sundari chapter 15 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૧૫

પંદર

સુંદરી આટલું બોલવાની સાથે પોતાના ઘર તરફ વળી. તે ભીંજાવા લાગી હતી અને તેણે દોડીને પોતાના ઘરનો ઝાંપો બંધ કર્યો અને ઘર તરફ દોડી. ઓટલા પર પહોંચીને તેણે ફરીથી વરુણ તરફ જોયું અને તેને હાથ હલાવીને આવજો કર્યું. વરુણ માટે આજે એક પછી એક તેના તરફ ફેંકાયેલા પ્રેમના બાણ ઝીલવાનો દિવસ હતો. વરુણે પણ સામે હાથ હલાવીને સુંદરીને આવજો કર્યું. સુંદરીએ તેની હથેળી આગળ પાછળ કરીને વરુણને હવે વિદાય લેવાનો ઈશારો કર્યો. વરુણે પોતાનું ડોકું હલાવ્યું અને હેલ્મેટ પહેરી અને સુંદરીએ પહેરેલું જમ્પર પોતે ઓઢ્યું. અને તેને લાગ્યું કે જાણેકે તેને તેની પ્રિયતમાએ પોતાના આલિંગનમાં લઇ લીધો છે. વરુણને હવે એ સ્પષ્ટ થઇ ગયું કે તેને સુંદરી પ્રત્યે માત્ર આકર્ષણ જ નથી પરંતુ પ્રેમ છે. તેણે નક્કી કર્યું કે તે આ વાત હવે બહુ જલ્દીથી સોનલબા અને તેમના પિતા કિશનરાજ જાડેજા સાથે શેર કરશે.

વરુણે આ જ અવસ્થામાં પોતાના બાઈકને કિક મારી અને છેલ્લી વખત સુંદરીના ઘર તરફ જોયું તો સુંદરી અંદર જઈ ચૂકી હતી અને બંગલાનો મુખ્ય દરવાજો બંધ થઇ ગયો હતો. વરુણે સ્મિત કર્યું અને બાઈક મારી મૂકી.

==::==

“કોણ હતો એ?” સુંદરીના ઘરમાં આવતાની સાથેજ તેના પિતા પ્રમોદરાયે તેનું સ્વાગત કર્યું.

પ્રમોદરાય એક જમાનામાં અમદાવાદની એક પ્રખ્યાત આર્ટ્સ કોલેજમાં પ્રિન્સીપાલ હતા અને કડક પ્રિન્સીપાલ તરીકે તેમની છાપ આખા અમદાવાદમાં પ્રખ્યાત હતી. પરંતુ પ્રમોદરાયનો આ સ્વભાવ તેમની કોલેજ પૂરતો મર્યાદિત ન હતો તેમણે પોતાના ઘરમાં પણ કડકાઈ જાળવી રાખી હતી. સુંદરીના માતા મંદાકિનીબેને લગભગ સત્તર વર્ષ મૂંગા મોઢે પ્રમોદરાયનો ગુસ્સો સહન કર્યો પરંતુ તેના કારણે તેમની તબિયત પર અવળી અસર પડતાં તેઓ બાર વર્ષની સુંદરી અને પંદર વર્ષના શ્યામલને પ્રમોદરાયના કડક શાસન હેઠળ એકલા મૂકીને સ્વર્ગે સીધાવી ગયા.

સુંદરી જેટલી સૌમ્ય અને શાંત શ્યામલ એટલોજ ગુસ્સાવાળો અને બળવાખોર. બાળપણમાં તો પ્રમોદરાયનો કડપ સુંદરી અને શ્યામલ બંને પર સરખો રહ્યો પરંતુ જેમ જેમ બંને બાળકો મોટા થતા ગયા તેમ તેમ સુંદરી વધુને વધુ શાંત અને એકાકી થતી ગઈ અને શ્યામલ વધુને વધુ ઉદ્દંડ બનતો ગયો. સુંદરી ઘરની બહાર જરૂર પુરતું જ બોલતી પણ ઘરમાં એકદમ શાંત અને મૂંગી.

