prem chhe ke aakarshan books and stories free download online pdf in Gujarati

પ્રેમ છે કે આકર્ષણ

કોઈ પણ જાતની વાતચીત વગર કે કોઈ શર્ત વગર શું પ્રેમ થઈ શકે?
જવાબ શોધવા મેં ઘણી કોશિશ કરી પણ મને તેનો જવાબ ૫ વર્ષ પછી પણ ના મળ્યો.
મેં તેની સાથે કદી પણ વાત નહોતી કરી કે નહોતો તેને કદી મળ્યો તેમ છતાં તે મારી જીંદગીમાં આવેલી તે છોકરી હતી જેના પ્રત્યે મને સૌથી વધુ આકર્ષક હતુ.
હજુ જ્યારે વિચાર કરૂ છું ત્યારે ખ્યાલ નથી રહેતો કે તે માત્ર આકર્ષણ હતું કે પછી પ્રેમ ?
તેના આવ્યા પહેલા કે તેના આવ્યા પછી આ દિલને કોઈની પ્રત્યે એટલું બધું આકર્ષણ નથી થયું.
શું આજના સમયમાં આકર્ષણ જ પ્રેમ છે?
સોરી..હું તમને મારું નામ બતાવતા ભુલી ગયો.
મારું નામ રીધમ વ્યાસ. તે સમયે તો હુ સ્કૂલમાં ભણતો હતો. જે છોકરી ની હું વાત કરું છું તેનુ નામ મૈત્રી હતું.
મૈત્રી પોતાના નામની જેમ તેની આસપાસ સખીઓનુ ટોળું ભેગું કરીને ફરતી.
જ્યારે પહેલી વખત તેના ચહેરાની સ્માઈલ જોઈ ત્યારથી જ તેના પ્રત્યે મને આકર્ષણ થયું હતું.
વાત કરવાની ધણી વખત કોશિશ કરી હતી પરંતુ હું તે સમયે એટલો બધો શરમાળ સ્વભાવનો હતો કે તેની નજીક જતાં પહેલા મને પરસેવો છૂટી જતો અને હુ તેની સાથે વાત જ ના કરી શકતો.
સ્કૂલમાં બે વર્ષ સુધી સાથે અભ્યાસ કર્યો ત્યાં સુધી મેં કદી તેની સાથે વાત પણ ના કરી.
કોલેજમાં ગયો એટલે થોડી શરમ ઓછી થઇ.
હું તેને તેની કોલેજમાં મળવા ગયો. તે બ્લૂ કલર નું સ્કુટીપેપ રાખતી.
તે ગાડી પર બેસી ઘર નીકળી રહી હતી ત્યારે જ મેં મોબાઇલ નંબર લખેલી ચિઠ્ઠી તેના હાથમાં આપવાની કોશિશ કરી પણ તે તો ડરતી હોય તેમ ધ્રુજી ઉઠી જાણે હું કોઈ ચોર હોય અને તેની પાસે પૈસા માંગતો હોય.
આજુબાજુ અમુક સ્ટુડન્ટની નજર મારા તરફ ગઈ. તે હસવા લાગ્યા.
મારી અંદર રહેલા પેલો શરમાળ સ્વભાવે ફરીથી જન્મ લીધો અને હું પાછો આવી ગયો.
હું મારી જાત પ્રત્યે ગુસ્સો કરવા લાગ્યો.
મારૂ મન મને પ્રશ્ન કરતું હતું.
પહેલો પ્રશ્ન શું જરૂર હતી તારે ત્યાં જવાની?
બીજો પ્રશ્ન જ્યારે સ્કૂલમાં સાથે ભણતી હતી ત્યારે તો કદી વાત ના કરી હવે પાછળથી શું ફાયદો ?
ત્રીજો પ્રશ્ન જો કોઈએ તને માર્યો હોત તો ?
ચોથો પ્રશ્ન શું ખરેખર તુ તેને પ્રેમ કરે છે?
પાંચમો પ્રશ્ન આ પ્રેમ છે કે પછી માત્ર આકર્ષણ ?
છઠ્ઠો પ્રશ્ન એક સમય માટે માની લઈએ કે તે આકર્ષણ નથી પણ પ્રેમ છે તો શું સામે તે પણ તને એટલો જ પ્રેમ કરે છે ?
સાતમો પ્રશ્ન આકર્ષણની વાત છોડ એ કહે શું તે ખરેખર તને ઓળખે છે ?
મારા મનમાં ઉઠતા આવા કેટલાય વિચારો મને હેરાન કરતા હતા. છેલ્લે છેલ્લે હું એક વિચાર પર આવીને સ્થિર થયો.

