Rajkaran ni Rani - 9 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૯

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૯

જતિને પોતાનો એક મોબાઇલ બંધ કરી દીધો હતો. તેને ખબર હતી કે અંગત પળોનો વીડિયો વાઇરલ થયા પછી તેના પર મીડિયાના સવાલોનો મારો શરૂ થઇ જવાનો હતો. તેનાથી બચવા મોબાઇલ બંધ કરીને એકાંતવાસમાં જવાનો ઉપાય જ શ્રેષ્ઠ હતો. તેણે ઇમરજન્સી કામ માટે પોતાનો બીજો મોબાઇલ ફોન ચાલુ રાખ્યો હતો. એ મોબાઇલની રીંગ વાગી એટલે ચોંકીને ખિસ્સામાંથી ફોન કાઢી જોયું તો નંબર અજાણ્યો હતો. ફોનમાં સેવ કરેલો નંબર ન હતો. પણ છેલ્લા ત્રણ આંકડા 'ટ્રીપલ ફોર' જોઇ રાહત થઇ કે રવિનાનો ફોન છે. તેણે રવિનાને પોતાનો આ નંબર આપી રાખ્યો હતો. સેવ કર્યો ન હતો. તેણે ફોન ઉપાડી "હલો..." કહ્યું એટલે રવિના તરત જ બોલી:"જતિન, કેમ છે?" જતિનને ખબર પડી ગઇ કે રવિનાને વાઇરલ વીડિયો વિશે માહિતી મળી ગઇ છે. "બસ છું..." કહી જતિન ચૂપ થઇ ગયો.

રવિનાને સમજાયું નહીં કે આગળ શું વાત કરવી. તેની અવઢવ સમજી ગયેલા જતિને જ આગળ કહ્યું:"હું હમણાં બહાર છું....કંઇ કામ હતું?"

રવિના સહેજ વિચારીને બોલી:"જતિન, મને એમ થાય છે કે આ સમય પર હું તારી સાથે હોઉં. તને સારું ફિલ થશે..."

જતિન વિચારમાં પડી ગયો. રવિનાને અહીં બોલાવવી કે નહીં? પણ રવિનાએ તરત પૂછ્યું:"જતિન, એ વિડીયો ખરેખર તારો છે? અને હોય તો સાથે કોણ છે?"

જતિનને સમજાઇ ગયું કે રવિનાએ એ વાત જાણવા ફોન કર્યો છે કે એ વિડીયોમાં તે છે કે બીજું કોઇ?

"જો રવિના, એ વિડીયોમાં હું છું કે નહીં, મારી સાથે કોણ છે? જેવા પ્રશ્નોના જવાબ અત્યારે જણાવી શકું એમ નથી. એટલું ચોક્કસ કહીશ કે એ વિડીયોમાં તું નથી...." જતિનનો જાવાબ સાંભળી રવિનાને થયું કે એના માથા પરનો મોટો ભાર ઉતરી ગયો છે. અને તે હળવીફૂલ થઇ ગઇ છે. તેની રાજકીય કારકિર્દીને વાંધો આવવાનો નથી. પક્ષમાં તેનું સ્થાન અને સન્માન જળવાઇ રહેવાનું છે. તે ધારાસભ્ય પદની ટિકિટ માટે દાવો કરી શકે એમ છે. હવે જતિન માટે એ ટિકિટ મેળવવાનું મુશ્કેલ બનશે.

જતિનનો જવાબ સાંભળી રવિના ખુશ થઇ ગઇ હતી. પોતાની એ ખુશી અવાજમાં ના છલકાય એનું ધ્યાન રાખીને બોલી:"ઓકે જતિન, મારા લાયક કામકાજ હોય તો જણાવજે. ફોન મૂકું?"

જતિને "હા" કહીને જાતે જ ફોન મૂકી દીધો.

***

જતિનના ગયા પછી સુજાતા કંઇક વિચારે એ પહેલાં જ બે પત્રકારો કેમેરામેન સાથે આવી ગયા. તેમણે જતિન વિશે પૂછ્યું. સુજાતાએ જતિન અગત્યના કામથી બહાર ગયો હોવાનો જવાબ આપ્યો. પત્રકારોએ બીજો મોબાઇલ નંબર માંગ્યો. સુજાતાએ કહી દીધું કે એ એમનો અંગત નંબર હોવાથી આપી શકે એમ નથી.