જ્યારે શ્યામલ યુવાની પગ મુકવાની સાથેજ બોલકો અને પ્રમોદરાયના શાસન સામે વિરોધ નોંધાવતો થઇ ગયો. કમાવાની ઉંમરે પણ ઘરે બેસતો હોવાના પિતાના ટોણા વધતા ગયા એમ એમ શ્યામલનો ગુસ્સો વધતો ચાલ્યો અને એક રાત્રે કોઈને પણ કીધા વગર ઘર છોડીને ચાલ્યો ગયો. આજે એ વાતને લગભગ પાંચ વર્ષ વીતી ગયા હશે. પ્રમોદરાયે પણ પોતાના અહંકારને નીચો પડવા ન દીધો અને શ્યામલને શોધવાનો પ્રયાસ પણ ન કર્યો. પરંતુ સુંદરીને પિતાના ગુસ્સાથી બચાવનાર ટેકો જરૂર જતો રહ્યો.

શ્યામલના જવા બાદ અને ખાસકરીને પ્રમોદરાયના નિવૃત્ત થયા બાદ તેમનો સઘળો ગુસ્સો અને શિસ્ત પાલનના તેમના તમામ આદેશો સુંદરી પર જ ઉતરતા. સુંદરીએ પણ પોતાનું નસીબ સમજીને તેને સ્વીકારી લીધું હતું. નામ પ્રમાણે ગુણ હોવા છતાં તેને પોતાના પ્રત્યે કોઈજ અહોભાવ ન હતો. તે એકદમ સરળ રહેતી, ન તો તેને નવાં નવાં કપડાંનો કોઈ શોખ હતો કે ન તો સારા દેખાવાનો. હા તેને શોખ હતો તો તે હતો ડાયરી લખવાનો જે તેણે પોતાની માતાની વિદાય બાદ લખવાની શરુ કરી હતી. તે દરેક રાત્રે સુતા પહેલા ડાયરીને પોતાના મનની બધીજ વાતો લખીને કહી દેતી. આ ડાયરી પણ તે ડરી ડરીને જ લખતી અને દરરોજ લખ્યા બાદ કબાટના એવા ખાનામાં સંતાડી દેતી કે ભૂલથી પણ પ્રમોદરાયના હાથમાં ન આવે. સુંદરીએ આ રીતે લગભગ ચઉદ વર્ષમાં ચઉદ ડાયરીઓ લખી હતી.

“મારો સ્ટુડન્ટ હતો પપ્પા.” સુંદરીએ કાયમની જેમ પ્રમોદરાયને અત્યંત ધીમા અવાજમાં જવાબ આપ્યો.

“એટલે હવે વિદ્યાર્થીઓ પ્રોફેસર્સને ઘરે આવવા લાગ્યા!” પ્રમોદરાયે પણ ઊંચા અવાજમાં બોલવાનું ચાલુ રાખ્યું.

“ના, આ તો વરસાદ હતોને...” સુંદરી આગળ ન બોલી શકી, એ ધ્રુજી રહી હતી.

“વરસાદ હતો એટલે વિદ્યાર્થીની પાછળ બેસીને આવવાનું? બે ઘડી રાહ ન જોવાય?” પ્રમોદરાયની પૂછપરછ ચાલુ રહી.

“મેં અડધો કલાક રાહ જોઈ પણ વરસાદ બંધ ન થયો અને રસોઈ પણ બનાવવાની હતી એટલે...” સુંદરી જમીન તરફ નજર નાખીને બોલી.

“દરેક સવાલના આપણી પાસે જવાબ હોય જ એમને! ઠીક છે ઠીક છે. કપડાં બદલીને હવે રસોઈ બનાવ, ખબર નહીં આજે સમયસર જમવાનું મળશે કે નહીં? ડિસીપ્લીન જેવી કોઈ ચીજ જ નથી આ જનરેશનમાં.” પ્રમોદરાયે છણકો કર્યો અને પોતાનો કક્કો ખરો કર્યો અને ટેબલ પડેલું છાપું લઈને વરંડા તરફ પગ પછાડતાં ચાલવા લાગ્યા.

સુંદરી એમને ધ્રુજતા શરીરે જોતી રહી, તેને ખબર નહોતી પડી રહી કે આ ધ્રુજારી તેને પ્રમોદરાયના ડરથી થઇ રહી છે કે પછી પોતાના વિદ્યાર્થી વરુણના બાઈકમાંથી ઉતરીને ઘરના ઓટલા સુધી પહોંચતા તે ભીની થઇ ગઈ હતી તેને કારણે લાગી રહેલી ઠંડીને લીધે.

