rang samgam books and stories free download online pdf in Gujarati

રંગ સંગમ


રંગ-સંગમ (ભાગ-૧)

ઘૂઘવતા દરિયા પર પથરાયેલા અસીમ આકાશ પર સાંજનો ઘેરો ગુલાબી અને પીળો રંગ, આજે વંદનના જીવનમાં આનંદને બદલે ઉદાસીનતા ફેલાવી રહ્યો હતો. ક્ષિતિજ પાસે થઇ રહેલું ધરતી અને ગગનનું મિલન ખોરવાઈ ગયેલું ભાસતું હતું, તદ્દન એના વિખાયેલાં મનની માફક. દરિયાની રેતીને હાથમાં લઈને પસવારતી તેની પ્રિયતમા-પત્ની વગર એકલો પડેલો વંદન, રેતીને સ્પર્શવા અસમર્થ હતો. પવનની લહેરખીઓ સાથે ઉછળતાં મોજાં વચ્ચે સાંજ ઢળીને રાતમાં પરિવર્તિત થઇ છતાં વંદનનું ધ્યાન ન રહ્યું. મોબાઈલ રણકતાં તેને હોંશમાં આવવું પડ્યું, " વંદન ! ક્યાં છે? પપ્પા રાહ જુએ છે. "

" હા, હું આવું છું." સ્વતઃ જ બબડતો હોય તેમ વંદને જવાબ આપ્યો.

" હવે વધુ સમય બહાર ન રહીશ..તને ખબર છે પપ્પા ખૂબ ચિંતા કરશે....આમેય અત્યારે..."

સામેનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ વંદનને અંદરથી કોઈએ ઢંઢોળ્યો હોય તેમ સતેજ થયો. હૃદય પર ફરી એકવાર ઘા વાગ્યો. લથડિયું ખાઈને પણ ઊભા થયે જ છૂટકો હતો. કપડાં પર લાગેલી દરિયાની રેતીની પરવાહ કર્યા વગર તેણે ઘરની વાટ પકડી.

દરિયાથી થોડે દૂર બહારથી ખાસ્સો મોટો દેખાતો એક બંગલો હતો. આંગણમાં થોડા વૃક્ષો અને કૂંડાઓની કતાર બનાવેલી હતી. ક્યારા વચ્ચેથી નીકળીને સામેના મુખ્ય દ્વારમાં પ્રવેશ થઇ શકે તેમ બે ત્રણ પગથિયાં બગીચાને ઘરથી અલગ પાડતાં હતાં. વંદન ઘરમાં દાખલ થયો. આખા રસ્તે ગોળગોળ ફરતી અને નજરને ધૂંધળી બનાવતી વાસ્તવિકતા ફરી એકવાર નજર સામે આવીને ઊભી રહી. પાખીના ફોટો પાસે દીવો ગોઠવેલો હતો. પાસે એક ખુરશીમાં બેસીને પિતા કોઈક ધાર્મિક પુસ્તક વાંચી રહ્યા હતા. પાખીનું એ જ મોહક સ્મિત, તેનો સદાબહાર જીવંત ચહેરો અને તેની પાછળ ખોવાયેલું બધાંનું જીવન ...કેમ કરીને તે પાખીને ભૂલશે.

વંદનને આવેલો જોઈ પિતા ધરપત પામ્યા. પુસ્તક બાજુએ મૂકીને તેમણે વંદનને હાથ લંબાવી પાસે આવવા ઈશારો કર્યો. વંદન ખુરશીને પડખે જઈ, પિતાનો હાથ પકડીને બેઠો. કેટલીયે મિનીટો સુધી શાંતિ પથરાયેલી રહી. પિતા-પુત્રના મૌનને તોડતાં માતાએ કહ્યું, " વંદન, થોડો પ્રસાદ આવ્યો છે , જમવા આવો તો આપું. " માંની વાત પાછળનો ઉદ્દેશ સમજીને બંને જણ જમવા ગયા.

પંદર દિવસ પહેલા જેણે ચિરવિદાય લીધી હતી તે પાખી અને વંદન, ચાર વર્ષ પૂર્વે લગ્નગ્રંથીથી જોડાયા હતા. વંદનની પરણવા માટે ઘણી આનાકાની હોવા છતાં માતાપિતાએ વંદન માટે પાખી શોધી જ કાઢી હતી. વંદનની લગ્ન વિશેની અનાકાનીઓનું મૂળ, પ્રેમમાં સાંપડેલી નિષ્ફળતા હતી. માતાપિતાને જાણવા મળ્યું હતું કે વંદન જેને ચાહતો હતો તે છોકરી બીજે પરણી ગઈ હતી. વંદન જીવનમાં એકવાર પ્રેમ કરીને નિષ્ફળ રહ્યો છે, જો તે ખાલીપાને સમયસર નહિ પૂરવામાં આવે તો તે વધુ હતાશામાં ગરકાવ થઇ જશે, એમ ધારીને તેના તત્કાલ લગ્ન કરી નખાયાં હતાં.

