Angat Diary - Surprise in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - સરપ્રાઇઝ

અંગત ડાયરી - સરપ્રાઇઝ

અંગત ડાયરી
============
શીર્ષક : સરપ્રાઇઝ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ :૧૨, જુલાઈ ૨૦૨૦, રવિવાર

સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. તમારા કેલ્ક્યુલેશન્સની બહારનું, તમારી ધારણા બહારનું કશુંક બને અને તમારી ભીતરે જે અહેસાસ, જે સ્પંદનો જન્મે એને સરપ્રાઇઝ કહેવાય. એક મિત્રે બહુ સરસ વાત કરેલી. જિંદગીમાં બનતી દસ ઘટનાઓમાંથી ચાર એવી હોય છે જે સૌની સાથે બની એટલે તમારી સાથે પણ બને. જેમકે ઓફિસમાં બધાનું ઇન્ક્રીમેન્ટ થાય એટલે તમારું પણ થાય. પરીક્ષામાં પાસ તો મોટાભાગના થઈ જ જાય. દસમાંથી ત્રણ ઘટના એવી હોય છે કે જેમાં તમારી વિશેષ મહેનત કે લાપરવાહી જવાબદાર હોય છે. જેમ કે પરીક્ષામાં તમે ટોપ ટેનમાં આવો કે મોટી કમ્પનીમાં કે ગવર્મેન્ટમાં તમને જોબ મળી જાય. દસમાંથી બે ઘટનાઓ એવી હોય છે જેના માટે તમે ઘણું બધું દાવ પર લગાડ્યું હોય છે. જેમ કે મેડીકલમાં ગવર્મેન્ટ કોલેજમાં એડમીશન મળી જાય કે તમે શહેરના મેયર કે રાજ્યના મુખ્યમંત્રી બનો કે તમારી કમ્પનીની ટોપ પોઝિશન પર પહોંચો. દસમાંથી છેલ્લી બે ઘટનાઓ સાવ અણધારી તમારા જીવનમાં બનતી હોય છે, એની પાછળ કોઈ કેલ્ક્યુલેશન્સ-ગણતરી કામ આવતી નથી. જેમ કે તમે તમારી ભૂલને કારણે રાજીનામું તૈયાર કરીને ઓફિસે પહોંચો અને બોસ તમને પ્રમોશન આપે, લગ્નની ઉંમર વીતી ગયા પછી અનેક કોમ્પ્રોમાઈઝ કરવા તમે તૈયાર થઇ ગયા હો ત્યારે જ તમારી મનગમતી વ્યક્તિ તરફથી તમારા માટે ‘હા’ આવે કે પછી નિર્દોષ છૂટી જવાની ખાતરી સાથે તમે કોર્ટમાં ઉપસ્થિત થાઓ અને તમને દોષિત ગણી સજા ફરમાવવામાં આવે.

કહે છે કે યુદ્ધમાં બીજા બધા શસ્ત્રો જેટલું જ મહત્વ સરપ્રાઇઝનું છે. જીવનમાં પણ સરપ્રાઇઝનું મહત્વ વિશેષ છે. જિંદગીમાં સરપ્રાઇઝ છે એટલે જ તો રોમાંચ છે. આવતીકાલના મોટાભાગના કલાકો તો આપણે પ્રી-પ્લાન કરી રાખ્યા, પણ તોયે એકાદ કલાક કે એકાદ મિનીટ એવી આવે છે જે ચોવીસ કલાકના આપણા રુટિન કરતા વધુ મૂલ્યવાન બની જાય છે.

આવા સરપ્રાઇઝથી જ આપણને આપણા હાર્ટબીટનો, આપણી જીવંતતાનો અહેસાસ થતો હોય છે. જિંદગીની બાજી હારી ગયેલો માણસ ભગવાન પાસે હાથ જોડી જે ચમત્કારની પ્રાર્થના કરતો હોય છે એ ચમત્કારનું બીજું નામ એટલે સરપ્રાઇઝ.

આમ જુઓ તો આપણી આસપાસ સરપ્રાઇઝના ઢગલા પડ્યા છે. કહે છે કે પૃથ્વી સૂર્યથી જેટલા અંતરે છે એનાથી થોડી ઓછા કે વધુ અંતરે હોત તો પૃથ્વી પર માનવજીવનનું અસ્તિત્વ જ ન હોત. પૃથ્વી એકઝેટ ડિસ્ટન્સ પર ગોઠવાઈ એ સરપ્રાઈઝ જ કહેવાય ને! સળગે એવા સ્વભાવના હાઈડ્રોજન અને સળગાવે એવા સ્વભાવના ઓક્સિજનને ભેગા કરી ઠારે એવા સ્વભાવના પાણીને જન્મ આપનાર કુદરતના સરપ્રાઇઝીસ આગળ વૈજ્ઞાનિકો પણ નતમસ્તક બની જાય છે.

માનવ સ્વભાવ પણ સરપ્રાઇઝનો ખજાનો છે. જે બળદ આખું ખેતર ખેડે, ખેડૂત એનું જ પૂછડું આમળે, માનવ ભગવાન પાસે મંદિરમાં સુખ-શાંતિ માંગે અને પછી પોતે જ ઘરમાં, શેરીમાં, ઓફિસમાં દુઃખ અને અશાંતિ ફેલાવે, શેરીમાં ગારોકીચડ જોઈને રોડ-રસ્તા માંગે અને રોડ રસ્તા હોય તો પાણીના નિકાલ માટે રડે, પોતાના સાથે પારકાની જેમ અને પારકા સાથે પોતાનાની જેમ વ્યવહાર કરે - લિસ્ટ બહુ લાંબુ બની શકે.

નાનપણમાં થતા આશ્ચર્યો માટે એક કવિતા ભણવામાં આવતી.
"નાની મારી આંખ એ જોતી કાંક કાંક,
પગ મારા નાના, એ દોડે છાના માના,
એતો કેવી અજબ જેવી વાત છે."
મોટપણે આશ્ચર્યો થોડા વિકરાળ બન્યા ત્યારની પંક્તિઓ:
"ફૂલડાં ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે,
કામધેનુને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે,
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?" આ પંક્તિઓ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. રોજેરોજ શેરીમાંથી, સોસાયટીમાંથી, શહેરમાંથી પસાર થતી અંતિમ યાત્રામાં, નનામીમાં ખાલી હાથે પોઢેલા મૃતદેહને જોયા પછી પણ રૂપિયા, પૈસા, ગાડી, બંગલા ભેગા કરવા ઉલટા-સુલટા ધંધા કરતા માનવીની આ વર્તણુકનું સરપ્રાઇઝ પણ કંઈ નાનું સુનું ન કહેવાય.

કહેવાય છે કે આ તો કળિયુગ છે. બેઈમાનો, લુચ્ચાઓ અને લફંગાઓની વધતી જતી વસ્તી વચ્ચે પણ કેટલાક ઈમાનદારો, સંતો, સજ્જનો પોતાની સજ્જનતા છોડતાં જ નથી એ સુખદ સરપ્રાઇઝ જ કદાચ માનવ સમાજના ટકી રહેવા પાછળનું કારણ હશે!

આજના તમારા વાણી, વર્તન અને વિચાર અંગે તમારી આસપાસના અંગતોએ પૂર્વાનુમાન કરી જ લીધું હશે, આજના દિવસે આપણે એ તમામ અંગતોને સુખદ સરપ્રાઇઝ આપીએ તો કેવું?

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)