Nivedit books and stories free download online pdf in Gujarati

નિવેદિત

નિવેદિત - કુદરતના સત્યને આસ્થાથી સ્વીકારવાની વાત
પોશ વિસ્તારમાં આવેલો વૃંદાવન બંગલો,જેટલો આ બંગલો બહારથી ભવ્ય દેખાય એટલુ જ ઘર અંદરનું વાતાવરણ પણ આનંદદાયક.ઘરના માલિક નંદકિશોરભાઈ પર માં લક્ષ્મીની અસીમ કૃપા અને પત્ની રૂપે મળેલા પૂર્ણાબેન એટલે સાચા અર્થમાં અર્ધાગીની. નંદકિશોરભાઈ અને પુર્ણાબેનનો વ્હાલસોયો પુત્ર કેશવ,પણ મોર્ડન કેશવે પોતાનું નામ ક્રીશ રાખેલું!. આ ડાળીઓનો આધાર એટલે ગંગાબા,ગંગાબા જેટલા આધુનિક વિચારને સ્વીકારતા એટલા જ તેઓ આધ્યાત્મિક તરફ વળેલા .જેમ જેમ પુર્ણાબેન ઘરની અને સામાજિક જવાબદારીઓ સ્વીકારતા ગયા તેમ ગંગાબા આધ્યાત્મ તરફ વળતા ગયા.હવે તેઓ મોટાભાગનો સમય પૂજાપાઠ, ધાર્મિક પુસ્તકોના વાંચનમાં જ પસાર કરતા.
રોજનો ગંગાબાનો નિયમ સવારે ૬ વાગે એટલે બા ની ઘંટડીનો અવાજ આખા વૃંદાવનમાં ગુંજી ઉઠે.આ ઘંટડીનો અવાજ પુર્ણાબેન માટે આલાર્મનું કામ કરતો ,પણ નંદકિશોરભાઈ તકિયાને કાને દાબાવી થોડીવાર સુતા રહેતા.મોટાભાગના દિવસે એવું બનતું ગંગાબાની આરતી પૂરી થતી અને કેશવનું મોર્નિંગવોકમાં જવાનો સમય થતો.બેઠકરૂમમાં કેશવ પ્રવેશતો એટલે ગંગાબાનો આવાજ આવી જતો “કેશવ ,પ્રસાદ’, કેશવ મંદિર તરફ વળતો , ગંગાબા બોલતા “રાધેક્રીશન” પણ કેશવ પ્રસાદ માટે હાથ લંબાવતો અને પ્રસાદ મોઢામાં મૂકતા પ્રશ્ન કરતો-
“બા,તમારા કાનાજી તમારી પ્રાર્થના સંભાળે છે?”,
ગંગાબા આંખોના ઈશારેથી હા નો જવાબ આપતા, કહેતા ”જો ભાવ નિવેદિત હોય તો મારા કાનાજી જરૂર સાંભળે”.
કેશવ ગંગાબાના શબ્દો સાંભળી સહજ મલકાતો અને બાની વાતથી સહમત ન હોય એવા ભાવ મોઢા પર બતાવી વોક માટે નીકળી જતો.બહાર જતા કેશવને આર્શીર્વાદ આપતા ગંગાબાના બને હાથ ઉઠતા. આવું તો અવારનવાર થતું.આધુનિકતાના રંગની અસરથી કેશવ અવારનવાર ગંગાબાને શ્રધ્ધા અને પ્રાર્થના પર પ્રશ્ન પૂછતો અને ગંગાબા હમેશાંની જેમ સરળ શબ્દોમાં હકરાત્મક જવાબ આપતા.
