Darek khetrama safdata - 28 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 28

ભાગ 28
પ્રકરણ 13
પોતાના વિચારોને પોઝિટીવ રાખતા શીખો




વ્યક્તીના વિચારોની તેના જીવન પર ખુબજ ઉંડી અસર થતી હોય છે. તે જેવુ વિચારતો હોય છે તેવોજ તે બની જતો હોય છે. વિચારોના આવા પ્રકાર દ્વારા વ્યક્તી સુખી કે દુ:ખી થતો હોય છે અને આસપાસ સુખ કે દુ:ખનો ફેલાવો કરતો હોય છે કારણકે વ્યક્તીના જીવન અને સફળતાનો આધાર તેના વિચારો પર ખાસ રહેલો હોય છે. તે જેવુ વિચારતો હોય છે તેવાજ તે કામ કરવા પ્રેરાતો હોય છે અને આવા કાર્યોને આધારેજ વ્યક્તી શું બનશે, શું મેળવશે અને શું ગુમાવશે તે નક્કી કરી શકાતુ હોય છે.

વ્યક્તીનુ સાચુ મુલ્યાંકન તેના દેખાવ કે પહેરવેશને આધારે નહી પણ તેના વિચારો અને વર્તનને આધારે નક્કી થતુ હોય છે. તેના વિચારો કેવા છે, તે કઈ વિચારસરણીમા માને છે, તે કેવા કામ કરે છે તેને આધારે સમાજ તેની સાથે કે વિરુધ્ધમા ઉભો રહેવા પ્રેરાતો હોય છે. કોઇ વ્યક્તીએ ફાટેલા તુટેલા કે બીલકુલ સાદા કપડા પહેર્યા હોય પણ તેના વિચારો ખુબજ ઉચ્ચ કક્ષાના હોય, સમાજને તે ઉપયોગી થતો હોય તો સમાજ તેના વખાણ કર્યા વગર રહેતો હોતો નથી. જ્યારે તડક ભડકમા રહેનાર વ્યક્તી ચોવીસે કલાક સ્ટાઇલમા રહેનાર વ્યક્તીના વિચારો બીલકુલ નિમ્ન કક્ષાના હશે તો લોકો તરતજ તેને જાકારો આપી દેતા હોય છે. આમ સારા અને સકારાત્મક વિચારો દ્વારાજ જીવનમા સુખ, શાંતી, સહકાર અને સફળતા મેળવી શકાતી હોય છે.

ઘણા લોકોના વિચારો એટલા ઉજળા હોય છે કે જેઓના આવવા માત્રથીજ આપણા ડર, ચીંતાઓ કે નિરાશાઓ દુર થઈ જતી હોય છે. લોકો આવા વ્યક્તીઓ સાથે સામેથીજ રહેવા પ્રેરાતા હોય છે જેથી તેઓને જડપથી લોકોનો સાથ સહકાર પ્રાપ્ત થઈ જતો હોય છે. પણ ઘણા લોકોના વિચારો એટલા હલકા અને મલીન કક્ષાના હોય છે કે તેઓના આવવા માત્રથીજ વાતાવરણમા નિરાશા કે એક પ્રકારનો આક્રોષ ફેલાઇ જતો હોય છે. આવા લોકો સાથેતો વાત કરવાનુય મન ન થાય કે આ વ્યક્તી જાય પછી વાત કરશુ નહીતર આપણો ઉત્સાહ ભાંગી નાખે તેવીજ વાતો કરશે તેવો ભાવ આપણા મનમા ઉત્પન્ન થતો હોય છે. આવી વ્યક્તીઓ જ્યારે દુર જતા હોય છે ત્યારે એવુ લાગતુ હોય છે કે મન ઉપરથી કોઇ મોટો બોજ ઉતરી ગયો હોય કારણકે તેઓની વાતોજ નિરાશા અને ચીંતા ઉપજાવે તેવી હોય છે. આવા લોકો સાથે કોઇ ઉભા રહેવા પણ તૈયાર હોતા નથી તો પછી સાથ આપવાનો તો સવાલજ આવતો નથીને ! માટે હવે નક્કી આપણે કરવાનુ છે કે પોઝિટીવ વિચારો દ્વારા આસપાસના વાતાવરણમા હકરાત્મક ઉર્જા ફેલાવવી છે કે નકારાત્મક ઉર્જા ફેલાવી લોકોને આપણાથી દુર ભગાળવા છે. નકારાત્મક વિચારો એ એક પ્રકારની બીમારીજ છે, જ્યાં સુધી તેને દુર કરવામા નહી આવે ત્યાં સુધી તમે જીંદગીનો આનંદ નહીજ ઉઠાવી શકો પછી ભલે તમે સોનાના મહેલમા રહેતા હોવ.

