Relationship is Love books and stories free download online pdf in Gujarati

સંબંધ પ્રેમ છે ?

સંબંધ એ પ્રેમ નથી અને પ્રેમને કોઇ સંબંધ નથી.
પ્રેમથી છે જેટલા દૂર તારા દરેક સંબંધો,
એટલા જ મજબુત અને સુરક્ષિત છે તારા બધા સંબંધો.
વાત નથી આ તારા કે મારા પ્રેમની, છે આ વાત ફક્ત પ્રેમની.

હું મા છું તારી એટલે તું મને પ્રેમ કર,
હું પિતા છું તારો એટલે તું મને પ્રેમ કર,
હું પત્ની છું તારી એટલે તું મને પ્રેમ કર,
હું પતિ છું તારો એટલે તું મને પ્રેમ કર,
શું પ્રેમ મેળવવાં માટે સંબંધોનું નામ આપવું જરુરી છે?
શું સંબંધોની આડમાં માગવામાં કે આપવામાં આવતો આ પ્રેમ ખરેખર પ્રેમ છે ?

સંબંધોના સહારે ક્યારેય પ્રેમ નથી મળતો,
મળે તો છે એક એવો મોહ, જેમાં આખી જિંદગી તમને પોતાની સાથે જકડી રાખવાની શક્તિ હોય છે,
કદાચ એટલે જ દુઃખ સહીને પણ આપણે આ મોહને પ્રેમ સમજીને આખી જિંદગી જીવી નાખવાનું પસંદ કરીએ છીએ.
રહી વાત શાશ્વત પ્રેમની, તો આ પ્રેમથી બને તેટલું આપણે પોતાને અને પોતાનાં ને દુર રાખીએ છીએ. કેમ ?
કેમકે આપણે જાણીએ છીએ કે આ શાશ્વત પ્રેમ, સંબંધોના સહારાથી બનાવેલા આપણા પ્રેમરુપી મોહના સંસારનો સંપુર્ણ વિધ્વંસ કરી નાખશે.

કડવું છે પણ વિચારવાં જેવું છે,
સંબંધોના નામ નીચે કોઇ તમને પ્રેમ ત્યાં સુધી જ કરશે જ્યાં સુધી તે અસહાય હશે,
એક મા કે પિતાએ આ સમજવું જ જોઇએ કે,
પુત્રપ્રેમની કે પુત્રીપ્રેમની તમને ત્યાં સુધી તો ચિંતા જ નથી જ્યાં સુધી તમારો પુત્ર કે પુત્રી પોતાના પગ પર ઉભા થવા માટે અસહાય હોય,
એ તમને પ્રેમ કરશે જ કેમકે બીજો કોઇ ઉપાય તેમની પાસે પણ નથી.
પણ જ્યારે એ જ પુત્ર કે પુત્રીને હવે કોઇ સહારાની જરુર નથી, એ સક્ષમ છે પોતાના પગ પર ઉભા રહીને આગળની જિંદગી પસાર કરવાં માટે,
બસ તે સમયે જો એ જ પુત્ર તમને ધિક્કારે કે પછી ઘરમાં વહૂના આવ્યા બાદ પુત્રપ્રેમમાં ઘટાડો થયાનો અનુભવ થાય, તો સમજવું
કે આ પ્રેમ નહીં એક મોહ હતો જે સંબંધના સહારે તમે માંગ્યો અને અસહાય હોવાનાં કારણે પુત્રએ તમને આપ્યો હતો.

વિચારવું જોઈએ કે એવું કેવી રીતે બનશે કે સ્વાવલંબી થયા પછી પણ આ પ્રેમમાં અંશ માત્રનો પણ ફર્ક નહી પડે ?????

તું પતિ છે મારો એટલે તારે મને પ્રેમ કરવો જોઇએ,
તું પત્ની છે મારી એટલે તારે મને પ્રેમ કરવો જોઇએ,
ભલેને પછી આ સંબંધને હટાવીને જોતાં એક પત્નીને,એક પતિને કે એક મિત્રને સામે રહેલા વ્યક્તિના વ્યક્તિત્વમાં પ્રેમ જોવા જ ના મળ્યો હોય.
ફક્ત સંબંધોથી પુરા થતા એક બીજાના સ્વાર્થના કારણે આ મોહને પ્રેમનું નામ આપીને સુખી અને દુઃખી થયે રાખતા હોય.