એક સાંજે લગભગ સાતેક વાગ્યે નંદકિશોરભાઈ ઓફીસથી આવી સોફા પર બેઠા, પુર્ણાબેન ચા બનાવવા રસોડામાં ગયા. અચાનક બહારના વાતાવરણમાં પલટો આવ્યો .પવન ફૂકાવા લાગ્યો ,આકાશ કાળુડીંબ થઈ ગયું.પુર્ણાબેન ઝડપથી રસોડાની બારી બંધ કરી અને ચા ટેબલ પર મૂકી સામેના સોફે બેઠા. નંદકિશોરભાઈ ચા પીતા પીતા પૂછવા લાગ્યા “કેશવ ,કયાં?”,પુર્ણાબેને જવાબ આપ્યો,”કલાક જેવું થયું રાકેશના ઘેર ગયો એને”.નંદકિશોરભાઈ ખાલી કપ-રકાબી ટીપાઈ પર મુકી ,મોબઈલમાં વ્યસ્ત થયા.પુર્ણાબેન કપ રકાબી લઈ રસોડામાં ગયા ત્યાં અચાનક વરસાદનો આવાજ સંભળાવા લાગ્યો.પુર્ણાબેન રસોડામાંથી બોલ્યા,”આ લ્યો ,અત્યારે વરસાદ”,નંદકિશોર ભાઈ વળતો જવાબ આપતા બોલ્યા,”કમોસમી વરસાદનું આવું જ હોય” અને વરસાદ પણ કમોસમી શબ્દ સાંભળી ગયો હોય એમ તોફાને ચડ્યો ,છટાથી વરસવા લાગ્યો.પૂર્ણાબેન વરસાદ અને વીજળીના કડાકા સાંભળી તરત જ રસોડામાંથી ડ્રોઈન્ગ રૂમમાં આવ્યા અને નંદકિશોરભાઈની સામે આવી સોફા પર બેઠા. વીજળીના કડાકા અને વરસાદનો તોફાન વધતો જતો હતો.થોડીક ક્ષણ રાહ જોયા પછી પુર્ણાબેનની ધીરજ ખૂટી,એમણે નંદકિશોરભાઈને કહ્યું” કેશવને ફોન લગાવો,પૂછો એ ક્યાં છે?”,નંદકિશોરભાઈ તરત ફોન ઉપાડી નંબર ડાયલ કર્યો.કેશવના મોબઈલની રીંગ વાગી ,બીજી જ રીંગમાં અવાજ આવ્યો” બોલો ,પપ્પા”,નંદકિશોરભાઈએ પૂછયું ,”બેટા ક્યાં છો?,કેશવે જવાબ આપ્યો,”જસ્ટ રાકેશના ઘરેથી ઘેર આવા નીકળ્યો છુ, બસ ૧૦ મિનીટમાં ઘરે આવી જઈશ.નંદકિશોરભાઈ શાંતિ અનુભવતા બોલ્યા,”ઓકે બેટા ,જલ્દી ઘરે આવ”. ફોન ટેબલ પર મૂકી.પુર્ણાબેન સામે જોઈ કહ્યું; “ચિન્તા ન કર, કેશવ રસ્તામાં છે બસ હમણાં જ આવી જશે".હજી તો નંદકિશોરભાઈ વાકય પૂર્ણ કરે ત્યાં પૂજા રૂમમાંથી ઘંટડીનો અવાજ સંભળાયો,પુર્ણાબેન ચોક્યાં, "અત્યારે બા, કેમ પૂજા કરે છે?”
