rang samgam - 5 books and stories free download online pdf in Gujarati

રંગ સંગમ - 5

રંગ સંગમ (ભાગ-૫)

રોમાના ડૂસકાં ચાલુ જ રહ્યાં. વીતેલા સમયમાં તેણે છેલ્લે ક્યારે આવો ગુસ્સો કર્યો હતો તે યાદ આવ્યું.

રાગ..તેનો ભૂતપૂર્વ પતિ એક સમયે તેનો પાગલ પ્રેમી હતો. અથાગ કોશિશ પછી રાગે રોમાને પોતાની સાથે પરણવા સહમત કરી હતી. લગ્ન પછી રાગ તેની કેટલી સંભાળ લેતો ! સવારે બ્રેકફાસ્ટ બનાવી તેને ઉઠાડતો. રાત્રે ઘરે પહોંચે ત્યારે જમવાનું તૈયાર રાખતો. ક્યારેક મજાકમાં કહેતો પણ," રોમા જોબ મારે પણ છે ને તારે પણ..થોડું કામ વહેંચીને ચાલીએ તો સારું નહીં?" પણ રોમા તેને દાદ જ ન આપતી. ઘરે હોય ત્યારે પણ કોલ્સમાં બીઝી રહેતી.

વિખવાદો ત્યારે શરુ થયા જયારે રોમાએ માતૃત્વ ધારણ કરવાની સજ્જડ ના પાડી. રાગ ઘવાયો. હવે તેને રોમા સાથે સંસાર માંડવાનો પસ્તાવો થવા લાગ્યો. રોમા સ્ત્રીસહજ કોઈ લક્ષણ ધરાવતી જ નહોતી કે શું? સ્ત્રી સ્વાતંત્ર્યનો આગ્રહી હોવા છતાં રાગ હવે રોમાની ઘરની સ્ત્રી તરીકેની બેદરકારી અને બેજવાબદારીઓથી નારાજ થઇ ગયો. હવે તે ઘરમાં ઓછું ધ્યાન આપતો. મોડી રાત સુધી બહાર રખડતો.

એક રાત્રે રોમા ઘરે પછી ફરી તો તેના જમવા માટે કોઈ વ્યવસ્થા કર્યા વગર રાગ નીકળી ગયેલો.વેરવિખેર ઘર વચ્ચે એક કવર પડેલું જોયું, કવરમાં ડાઇવોર્સ પેપર્સ હતાં. રોમાએ રાગને ફોન જોડતાં, રાગે શાંતિથી જવાબ આપ્યો હતો ," રોમા ! મને નથી લાગતું આપણે સાથે રહી શકીએ..બેટર આપણે આપણા રસ્તા જુદા રાખીએ." વધુ લાંબીટૂંકી કર્યા વગર તેણે ફોન કટ કરી નાખ્યો હતો. રોમા ખૂબ ગુસ્સે થઇ હતી. તેણે વસ્તુઓને ફેંકવી શરુ કરી, ઝટઝટ સહીઓ કરી કવરને ટેબલ પર ફેંક્યું હતું. એને તો એક સર્વન્ટની ખોટ પડી હતી.. રાગ તો ક્યારેય પતિ હતો જ નહીં..!!

આજે રોમાને સમજાયું હતું કે જયારે કોઈ તમને અખૂટ પ્રેમ કરે અને તમે એ પાત્રની લાગણીઓ પરત્વે બહેરા જ રહો ત્યારે કેવું લાગે ! રાગનો નિસ્વાર્થ પ્રેમ, ક્યારેય રોકટોક ન કરનારો રાગ... રોમાએ એક નિસાસો મૂક્યો…. કેમ પોતે એના પ્રેમને ઓળખી નહીં..? રોમાએ રાગના કોઈ શોખ, કોઈ સંબંધોનો આદર કર્યો નહોતો, ક્યારેય.. છતાં રાગ તેને પકડીને બેસી રહ્યો હતો. કદાચ એટલે જ એ આ પરિસ્થિતિમાં મુકાઈ હતી. પ્રેમ કરો પણ બદલામાં પ્રેમ જ મળે એવું કોણે કહ્યું ?

રુદન હવે વધુ ઘેરું બન્યું. છાતીમાં ન સમય તેટલો પસ્તાવો અને વંદનને ગુમાવવાના વિચારે; બંને લાગણીઓ મિશ્રિત થતાં રોમા ક્યાંય લગી રડતી જ રહી.

