vat Ek Gojari Ratni - 2 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | વાત એક ગોઝારી રાતની - 2

Featured Books
Categories
Share

વાત એક ગોઝારી રાતની - 2

ભડભડ બળતી ચિત્તાનું અજવાળું હજુય મસાણના વિસ્તારને અજવાળું હતું.

બોરડી અને કંઠેરના કાંટાળા ઝાડવાં પર અનેકરંગી કપડાં (કાંટિયાં) ટિંગાતાં હતાં.

ધીમા પવનના કારણે એ કાચાં કપડાંમાં થતો ફડફડાટનો અવાજ વારે ઘડીએ અલીને ઉપર જોવા મજબૂર કરતો હતો. ભડભડ બળતી ચિતા શરીરને કંઈક અંશે ગરમાટથી ભરી દેતી હતી. ઘણીવાર અલી તળાવમાં જાળ નાખી બીડી સળગાવવા મસાણે આવતો.

એકવાર અલીના સાથી મિત્ર અરજણે કહેલું

"યાર,કોક દી એવી પળ ભજી ગઈ તો આપણે બીડી પીવા મસાણે આવવાની ખો ભૂલી જવાના!"

ત્યારે અલીએ પોતાની પાસે રહેલી માછલી પકડવાની જાળનું ગુંચળું આગળ કરી કહેલું. જ્યાં સુધી આ વસ્તુ આપણી પાસે હોય આખું મસાણ જાગી જાય તો પણ આપણો વાળ વાંકો ન થાય!"

વાત એની લગીરે ખોટી નહોતી અલીએ જાત અનુભવ હતો.

એણે બીડીનો ધુમાડો હવામાં ફંગોળી ઘઉંનુ કટ્ટુ માથે મૂક્યું. તળાવના કિનારાથી દસ ફૂટનુ અંતર રાખી એ ચાલવા લાગ્યો.

વરસાદ વરસી ગયા પછી રસ્તાએ ભીનાશ પકડી લીધેલી. ચંદ્રમા નમી જાય એ પહેલાં અલી સામે પાર પહોંચી જવા માગતો હતો. સારૂ હતું મારગ દેખાતો હતો બાકી ભૂંડા હાલ થાત.. એ મનોમન બબડ્યો.

તળાવ અને લાંબી ટેકરીની વચમાં વિલાયતી બાવળિયાનો લાંબો પટ્ટો અને એ પટ્ટામાં જગ્યા કરી આપણે હાલવાનું. સંભાળવું પડે બાકી એના કાંટાઓનું ઝેર પગ પકવી નાખે હોં! પોતાની જાત સાથે જ વાત કરી રહેલો અલી ત્યારે ચમક્યો જ્યારે અચાનક બાવળની ઝાડીમાં ખડખડાટ થયો.

અંગ્રેજી બાવળને તેજાબ નાખીને કોઈ અડધો સૂકવી નાખેલો. સુકાઈ ગયેલી કાંટાળી ઝાડીમાં ધારી ધારીને એ જોવા લાગ્યો. કંઈ દેખાયું નહી એટલે 'હશે કોઈ જનાવર' એમ વિચારી એણે ધ્યાન ન આપ્યું.

અંધારાની ઓથ લઈ અલી થોડો આગળ ચાલ્યો.

ત્યાં જ એની નજર ઝાડીમાં બાવળોની પાછળ ચાલતા એક શ્વેત ઓળા પર ગઈ.

અલી પોતાની જગ્યા પર ઉભો રહી ગયો. કોઈ વટે માર્ગુ હશે પણ રસ્તેથી દસ કદમ દૂર કેમ ચાલે છે એજ સમજાતુ નથી.

પેલો ઓળો પણ ચાલતો ઉભો રહી ગયો.

અલીને ગતાગમ ન પડી કરવુ શું?

એના માથા પર સફેદ મોટી પાઘડી હાથમાં એક લાંબી ડાંગ, સફેદ ઉંચી ઝૂલ વાળું અંગરખું અને ધોતિયું એને ધારણ કરેલું. જેવું મેં ચાલવાનું શરૂ કર્યું કે તરત જ એણે પણ કદમ ઉપાડયા.

