dadaraav bilhore books and stories free download online pdf in Gujarati

દાદારાવ બિલહોરે


2015 ની સાલ માં એક હિન્દી મૂવી આવી હતી, નામ હતું "ધી માઉન્ટેન મેન".બિહાર પાસે ગયા ના વતની એવા એક મજૂર ની આ જીવનકથા હતી.નામ હતું દશરથમાંઝી.જેણે પોતાની વહાલી પત્ની ના મૃત્યુ થી વ્યથિત થઈ ફકત છીણી અને હથોડા ની મદદથી પહાડ ચીરી ને માર્ગ બનાવ્યો હતો.કહે છે ને, ઈચ્છે તો આ દુનિયામાં કાળા માથા નો માનવી શું ના કરી શકે?
અલબત્ત દશરથ માંઝી તો નસીબદાર કહેવાય કે એમણે કરેલા મહાકાર્ય ની નોંધ લેવાઈ ને એમની ઉપર મુવી પણ બની. બાકી આ દુનિયામાં અનેક લોકો નિષ્વાર્થભાવે લોકોની, સમાજની, માનવતાની અને દેશની સેવા રાતદિન કરે છે. આમાથી ઘણાંબધાંને કોઈ જાણતું નથી. એમના કરેલાં કાર્યોને કોઈ પ્રસિદ્ધિ મળતી નથી. અગર આપણે આપણી આસપાસ જોઈશું તો એવા અનેક લોકો કોઈ પણ પ્રકારની લાલચ વગર સેવા કરતાં હોય છે. અમુક વખતે અમુક માણસોના જીવનમાં સુખદ કે દુઃખદ કોઈ પ્રસંગ બની જતો હોય છે જે એમને સત્કાર્યો કરવા પ્રેરિત કરી દે છે.તેમનું જીવન બદલી નાંખે છે.આવા મહામાનવો એકલપંડે કોઈ ભગીરથ કાર્ય હાથ ધરે છે જેના મીઠા ફળ પાછળ થી અનેક લોકો ભોગવે છે.કોઈક વાર એમને અન્યો નો પણ સાથ સહકાર મળી રહે છે.
આજે મુંબઈના ગોરેગાંવના રહેવાશી આવાજ એક વ્યક્તિ વિષે વાત કરવી છે. એમનું નામ છે દાદારાવ બિલહોરે. દાદારાવ પોતે એક શાકભાજીની દુકાન ચલાવે છે. નાના વેપારી છે. એમણે અત્યાર સુધી વરસાદથી રસ્તા પર થતાં સેંકડો ખાડાઓ એકલા હાથે ભર્યાં છે. અને એમની આ નિશ્વાર્થ સેવા આજે પણ બેરોકટોક ચાલુ છે.

મુંબઇનો વરસાદ એટલે 'ગાંડો' વરસાદ. ધોધમાર વરસાદના કારણે રસ્તા પર ઠેર, ઠેર ખાડા જોવા મળે જેમાં પાણી ભરાયા હોવાના કારણે દેખાય પણ નહીં. વરસાદ થંભી ગયા પછી પણ ત્યાંની મ્યુનિસિપાલિટી આ ખાડાઓ ભરવામાં ખુબ બેદરકારી દાખવે છે. વિલંબ કરે છે

વાત ૨૦૧૫ની છે. દાદારાવ નો ૧૬ વરસનો યુવાન દીકરો પ્રકાશ દશમીમાં પાસ થયો હતો. મોટાભાઈ સાથે કોલેજમાં પ્રવેશ લેવા માટે ગયો હતો. બંને ભાઈ પાછા ફરી રહ્યા હતા ત્યારે જોગેશ્વરી-વિખરોલી લિંક રોડ પર એક મોટા ખાડામાં એમની મોટરસાઇકલ નું પૈડું પડયું. વરસાદનું પાણી ભરાયેલું હોવાના કારણે ખાડો દેખાયો નહીં. આ અકસ્માતમાં રોડ પર પટકાવા ને લીધે પ્રકાશનું મૃત્યુ થયું.
દાદારાવની જગ્યાએ કોઈ બીજો હોત તો દીકરો ગુમાવ્યાનો શોક મનાવી રહયા હોત. પણ દાદારાવ એ એજ સમયે નક્કી કરી લીધું કે એમણે ભલે એમનો દીકરો ગુમાવ્યો પણ એ બીજા લોકોના જીવ બચાવશે. એમણે રસ્તાના ખાડા ભરવાનું કાર્ય સ્વૈચ્છિક રીતે શરુ કર્યું. જ્યાં બિલ્ડીંગો બંધાતી ત્યાં પડેલાં ઇંટના ટુકડા, રેતી વિગેરે પોતાની વેનમાં લાવી એમણે આ કાર્ય ની શરૂઆત એમની દુકાનની સામે પડેલા ખાડાને ભરવાથી કરી. અત્યાર સુધીમાં દાદારાવ એ સેંકડો ખાડા પોતે ભર્યાં છે. લગભગ 556 ખાડા એકલપંડે ભર્યા છે.
મુંબઈના એક લોકલ સમાચારપત્રને એમણે જણાવેલું કે ખાડા સમારવાનું કામ મ્યુનિસિપાલિટીનું છે. પણ એ દરેક જગ્યાએ સમયસર પહોંચી ના શકે. એક જવાબદાર અને જાગરૂક નાગરિક તરીકે આપણી પણ ફરજ છે. હું આ કામ કોઈ ઈનામની લાલચ કે શાબાશી મેળવવા નથી કરતો. પણ કોઈ બીજો પ્રકાશ ના મારી જાય એ ભાવનાથી આ કામ કરું છું.એમનું કહેવું છે કે ભારત ખૂબ વિશાળ દેશ છે,વસ્તી પણ ખૂબ વધારે છે જો ભારત ના ફકત એકલાખ લોકો એમની સાથે જોડાઈ જાય તો સમગ્ર ભારત ના માર્ગો ખાડા વગર ના થઇ જાય.એક રસ પડે એવી વાત કહું મુંબઇ માં દાદારાવ જે ખાડા પુરે છે એ લાંબા સમય સુધી અકબંધ રહે છે. ફરી ખોદાઈ જતા નથી. પણ B.M.C. જે ખાડા પુરે છે એ ખાડા બીજા વરસાદ માં ફરી ખોદાઈ જાય છે. કેમકે ફકત ડામર પાથરી દેવાય છે.આપણું સરકારી તંત્ર કયારે જવાબદાર ને ઈમાનદાર બનશે.ખુદા જાણે!!!
દાદારાવ બિલહોરે ના આ કાર્ય અને વિચારોથી પ્રેરણા મેળવી અનેક લોકો હવે આ કામ કરી રહ્યા છે જેમાં ફિલ્મી એક્ટર વિક્કી કૌશલ પણ છે.વેરી વેરી સ્પેશ્યલ વી વી એસ લક્ષમણે પણ નીચે મુજબ ની ટીવીટ કરી દાદારાવ ના કાર્ય ની નોંધ લીધી છે.
Dadarao Bilhore has been filling potholes in Mumbai ever since he lost his 16 yr old son to an accident caused by a pothole. Even as the grief was tearing him apart, armed with broken paver blocks, gravel, stones & shovel,he started filling every pothole he witnessed. No words 🙏
દાદારાવને આજ સુધી અનેક સામાજિક સંસ્થાઓએ સન્માનિત કર્યા છે. આજે પણ એમનું કાર્ય ચોમાસામાં અને ત્યાર બાદ પણ તેઓ ચાલુજ રાખે છે.દાદારાવ બિલહોરે ને લાખો સલામ.