પત્રકારોએ સુજાતાનો ઇન્ટરવ્યુ લેવાની દરખાસ્ત મૂકી. સુજાતાએ ઘણી આનાકાની કરી ત્યારે પત્રકારોએ કહ્યું કે અમને એવું લાગે છે કે જતિને જો કોઇ ખરાબ કામ કર્યું હોય તો એમાં તમારી સંમતિ હશે એમ માનવું પડશે. સુજાતા જાણી ગઇ કે પત્રકારો તેને ઉશ્કેરી રહ્યા છે. તેની પાસેથી કોઇને કોઇ વાત કઢાવવા માગે છે. તેણે ઠાવકાઇથી જવાબ આપતાં કહ્યું:"મને કોઇ માહિતી નથી એટલે હું તમને કોઇ જવાબ આપી શકું એમ નથી. મૌન રહેવાનો અર્થ સામેવાળાની સંમતિ ના ગણાય. તમે કોઇ સ્ત્રી સાથે આ રીતે વાત કરી ના શકો."

એક પત્રકારે પૂછ્યું:"તમે જતિનના નામ પર જાહેર થયેલો વિડીયો જોયો છે?" સુજાતાએ "ના" કહ્યું.

"તમને તમારા પતિ પર વિશ્વાસ છે?" સામે બીજો સવાલ આવ્યો એટલે સુજાતાએ સખત સ્વરમાં કહ્યું:"જુઓ ભાઇ, આપણે કોઇ અદાલતમાં બેઠા નથી. કોઇનો ન્યાય તોલવાનો નથી. હું કોઇ હસ્તી નથી અને કોઇના અંગત જીવન વિશે પૂછવું મર્યાદા બહારનું ગણાશે. હું જે બાબતમાં જાણતી નથી એ વિશે કંઇ જ કહી શકીશ નહીં. જ્યારે મને જાણકારી મળશે ત્યારે તમને સામે ચાલીને બોલાવીશ. હું એવી સ્ત્રી નથી કે ખોટું સહન કરીને બેસી રહું..." સુજાતાની વાત પત્રકારોને યોગ્ય લાગી. તેમણે આભાર માનીને રજા લીધી.

***

ફુરસદ મળી એટલે જતિને વારંવાર વાઇરલ થયેલો વિડીયો જોયો. તેને સમજાતું ન હતું કે આવી હિંમત કોણ કરી શકે. જેણે વિડીયો પોસ્ટ કર્યો હતો તેનો નંબર બંધ આવતો હતો. પક્ષના વોટસએપ ગૃપમાં તેનો નંબર એડ થયો એનો અર્થ એ કે તે પક્ષનો સભ્ય છે અને તેનો નંબર એડ કરવા માટે ઉપર મોકલવામાં આવ્યો હતો.

જનાર્દન આવ્યો. જતિને તેને આ વાતની તપાસ કરવા કહ્યું. જનાર્દને તરત જ પક્ષના કાર્યાલય પર ફોન કરી વોટસએપ ગૃપમાં એ નંબર કોના નામથી આવ્યો તે જોવા કહ્યું. થોડી જ વારમાં જવાબ આવ્યો કે "નિખિલ" નામ છે. તેણે આધારકાર્ડ આપ્યો છે, પણ એમાં કારીગરી થઇ હોવાની શકયતા છે. જતિન સમજી ગયો કે કોઇએ ખોટો આધારકાર્ડ આપી પક્ષનો સભ્ય બની આ ષડયંત્રને અંજામ આપ્યો છે. તેને શોધવાનું શક્ય નથી.