જન્મથી જ સંબંધોને જ પ્રેમ કરતા શીખવાડવામાં આવે છે, શાશ્વત પ્રેમની શિક્ષાના તો નથી તો આપતા માતા-પિતા કે નથી તો આપતી કોઇ સ્કુલ.
જીવનભર પોતાની સાથે જ રાખવાના મોહમાં, માતા-પિતા કે પતિ- પત્ની એ ઇચ્છતાં જ નથી કે મારો પતિ કે મારી પત્ની કે મારો પુત્ર જેટલી કરુણાં મારા પ્રત્યે રાખે છે એટલી જ એ સંસારના દરેક જીવ પ્રત્યે રાખે. કેમ ???

નથી આ વાત કોઇ સંબંઘમાં નહી પડવાની,
કે નથી આ વાત કોઇ સંબંધને છોડવાની.
આ વાત તો છે સંબંધ વગર પણ રહેલા ખુદના અસ્તિત્વને ઓળખવાની.
આ વાત છે આપણા જ પુછવામાં આવતા સવાલોના જવાબની.
જેવા કે ,
કેમ એક પુત્ર સ્વાવલંબી થયા પછી માતા-પિતાના પ્રેમને ધિક્કારીને તેમને અસહનીય પીડા આપતો હશે ?
કેમ એક પત્ની પોતાના પતિ માટે જીવનભર દુઃખનું કારણ બનતી હશે ?
કેમ એક પતિ પોતાની પત્ની માટે જીવનભર દુઃખનું કારણ બનતો હશે ?
સંપૂર્ણ વિશ્વાસથી બનાવેલા મિત્રનો સંબંધ વિશ્વાસઘાત કેમ કરતો હશે ?
આ ઉત્પન્ન થતા સાવાલ જ સાબીત નથી કરતા કે સંબંધ પ્રેમ નથી પણ પ્રેમરુપી નર્યો સ્વાર્થ છે.

જન્મથી જ સંબંધોના સહારે એવો તેં અપંગ બનાવી દીધો છે મને,
કે હું સંબંધોના નામે જીવનભર મંગાતી ભીખને પ્રેમ સમજી બેઠો છું.
હું એ પ્રેમનો અનુભવ માંગું છું જે વરસાદની જેમ નિસ્વાર્થભાવે બસ બધા પર વરસતો જ હોય.
હું એ પ્રમનો અનુભવ માંગું છું જે સુર્યની જેમ નિસ્વાર્થ ભાવે બધાને પ્રકાશતો હોય.
અંતમાં,
સમજેલી થોડી જિંદગીની વાતો આ જિંદગીને અને તમને કહીને આ લેખને અહીં જ પુરો કરવાં માગું છું.
જોઉં છું, જાણું પણ છું તું જે બતાવી રહી છે,
ડગલે ને પગલે, ઓ જિંદંગી, તું સંબંધોનાં જે કપડાં ઉતારી રહી છે,
અમુકનાં ઉતરી રહ્યાં છે, તો અમુક જાતે જ ઉતારી રહ્યા છે,
હા, પસંદ છે મને નગ્નતા, વગર આવરણની એ શાશ્વતતા,
કેટકેટલાં કપડાં પહેરીને છુપાવી રાખી છે, કેમ કરી શોધવી આ સંબંધોની વાસ્તવિકતા ?
પણ હા, એ સત્ય છે કે ભાગવું નથી મારે કોઈ વનમાં,
બનીને પ્રહલાદ બેસવું છે હવે આ સંબંધોની અગ્નિમાં,
બોલવું નથી કે નથી આપવી કોઈ લડત,
બની ને પ્રેક્ષક(સાક્ષી) જોવી છે મારે આ બધાં જ સંબંધોની રમત.
- ચિરાગ કાકડિયા