આ બાજુ વંદન, અંતરાના ઘરના સરનામે પહોંચવામાં હતો.
વંદનને એ સમય યાદ આવ્યો જયારે તે અંતરાને છેલ્લી વખત મળ્યો હતો. પોતે પ્રેમનો ઈઝહાર કરે તે પહેલાં જ અંતરાના લગ્ન થઇ ગયાં હતાં. ફક્ત બે મિત્રો સિવાય કોઈ જાણતું નહોતું કે તે અંતરાને ખૂબ ચાહતો હતો.
એ મિત્રોના આગ્રહથી બધાં જોડે તેને એરપોર્ટ મુકવા ગયો હતો. પતિ સાથે લંડન જતી અંતરાને પોતાની યાદગીરીમાં હંમેશને માટે તે કેદ કરી લેવા માંગતો હતો.

એ પછી તે આઘાતમાં સરી પડેલો. માતાપિતાએ તપાસ કરતાં બધી વાતનો ખ્યાલ આવ્યો હતો. પાખી નામની એક સમજદાર છોકરી તેના જીવનમાં આવી હતી. ઈશ્વરના આશીર્વાદ બાકી તે કોઈ રિહેબ સેન્ટરના શરણે ગયો હોત. પાખી સાથે તેની મુલાકાત એક એવા જ સેશન દરમિયાન થયેલી જ્યાં ડોક્ટર્સ પોતાના માનસિક રીતે પડી ભાંગેલા પેશન્ટ્સને ચકાસે, મદદ કરે. પાખી સામાજીક સેવા સાથે સંકળાયેલી હોવાથી તે પણ એ ડોક્ટરને ત્યાં અમુક માનસિક રીતે ઘવાયેલા કેસીઝ માટે આવતી જતી રહેતી.

માબાપે પાખીમાં એક તારણહાર જોયો, પાખીએ વંદનને પરણીને એક નવું જીવન બક્ષ્યું. વંદને ઉપર આકાશ તરફ જોયું. પાખી શું ગઈ, તેના જીવનમાં પણ આ ઢળતી સાંજની માફક ઘેરો રાખોડી રંગ ઘોળાયો. આજે પાખી હયાત હોત તો આ વખત આવ્યો જ ન હોત.
અંતરાનું ઘર આવી ગયું, વંદને બે ઘડી માટે મગજને થોભાવવા પ્રયત્ન કર્યો.

દરવાજે બેલ વગાડી તે ખુલવાની રાહ જોતો ઊભો રહ્યો. બારણું ખુલ્યું, સામે એક બાળકીને તેડેલી અંતરા આવકારતી નજરે ચડી. હાથપગમાં ખાલી ચડી ગઈ હોય તેમ વંદન જાતને સંભાળતો અંદર દાખલ થયો. એક સુસજ્જ બેઠકરૂમમાં અંતરાની માતા પણ વંદનને આવકારવા બેઠી હતી.
ઔપચારિક વાતો પત્યા પછી અંતરાની માં બોલી," હું અંતરાને અહીંથી લઇ જવા માટે આવી છું. તેના પતિ થોડા મહિનાઓથી અલગ રહેવા જતા રહ્યા છે. " એક નિશ્વાસ નાખીને આગળ ચલાવ્યું, " અમે શું ધારીને તેને પરણાવી હતી. અહીં બધું અલગ નીકળ્યું. "

અંતરા નીચું જોઈને બેઠી હતી. પ્રાણસમી વહાલી અંતરાને માથે શું વીત્યું હશે તે વંદન વિચારવા લાગ્યો. હવે બોલવાનો વારો અંતરાનો હતો: “ વિહાનને મારા માટે ક્યારેય સમય નહોતો. પૈસા જ મહત્વના હતા. દિવસો સુધી ઘરે ન આવતો. ઈશાના જન્મ પછી થયું કે તે ઘરમાં ટકશે, પણ એ આશા ય ઠગારી નીવડી. પાર્ટીઝમાં જવાનું, ડ્રિંક્સ લેવાનું, આખી દુનિયામાં ટુર્સ કરતી રેહવાની...એ જ એમની જિંદગી હતી..મારી ક્યાંય જગ્યા જ નહોતી. હું કઈ કહું તો મારી પણ લેતો." આંસુ ટપકવા માટે આંખને કિનારે તગતગી રહયાં હતાં.ઘરનું વાતાવરણ બોઝિલ હતું , બસ ઈશા નામની ત્રણ વર્ષની પુત્રી તેના માટે જીવાદોરી સમાન હતી. પતિથી કાયદેસર છૂટાં પડી ઇન્ડિયા પરત ફરવાની તૈયારીઓ શરુ કરાઈ હતી રાતનું ભોજન અંતરાને ત્યાં લઇ વંદન પાછો ફર્યો. અંતરાના સંસારની એક ઝલક લેવાની લ્હાયમાં, મન દુઃખી થઈને ત્યાંથી નીકળ્યું.

