comparison books and stories free download online pdf in Gujarati

તુલવું


બરાબર 6.30ના ટકોરે વીણાબેનના ઘરની ઘંટી રણકી , વીણાબેન તરત ઘરનો દરવાજો ખોલવા પહોંચ્યા,સુરેશભાઈ ચહેરા પર સ્મિત અને થાકના ભાવ સાથે ઘરમાં પ્રવેશ્યા.વીણાબેન તરત રસોડામાં ગયા અને સુરેશભાઈ હાથ ધોવા વૉસબેસીન તરફ ,હાથ ધોતા ધોતા તેમની નજર શ્રેયાના રૂમમાં પડી શ્રેયા ખૂબ શાંત ચિત્તે કઇંક વાંચી રહી હતી.સુરેશભાઈ હાથ લૂછી સોફા પર બેઠા ,ત્યાં તેજસ પણ પોતાના દાખલાઓની ગણતરીમાં પડેલો દેખાયો,વીણાબેન પાણીનો ગ્લાસ સુરેશભાઈના હાથમાં દેતા ,કહેતા ગયા "ચા મુકું છું".સુરેશભાઈ પાણીના ગુટડા ઉતારતા રહ્યાને જોતા રહ્યા કે કેલ્ક્યુલેટરની ગણતરીમાં તેજસ કેવો મૂંઝાયેલો છે.પાણીનો ખાલી ગ્લાસ ટીપાઈ પર મૂકી ,બુમ પાડી," બેટા શ્રેયા અહીં આવ તો".પપ્પાનો અવાજ સાંભળતા જ પુસ્તકના અધૂરા પાના પર દોરો ટેકવી પુસ્તક ટેબલ પર મૂકી તરત જ પપ્પા પાસે આવી બેઠી,"બોલોને પપ્પા ",સુરેશભાઇ સ્નેહથી પુછીયું,"બેટા શું કરી રહી હતી?".શ્રેયાએ જવાબ આપ્યો ,"પપ્પા ,આજે લાયબ્રેરીમાંથી વાર્તાનું પુસ્તક લાવી છુ તે વાંચી રહી હતી" .સુરેશભાઇ ફરી વ્હાલથી પૂછ્યું ,"ભણવાનું કેવું ચાલે છે?".શ્રેયાએ ખૂબ સહજતાથી જવાબ આપ્યો" બરાબર ચાલે છે".સુરેશભાઇ થોડા ગંભીર અવાજે શ્રેયાને કહેવા લાગ્યા, "જો બેટા, ભણવામાં ખૂબ ધ્યાન આપજે જેથી તું સારા ફીલ્ડમાં જઈ ,સારું કેરિયર બનાવી શકે અને હવે તો સ્ત્રી પણ પુરૂષ સમોવડી બની ગઈ છે".આ શબ્દ સાંભળતા શ્રેયાના ચહેરા પર અસ્પષ્ટતાના ભાવ સર્જાયા,સુરેશભાઈએ સમજાવાનું ચાલુ રાખતા કહયુ," જો દીકરા ,હવે સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર છે ,સ્ત્રીઓ પુરુષ સમકક્ષ બની છે".ફરી શ્રેયાના ચહેરે મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ એટલે સુરેશભાઈએ પુછીયું ,"શું થયું?"શ્રેયાએ જવાબ આપ્યો "પપ્પા તમારી વાત મને સમજાઇ નહીં".સુરેશભાઈ બોલ્યાં ,"એમા ન સમજવાનું શુ હતું ?કે સ્ત્રી પણ પુરુષ જેવી બની છે ".શ્રેયા બોલી "પપ્પા એ જ તો નથી સમજાતું કે સ્ત્રી શા માટે પુરુષ જેવી કે એને સમકક્ષ બને?",આ શબ્દો જાણે આખા ઘરમાં ગૂંજી પડ્યા ,સુરેશભાઈ ગંભીર થયા,તેજસ પણ પોતાની ગણતરી ભૂલી શ્રેયા સામે જોવા લાગ્યો ,રસોડામાં રહેલા વીણાબેનનું ધ્યાન પણ હવે ડ્રોઈંગરૂમમાં ખેંચાયુ.