જીવનમા સમસ્યાઓ ક્યારેય નાની કે મોટી હોતી નથી, તે નાની કે મોટી બનતી હોય છે આપણા દ્રષ્ટિકોણ દ્વારા. આપણો દ્રષ્ટિકોણ કે વિચારો અશુધ્ધ હોય તો નાની એવી સમસ્યા પણ વિકરાળ લાગતી હોય છે જ્યારે પોઝિટીવ દ્રષ્ટિકોણથીતો વિકરાળ સમસ્યાઓને પણ સરળતાથી સમજી શકાતી હોય છે. આવી વ્યક્તીઓને ક્યારેય કોઇ સમસ્યા લાંબો સમય સુધી રોકી શકે નહી કારણકે હકારાત્મક વિચારસરણી કે દ્રષ્ટીકોણ સમસ્યાઓના કદને નાની કરી દેતી હોય છે, તેમા છુપાયેલી સરળતાને બહાર લાવતી હોય છે જેથી ડરવાનુ કે હાર માની બેસી જવાનુ કોઇ કારણ બચતુ હોતુ નથી. આ વાત પરથી એમ કહી શકાય કે વ્યક્તી જેવા વિચારો કરતા હોય છે તેવુજ તેને સર્વત્ર દેખાતુ હોય છે, તે દ્રષ્ટીકોણથી કે તેવુ શોધવા માટેજ તેની નજર ફરતી હોય છે. હવે જો તે સારી બાબતો શોધતો હશે તો તેને સારી બાબતો વધુ દેખાશે જ્યારે ખરાબ બાબતો શોધતો હશે તો તેવીજ વસ્તુઓ તેને દેખાશે. જો સારી બાબતો શોધતો હશે તો તેના પર સારી અસરો પડશે જેથી તે સારા કામ કરવા પ્રેરાશે જ્યારે ખરાબ બાબતો શોધતો હશે તો ખરાબ અસરો પડશે જેથી ખરાબ કામ કરવા પ્રેરાશે. આમ હકારાત્મક દ્રષ્ટીકોણ દ્વારા સારા કાર્યો કરી સારા પરીણામો મેળવી શકાતા હોય છે.

વ્યક્તીની માન્યતાઓ કે વિચારોની તેના ચારીત્ર્ય પર ખુબ ઉંડી અસર થતી હોય છે. વ્યક્તી કોની સાથે કેવુ વર્તન કરશે તેનો આધાર તે કઈ રીતે વિચારે છે, તેની તે વ્યક્તી કે સમાજ પ્રત્યેની માન્યતાઓ કેવી છે તેને આધારે નક્કી થતુ હોય છે. આવી માન્યતાઓને આધારે વ્યક્તીના ચારીત્ર્યનુ ઘડતર થતુ હોય છે, તેની દિશા નક્કી થતી હોય છે અને તેને આધારેજ સમાજમા તેને માન અપમાન કે સફળતા પ્રાપ્ત થતા હોય છે. દા.ત. તમે કોઇ મોટા શહેરમા જવાના હોવ અને એવુ વિચારતા હોવ કે આ શહેરમા રહેવુ હોય તો મારામારી કરતા, ગાળાગાળી કરતા શીખવુજ પડશે, એકદમ આક્રમક બની જોરજોરથી બુમ બરાડા પાડીને વાત કરશુ તોજ આપણુ કોઇ સાંભળશે, આવા મોંઘા શહેરમા રહેવુ હોય તો ચોરી, લુંટફાટ, ચાલાકી કે પરેસ્થિતિનો લાભ લેતા પણ શીખવુ પડશે. જો તમે આવા વિચારો કરતા હશો તો ૧૦૦% તમે તેવાજ બની જવાના છો. પછીતો તમે પણ નાની નાની બાબતોમા શંકા કરીશો, ગુસ્સે થઈ જશો, બુમ બરાડા પાડશો, કોઇનો વિશ્વાસ નહી કરો અને છેતરાઇ જવાના ડરથી આક્રમક બની પોતાનીજ શાંતીના દુશ્મન બની બેસશો. આવી વિચારસરણીથી વ્યક્તીનુ ચારીત્રય બીલકુલ નિમ્ન કક્ષાનુ બની જતુ હોય છે તેમજ આવા ચારીત્ર્યવાળી વ્યક્તીઓ અનીતિ, ભ્રષ્ટાચાર અને અસત્યનો સહારો લેતા થઈ જતા હોય છે જેથી તેઓ ધીરે ધીરે સમાજમાથી ફેકાવા લાગતા હોય છે. આવા નકારાત્મક વિચારો ધરવતી વ્યક્તી ક્યારેય જીંદગીને સમજી શકતા નથી કારણકે તેઓનુ ધ્યાન ગમે તેમ કરીને લાભ મેળવી લેવા પરજ કેન્દ્રીત થઇ જતુ હોય છે, તેઓને માટે નાણા જ સર્વસ્વ બની જતા હોય છે. પણ હવે અહી પ્રશ્ન એ થાય છે કે શા માટે વ્યક્તીનુ ચારીત્ર્ય આવુ નિમ્ન કક્ષાનુ બની જાય છે ? તો તેનો જવાબ મોટુ શહેર નહી પણ તેના વિચારોજ હોય છે. તેને જ્યારથી એવો ભ્રમ થયો છે કે આ શહેરમા રહેવુ હોય તો આમ કરવુ પડશે ત્યારથી તેના ચારીત્ર્યની પડતી થવાની શરુઆત થઈ જતી હોય છે. જો તેણે આવો વિચાર ન કાર્યો હોત અથવાતો એમ વિચાર્યુ હોત કે ભલે તે શહેરના લોકો આવા હોય, હું તેવો ક્યારેય નહી બનુ. લોકોના આવા ગાડરીયા પ્રવાહમા તણાવાને બદલે હું મારાજ વિચારો ફેલાવાનો પ્રયત્ન કરીશ અને તેનો ફેલાવો કરી પણ બતાવીશ. હું શાંતીથી વાત કરીશ, નીતિથી કામ કરીશ અને લોકોને પણ તેનુ મહત્વ સમજાવીશ. મારા વિચારો એટલા બધા કમજોર પણ નથી કે મારે આવી ભેડચાલમા ફસાવુ પડે. લોકોના આવા વિચારો સ્વીકારવાને બદલે લોકોજ મારા વિચારો સ્વીકારવા પ્રેરાય તેવુ કંઈક કરી બતાવીશ, એવા ઉદાહરણો સ્થાપીશ કે જેથી લોકોને પોતાની ભુલ સમજાય અને તેઓ પણ ઉચ્ચ કક્ષાનુ ચારીત્ર્યનુ નિર્માણ કરવા પ્રેરાય.