નંદકિશોરભાઈને પણ નવાઈ લાગી પણ સહજ થઈ બોલ્યા, “ કદાચ બાના કોઈ અનુષ્ઠાન હશે”.પૂર્ણાબેન ઉભા થયા અને રસોડામાં સાંજની રસોઈનો વિચાર કરતા કુકર હાથમાં લઈ ખીચડી પલાળવા લાગ્યા પણ પુર્ણાબેનનું માતૃર્હદય કંઇક અલગ અનુભૂતિ કરી રહયું હતું.પુર્ણાબેનનું મન રસોઈમાં લાગી રહ્યું ન હતું. તે રસોડામાંથી બહાર આવી ડ્રોઈન્ગ રૂમમાં બેસી રહ્યા.નંદકિશોરભાઈ એમના મોબાઇલમાં વ્યસ્ત હતા. પૂજારૂમમાંથી રાધેકૃષ્ણની ધૂનનો અવાજ આવી રહ્યો હતો અને આ ધૂનમાં જાણે વરસાદ સુર પુરાવતો હોય એમ વરસાદના પાણીનો અવાજ અને પવનના સુસવાટા સંભળાઈ રહ્યા હતા. પુર્ણાબેનનું ધ્યાન મિનિટે મિનિટે ધડીયાળ પર જતું હતું.માતૃ-હ્રદયની સહન ક્ષમતાની હદ ઓળંગાઈ જતા પુર્ણાબેન બોલ્યા,”હવે તો અડધો કલાક જેવું થયું હજી કેશવ આવ્યો નહિ,ફરી ફોન લગાવોને”,પુર્ણાબેનની વાત સાંભળતા જ નંદકિશોરભાઈનું ધ્યાન પણ ઘડિયાળ પર ગયું અને એમણે તરત જ કેશવનો નંબર ડાયલ કર્યો, નો-રીપ્લાય થયો,નંદકિશોરભાઈ પુર્ણાબેન સામે જોઈ રહ્યા,ફરી મોબઈલ નંબર ડાયલ કર્યો,ફરી નો-રીપ્લાય,નંદકિશોરભાઈનો ચહેરો નિસ્તેજ પડ્યો,ફરી કેશવના નંબર ડાયલ કર્યા અને ફરી નો-રીપ્લાય,હવે નંદકિશોરભાઈના ચહેરા પર ચિંતાના ભાવ સ્પષ્ટ દેખાઈ આવતા હતો,છતાં પુર્ણાબેનને દિલાસો આપતા બોલ્યા,”વરસાદ છે એટલે કદાચ ચાલુ ગાડીએ કેશવ ફોન નહિ ઉપાડતો હોય".પણ આ શબ્દો પુર્ણાબેનની ચિન્તાને શાંત કરે તેમ ન હતા,એટલે નંદકિશોરભાઈ પુર્ણાબેન સામે જોઈ બોલ્યા," બીજી કારની ચાવી લાવ હું જોતો આવું".પુર્ણાબેન અધીરતા અને ચિન્તામાં બોલ્યા,” હવે આવામાં તમે ક્યાં જશો?”,નંદકિશોરભાઈએ કહ્યું,” ચિન્તા ન કર હું સામે જઈ જોતો આવું".પુર્ણાબેન ચાવી લેવા અંદર રૂમમાં ગયા, એ જ સમયે ગંગાબાની ધૂનનો અવાજ આવવાનો બંધ થયો .પુર્ણાબેન નવાઈમાં પડ્યા, પણ માતૃહ્રદય અત્યારે એમને બીજું કંઇ વિચારવા દે તેમ ન હતું. પુર્ણાબેન ચાવી લઈ ડ્રોઈંગરૂમમાં આવ્યા ત્યાં જ ડોરબેલ વાગી,નંદકિશોરભાઈએ દરવાજો ખોલ્યો ,કેશવ આખો ભીંજાઈ ગયેલો , તેના કપડા પર માટી લાગેલી હતી.પુર્ણાબેન હાથમાં ચાવી પકડી થોડીવાર કેશવને નિહારતા રહ્યા,અને ચિંતા સાથે બોલ્યા,
“ તું ક્યાં હતો?”
કેશવે જવાબ આપતા કહ્યું “ મમ્મી,જસ્ટ રિલેક્ષ, હું ફ્રેશ થઈ આવું,પછી બધી વાત કરું”.