જતિને જનાર્દનને એ મોબાઇલ નંબર ટ્રેસ કરવા કહ્યું. જનાર્દને કહ્યું કે પોલીસ સિવાય કોઇ એ કામ ના કરી શકે. જતિને શહેરના પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન લગાવ્યો. અને પોતાનો વિડીયો મૂકનાર વ્યક્તિ સામે ફરિયાદ લખવા કહ્યું. પોલીસ ઇન્સ્પેક્ટરે ના પાડી નહીં પણ સાથે એમ કહ્યું કે ફરિયાદ પછી એ વિડીયો ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. એ તમારો જ વિડીયો હશે તો બદનામી વધી જશે. અત્યારે તમારો નથી એમ કહીને જ વાતને ચાલવા દો. પોલીસ ઇન્સ્પેક્ટરે ખાનગીમાં એ મોબાઇલ નંબરની તપાસ કરીને માહિતી આપવાની ખાતરી આપી એટલે જતિને ફરિયાદ કરવાનું માંડી વાળ્યું. તે પણ પોલીસ ફરિયાદ કરીને આ વાતને લાંબી ખેંચવા માગતો ન હતો.

થોડી જ વારમાં પોલીસ ઇન્સ્પેક્ટરનો ફોન આવી ગયો કે કોઇએ ખોટું આધારકાર્ડ આપી એ મોબાઇલ નંબર લીધો હતો. તેનું લોકેશન અત્યારે શહેરના સતના તળાવનું આવે છે. જતિન સમજી ગયો કે પોતાનું કામ પતાવીને એ માણસે સીમકાર્ડને પાણીમાં પધરાવી દીધું છે. અને પોતાની આજ સુધીની મહેનત પર પાણી ફેરવી દીધું છે.

જનાર્દને સહેજ સંકોચ સાથે પૂછ્યું:"જતિન, આ સવાલ યોગ્ય છે કે નહીં એની મને ખબર નથી.... પણ મને એ કહી શકે કે આ વિડીયો કઇ જગ્યાએ ઉતારવામાં આવ્યો હશે?"

જતિન વિચાર કરતાં બોલ્યો:"જગ્યા તો બરાબર દેખાતી નથી. આસપાસની જગ્યાને એડિટ કરીને ફક્ત બે શરીર દેખાય એવો વિડીયો બનાવ્યો છે...."

જનાર્દને તરત જ જીભ કચરી:"પણ એ તો ખ્યાલ આવતો હશે ને કે કઇ સ્ત્રીનું શરીર છે?!"

જનાર્દનનો સવાલ સાંભળી જતિન ચોંકી ગયો. તેના ચહેરા પર અજબ-ગજબના ભાવ આવી ગયા. તેણે જાત પર કાબૂ મેળવ્યો અને બોલ્યો:"હું એ જ વિચારી રહ્યો છું..."

જતિન ખરેખર વિચારતો હતો કે અભિનય કરતો હતો એ જનાર્દન નક્કી કરી ના શક્યો અને તરત એક કામનું બહાનું બનાવી નીકળી ગયો.

જતિન સમજી ગયો કે જનાર્દનને ખબર છે કે મારા એકથી વધુ સ્ત્રીઓ સાથે સંબંધ છે. તે નામ કઢાવવા માગતો હતો. તે મદદ કરવાના ઇરાદાથી જ કહેતો હશે પણ અત્યારે કોઇના પર વિશ્વાસ કરી શકાય એમ ન હતો.

જતિને વિડીયો યાદ કર્યો અને મગજ કસી જોયું. તેને થયું કે આ દારૂની લત મગજની શક્તિ ઘટાડી રહી છે. આ બધી દોડધામમાં વિડીયોની જગ્યા, સાથેની સ્ત્રી અને કોણ હોય શકે આ કાવતરા પાછળ? એ વિચારવાનું જ રહી ગયું. એ વિડીયોમાં માત્ર હું હતો એટલું જ ધ્યાનથી જોયું હતું. તેને યાદ આવ્યું કે વીસ સેકન્ડનો એ વિડીયો પોતાના ઘરમાં જ લેવાયો હોય એવું લાગે છે. અને એ સ્ત્રીનું શરીર યાદ કરીને બોલી ઊઠ્યો:"ઓહ! સાથે છે એ સ્ત્રી સુજાતા નથી... ટીના છે....ડ્રાઇવર સોમેશની પત્ની...

વધુ દસમા પ્રકરણમાં...

***

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની ૩.૧૪ લાખથી વધુ ડાઉનલોડ થયેલી 'રેડલાઇટ બંગલો' અને ૨૧ કિસ્સા સાથેની રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.