ડીનર પર તો ન જવાયું, રોમાએ જીદ્દમાં કશું ખાધું હશે કે નહીં એમ વિચારી વળતાં જરા રોમાના બારણે ટકોરા મારવા મન થયુ, પણ ઘણું મોડું થઇ ચૂક્યું હતું.સવારે રોમા બ્રેકફાસ્ટ માટે ન આવતાં એ તેના રૂમ પર ગયો. રોમાએ બારણું ઉઘાડ્યું, તે આખી રાત સુઈ નહોતી તેવું તેની આંખો પરથી જણાયું. વંદને આગલી રાત માટે ફરી માફી માંગતા કહ્યું," બ્રેકફાસ્ટ નથી કરવો ? લેઇટ થાય છે." હવે રોમા વિફરી, ધરબાઈ ગયેલી લાગણીઓ એકસાથે વરસી પડી, " ના..તમે મારી ચિંતા ન કરશો. હું ખાવું હશે તો ખાઈ લઈશ."

" શું થયું છે રોમા તમને !! અરે વાત એક પ્રોમિસની છે ને..હું માફી માંગી ચુક્યો છું...હવે નારાજગી છોડો..પ્લીઝ.!" વંદન ઓજપાઈ ગયો..

" કેમ છોડું..વંદન..હું કેમ છોડું...? "

રોમાનું માથું ચકરાતું હતું. " વંદન ઓલ ધીસ ટાઈમ આઈ વૉન્ટેડ ટુ બી વિથ યુ. " રોમાએ ફરી રડવાનું શરુ કર્યું."પણ મને લાગે છે કે હું મોડી પડી છું..તમારી દુનિયામાં મારું કોઈ સ્થાન નથી. .."

" રોમા...!" વંદને તેના ખભા પકડી તેને બેસાડી.

" મેં રાગને તરછોડ્યો... એ વખતે મને કોઈ જોઈતું નહોતું..મને હવે રહી રહીને એક માણસ ગમે છે..વંદન..એ તમે છો." રોમા નાના બાળકની માફક રડી પડી.." મને ક્યારેય રાગના પ્રેમનું મૂલ્ય ન સમજાયું ,અને તમે જ્યારે મળ્યા ત્યારે વહેંચાયેલા નીકળ્યા. કોણ છે જેને તમે મળવા ગયા હતા?"

ધીરે રહીને વંદને પોતાની જિંદગીના પાનાંઓ ખોલ્યાં. અંતરા વંદનના એકતરફી પ્રેમથી અજાણ છે તે જાણીને રોમાને થોડી નવાઈ લાગી." તો હવે શું કરશો ?" જવાબમાં વંદને કઈ ન કહ્યું. રોમાને મહાપ્રયત્ને રડતી અટકાવી વંદને થોડું ખાવાનું ઓર્ડર કર્યું.

તે પછીનું એક અઠવાડિયું વંદનને બાજુ પર રાખી રોમાએ કામ કર્યું. વંદનને જીતવાની જીદ અને રાગ પાસે કરવી જરૂરી તેવી હારની કબૂલાત, આ બંને વચ્ચે રોમાનું મન હાલકડોલક થયા કરતું હતું. જવાના બે દિવસ અગાઉ તે ઓફિસ પર આવી નહીં. તપાસ કરતાં ખબર પડી કે રોમા ઇન્ડિયા જવા માટે નીકળી ગઈ છે. વંદનને ખૂબ ચિંતા થઇ, અત્યારે રોમાનું ચિત્ત કોઈ દિશામાં સ્થિર નહોતું, જો રોમા કઈ કરી બેસશે તો તે શું જવાબ આપશે?

રોમાનું અંતરમન, રાગ પાસે જવા બેબાકળું બન્યું હતું. બસ, એકવાર રાગ મળી જાય તો તેના પગ પકડીને માફી માંગી લઉં. પણ રાગને શોધવો કઈ રીતે ? બીજી બાજુ વંદન તરફના આકર્ષણમાં તિરાડ પડતાં દર્દ અસહ્ય બન્યું હતું. રોમાને એકાએક યાદ આવ્યું કે રાગ ફેસબુક પર સક્રિય રહેતો. પોતાનું ફેસબુક એકાઉન્ટ તો એ ભાગ્યે જ ખોલતી. પ્લેન ટેકઓફ કરે તે પહેલાં જલ્દીથી તેણે રાગનું નામ ટાઈપ કરી સર્ચ કરવા માંડ્યું..અને શું જોયું ? રોમાની આંખો સ્ક્રીન પર સ્થિર રહી ગઈ.

(ક્રમશઃ)
Rupal Vasavada