પુર્ણાબેન અને નંદકિશોરભાઈ ડ્રોઈન્ગ રૂમમાં કેશવ ફ્રેશ થઈ આવે તેની રાહ જોતા ચુપચાપ બેસી રહ્યા.આ નીરવતાને જોઈ હવે વરસાદ પણ થોડો શાંત પડ્યો. કેશવ ટુવાલથી વાળ લુછતો નંદકિશોરભાઈની બાજુમાં બેઠો.પુર્ણાબેનની અધીરતાને શાંત કરતા કહેવા લાગ્યો,
" પપ્પા તમારો ફોન મૂકી હું કાર ડ્રાઈવ કરી ઘર તરફ આવી રહ્યો હતો, અચાનક એક ટ્રકનો પાછળથી ધકકો લાગેલો આપણી કાર રોડથી નીચે ઉતરી પડી અને મેં કાર પરનો કાબુ ગુમાવ્યો,મને વરસાદમાં કઈ જ દેખાઈ રહ્યું ન હતું.મેં મારી આંખો બંધ કરી દીધી ત્યારે મને બા ના મંદિરમાં રાખેલ રાધા કૃષ્ણની મૂર્તિ દેખાઈ અને આપણી કાર એક ઝાડમાં અથડાઈ અટકી ગઈ.થોડા સમય પછી હું દરવાજો ખોલી બહાર આવ્યો, વરસાદ પુરજોશમાં પડી રહ્યો હતો.હું કાર લોક કરી, મોબાઈલ પ્લાસ્ટીકની કોથળીમાં મૂકી રસ્તા પર આવ્યો ,કે કોઈ વાહન પસાર થાય તો હું ઘરે પહોચું.પણ ૧૫ મિનીટ જેવો સમય પસાર થઈ ગયો કોઈ વાહન ત્યાંથી પસાર થયું નહિ. હું મુંજાયો અને અચાનક મારા મનથી પ્રાર્થના થઈ , હું મનમાં બોલ્યો 'ભગવાન પ્લીઝ કોઈ મદદ મુકો'.આ શબ્દો મેં પુરા કર્યા ત્યાં જ જાણે મારી વાત કોઈએ સાંભળી હોય તેમ એક બ્લેક કાર ત્યાં આવી, મેં હાથ આપ્યો એટલે કાર ઉભી રહી, મેં આખી વિગત કારચાલકને કહી અને તે બોલ્યો,”ડોન્ટ વરી,ચાલો હું તમને તમારા ઘેર મૂકી દઉ”.આમ હું ઘરે પહોચ્યો”. કેશવની વાત સાંભળી પુર્ણાબેન ભગવાનનો આભાર માનતા બોલ્યા, “ ભગવાન તને મદદ કરનારનું ભલું કરે”.પુર્ણાબેનના શબ્દો પુરા થાય તે પહેલા કેશવે ઉતાવળમાં પૂછ્યું,"મમ્મી બા કયાં?” પુર્ણાબેને કહ્યું,"મમ્મી, તું આવ્યો તે પહેલા જ પૂજા અને ધૂન પૂરી કરી પોતાના રૂમમાં ગયા”.કેશવ તરત ઉભો થઈ ગંગાબાના રૂમમાં પહચ્યો,બા પલંગ પર બેઠા પુસ્તક વાંચી રહ્યા હતા.દરવાજા પર કેશવને જોઈ બોલ્યા ,
”તું આવી ગયો?”,કેશવે જવાબ આપ્યો ,“હા બા”.કેશવ ઉત્સાહથી કહેવા લાગ્યો ,“બા તમને ખબર છે આજે મારી સાથે શું થયું,?” ગંગાબા બોલ્યા,”તારી સાથે શું થયું એ નથી ખબર ,પણ હા એટલી ખબર છે કે તું મુસીબતમાં મુકાયો હતો અને મારા કાનાજીએ તને મદદ કરી”.ગંગાબાની વાત સાંભળી કેશવ ચોંક્યો,” બા તમને કેમ ખબર?’,ગંગાબાએ વળતો જવાબ આપતા કહ્યું”કાનાજીએ એવો સંદેશ મોકલાવ્યો”.આ સાંભળી કેશવ હસ્યો,”બા તમે પણ”,ગંગાબા બોલ્યા,”બેટા,સાચું કહું છુ". કેશવ અસમજણના ભાવ સાથે ગંગાબા સામે જોતો રહ્યો.ગંગાબા સહજ મલક્યા,અને કેશવને કહેવા લાગ્યા,
" તું એક કલ્પના કર, વર્ષો પહેલા જયારે ટેલીફોનની શોધ થઈ ન હતી અને ત્યારેના સમયે કોઈ આવી એમ કહેત કે અમદાવાદ રહેલો તારો મિત્ર તારી સાથે વાત કરવા માંગે છે તો તને કેવું લાગત?"
કેશવ બોલ્યો,” એ સમયમાં કદાચ એ વાત માનવામાં ન આવત અને હાસ્યસ્પદ લાગત,” એટલે ગંગાબાએ પૂછયું “ અત્યારે આ વાત તને કેવી લાગે! ,જો કોઈ એમ કહે કે દુબઈ રહેલો તારો મિત્ર તારી સાથે વાત કરવા માંગે છે”.કેશવે ઉતાવળથી જવાબ આપ્યો” બા,હવે તો મોબાઈલ આવી ગયા છે અને એ શક્ય જ છે “.ગંગાબા બોલ્યા ,
“ શક્ય તો પેલા પણ હતું, બસ ત્યારે ટેલીફોન કે મોબઈલ જેવું દ્રશ્ય સાધન ન હતું એટલે આપણને અશક્ય લાગતું હતું”.