લોકો આજે આવુ ખરાબ વર્તન કરે છે તેનુ કારણ તેઓનો ડરજ છે. તેઓને છેતરાઇ જવાનો, ચોરી લુંટફાટ કે દગો થવાનો હંમેશા ડર રહે છે તેથીજ તેઓ આવુ વર્તન કરે છે તો મારે સમજવુ જોઇએ કે એક વ્યક્તીના ખરાબ વર્તનથી અનેક વ્યક્તી ખરાબ બનતા હોય છે તો સારા વર્તનથી લોકો સારા પણ બની શકતા હોય છે. જો હું સારુ વર્તન કરીશ તો કમસે કમ ૨ વ્યક્તીઓતો તેવુ કરવા પ્રેરાશેને ! પછી એ બન્ને વ્યક્તિથી બીજા બે વ્યક્તિ પ્રેરાશેઅને આમ ધીરે ધીરે ઘણા લોકોના વિચારો સુધરી જશે અને સમાજમા શાંતીનો ફેલાવો થશે. મારા આવા સ્વભાવની જેમ જેમ લોકોને ખબર પડતી જશે, અનુભવ કે સંતોષ મળતો જશે તેમ તેમ તેઓ મારી સાથે સારુ વર્તનતો કરવા પ્રેરાશેજ પણ તેઓને મારી જેવા બનવાની પણ પ્રેરણા મળશે. તેઓને સમજાઇ જશે કે એક વ્યક્તીનુ સારુ વર્તન સમાજમા કેટલા મોટા ફેરફારો લાવી શકે છે, લોકોની ગેરમાન્યતાઓ, શંકાઓ અને ડરને જડમુળમાથી ઉખેડી ફેંકી શકે છે અને પરીવર્તનનો એક નવો દૌર શરુ કરી શકે છે. આવો વિચાર કરનાર વ્યક્તી ક્યારેય ખોટુ કામ કરી શકે નહી કે ન તો તેની દિશા ખોટી હોઈ શકે.
આ ઉદાહરણ પરથી સાબીત થાય છે કે એક સારો વિચાર સાચી દિશા આપતો હોય છે, મહેનત કરવાની સાચી રીત આપતો હોય છે જેથી શ્રેષ્ઠ ચારીત્ર્યનો વિકાસ કરી એક સારા માણસ કે વ્યક્તીત્વનુ નિર્માણ કરી શકાતુ હોય છે.
ક્રમશઃ