==::==

“શું છે? બસ ન મળી બકા?” સુંદરીને તેને ઘરે મુકીને વરુણે પોતાની બાઈક ફરીથી કોલેજ તરફ વાળી. અમસ્તીય કોલેજ અહીંથી દૂર ન હતી અને તેને વિશ્વાસ હતો કે આવા વરસાદમાં કૃણાલને બસ નહીં જ મળી હોય. આથી બસ સ્ટેન્ડ પર રેઈનકોટમાં ભીંજાયેલા કૃણાલ પાસે બાઈક થોભાવીને વરુણે હેલ્મેટ કાઢીને પોતાનું ચિતપરિચિત તોફાની સ્મિત કરતાં તેને પૂછ્યું.

“ના મળી હતીને, પણ મેં જવા દીધી કારણકે મને ખબર હતી કે મે’મને ઘરે મુકીને તું મને લેવા પાછો આવીશ.” કૃણાલે ગુસ્સો કર્યો.

કૃણાલનો ગુસ્સો તદ્દન વ્યાજબી હતો. વરુણે ખબર નહીં અચાનક જ તેની સાથે આગોતરી ચર્ચા કર્યા વગર જ સુંદરીને મુકવા તેમને ઘરે જતો રહ્યો હતો. જો વરુણે તેને એક વખત પૂછ્યું હોત તો પણ તે હા પાડી દેત, પણ વરુણે એવું કશું જ ન કર્યું અને તેણે જાતેજ સુંદરીને ઘરે મુકવા જવાનો નિર્ણય લઇ લીધો. કૃણાલને લાગ્યું કે ક્યાંક વરુણ ફરીથી સુંદરીને પ્રેમ કરવાના રવાડે તો નથી ચડી ગયો? જો એમ હોય તો તેણે ફરીથી વરુણને સમજાવવો પડશે.

“ચલ ચલ હવે, બહુ સારું, બેસ!” વરુણે પણ ખોટો ગુસ્સો કરતા કૃણાલને કહ્યું.

કૃણાલ મોઢું બગાડીને વરુણની પાછળ બેઠો અને બંને પોતાના ઘર તરફ નીકળી ગયા.

==::==

પ્રિય ડાયરી,

આજે એક અજીબ ઘટના બની. આ ઘટના અચાનક જ ન બની. જાણેકે સવારથી જ આ ઘટના બનશે એવા એંધાણ મને મળવા લાગ્યા હતા પણ હું સમજી શકી નહીં.

પહેલા તો સવારે કોલેજ જવા નીકળી ત્યારે ઝરમર વરસાદ પડતો હતો, પણ તેમ છતાં મેં હોન્ડા પર જવાનું નક્કી કર્યું. હોન્ડા પાસે પહોંચી તો જોયું તો પાછલા વ્હીલમાં પંચર પડી ગયું હતું. પપ્પાને વાત કરી તો એ ખીજાયા, જાણેકે મેં પંચર ન પાડ્યું હોય? પછી મેઈન રોડ પર આવી થોડું ચાલી ત્યારે માંડ માંડ રિક્ષા મળી, કોઈ રિક્ષાવાળો આવવા માટે તૈયાર જ ન હતો?

ત્યારે એવું જરાય નહોતું લાગતું કે આ વરસાદ અચાનક જ ઝડપથી પડવા લાગશે. કોલેજમાં લેક્ચર વખતે પણ મારું ધ્યાન વારેવારે બારીની બહાર જતું હતું. વરસાદ તો બસ વધતો જ જતો હતો. કોલેજ છૂટવાના સમયે જ્યારે બહાર જવાના દરવાજે આવીને જોયું તો ત્યારે તો જબરદસ્ત વરસાદ પડતો હતો. યુનિવર્સીટી રોડથી તો કોલેજ ઘણી અંદર છે એટલે રિક્ષા માટે છેક રોડ સુધી પહોંચું ત્યાં સુધીમાં તો ખૂબ પલળી જાઉં એવી સ્થિતિ હતી.

મને નજર સામે પપ્પાનો ગુસ્સાવાળો ચહેરો સતત દેખાઈ રહ્યો હતો. હું પલળતી પલળતી મોડી પહોંચું તો પણ ભીની હાલતમાં જોઇને સંસ્કારની દુહાઈ આપીને મારા પર ગુસ્સો કરત અને વરસાદ બંધ પડવાની રાહ જોત તો પણ જમવાનું ન મળવાને લીધે ગુસ્સે થાત. ટૂંકમાં મારે એમનો ગુસ્સો તો સહન કરવાનો જ હતો.