પાખી તેના જીવનમાં એક નવો સંચાર, એક નવી આશા લઈને આવી હતી. માતાપિતા એ જોઈને ખુશ હતાં કે શરૂઆતમાં ખોવાયેલો અને અતડો રહેતો વંદન, ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યો હતો. પાખી એક સમાજસેવા કરતી સંસ્થા સાથે જોડાયેલી હતી. આથી જીવન પ્રત્યેનો તેનો અભિગમ જુદો હતો. કેટલાક બદનસીબ માણસો સાથે બનેલા અકસ્માતોની તે નજીક હતી. કોઈને કોઈ કારણસર બેઘર બનેલા વૃદ્ધો, સ્ત્રીઓ, બાળકો અને ગરીબો સાથે તેનો રોજનો સંપર્ક હતો. એમાંથી કોઈ નાના મોટા પ્રસંગો તે વંદનને કહી સંભાળવતી અને સમજાવતી કે જો આપણને આવી અડચણો વગરનું જીવન મળે તો ખુશ રહેવું જોઈએ અને જાતને ભાગ્યવાન માનવી જોઈએ.

કદાચ વંદનનો ઇતિહાસ અને એથીય વધુ તેની મનોસ્થિતિ જાણીને, તેની સાથે પરણવાનું જોખમ પાખી સિવાય કોઈ ન લઇ શક્યું હોત. ભૂતકાળમાં વંદનનો પ્રેમ એકતરફી હતો કે પેલી છોકરી પણ પ્રેમમાં ભાગીદાર હતી તે જાણવા પાખીએ વંદનને કદી કોઈ પ્રશ્ન પૂછ્યો નહોતો.

પણ કુદરતે કૈક જુદી જ રચના ગોઠવી હતી. લગ્નની ચોથી વર્ષગાંઠ બાદ થોડા જ સમયમાં પાખી એક કાર અકસ્માતમાં મૃત્યુ પામી. વંદન માટે આ આઘાત સહન કરવો અઘરો હતો. જીવનની દિશા બદલી આશાનો, પ્રેમનો પર્યાય બનીને આવનાર પાખી હવે નહોતી રહી. અસ્તિત્વનો આધાર ઝુંટવાઈ ગયાની લાગણી સાથે વંદન ફરી દિશાવિહીન બની ગયો હતો.
બે-ત્રણ મહિના વીત્યા. માતાપિતા હવે વંદનને પુનઃ કોઈ જગ્યાએ બંધાવવા અંગે કહી શકે તેમ નહોતા. એકનો એક પુત્ર નાની ઉંમરમાં બે વખત પ્રેમભગ્ન બન્યો હતો તે જોઈ તેમનું કલેજું કંપી ઊઠતું હતું. આ તરફ વંદન કામમાં વધુ સમય વિતાવી પોતાનું ધ્યાન ત્યાં રોકાઈ રહે તેમ ઈચ્છતો હતો. હા, પાખી સાથે રહીને જિંદગીને થોડા જુદા અંદાજથી અપનાવવાની શક્તિ તેનામાં આવી હતી. કોઈ ફરિયાદ વગર તે એકધારી ઘટમાળમાં લાગી ગયો હતો.

એક સવારે કોઈ મિટીંગ માટે થોડા નવા લોકોને મળવાનું થતાં વંદનને એક હોટેલ પર જવાનું થયું. આલીશાન હોટેલના ભવ્ય કોન્ફરન્સ હોલમાં બેઠેલા પંદરેક સભ્યો સાથે વંદનની મુલાકાત થઇ. આવેલા મહેમાનોમાં એક જાણીતી કંપનીના મુખ્ય હોદ્દેદારો અને ઓફિસના સભ્યો હતા. બે સ્ત્રીઓને બાદ કરતાં બાકીના બધા જ પુરુષો હતા. નોંધપાત્ર રીતે આ બંને સ્ત્રીઓમાંની એક, લગાતાર વંદનની સાથે વાત કરવા પ્રયત્નશીલ હતી જે વંદનની સાથે આવેલ એક સહકર્મચારીએ નોંધ્યું. વંદન આ બાબતથી અજાણ, બીજા કેટલાક લોકો સાથે વાત કરવામાં મશગૂલ હતો.

" હેલો, હું રોમા, તમે વંદન રાઈટ ?" અંતે જાતને રોકી ન શકતાં રોમાએ અધવચ્ચે જ જંપલાવ્યું. જે વાતનો સિલસિલો ચાલતો હતો તેને તોડીને આ કોણ આવી ચડ્યું તે અનુમાન કરતાં કરતાં વંદને પણ હાથ લંબાવ્યો, " હા, હું વંદન !”

ક્રમશઃ

Rupal vasavada