સુરેશભાઈ બોલ્યા "એટલે તું શું કહેવા માંગે છે?",શ્રેયાએ સહજતાથી પૂછ્યું,"પપ્પા તમને યાદ છે આપણે થોડા દિવસ પહેલા કુળદેવીના મંદીર ગયેલા?" સુરેશભાઈએ હોંકારો ભર્યો,શ્રેયાએ પોતાની વાત ચાલુ રાખી , "પપ્પા તમે કુળદેવીને પગે લાગતા બોલ્યા કે દેવી એ શક્તિનું સ્વરૂપ છે,તે પૂજનીય છે , શ્રેષ્ઠ છે અને દરેક સ્ત્રી પણ દેવી સ્વરૂપ છે".સુરેશભાઈ કહયું, "હા ,આ તો સત્ય જ છે".તરત શ્રેયા બોલી" પપ્પા જો સ્ત્રી શ્રેષ્ઠ છે તો એને પુરુષ જેવી થવાની શું જરૂર?",સુરેશભાઈનો ચહેરો સ્થિર થયો,શ્રેયાએ આગળ બોલતા કહયું,"પપ્પા ,મમ્મી શીખવતી કે સૂર્ય પોતાની જગ્યા ઉત્તમ છે અને ચંદ્ર પોતાની જગ્યા શ્રેષ્ઠ છે,આપણે સૂર્યને ચન્દ્ર જેવું કે ચંદ્રને સૂર્ય જેવું બનવાનું નથી કહી શકતા અને નથી તેની સરખામણી કરી શકતા,તો શા માટે સ્ત્રીની સરખામણી પુરુષ સાથે?,સ્ત્રી કૂદરતનું શ્રેષ્ઠ સર્જન છે અને પુરુષ કુદરતનું ઉત્તમ સર્જન છે,તો પપ્પા શ્રેષ્ઠને શ્રેઠતમ બનાવી શકાય અને ઉત્તમ છે તેને સર્વોતમ બનાવવા પ્રેરી શકાય પણ સરખામણી કેમ કરી શકાય?" શ્રેયાના શબ્દો સાંભળતા સુરેશભાઈના મગજમાં વીજળી જેવો ચમકારો થયો, તે ક્ષણિક સ્તબદ્ધ થયા અને તરત જ એક અલગ સ્મિતની સાથે પોતાની પુત્રીનું માથું ચૂમી લીધું અને બોલ્યા,"બેટા ,તું સાચી છો સ્ત્રી પોતાની રીતે શ્રેષ્ઠ છે તેને શ્રેષ્ઠતમ તરફ દોરી જવાના પ્રયત્નો કરવાના હોય તેને ઉત્તમ બનાવવા કે પુરૂષ સાથે સરખામણી કરવાની જરૂર જ નથી,સ્ત્રી કુદરતનું શ્રેષ્ઠ સર્જન જ છે".આ બોલ્યા પછી સુરેશભાઈની આંખોમાં કઇંક અલગ ચમક જોવા મળી ,સુરેશભાઈ ગર્વના ભાવથી શ્રેયા સામે જોઈ બોલ્યા," જા, તું તારી વાર્તાનું વાંચન પૂરું કર".શ્રેયા ઉભી થઇ ,બોલી," લાવો, પપ્પા ગ્લાસ રસોડામાં મૂકી દઉ".સુરેશભાઈએ કહ્યું" ના ,તું જા તારી વાર્તા પુરી કર ,હું મૂકી દઈશ".શ્રેયા પોતાના રૂમમાં જઈ અટકાવેલા દોરા વારું પાનુ ખોલી ફરી વાંચવામાં મગ્ન થઇ.તેજસ પણ ફરી પોતાની ગણતરીમાં ખોવાયો.સુરેશભાઈ ઉભા થઇ રસોડામાં ગયા ,વીણાબેનના ચહેરા પર એક સંતોષકારક ભાવ જોવા મળી રહયો હતો.ગ્લાસ સ્ટેન્ડ પર મુકતા સુરેશભાઈની નજર વીણા પર સ્થીર થઇ, વીણાબેન બોલ્યા "ચા તૈયાર છે,પી લ્યો".આંખમાં એક અલગ ચમક અને ચહેરા પર અહોભાવ સાથે સુરેશભાઈ બોલ્યા "ચા સાથે પીએ તો? "વીણાબેન મલકાયા અને એક આનંદની લહેર જાણે આખા ઘરમાં ફરી વળી.
પલ્લવી શેઠ