અલી આટલી અમથી વાતથી ગભરાય એમ નહોતો.

"કુણ સો ભા? કે'ની પા જાવુ સે?"

અલીએ વાત કરવાના ઈરાદે પૂછ્યું.

પણ એણે કોઈ ઉત્તર ન દીધો. અલીનો અવાજ સાંભળ્યો જ ન હોય એમ એ ચૂપચાપ ચાલતો રહ્યો. અલીને એ વ્યક્તિ જરા વિચિત્ર લાગ્યો. આમ ચૂપચાપ ચાલવાથી આટલો લાંબો મારગ કપાય એમ નહોતો. એટલે જ અલીએ એની સાથે વાત કરવાનો ઉપક્રમ કરેલો. પણ પેલો અજાણ્યો વ્યક્તિ ઉતાવળા પગલે ચાલવા લાગ્યો. નવાઈની વાત એ હતી કે કે રસ્તા પર નહોતો ચાલતો.

અલીનું ધ્યાન ભટકી ગયું હતું. એને ઉતાવળે સફેદ ઓળાની પાછળ ચાલતી પકડી..

અંધકારમાં કાંટાળી ડાળખીઓ શરીર પર લસરકા પાડી જતી હતી. અને એ વાતની પરવા કર્યા વિના અલી માથે ઘઉંનું બસ્કુ મૂકી ભાગતો રહ્યો.

લગભગ અડધો કિમી સુધી ખાલી એની પાછળ ભાગતો રહ્યો. ત્યારે જ એને સમજાયું કે પોતે રસ્તો ફન્ટી ગયો હતો. તળાવનો કિનારો છોડી ૫૦૦ ફૂટ તરફ આગળ વધી રહ્યો હતો. આ ૫૦૦ ફૂટની જગ્યા એવી હતી જ્યાં ફોરેસ્ટ ખાતાનું જંગલ પડતું હતું.

જંગલની પડખે જ એક ખેતર હતું. ખેતરમાં એક કુવો કુવામાં તળાવની નહેર વાટે પાણી ઠલવાતું હતું. અલી છેક ખેતર સુધી પહોંચી ગયો. એ જોવા માગતો હતો કે ખરેખર એ વ્યક્તિ કોણ છે?અને શા માટે પોતાની આગળ ભાગી રહ્યો છે.?

ખેતરે પહોંચ્યો ત્યાં સુધી પેલો અજનબી ક્યાંક ગાયબ થઇ ગયો હતો.

વાવ જેવા કુવા જોડે પહોંચી અલી આમતેમ જોવા લાગ્યો. કુવો એક ઘટાદાર લીમડાની નીચે જ આવેલો હતો. અચાનક કૂવામાં એક મોટો ધબાકો થયો. પાણી ઉછળ્યાં

લીમડા પરથી એક શરીરને પડતાં અલીએ જોયેલું.

એની નજર આપોઆપ ઉપર તરફ ઉઠી ગઈ. કૂવામાં પડનારના કપડા હજુય લીમડાના ઝાડ પર ફસાઈ ફાટી ટિંગાતાં દેખાયાં.

અલીના દિમાગમાં એક ઝબકારો થયો.

અને જાણે કે એને બધું જ ભાન આવી ગયું.

આજથી છ મહિના પહેલા બકરાંનો ચારો પાડવા લીમડા પર ચઢેલા કોદરભાઈ પગ લપસી જતાં સીધા કૂવામાં પટકાયેલા…

પુરાવા રૂપે આજે એમનું અંગરખું લીમડાની એક સૂકી ડાળ પર ભરાયેલું હતું.

અલી નહેર ઓળંગી ત્યાંથી ભાગ્યો ઉભો રહેવાનો કોઈ સવાલ જ નહોતો. કોદરભાઈ એને કુવા સુધી શા માટે લઈ આવ્યા? એ વાત અલી માટે એક રહસ્ય બની ગયેલી. ઉતાવળા ડગ માંડતો ભીની રેતમાં પગલાં માંડતો એ ઉપાડ્યો હતો.

ત્યારે એને ખબર નહોતી આગળ હજુ એક ઘટના એની કસોટી કરવા તૈયાર થઈ હતી.