કેશવના ચહેરે અસમજણના ભાવ દેખાયા,ગંગાબાએ ફરી પ્રશ્ન કર્યો,” આ ટેલીફોન પર કે મોબઈલ પર વાત કરવું કેમ શકય બન્યું? તે તું જાણે છે?”,કેશવે મુંજવણ સાથે કહ્યું “સેટેલાઈટને કારણે”.ગંગાબા બોલ્યા” :સેટેલાઈટ પણ માધ્યમ છે જયારે વાત શક્ય થવા ધ્વની અને તરંગનું માધ્યમ જરૂરી છે ,એવું તું વિજ્ઞાનમાં ભણ્યો છો ને?",કેશવને ભુલાઈ ગયેલું વિજ્ઞાન યાદ આવ્યુ અને એ બોલ્યા”હા,બા”.એટલે ફરી ગંગાબા સમજાવતા કહ્યું કે,
" આ ધ્વની અને તરંગનું માધ્યમ તો વર્ષોથી આ પૃથ્વી પર છે અને આ માધ્યમ કોઈ વિજ્ઞાને નથી બનાવ્યું. આ ધ્વની અને તરંગના માધ્યમથી જયારે આપણે આપના હ્રદયથી પ્રાર્થના ઈશ્વરને કરીએ છીએ ત્યારે તે ઈશ્વર સુધી જરૂર પહોચે છે, પણ પ્રાર્થના કરીએ ત્યારે માત્ર શબ્દોથી નહિ, પણ હ્રદયના સાચા ભાવથી હોવી જોઈએ,જેમ તારા મોબઈલમાં સાચો નંબર લગાડ તો જ સાચા વ્યક્તિને ફોન લાગે બસ અહી પણ એવું જ છે. જયારે હ્રદયથી સાચા ભાવે પ્રાર્થના થાય એટલે એ તરત ભગવાન પાસે પહોચે અને તેનો વળતો જવાબ પણ મળે છે. આપણે જયારે કઠીન પરિસ્થિતિમાં નિવેદિત ભાવથી ભગવાનને યાદ કરીએ ત્યારે ક્યારેક કોઈ વિચાર રૂપે,ક્યારેક સમસ્યાના ઉકેલ રૂપે ,તો ક્યારેક કોઈ વ્યક્તિ રૂપે આવી ભગવાન આપણને મદદ જરૂર કરે જ છે અને મને તો આવા જીવનમાં ઘણા અનુભવ થયા છે”.
ગંગાબાની આ વાત સાંભળતા કેશવની સામે એ દ્રશ્યો ફરી ઉભા થયા , એના દ્વારા કરાયેલી પ્રાર્થના, બ્લેક કારનું આવી ઉભું રહેવું. ગંગાબા આગળ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું” જેમ તું તારા મિત્રોના કોન્ટેક્ટમાં રહેવા રોજ ગુડમોર્નિંગના મેસેજ કરે છે ,એમ ઈશ્વરને હું રોજ પ્રાર્થના કરી અમારા સબંધને કોન્ટેક્ટમાં રાખું છુ અને જરૂર પડે ત્યારે મારા કાનાજી મને સંદેશ મુકે છે અને હું પણ એની પાસે મદદ માંગું છુ”. કેશવ ગંગાબાની આ વાત અનુભવી ચુક્યો છે એવો ભાવ તેના મોઢા પર સ્પષ્ટ દેખાતો હતો.તેણે ગંગાબાના હાથ ચૂમીને પોતાના રૂમમાં જવા ઉભો થયો,થોડું આગળ ચાલી ઉભો રહ્યો ,ફરી ગંગાબા પાસે આવી બોલ્યો “બા,રાધેક્રીશન” .ગંગાબા પણ પ્રેમથી બોલ્યા,” રાધેક્રીશન” અને કેશવ પોતાના રૂમમાં જવા ચાલ્યો, ગંગાબા કેશવને જોતા રહ્યા અને તેમના બંને હાથ કેશવને આશીર્વાદ આપતા રહ્યા.
પલ્લવી શેઠ
-----------