પણ ત્યાંજ મારો એફ.વાયનો સ્ટુડન્ટ વરુણ આવ્યો અને એણે મને એની બાઈક પર મને લઇ જવાની ઓફર કરી. આ વરુણ આમ બહુ તોફાની લાગે છે. મેં એને બે-ત્રણ વખત સ્ટાફ રૂમમાંથી બહાર ગાર્ડનમાં પોતાના ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતા જોયો છે અને જયરાજ સર પણ મને ઘણીવાર એના વિષે ચેતવણી આપી ચૂક્યા છે. એનીવેઝ, જ્યારે તેણે મને પોતાના બાઈક પર લઇ જવાની ઓફર કરી ત્યારે તે ખૂબ જવાબદાર વ્યક્તિ હોય એવું લાગતું હતું અને મારે પણ જલ્દીથી ઘરે પહોંચવું હતું એટલે મેં પણ ના ન પાડી.

કારણકે હું એ રીતે ભલે થોડી મોડી પણ રસોઈ બનાવવાના સમયે તો ઘરે પહોંચી જ જાત. વરુણે હું ભીંજાઈ ન જાઉં એટલે પોતાના રેઈનકોટનું જમ્પર પણ મને આપી દીધું, આજકાલના છોકરાઓમાં આ બધું જોવા નથી મળતું એટલે મને ખૂબ નવાઈ લાગી. એ મને છેક ઘરના ઝાંપા સુધી મૂકી ગયો. મને ખૂબ ગમ્યું. મને ખબર હતી કે એ ના જ પાડશે એટલે જ મેં એને કોફીની ઓફર કરી, પણ જો હા પાડી હોત તો પપ્પા...

વરુણ મારાથી નહીં નહીં તો પણ સાત-આઠ વર્ષ નાનો હશે પણ મને ખૂબ જવાબદાર લાગ્યો. અત્યારસુધી એ મારી સામે આવતો તો ખબર નહીં પણ કેમ દૂર જતો રહેતો. લેક્ચરમાં પણ શરૂઆતના એક-બે દિવસ સીવાય મારી આંખમાં આંખ નાખીને નથી જોતો. જ્યારે એણે મને ઘેર મુકવાની ઓફર કરી ત્યારે પણ એની આંખો નીચી જ હતી. કદાચ આજની એની હેલ્પ પછી એ નહીં શરમાય. વરુણની મદદ માટે એને ખૂબ ખૂબ થેન્કયુ!

પણ પપ્પા તો પપ્પા જ રહેવાના? મને વરુણ આવા વરસાદમાં છેક ઘરે મૂકી ગયો એ જોઇને રાહત થવાને બદલે વધુ ગુસ્સો આવ્યો. હવે કોઈ સ્ટુડન્ટ પોતાના પ્રોફેસરની મદદ કરે તો એમાં શું ખોટું છે? પણ પપ્પાએ એ ગુસ્સો તેમને જમવાનું મોડું મળશે એવું બહાનું બતાવીને મારા પર ઉતાર્યો.

બસ મારી ડાયરી એક બીજો દિવસ આમ જ પસાર થઇ ગયો જેમાં પપ્પાએ ફરીથી મારા પર ગુસ્સો કર્યો હોય.

હવે કાલે ફરીથી મળીએ...

==::==

“બેનબા, કાલે આપણે ચોથા પાંચમાં લેક્ચરમાં રોઝ ગાર્ડન મળીએ? જરૂરી કામ છે.” સોનલબાએ વરુણનો કોલ રીસીવ કર્યો કે “હાઈ” “હેલ્લો” કહ્યા વગર જ વરુણે મુદ્દાની વાત કરી દીધી.

“પણ મારે લેક્ચર છે.” સોનલબાએ પોતાની સમસ્યા જણાવી.

“ભાઈલા માટે આટલું નહીં કરો બેનબા?” વરુણે ઈમોશનલ ગુગલી ફેંકી.

“તું ઠીક તો છે ને? કશું એવું હોય તો મને અત્યારેજ કહી દે.” સોનલબાનો અવાજ ચિંતાતુર હતો.

“ના, ના બેનબા, હું તો હવે ઠીક થયો છું અને એટલે તમને મળવું છે.” વરુણે હસીને જવાબ આપ્યો.

“તો ઠીક છે કાલે મળીએ.” સોનલબાએ કહ્યું.

“ઓક્કે, ડન!” કહીને વરુણે કોલ કટ કરી દીધો.

==:: પ્રકરણ ૧૫ સમાપ્ત ::==