DIL NI KATAAR-SAAKSHATKAAR books and stories free download online pdf in Gujarati

“દિલની કટાર”- સાક્ષાત્કાર

“દિલની કટાર”...
સાક્ષાત્કાર...
“સાક્ષાત્કાર” ઈશ્વરને પામવા એને જોવા એનો સાક્ષાત સત્કાર કરવા માનવ તપ કરે છે , ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા ઋષિ મુનિઓ સેંકડો વર્ષો તપ કરે એવાં પુરાણની કથાઓમાં દાખલા જીવે છે.
સાક્ષાત્કાર એક માત્ર ઈશ્વરનો નહીં પરંતુ જ્ઞાનનો પણ હોય છે. “જ્ઞાનનાં ભાનનો” એની જાગરૂકતા થાય પછી જ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે.
આપણાં જીવનમાં બાળપણ , કિશોરાવસ્થા , જુવાની ,પ્રૌઢતા , છેલ્લે વૃદ્ધત્વ અને પછી નિર્વાણ. માનવ જીવનની સફર અને અંત.
માનવ જન્મે પછી તરત ભૂખ ઉઘડે છે.માતાનાં ધાવણથી શરૂ કરી જીવનમાં જુદી જુદી ભૂખ પોષવા પ્રયત્ન કરે છે ઉંમર પ્રમાણે ભૂખનું સ્વરૂપ બદલાતું જાય છે. શરીર પોષણની ભૂખ એની જગ્યાએ રહે છે અને ઉંમરની પકવતા વધતી જાય એમ બીજી બધી ભૂખ ઉઘડે છે જેમકે રમતની ,મિત્રોની ,જ્ઞાન ભણતર , રખડપટ્ટી , પ્રેમની , વાસના પૂર્તિની ,અને ખાસ ભૂખ ધન કીર્તિ અને મોટાઈની...
બધી ભૂખ ઉંમર સમય અને સ્થિતિ પ્રમાણે તૃપ્ત થતી જાય પરંતુ ધન કીર્તિ અને મોટાઈની ક્યારેય શમતી નથી એ વધુને વધુ ઉઘડતી જાય છે. એ ક્યારેય તૃપ્ત થતી નથી સંતોષાતી નથી.
ધન કમાવા માણસ મહેનત , સંઘર્ષ કરે છે ભૂખ વધતી જાય પછી નિતનવા હથકંડા અજમાવે છે , ખોટા કામ કરે છે , ભ્રષ્ટાચાર આદરે છે ,કાયદાનું ઉલ્લંઘન કરે છે . ધન કમાવા અને એકઠું કરવાની લાલસા વધતી જાય છે અને એનાં માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે પણ એની ધન પીપસા તૃપ્ત જ નથી થતી. એ એમાં વધુને વધુ ખુંપતો જાય છે.
માનવ એ ભૂલી જાય છે કે એ અમરપટ્ટો લખાવી નથી લાવ્યો..એનું આયુષ્ય યાવતચંદ્રર્દીવાકરો નથી જ. એની ચોક્કસ સીમા મર્યાદા છે. આ ભૂલભુલામણીમાં ફસાયા પછી બહાર નીકળી નથી શકતો અને વધુને વધુ લાલચમાં ખુંપતો જાય છે. જીંદગી જીવવાની રીત ભૂલી બીજા નૈસર્ગીક આનંદ ગુમાવે છે અને ભાન આવે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે.
ઈશ્વરની કૃપા વરસે તો “કોઈક કારણસર” એનામાં જ્ઞાનની ચિનગારી પ્રજ્વલિત થાય છે અને સાચાં આનંદનો આવિષ્કાર થાય છે.
માનવને જ્યારે સૂક્ષ્મથી સાક્ષાત જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે ત્યારે સાચાં અર્થમાં આનંદ લઈ શકે છે. ભૌતિક સુખ એ અલ્પજીવી અને નાશવંત છે જ્યારે આનંદ અનંત છે સદાબહાર છે. ધનની જરૂરિયાત જીવન વ્યવહારમાં છે પણ એનાં ગુલામ ના થવાય.
જરૂરતનું કમાયા પછી ફરજોની નિવૃત્તિ અને તૃપ્તિની સાથે સાથે નૈસર્ગીક આનંદ કામ કરતા ફરજો બજાવવા સાથે પણ લેવો જ જોઈએ.
પંચતત્વને માણો.. એનો સંગાથ કરી સમજો અને જીવો.. આકાશમાં બંધાતા વાદળ , વરસાદ , વનસ્પતિ , જંગલો , ડુંગરા , પહાડ પર્વત , નદી ઝરણાં સરોવર તળાવ જે બધાં આકર્ષક કુદરતનાં અંગોને માણો વાતો કરો તમારો અંગત સમય એમની સાથે ગાળો .
રાત્રી દરમ્યાન પૂનમે સોળે કળાએ ખીલેલા ચંદ્રમા , તારા મંડળ આભ ક્ષિતિજ...માણવા ઘણું છે.મીઠી ચાંદનીમાં વાતો ઠંડો મીઠો પવન. આવું માણસે બનાવેલા કોઈ જ સાધનમાં કે માધ્યમમાં નહીં મળે એ બધું જ ક્ષણભંગુર છે.
આપણા જીવનમાં આ થતાં સાચાં સાક્ષાત્કારમાં જ સાચું સુખ અને આનંદ સમાયેલો હોય છે. ઇશ્વરજ માનવને પ્રેમ કરવા પ્રેરે છે કરાવે છે અને માનવનું સંપૂર્ણ ભાગ્ય ખુલે છે. સાચાં આનંદ માણે છે એ નકકી જ.
સાચાં પ્રેમનો સાથી હોય, કુદરત , પૌરાણિક વાંચન, જ્ઞાન , તપ , ભક્તિ , પોતાના આગવા શોખ પોષી સર્જનાત્મક પ્રવૃત્તિ , વૃત્તિ , રાખી સાદું જીવન છતાં માનસિક રાજાશાહી નિજાનંદમાં જીવતાં હોય ...તો ક્ષણભંગુર અને મિથ્યા જીવન તથા બાહ્ય આડંબરી આકર્ષણ ભુલાવી જીવતો માણસ સાચો આનંદ લઈ માણી શકે છે.
“ જીવનની ખોટી મિથ્યા દોડ સમાપ્ત થાય છે.
પ્રેમ અને આનંદનો સાચો દોર શરૂ થાય છે “
મારી દ્રષ્ટિએ આ સાચો સાક્ષાત્કાર છે.
ll શુભમ ભવતું ll
દક્ષેશ ઇનામદાર. “દિલ”..