vat Ek Gojari Ratni - 3 books and stories free download online pdf in Gujarati

વાત એક ગોઝારી રાતની - 3
અલી લીમડા વાળી વાવ પરથી કોદરભાઈની આત્માને જોયા પછી ઊભી પૂંછડીએ ભાગ્યો. સામે ધરોઈ ડેમની આડી પાળ દેખાતી હતી. એ પાળ પર થઈને રસ્તો સામા કિનારે લઇ જતો હતો.

બે કિલોમીટર જેટલું અંતર કાપી અલી ઉગમણી દિશા તરફ ચાલ્યો હતો. હવે એને આથમણી દિશાએ ત્રણેક કિલોમીટર ચાલી હાઇવે સુધી પહોંચવાનું હતુ.

અલીએ એક પણ વાર પૂંઠ ફેરવીને પાછળ જોયું નહોતું. કારણકે અલી ઘણીવાર આવી રીતે અંધારાની ઓથ લઈ કાળી રાતને માથે લઇ ચુક્યો હતો.

ડેમની પાળ પર લઈ જતો રસ્તો એને પકડી લીધો. ઉપર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો ત્યાં એને સફેદ આકૃતિ ફરતી દેખાઇ.

ફરી એના ધબકારા વધી ગયા..

માથા પર રહેલા વજનને બીજા ખભા પર નાખી એ ઉતાવળા પગલાં ભરવા લાગ્યો..

ડેમની પાળી ઉપર કોણ હતું? કદાચ માછલી પકડવા આવેલા મિત્રોમાંથી કોઈ હશે.. એમ માની લઈ એને ઝડપ વધારી હતી..

કારણ કે ઘણી વાર બધા ચોરીછૂપીથી ડેમની પાળ પરથી છુપાઈને જોતા. ઠાકોર ઘોડા પર બેસી રાઉન્ડ લગાવી નીકળી જાય પછી જ તળાવના ઉંડા જળમાં ઉતરતા. પછી જાળ પાથરી ઘર ભેગા થઇ જતા. મળસ્કે ચારના ગાળામાં ફરી તળાવ ભેગા…

"અલ્યા ભઈજી, આમ અડધી રાતે કે'ની પા? ભાગો અહીં થી, પાછા વળો!"

"કેમ? મારાથી ભગાય એમ નથી. સામે પાર શહેર ભેળા થવાનું છે મારે..!"

"યાર ઠાકોરને નીકળવાની વેળા થઈ છે. આવામાં તું ક્યાં હલવાણો? ઉપરવાસમાં વરસાદ થયો તને ખબર નથી કે?"

"ખબર તો છે પણ છોકરાંને રોટલા ભેળાં કરવાં કે નઈ..? ગામની ચક્કીઓમાં તો ડૂંગું બળ્યું સે ને પોહરો રસ્તો તો તુટી પડ્યો સે?"

અલીએ બળાપો ઠાલવ્યો.

"ઓળખી ગ્યા હો, પણ આમ એકી હાહે થઈ કેમ ભાગ્યા?

" ભઈજી કઉં છું ભાગ અહીંથી ? આ બાજુ જવા જેવુ નથી!"

"થયુ શું પણ એ તો કહો?"

અલી એ પૂછ્યું.

"મ..ગર…!!"

અરજણે પાછળ જોયું..

"મ..ગર? ક્યાં છે મગર?"

તળાવમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે.. મગરો બહાર ઢસડાઈ આવ્યા છે..

"કેની પા?"

"ચારે બાજુ! તને હા'રી મતી હૂજી કે તુ તળાવના કિનારે ન હાલ્યો..! બાકી અંધારામાં ભેસોં જેવા મગર તને તાણી જાત..!"

અલીને હવે જ ભાન થયું, જો કોદરભાઈની આત્મા એને શા માટે બીજા રસ્તે દોરી લાવી..! એને મનોમન પ્રેતાત્માનો આભાર માન્યો.

પછી અરજણ તરફ જોઈ પૂછ્યું.

"જાળ કાં? નાખી કે નઈ?"

"શું વાત કરૂ ભઈજી, જાળ નાખીને ટ્યૂબ સાથે બહાર આવ્યો ત્યાં તો તળાવમાં એ જગ્યાએ પાણી ઉછાળા લેવા લાગ્યું.!"

"માછલી ઘણી ફસાઈ લાગે છે પણ મગરની મને બીક લાગી હો.! એટલે હું ભાગી આવ્યો. સવારે જોયું જશે..!

"અરે પણ ત્યાં લગીમાં માલ ઘણો હશે તો જાળ તોડી નાખશે..!" અલીએ કહ્યું

"તૂટે તો તૂટે… જાન બચી તો લાખો પાયે!"

"એમ નોં ચાલે, મગર મારી નહી નાખે, હાલો મારી હારે હું જાળ કઢાવી દઉં!" અલીએ ઉત્સાહથી અરજણનો હાથ પકડ્યો.

-એક આકડાની લાંબી ડાળખી તોડી સાથે લઇ લો..!"

"એનાથી શું થશે?"

"તુ જોતો જા, ચાલ તને જાળ કઢાવતો જાઉ!

અરજણે આકડાની લાંબી ડાળ તોડી લીધી. બેટ્રીનો ઉજાસ નાખતો એ આગળ ચાલ્યો.

ટ્રેક્ટરના વ્હીલની ટ્યૂબ જ્યાં પડી હતી ત્યાં સુધી અરજણ અલીને દોરી લાવ્યો.

રસ્તામાં ઘણા મગર જોયા.. પણ એ બધા આકડાની વાસથી પાણીમાં ઉતરી ગયા.

અરજણ આ કૌતુકને જોતો જ રહ્યો.

ટ્યૂબને મોઢેથી હવા ભરી ફૂલાવી. વાલ બંધ કર્યો.

સિમેન્ટના એક મોટા ભૂંગળામાં ઘઉંની પોટલી મૂકી દીધી.

યૂરિયા ખાતરની થેલીઓના કવરમાં રહેલી ટ્યૂબ પર બન્ને બેઠા અને તળાવના ઉંડા જળમાં પહોચી ગયાં.

જાળ પર પ્લાસ્ટિકના દડા બાંધ્યા હતા એટલે આસાનીથી બન્ને જાળ સુધી પહોંચી ગયા.

ધીમેં ધીમે જાળ ખેંચવાની શરૂઆત થઈ.

અંધારા જળના ઉંડાણમાં પ્રકાશનો શેરડો દેખાયો.

બન્નેની આંખો ચમકી ગઈ.

આવું તો ક્યારેય થયું નથી.

"ભઈજી, પાણીમાં અજવાળું શેનું દેખાય છે.?

મારુ બેટુ મનેય દાળમાં કાળુ લાગે છે અરજણ? કોઈ ચરિતર તો નહી હોઈને? આજનો દિ જ એવો ઉગ્યો છે.. જરૂર ફરી કોઈ પ્રેતનો પનારો પડવાનો…

(ક્રમશઃ)