raat akeli hai books and stories free download online pdf in Gujarati

રાત અકેલી હૈ

રાત અકેલી હૈ

-રાકેશ ઠક્કર

નવાઝુદ્દીનની 'રાત અકેલી હૈ' કોરોના કાળમાં નેટફ્લિક્સ પર આવેલી કદાચ સૌથી રસપ્રદ ફિલ્મ છે. જે પહેલેથી છેલ્લે સુધી બરાબર જકડી રાખે છે. અને સંપૂર્ણ મનોરંજન પૂરું પાડે છે. શરૂઆતમાં જ ઠાકુરની હત્યા થાય છે એના કારણે આ મર્ડર મિસ્ટ્રી વધુ રોચક બની છે. શંકાના દાયરામાં પરિવારના ઘણા સભ્યો છે અને કોઇપણ ઠાકુરને પ્રેમ કરતું ન હોવાથી દરેક જણ ખૂની લાગે છે એ વાત પહેલી વખત નિર્દેશન કરતા હની ત્રેહનની સફળતા છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ ફરી સાબિત કરી દીધું છે કે તે આખી ફિલ્મને પોતાના ખભા પર ઊંચકી શકે છે. તે પોલીસના યુનિફોર્મમાં ફુલફોર્મમાં છે. અગાઉ 'કહાની' માં ઇન્સ્પેક્ટર ખાન બની ચૂકેલા નવાઝુદ્દીને પોલીસની વર્દીમાં દમદાર અભિનયથી રંગ જમાવ્યો છે. એમ કહી શકાય કે પોલીસની વર્દીએ નવાઝુદ્દીનના અભિનયને આગળના સ્તર પર પહોંચાડી દીધો છે. છેલ્લી કેટલીક ફિલ્મો મોતીચૂર ચકનાચૂર, ઘૂમકેતુ વગેરેથી નિરાશ થયેલા તેના ચાહકો માટે આ ફિલ્મ ખાસ જોવા જેવી છે. રાધિકા આપ્ટેએ પોતાના શક્તિશાળી અભિનયથી હંમેશની જેમ આ ફિલ્મમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. તેનું પાત્ર સસ્પેન્સની ફ્લેવર નાખવાનું કામ કરે છે. નિર્દેશક હની ત્રેહને કોઇ હોલિવુડ ફિલ્મની વાર્તાની ઉઠાંતરી કરવાને બદલે દેશી મિસ્ટ્રી-થ્રિલર બનાવી છે. અને તે હોલિવુડની કોઇ જોરદાર સસ્પેન્સ ફિલ્મ જેવો જ આનંદ આપે છે. વાર્તા એવી છે કે વૃધ્ધ ઠાકુર રઘુવેન્દ્ર સિંહે એક યુવાન છોકરી રાધા સાથે લગ્ન કર્યા છે. અને એમના જ કમરામાં ઠાકુર મૃત મળી આવે છે. તેમની હત્યા થઇ ગઇ હોય છે. ગોળી મારીને તેમના ચહેરાને છૂંદી નાખવામાં આવ્યો હોય છે. પાંચ વર્ષ પહેલાં કારમાં પાછા ફરતા તેમની પત્ની અને ડ્રાઇવરની પણ હત્યા થઇ ગઇ હતી. ઠાકુરના પરિવારમાં સાત-આઠ સભ્ય છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે હત્યા કોણે અને કેમ કરી? હનીનું નિર્દેશન એટલું ચાલાકીભર્યું છે કે દરેક જણ ઉપર શંકા જાય છે. આ કેસની તપાસ વિચિત્ર પણ પ્રામાણિક ઇન્સ્પેકટર જટિલ યાદવના હાથમાં આવે છે. એ પછી એમાં રાજકારણ સંકળાય છે. હત્યાની તપાસમાં ઇન્સ્પેક્ટરના બધાં સાથેના સવાલ-જવાબ મજેદાર છે. તો નવાઝુદ્દીન અને ઇલા અરુણની નોંકઝોક ગંભીરતામાં થોડી રાહત આપી જાય છે. ઇન્સ્પેક્ટર પોતાના કામ પ્રત્યે ગંભીર છે. ખૂનીનું નામ અને તેણે કરેલા ખૂનનું કારણ જાણવા કેસની જડ સુધી પહોંચે છે. નિર્દેશકે ફિલ્મનો લુક વાસ્તવિક રાખ્યો છે. અને વિશ્વાસ કરી શકાય એવી વાર્તા આપી છે. ફિલ્મને જોવા માટેનું સૌથી મોટું કારણ તેનું સસ્પેન્સ છે. આ ઝોરનરની ફિલ્મ માટે એ પર્યાપ્ત છે. એક વખત ફિલ્મ જોવાની શરૂ કર્યા પછી તેનો અંત જાણ્યા વગર ચેન આવશે નહીં. ફિલ્મમાં એટલા ડૂબી જવાશે કે મોબાઇલમાં મેસેજ જોવાની પણ ઇચ્છા નહીં થાય. રહસ્ય ખૂલે છે ત્યારે એ ચોંકાવનારું અને મજેદાર હોય છે. ફિલ્મનો ક્લાઇમેક્સ 'સોને પે સુહાગા' જેવો છે. ફિલ્મનું જમા પાસું કલાકારોનો દમદાર અભિનય છે. નવાઝુદ્દીન અને રાધિકાની જેમ જ અન્ય કલાકારો તિગ્માંશુ ધૂલિયા, આદિત્ય શ્રીવાસ્તવ, ઇલા અરુણ, શ્વેતા ત્રિપાઠી વગેરે પોતાના અભિનયથી પ્રભાવિત કરે છે. કોઇએ ઓવર એક્ટિંગ કરી ન હોવાથી રહસ્ય જળવાયેલું રહે છે. ફિલ્મનું સ્નેહા ખનવલકરનું સંગીત એટલું જ દમદાર છે અને તે રહસ્યને ઘૂંટવાનું કામ કરે છે. ફિલ્મની ખામીની વાત કરીએ તો ક્યારેક ગતિ ધીમી પડી જાય છે અને નિર્દેશક નેગેટિવ પાત્રોનો યોગ્ય ઉપયોગ કરી શક્યા નથી. એ કારણે એને પાંચમાંથી માત્ર અડધો સ્ટાર ઓછો આપી શકાય. બાકી ફિલ્મ એકદમ પરફેકટ છે. આપણા મગજની પરીક્ષા લેતી આ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ 'રાત અકેલી હૈ' નો શ્રેષ્ઠ આનંદ મેળવવો હોય તો શાંત અને અંધારાવાળા વાતાવરણમાં જોવી જોઇએ.