શું તે ખરેખર મને ઓળખે છે ?

આ વિચાર ઉપર આગળ વધતા મેં તેની કોલેજમાં અભ્યાસ કરતી ઝરણાંનો સંપર્ક કર્યો.
હું અને ઝરણાં સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણતા હતા. તે મારી ફેસબુક ફ્રેન્ડ પણ હતી.
ફેસબૂક દ્વારા મેં ઝરણાંનો સંપર્ક કર્યો અને મૈત્રી વિશે બધી વાત જણાવી.
તેમણે મને મદદ કરવાની ખાતરી આપી.
ઝરણાએ મૈત્રીને મારા વિશે વાત કરી ત્યારે તેમણે મને ઓળખવાની પણ ના પાડી દીધી.
મને આ જાણીને આશ્ચર્ય થયું કે કોઈ છોકરી પાંચ વર્ષથી તમારી સાથે ભણતી હોય અને તે તમને ઓળખતી પણ ના હોય.
મને આ વાત માનવામાં નહોતી આવતી.
ઝરણાએ મદદ કરતી વખતે મારી પાસે પ્રોમિસ માગ્યું હતું કે જો તે ઓળખવાની કે ફ્રેન્ડ બનવાની ના પાડે તો તું તેને ભુલી જશે તો જ હુ તારી મદદ કરીશ.
મેં તેને પ્રોમિસ આપ્યું.
મને માનવામાં નહોતું આવતું તેમ છતાં તેને ભુલવાની મેં બનતી કોશિશ કરી.
મારા મનમાં ફરી એક વિચાર આવ્યો કે શું આ પ્રેમ છે કે પછી આકર્ષણ ?
મને લાગ્યું કે આ માત્ર આકર્ષણ જ છે. તેના બીજે ક્યાંય લગ્ન પણ થઈ ગયા અને મુંબઈ ચાલી ગઈ. હુ તેને હંમેશા માટે ભુલી ગયો.
શું ફાયદો જ્યારે કોઈ તમને ઓળખતું પણ ના હોય અને તમે તેની પાછળ તમારું બધું ન્યોછાવર કરી દો?
શુ ફાયદો જ્યારે તમે કોઈ વ્યક્તિને અનહદ પ્રેમ કરતા હોય અને તે વ્યક્તિને તમારા પ્રેમની કદર જ ના હોય?
આજના સમયમાં ન્યુઝ પેપરમાં વાંચું છુ કે એકતરફી પ્રેમમાં યુવાને આત્મહત્યા કરી લીધી. છોકરીએ ના પાડતા પ્રેમીએ હુમલો કર્યો.. આવા ઘણા કિસ્સાઓ પેપરમાં આવે છે.
પરંતુ જ્યારે સમાજના યુવાનો ઉપર કહેલુ વિચારતા થઈ જાય ત્યારે કોઈ એકતરફી પ્રેમમાં પાગલ નહીં થાય.
મને નથી ખબર આજના છોકરાઓ માટે કે છોકરીઓ માટે પ્રેમની વ્યાખ્યા શું છે પરંતુ એ રસ્તે આગળ વધતા પહેલા એક વાતનો જરૂર વિચાર કરજો શુ ખરેખર આ પ્રેમ છે કે પછી માત્ર આકર્ષણ