, " શું થયું કેમ આજે ચૂપ છો ?? કંઈ પ્રોબ્લેમ છે ?? "

સુહાની : " ના "

સમર્થ : " ઓકે...તો વાંધો નહીં...આમ તો મને કંઈ પૂછવાનો હક નથી પણ મને કોઈ થોડું પણ ચિંતા કે દ્વિધામાં હોય તો મને એનાં હાવભાવ પરથી તરત જ ખબર પડી જાય છે...એની વે, મારાં લાયક કંઈ હોય તો કહેજો..."

એટલામાં જ ઓટો આવીને ભરાવા લાગી. સમર્થ બેસવા ગયો પણ સુહાની ઉભી રહી.

સમર્થ : " કેમ તમારે નથી બેસવાનું ?? "

સુહાની પાસે કોઈ જવાબ ન મળતાં એ ઓટોમાં બેસી ગઈ. અને થોડીવારમાં કોલેજ પહોંચી ગયાં.

આખો દિવસ પસાર થઈ ગયો. સુહાની અછડતી નજરે સમર્થને જોઈ લે છે. ખબર નહીં એને એમ થાય છે કે એ જેટલું એનાંથી વધારે દૂર જવાનો પ્રયાસ કરે છે એટલી જ એનાં તરફ વધારે ખેંચાઈ રહી છે.

સાંજે આજે થોડાં ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાનાં હોવાથી થોડું લેટ થઇ ગયું... એમાં સમર્થનની સરનેમ મુજબ પહેલા વારો આવી ગયો જ્યારે સુહાનીનો ઘણો પાછળ છે.

થોડીવારમાં સમર્થનો વારો આવી જતાં એનું બધું કામ પતી જતાં એ બહાર આવી ગયો..જ્યારે સુહાનીને હજું પાર લાગે એવું છે.

સમર્થ બહાર આવીને ઉભો રહ્યો ને થોડીવારમાં જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. અચાનક વાદળો ઘેરાયા અને વીજળી થવાં લાગી. પાંચ વાગે પણ સાંજના સાત વાગ્યા હોય એવું લાગી રહ્યું છે. એટલામાં એકાદ બે છકડા જેવી રીક્ષાઓ ગીચોગીચ ભરેલી આવી. એમાં સમર્થ પરાણે ઉભાં ઉભાં ચડી પણ ગયો ત્યાં જ એને દૂરથી હાંફળીફાફળી થઈને આવતી સુહાનીને જોઈ. કદાચ એ છકડો ઉભો રખાવે તો પણ સુહાની બેસી ન શકત એટલી ગીચોગીચ અને મોટાભાગના જેન્ટસથી ભરેલી હતી આથી એ નીચે ઉતરીને સ્ટોપ પર સાઈડમાં જઈને ઉભો રહ્યો.

એટલામાં સુહાની ત્યાં આવીને કોઈ રીક્ષા મળી જાય એ માટે જોવાં લાગી. એનાં ચહેરાં પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. એટલામાં એક છોકરો બાઈક લઈને સુહાની પાસે આવીને ઉભો રહ્યો ને કહેવા લાગ્યો, " વાતાવરણ બહું ખરાબ છે..ગમે ત્યારે વરસાદ આવી શકે છે... બેસવું હોય તો બેસી જા હું તને ઉતારી દઈશ જ્યાં જવું હોય ત્યાં. "

પરિસ્થિતિ જોઈને એક ક્ષણ માટે તો સુહાનીને થયું કે એ બેસીને ફટાફટ ઘરે પહોંચી જાય. પણ બીજી જ મિનિટે એને સમર્થની વાત યાદ આવી એણે એનાં ચહેરાં સામે જોયું તો એને એની નજર સારી ન લાગી... સુહાનીએ કહ્યું," થેન્કયુ, હું જતી રહીશ !! " ને એ છોકરો ત્યાંથી નીકળી ગયો.

પછી તરત જ સમર્થ સુહાની પાસે આવ્યો. સમર્થને જોતાં જ સુહાનીએ હાશકારો અનુભવ્યો. કોણ જાણે એ પણ એનાં માટે તો એક અજનબી જ છે છતાં એનાં પર એને કોઈ જ અવિશ્વાસ જેવું નથી લાગતું. એને જાણે એ પોતાનો કોઈ નજીકનો વ્યક્તિ હોય એવું લાગી રહ્યું છે.

સમર્થ : " તમે કેમ ન ગયાં બાઈક પર ?? એ તમને ઓળખતો હતો ?? "

સુહાની : " ના.. હું એને ઓળખતી નહોતી આથી મને એની સાથે એમ જવું યોગ્ય ન લાગ્યું. પણ તમે તો ક્યારનાં નીકળી નહોતાં ગયાં ?? તો હજું સુધી અહીં ?? "

સમર્થ : " માંડમાંડ એક છકડો મળ્યો હતો એમાં મેં તમને આવતાં જોયાં ટેન્શનમાં એટલે હું ઉતરી ગયો...મને થયું તમે એકલાં આવાં વાતવરણમાં કોઈ સાધન જલ્દી નહીં મળે તો હેરાન થશો એટલે હું ન ગયો.."

સુહાની : " થેન્કયુ..પણ હવે કોઈ ઓટો મળશે તો ખરી ને ?? "

સમર્થ : " જોઈએ...પણ તમને મારી સાથે આવવામાં વિશ્વાસ આવશે ને કારણ કે હું પણ અજાણ્યો જ છું તમારાં માટે તો..."

સુહાની ચૂપ રહી..પછી ફક્ત એટલું બોલી, " હવે જે પણ આવે એ ઓટોમાં સ્પેશિયલ કરીને પણ જતાં રહીશું..."

એટલામાં જ દૂરથી એક લગભગ ભરેલાં જેવી ઓટો આવતી દેખાઈ..‌.એ જોઈને સમર્થે હાથ લાંબો કર્યો...!!

સુહાની સમર્થ સાથે સંબંધ આગળ વધતાં રોકી શકશે ?? તે પોતાનાં મંગેતરને છોડી દેશે ?? શું શું થશે એમનાં જીવનની ઘટમાળ ?? વાંચતા રહો, પગરવ - ૬

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે